બિયર્ડ, ચાર્લ્સ એ. (જ. 27 નવેમ્બર 1874, કિંગ્સટાઉન, ઇન્ડિયાના; અ. 1 સપ્ટેમ્બર 1948, ન્યૂ હેવન, ‘કનેક્ટિકટ) : યુનાઇટેડ સ્ટેટ્સનો વીસમી સદીનો અગ્રણી ઇતિહાસકાર. એણે યુ.એસ.ના ઇતિહાસનું આર્થિક ર્દષ્ટિબિંદુથી મૌલિક અર્થઘટન કર્યું હતું. એનો જન્મ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. એણે ઇન્ડિયાનાના ગ્રીન કેસલની ડી પૉ યુનિવર્સિટીમાં રાજનીતિ અને રાજ્યશાસ્ત્ર વિષયનો અભ્યાસ કર્યો હતો. 1890 પછીનાં વર્ષોમાં એણે એના પિતાના વર્તમાનપત્ર ‘ધ કિંગ્સટાઉન બૅનર’નું સંચાલન કર્યું. 1898માં સ્નાતક થયા પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1899માં ઑક્સફર્ડમાં કામદારોની શાળા સ્થાપવામાં મદદ કરી. ઈ. સ. 1900માં યુ.એસ.ની ટૂંકી મુલાકાત દરમિયાન એણે મેરી રિટ્ટર નામની સ્ત્રી સાથે લગ્ન કર્યાં. 1901માં ‘ઔદ્યોગિક ક્રાંતિ’ નામનું પુસ્તક લખ્યું, જેમાં મજૂરોનું શોષણ કરનાર મુક્ત અર્થતંત્રનો એણે વિરોધ કર્યો.

ચાર્લ્સ એ. બિયર્ડ

1904માં એ યુ.એસ. પાછો ફર્યો. 1904થી 1917 સુધી ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1913માં એનું વિવાદાસ્પદ પુસ્તક ‘ઇકોનૉમિક ઇન્ટરપ્રિટેશન ઑવ્ ધ કૉન્સ્ટિટ્યૂશન ઑવ્ ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ પ્રસિદ્ધ થયું. એમાં જણાવ્યું કે આ બંધારણમાં એના ઘડનાર નેતાઓનાં આર્થિક હિતોનું પ્રતિબિમ્બ પડે છે. 1915માં એનું ‘ધી ઇકોનૉમિક ઓરિજિન્સ ઑવ્ જેફર્સોનિયન ડેમૉક્રસી’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. 1917માં યુ.એસ.ની સરકારે કોલમ્બિયા યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોને સરકારવિરોધી વલણ અને વર્તન માટે બરતરફ કર્યા. ચાર્લ્સ બિયર્ડે સરકારના એ પગલાનો વિરોધ કરવા પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું. 1919માં એણે ન્યૂયૉર્કમાં ‘ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચ’ નામની સંસ્થા શરૂ કરી. 1927માં ‘અમેરિકન સંસ્કૃતિનો ઉદય’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ પછી એણે અમેરિકાની અને પ્રમુખ ફ્રેન્કલીન ડી રૂઝવેલ્ટની વિદેશનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ વિશે પુસ્તકો લખ્યાં. અમેરિકાએ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે વિદેશનીતિ અપનાવી હતી એનો એ વિરોધી હતો. એનાં પુસ્તકો ‘ધી ઓપન ડોર ઍટ હોમ’ 1934માં, ‘ધ ડેવિલ્સ થિયરી ઑવ્ વૉર’ 1936માં, ‘અમેરિકન ફોરેન પૉલિસી ઇન ધ મેકિંગ’ 1946માં અને ‘પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઍન્ડ ધ કમિંગ ઑવ્ વૉર’ 1948માં પ્રસિદ્ધ થયાં.

એણે ઇતિહાસ અને રાજનીતિનાં 70 ઉપરાંત પુસ્તકો લખ્યાં હતાં. એમાં 7 પુસ્તકો એની પત્ની મેરી રિટ્ટર સાથે સંયુક્ત રીતે લખ્યાં હતાં.

મુગટલાલ પોપટલાલ બાવીસી