બાહ્ય પદાર્થ (foreign body)

January, 2000

બાહ્ય પદાર્થ (foreign body) : શરીરના કોઈ ભાગમાં પ્રવેશીને તકલીફ કરતો બાહ્ય પદાર્થ. તે શરીરના કોઈ પણ છિદ્રદ્વારમાંથી પ્રવેશે છે; જેમ કે, આંખ, નાક, કાન, મોં, ગુદા, મૂત્રમાર્ગ, યોનિમાર્ગ વગેરે. મોં દ્વારા તે સ્વરપેટી, શ્વાસનળી, અન્નનળીમાં જાય છે. આ ઉપરાંત ક્યારેક બંદૂકમાંથી આવતી ગોળી પણ શરીરમાં એક બાહ્ય પદાર્થ રૂપે પ્રવેશે છે. શરીરમાં પ્રવેશેલો બાહ્ય પદાર્થ ક્યારેક સ્થાનિક ચચરાટ (ક્ષોભન, irritation) કરે છે. દા.ત., આંખમાં પડેલો બાહ્ય પદાર્થ ચચરાટ (ક્ષોભન, irritation) કરે છે. પોલા અવયવમાં ફસાયેલો બાહ્ય પદાર્થ અવરોધ સર્જે છે. (દા.ત., સ્વરપેટીમાંનો બાહ્ય પદાર્થ ગૂંગળામણ સર્જે છે.) જો તે શરીરની પેશીમાં પ્રવેશી ગયો હોય અને લાંબો સમય ત્યાં રહે તો તે નાની ગંડિકા અથવા ગાંઢ બનાવે છે. બાહ્યપદાર્થની આસપાસ એકઠા થતા મહાભક્ષીકોષો (macrophage) અને જંગી મહાકોષો (giant cells) ચિરશોથગડ(granuloma)ના રૂપમાં આવી નાની ગંડિકા બનાવે છે. તેને બાહ્ય પદાર્થીય ચિરશોથગડ (foreign body granuloma) કહે છે. આંખમાં જ્યારે કોઈ બાહ્ય પદાર્થ  પડે ત્યારે તેની ઘોંચ દુખે છે. જ્યારે પાંપણના વાળ આંખની સપાટી પર ઘસાય ત્યારે પણ આવી સંવેદના જોવા મળે છે.

કાનની બહારની નળીમાંના બાહ્ય પદાર્થને કાઢવાની ક્રિયા

(1) આંખમાંનો બાહ્ય પદાર્થ : જો દર્દી આંખમાં ખૂંચવાની સતત ફરિયાદ કરતો હોય તો તેની કીકી પરના પારદર્શક ઢાંકણ (સ્વચ્છા, cornea) પર કે ઉપલા પોપચાની  નીચે બાહ્ય પદાર્થ હોવાની સંભાવના હોય છે. સારવાર આપતાં પહેલાં ર્દષ્ટિની તીવ્રતા (acuity of vision) માપવામાં આવે છે. તેને કારણે મૂળથી જ ર્દષ્ટિ ઘટેલી છે કે નહિ તેની જાણકારી મળી જાય છે. તેને કારણે ક્યારેક પાછળથી સારવારની આનુષંગિક તકલીફોને કારણે ઝાંખું દેખાય છે એવી વાત વિશેનો ઝઘડો નિવારી શકાય છે. તપાસ માટે દર્દીની આંખની સપાટી બહેરી કરવાની દવાનાં ટીપાં નાંખીને ત્રાંસી દિશામાંથી તેજસ્વી પ્રકાશ નાંખવામાં આવે છે. આંખમાં ફ્લૉરેસિનના ટીપાં નાંખીને તપાસ કરવાથી સ્વચ્છા પરનો બાહ્ય પદાર્થ સહેલાઈથી શોધી શકાય છે. તેને સૂક્ષ્મજીવરહિત રૂના પૂમડાથી દૂર કરાય છે. દર્દીને પૉલિમિક્સિન-બેસિટ્રેસિનવાળો મલમ અંજાય છે. જરૂર પડ્યે આંખને ઢાંકી દેવાય છે અને 24 કલાક પછી આંખમાં ચેપ નથી લાગ્યો તેની ખાતરી કરી લેવાય છે. જો આ રીતે સરળતાથી બાહ્ય પદાર્થ દૂર થઈ શકે તેમ ન હોય તો નિષ્ણાત તબીબની મદદ લેવી જરૂરી ગણાય છે. જો બાહ્ય પદાર્થ ઉપલા પોપચાની નીચે હોય તો આંખની સપાટીને બહેરી કરાય છે અને ઉપલા પોપચાને ઉપરની તરફ અવળું વાળી દેવાય છે. ત્યારબાદ ભીના સૂક્ષ્મજીવરહિત રૂના પૂમડાથી બાહ્ય પદાર્થને દૂર કરાય છે. જો બાહ્ય પદાર્થ પોલાદ (steel) કે અન્ય ધાતુનો બનેલો હોય તો આસપાસની પેશી ખોતરીને કાઢી નાંખવી જરૂરી ગણાય છે. તેથી ક્યારેક અસરગ્રસ્ત પેશીને કાપી કાઢવી પડે છે. તેવે સમયે પણ નિષ્ણાત તબીબ દ્વારા સારવાર અપાય છે. સ્વચ્છા બહેરી કરવાની દવાનાં ટીપાં દર્દીને જાતે વાપરવા માટે અપાતાં નથી. જો ચેપ લાગે તો તે સ્વચ્છા પર સફેદ કોષનાશી (necrotic) વિસ્તારના રૂપે જોવા મળે છે અને ત્યાંથી ભૂખરું પ્રવાહી નીકળે છે. આવા સંજોગોમાં આખી આંખમાં ચેપ ફેલાવાની શક્યતા રહે છે અને તેથી ક્યારેક ર્દષ્ટિ જતી રહે છે. તેને કારણે તેની સારવાર નિષ્ણાત તબીબે કરવી જરૂરી ગણાય છે. આંખની અંદર પ્રવેશેલા બાહ્ય પદાર્થ માટે પણ નિષ્ણાત તબીબ પાસે તાત્કાલિક સારવારની જરૂર પડે છે. જો કોઈ ધાતુના પદાર્થ પર હથોડીથી ઠોકતી વખતે કે તે કશું દળતી વખતે વ્યક્તિને આંખમાં તકલીફ થાય તો આંખમાં બાહ્ય પદાર્થ છે કે નહિ તેની ખાસ તપાસ કરાય છે. આંખની ફાડમાં દેખાતા સફેદ ભાગને શ્વેતપટલ (sclera) કહે છે. તે આંખની દીવાલનો સૌથી બહારનો ભાગ છે. સ્વચ્છા કે શ્વેતપટલ પર કોઈ ઘાવ હોય અને દર્દીને જોવાની તકલીફ ઉદભવે તો નિષ્ણાત તબીબની સલાહ લેવાનું જરૂરી ગણાય છે. આવા કિસ્સામાં ચેપ લાગવાનો પણ પુષ્કળ ભય રહેલો હોય છે. નિદાન માટે આંખ માટેની બખોલનાં એક્સ-રે ચિત્રણો લેવાય છે અને લોખંડ કે તાંબાનો બાહ્ય પદાર્થ હોય તો તેને બહાર કાઢી નંખાય છે. બીટા સ્કૅન અલ્ટ્રાસોનોગ્રાફીની મદદથી જો આંખના પાછલા ભાગમાં લોહી જામેલું હોય તો તેથી પણ બાહ્ય પદાર્થનું સ્થાન નિશ્ચિત કરાય છે. સી.એ.ટી. – સ્કૅન પણ ઉપયોગી રહે, પરંતુ ચુંબકીય અનુનાદી ચિત્રણ(magnetic resonance tomography)ના ઉપયોગનો નિષેધ કરાય છે.

(2) નાક કે કાનમાં બાહ્ય પદાર્થ : સામાન્ય રીતે બાહ્ય પદાર્થ નસકોરામાં કે બાહ્ય  કર્ણનળીમાં ફસાયેલો હોય છે. તેથી તેને અંકોડા, ચૂસકયંત્ર (suction) કે પાતળા ચીપિયા વડે બહાર ખેંચી કઢાય છે. કાનમાંના બાહ્ય પદાર્થને બહાર કાઢવા માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશ નાંખીને કે શસ્ત્રક્રિયાવિદના સૂક્ષ્મદર્શક(surgical microscope)ની મદદ લેવાય છે. નાનાં બાળકોના કાનમાં જો આ પ્રક્રિયા કરવાની હોય તો અનુભવી તબીબ પાસે તે કરાવાય છે. કેટલાક મુશ્કેલ કિસ્સામાં દર્દીને બેભાન કરવાની પણ જરૂર પડે છે.

(3) સ્વરપેટીમાં બાહ્ય પદાર્થ : સ્વરપેટીમાં બાહ્ય પદાર્થના ફસાઈ જવાની સંભાવના નાનાં બાળકોમાં વધુ હોય છે. તાત્કાલિક સારવાર ન મળે તો હૃદય ધબકતું અટકી જાય અને દર્દી મૃત્યુ પણ પામે. તેથી જો તે પદાર્થ બહારથી દેખી શકાતો હોય અને જો તે આંગળી વડે કાઢી નાંખી શકાય તેવો હોય તો તેવું તરત કરવાનું સૂચવાય છે. ક્યારેક બાળકને ઊંધુ કરી દેવાથી પણ તે નીકળી જાય છે. કેટલાક કિસ્સામાં દર્દીની પાછળ ઊભા રહી તેના પેટને જોરથી દબાવવાથી પણ બાહ્ય પદાર્થ બહાર ફેંકાઈ જાય છે. જો બાહ્ય પદાર્થ સહેલાઈથી નીકળી ન જાય અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે તો ગળાના  ભાગમાંની શ્વાસનળીમાં કાણું પાડીને તેમાં નળી નંખાય છે. તેને શ્વાસનળીછિદ્રણ(tracheostomy)ની પ્રક્રિયા કહે છે. તે જીવનરક્ષક સારવાર છે અને તેને કારણે વ્યક્તિનો શ્વાસોચ્છવાસ ચાલુ રહે છે. જો બાહ્ય પદાર્થ ધાતુનો બનેલો હોય તો એક્સ-રે-ચિત્રણો લેવાય છે. ઓછી તીવ્રતાવાળો અવરોધ હોય તો નિષ્ણાત તબીબ સ્વરપેટીદર્શક (laryngoscope)  યંત્રની મદદથી બાહ્ય પદાર્થને દૂર કરી શકે છે.

(4) શ્વાસની નળીઓમાં બાહ્ય પદાર્થ : મોટેભાગે તે નાનાં બાળકોમાં થાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં તથા ક્યારેક દાંતનું ચોકઠું પહેરતી વ્યક્તિઓમાં પણ અકસ્માતે આવી તકલીફ ઉદભવે છે. દર્દીના પેટને જોરથી દબાવીને બાહ્ય પદાર્થને ઉપર તરફ ફેંકવાની ક્રિયાને હેમ્લીચની પ્રક્રિયા કહે છે. તે ઘણી ઉપયોગી પ્રક્રિયા છે. તેને કારણે મૃત્યુદર ઘટ્યો છે. જો તે નિષ્ફળ રહે તો ક્રિકોથાયરોટોમી નામની શ્વસનમાર્ગમાં કરાતી છિદ્રણની પ્રક્રિયા કરવી પડે છે. જો બાહ્ય પદાર્થ કોઈ ધાતુનો બનેલો હોય તો એક્સ-રે-ચિત્રણ તેનું સ્થાન દર્શાવે છે. શ્વાસની નળીઓમાં બાહ્ય પદાર્થ ફસાઈ જાય ત્યારે ફેફસાના કોઈ ભાગમાં હવાની અવરજવર બંધ થઈ જાય છે. જે ભાગમાં હવાની અવરજવર બંધ થઈ હોય તે ફેફસાના ભાગમાંની હવા શોષાઈ જાય છે અને ફેફસાનો તે ભાગ દબાઈ જાય છે. તેને નિર્વાતતા (atelectasis) કહે છે. તે સમયે ક્યારેક ત્યાં ચેપ લાગે છે. મોટાભાગના કિસ્સામાં બાહ્ય પદાર્થ જમણા ફેફસાની શ્વસનનલિકામાં ઊતરી જાય છે. દર્દીની શ્વસનનલિકાઓમાં સોજો આવે છે અને જો ચેપ લાગે તો તાવ આવે છે. શ્વાસની નળીઓમાં ભરાયેલા બાહ્ય પદાર્થને દૂર કરવા દર્દીને બેહોશ કરીને અંત:દર્શક (endoscope) નળીનો ઉપયોગ કરાય છે. ક્યારેક તે રીતે બાહ્ય પદાર્થ નીકળી ન શકે તો શ્વસનનલિકાને કાપીને બાહ્ય પદાર્થને દૂર કરાય છે. તેને શ્વસનનલિકાછેદન (bronchotomy) કહે છે. લાંબા સમય સુધી ફેફસામાં રહેતો બાહ્ય પદાર્થ ફેફસાને ઈજા પહોંચાડે છે, જેની સારવાર માટે ક્યારેક ફેફસાના તે ખંડ(lobe)ને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાની જરૂર પડે છે. આવા દર્દીઓમાં વારંવાર ન્યૂમોનિયા થવો, ફેફસામાં ગૂમડું થવું કે હવા વગરનું ફેફસું નિર્વાત (atelectatic) થઈને દબાઈ જાય તેવું બને છે.

(5) અન્નનળીમાં બાહ્ય પદાર્થ : જો શ્વસનક્રિયાને કોઈ અસર ન થતી હોય તો તે જીવનને સંકટકારક પરિસ્થિતિ હોતી નથી; પરંતુ તેની તરત સારવાર કરવાની જરૂરિયાત રહે છે ખરી. જો દર્દી મોઢામાંના પ્રવાહીને પણ પૂરેપૂરું ગળી ન શકે તો તે લગભગ પૂર્ણ અવરોધનું સૂચન કરે છે. ઘણી વખત દર્દી તેના અવરોધનું સ્થાન પણ દર્શાવી શકે છે. સ્વરપેટીદર્શક વડે તપાસ કરતાં અન્નનળીમાં પ્રવાહી ભરાયેલું હોય તેવું જોઈ શકાય છે. છાતીનું સાદું એક્સ-રે-ચિત્રણ ઘણી વખત બાહ્ય પદાર્થની હાજરી દર્શાવે છે. સામાન્ય રીતે સિક્કો જો શ્વાસનળીમાં હોય તો તે આગળ-પાછળના સમતલ અથવા મધ્યરૈખિક સમતલ(sagittal plane)માં હોય છે જ્યારે તે અન્નનળીમાં હોય ત્યારે તે ડાબા-જમણા સમતલમાં અથવા દ્વિપાર્શ્વી સમતલ કે મુકુટતલ(coronal plane)માં હોય છે. ક્યારેક બેરિયમવાળું દ્રાવણ પિવડાવીને પણ તેનું સ્થાન નિશ્ચિત કરી શકાય છે. કેટલાક નિષ્ણાતો મૂત્રમાર્ગમાં પેશાબનો અટકાવ હોય ત્યારે પેશાબ કરાવવા માટે વપરાતી ફોલિની નિવેશિકાનળી (catheter) વડે અન્નનળીના ઉપલા છેડા પરનો બાહ્ય પદાર્થ કાઢે છે; પરંતુ ક્યારેક તે ખસીને સ્વરપેટીને બંધ કરી દે તેવું બને છે. દર્દી સભાન હોય, પરંતુ જો તે સહેજ ઘેનમાં હોય તો અંત:દર્શક વડે તેને દૂર કરવાની ક્રિયા સૌથી વધુ સ્વીકાર્ય પદ્ધતિ ગણાય છે. અગાઉ જેમને ખોરાક અટકી જતો હોય તેવા દર્દીમાં નસ વાટે ગ્લુકેગોન જેવી સ્નાયુઓનાં સતત સંકોચનોને ઘટાડતી દવા આપવાથી ક્યારેક ફાયદો થાય છે. જો દર્દીનો બાહ્ય પદાર્થ તીક્ષ્ણ ધાર ધરાવતો હોય તો તેને દૂર કરવા માટે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

(6) જઠરમાં બાહ્ય પદાર્થ : જો જઠરમાં લાંબો કે તીક્ષ્ણ બાહ્ય પદાર્થ હોય તો તેને ઝડપથી શસ્ત્રક્રિયા કરીને દૂર કરાય છે. નાના અને ગોળ પદાર્થો (દા.ત., ગોળ કે સુડોળ સિક્કો) આંતરડા દ્વારા મળમાં નીકળી જાય છે. જરૂર પડે ત્યારે એક્સ-રે-ચિત્રણો લેવાય છે, પરંતુ તે વારંવાર લેવાથી ખાસ લાભ નથી. તેની સંખ્યા મર્યાદિત રખાય છે.

(7) મળાશયમાં બાહ્ય પદાર્થ : વિવિધ પ્રકારના બાહ્ય પદાર્થોને મળાશયમાંથી ગુદામાર્ગે બહાર કાઢવા પડ્યા હોવાનું નોંધાયેલું છે. તેને માટે પ્રસૂતિ કરાવવાના ચીપિયા કે અન્ય પકડ માટેનાં સાધનોનો ઉપયોગ કરાયાનું પણ નોંધાયું છે. જો બાહ્ય પદાર્થને આ રીતે બહાર કાઢવાની તકલીફ રહે તો જરૂર પડ્યે પેટની શસ્ત્રક્રિયા કરીને તેને ગુદામાર્ગે બહાર ધકેલવામાં આવે છે. જો તે વખતે આંતરડામાં ઉઝરડા પડે તો થોડા સમયે કૃત્રિમ માર્ગ કરીને પેટની આગળની દીવાલ પર મળત્યાગની વ્યવસ્થા કરવી પડે છે.

(8) મૂત્રાશયમાં બાહ્ય પદાર્થ : મૂત્રાશયમાં સૌથી વધુ સમસ્યા કરતો બાહ્ય પદાર્થ પેશાબ કરાવવા માટે નાંખેલી નિવેશિકાનળી(catheter)નો વાયુ ભરવાનો ફુગ્ગો તૂટીને તેમાં રહી જાય તે છે. જોકે તેમાંથી અન્ય વિવિધ પ્રકારના બાહ્ય પદાર્થોને બહાર કાઢ્યાના કિસ્સા નોંધાયેલા છે; જેમ કે, હાથની માવજત કરતી દંડિકાઓ (manicure stalks), કેશમુકુટિકાઓ (hair clasps), કેશસૂચિકાઓ (hairpins), મીણબત્તીના ટુકડા વગેરે. ક્યારેક પેટની અંદરની શસ્ત્રક્રિયામાં વપરાયેલા, પરંતુ અવશોષાઈ ન જાય તેવા અનવશોષી (non-absorbable) ટાંકાના દોરા મૂત્રાશયમાં આવી જાય છે. મૂત્રાશયમાં રહેલા બાહ્ય પદાર્થને કારણે દર્દીને વારંવાર ચેપ લાગે, મૂત્રાશયમાં કાણું પડે કે તેમાં પથરી બને છે. એક્સ-રે-ચિત્રણો અને મૂત્રાશયનિરીક્ષા (cystoscopy) વડે તેનું નિદાન કરાય છે. મૂત્રાશયનળી (urethra) દ્વારા સાધનવાળી નળી નાંખીને મૂત્રાશયની અંદર જોવાની પ્રક્રિયાને મૂત્રાશયનિરીક્ષા કહે છે અને તે માટે વપરાતા સાધનને મૂત્રાશયદર્શક (cystoscope) કહે છે. જરૂરિયાત પડે તો પેટમાંથી બીજો એક મૂત્રાશયદર્શક પણ અંદર નંખાય છે.

(9) સ્ત્રીપ્રજનન-માર્ગમાં બાહ્ય પદાર્થ : સ્ત્રીની યોનિ (vagina) અને ગર્ભાશયમાં અનેક પ્રકારના બાહ્ય પદાર્થો નાંખેલા જોવા મળેલા છે. અને તેની લાંબો સમય સુધી સ્ત્રીને પોતાને ખબર પણ હોતી નથી એવું પણ ક્યારેક બને છે. આવા બાહ્ય પદાર્થો સ્ત્રીએ પોતે કે અન્ય વ્યક્તિએ તેમાં મૂકેલા હોય છે; દા.ત., યોનિમાં સિક્કા, નાનાં રમકડાં, નાની પથરીઓ વગેરે રમત, અણસમજ કે અપકામુકતા(perversion)ને કારણે મૂકેલાં હોય છે. ક્યારેક સ્ત્રીગર્ભનિરોધક સાધન તરીકે વાપરેલો પદાર્થ ભૂલી જવાય છે અને ત્યાં તે સંગ્રહાયેલો રહે છે. આવી જ રીતે ગર્ભપાત માટે કે પાટાપિંડી માટે વપરાયેલા પદાર્થો પણ યોનિમાં રહી જાય એવું બને છે. ગર્ભનિરોધક સાધન તરીકે અંત:ગર્ભાશયી ગર્ભનિરોધક સંયોજના (intrauterine contraceptive device, IUCD); દા.ત., ‘કૉપર-ટી’ ગર્ભાશયમાં મુકાય છે. બાહ્ય પદાર્થ સ્થાનિક ઈજા અને ચેપ કરે છે.

તેથી દુર્ગંધ મારતું પ્રવાહી ઝરે છે. ક્યારેક તે ચાંદું પાડે છે તો ક્યારેક તે મૂત્રાશયમાં માર્ગ કરીને યોનિ-મૂત્રાશયને જોડી દેતી કૃત્રિમ સંયોગનળી (fistula) બનાવે છે. IUCD જો લાંબો સમય રહે તો વારંવાર અને અતિશય પ્રમાણમાં ઋતુસ્રાવ થાય છે. ક્યારેક તે ગર્ભાશયને પરુથી ભરી દે છે. તેને સપૂયગર્ભાશયતા (pyometra) કહે છે. સારવાર માટે બાહ્ય પદાર્થ કાઢવો જરૂરી છે. નાનાં બાળકોમાં ક્યારેક મુશ્કેલી પડે તો તેને બેહોશ કરીને મોં કે નાકને તપાસવા માટે પહોળું કરતા સાધનની મદદ લેવાય છે.

અભય દીક્ષિત

શિલીન નં. શુક્લ