બાવટો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. नर्तफा, बहुदल;  હિં. नाचनी; બં. મરુઆ; મ. નાગલી, નાચણી; ગુ. બાવટો, નાગલી; તા. રાગી; અં. Finger millet, African millet) છે. તે 30થી 60 સેમી. ઊંચું, ટટ્ટાર એકવર્ષાયુ તૃણ છે. તેનું તલશાખન (tillering) ગુચ્છિત (tufted) પ્રકાંડોમાં થયેલું હોય છે. પ્રકાંડ ચપટું હોય છે અને પરિપક્વતાએ તે 2થી 7, જોકે સામાન્ય રીતે 4થી 6 અંગુલ્યાકાર (digitate), સીધી અથવા સહેજ અંતર્વક્ર (incurved) શૂકી (spike) ધરાવે છે. પ્રત્યેક શૂકી 12.5 સેમી.થી 15 સેમી. લાંબી અને લગભગ 1.3 સેમી. પહોળી હોય છે. 70 જેટલી શૂકિકાઓ (spikelets) અક્ષ ઉપર એકાંતરિક રીતે ગોઠવાયેલી હોય છે. પ્રત્યેક શૂકિકામાં 4થી 7 બીજ ઉત્પન્ન થાય છે. બીજ લગભગ ગોળાકાર કે કંઈક  અંશે ચપટાં, 1.0થી 2.0 મિમી.નો વ્યાસ ધરાવતાં, લીસાં કે વલિત (rugose) અને ઘેરા લાલાશ પડતા બદામીથી માંડી લગભગ સફેદ હોય છે.

તે ભારત કે આફ્રિકાની મૂલનિવાસી છે અને વન્ય (wild) જાતિ E. indicaની કૃષિજન (cultigen) છે. આ જાતિ વિશ્વના ઉષ્ણ પ્રદેશોમાં બધે જ થાય છે. બાવટો પૂર્વ આફ્રિકા, ઇથોપિયા અને સોમાલીલૅંડમાં ઘણી જનજાતિઓનો મુખ્ય ખોરાક છે. તેનો ઉપયોગ માલ્ટ અને મદ્ય બનાવવામાં થાય છે. ભારતમાં તેનું વાવેતર 50થી 60 લાખ એકર ભૂમિમાં થાય છે. બાવટાનું 75 % જેટલું વાવેતર દક્ષિણ ભારતમાં, ખાસ કરીને મૈસૂર, ચેન્નઈ અને મુંબઈના પ્રદેશોમાં થાય છે.

બાવટાની ઘણી જાતો જાણીતી છે. તે મુખ્યત્વે જાંબલી અને લીલી જાતોમાં વિભાજિત થાય છે. ડૂંડાના પ્રકાર પરથી ‘ખુલ્લી’ (open) અને ‘ઘટ્ટ’ (બંધ=closed) એમ બે જાતોમાં પણ તેને વર્ગીકૃત કરવામાં આવે છે. બીજી એક જાતમાં શૂકી શાખિત હોય છે. સંવર્ધન અને પસંદગી દ્વારા તેની ઘણી સુધારેલી જાતો ઉત્પન્ન કરવામાં આવી છે. ખુલ્લા પ્રકારની ડૂંડાની જાતોમાંથી વધારે ઉત્પાદન મળે છે. આ પાકની વાવણી ફેરરોપણીથી કરવામાં આવે છે. વધારે અને અર્થક્ષમ ઉત્પાદન મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી આવશ્યક બને છે.

હવામાન અને જમીન : જે વિસ્તારમાં 500થી 1,000 મિમી. વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં ગોરાડુ, મધ્યમ કાળી, રેતાળ ગોરાડુ જમીનોમાં આ પાક લેવામાં આવે છે.

ધરુવાડિયા માટે જમીનની તૈયારી : ધરુવાડિયામાં ધરુ તૈયાર કરી બાવટાનું વાવેતર ફેરરોપણીથી કરવામાં આવે છે. જૂન માસમાં વરસાદ થઈ ગયા બાદ જમીનને આડી-ઊભી ખેડી, ઢેફાં ભાંગીને સમતલ કરી તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ડાંગ, સૂરત અને વલસાડ જિલ્લામાં કે જ્યાં વધુ વરસાદ પડે છે, તેવા પ્રદેશમાં ગાદી-ક્યારા તથા પંચમહાલ જિલ્લામાં જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં સપાટ ક્યારા બનાવી ધરુવાડિયું તૈયાર કરવામાં આવે છે. ગાદી-ક્યારા એક મીટર પહોળાઈના તથા ઢાળ પ્રમાણે 6થી 10 મીટર લંબાઈના બનાવવામાં આવે છે. જ્યારે સપાટ ક્યારા 1.0થી 1.5 મીટરની પહોળાઈના બનાવવામાં આવે છે. ક્યારામાં કોદાળીથી 10 સેમી.ના અંતરે 5 સેમી. ઊંડાઈના ચાસ ખોલી તેમાં બી વાવવામાં આવે છે; જેથી નીંદામણ તથા ખાતર નાખવું વગેરે ખેતીકામો સારી રીતે થઈ શકે છે. એક હેક્ટરની ફેરરોપણી માટે 10 આર વિસ્તારમાં ધરુવાડિયું બનાવવામાં આવે છે અને આટલા વિસ્તાર માટે 5 કિગ્રા. બિયારણની જરૂર પડે છે. ધરુ 15 દિવસનું થાય એટલે 2થી 3 કિગ્રા. નાઇટ્રોજન (10 આર માટે) આપવામાં આવે છે. એક કિગ્રા. બીજ માટે જૈવિક ખાતર  એઝોસ્પાઇરિલમ 3 ગ્રામના પ્રમાણમાં આપીને બીજની માવજત કરવામાં આવે છે.

ફેરરોપણી : 20 દિવસનું ધરુ તૈયાર થાય એટલે ફેરરોપણી કરવામાં આવે છે. ફેરરોપણી અગાઉ પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળથી ધાવલ કરીને પાયાનું ખાતર આપવામાં આવે છે. બે હાર વચ્ચે 30 સેમી. અને હારમાં બે છોડ વચ્ચે 7થી 8 સેમી.નું અંતર રાખી ફેરરોપણી કરવામાં આવે છે, જે માટે હેક્ટરે છ લાખ છોડની જરૂર પડે છે.

જૂન-જુલાઈમાં ધરુવાડિયું નાખ્યા પછી ધરુ જ્યારે 15 દિવસનું થાય ત્યારે ફેરરોપણી કરવામાં આવે છે. વધુ ઉત્પાદન મેળવવા માટે, હલકા ધાન્ય-સંશોધન કેન્દ્ર – વઘઈ ખાતેથી બહાર પાડવામાં આવેલી જાતો જેવી કે ગુજરાત બાવટો –1, 2 અને 3નો ઉપયોગ કરવાથી 17 % જેટલું વધારે ઉત્પાદન મળે છે.

ખાતર-વ્યવસ્થા : આ પાક માટે વરસાદ પડતાં પહેલાં હેક્ટરદીઠ 15થી 20 ગાડાં સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવામાં આવે છે અને ફેરરોપણી વખતે ધાવલ દરમિયાન હેક્ટરે 10 કિગ્રા. નાઇટ્રોજન અને 10 કિગ્રા. ફૉસ્ફરસ આપવામાં આવે છે. ફેરરોપણી બાદ 30 દિવસે હેક્ટરે 10 કિલોગ્રામ પ્રમાણે પૂર્તિ-ખાતર તરીકે નાઇટ્રોજન આપવામાં આવે છે.

પાછલી માવજત : ફેરરોપણી બાદ ખાલાં પૂરવાની જરૂર લાગે તો ખાલાં પૂરવામાં આવે છે તથા જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ વખત નીંદામણ કરવામાં આવે છે.

પાક-સંરક્ષણ : બાવટાના પાકમાં કમોડીનો રોગ અને ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ક્યારેક જોવા મળે છે. કમોડીના રોગ માટે એક લીટર પાણીમાં એક મિલી. હિનોસાનનું અથવા એક મિલી. કીટાઝિનનું દ્રાવણ છાંટવામાં આવે છે. ગાભમારાની ઇયળ માટે એક લીટર પાણીમાં 1.5 મિલી. નુવાક્રોન અથવા 2.0 મિલી. થાયોડાનના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.

Melanopsichium eleusinis નામની ફૂગના કારણે ડૂંડાને અંગારિયો રોગ અને Helminthosporium nodulosum અને અન્ય કેટલીક જાતિઓ દ્વારા પર્ણડાઘ અથવા સુકારો લાગુ પડે છે. પર્ણો પર બદામી ગેરુ રંગનાં ટપકાં ઉત્પન્ન થાય છે. આ રોગ ડૂંડાને પણ અસર કરે છે. બીજને કૉપર સલ્ફેટના દ્રાવણની ચિકિત્સા આપવાથી અને સેરેસન જેવા ફૂગનાશકનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે. Piricularia eleusine દ્વારા કરમાવાનો રોગ થાય છે. આ ફૂગ કેટલીક વાર મહામારી (epidemic) સ્વરૂપે ધાન્ય પર ત્રાટકે છે. મોટી વનસ્પતિઓ કરતાં બીજાંકુરો વધારે સંવેદી હોય છે. આ ફૂગ ડૂંડાઓને પણ ચેપ લગાડે છે, જેથી દાણા પૂરા ભરાતા નથી અને 50% જેટલું નુકસાન પહોંચાડે છે. રંગીન પ્રકારની જાતો સામાન્ય રીતે રંગહીન જાતો કરતાં વધારે રોગઅવરોધક હોય છે.

ઉત્પાદન : બાવટો વાવ્યા પછી 3થી 5 માસમાં પાકે છે. પાકવાનો આધાર બાવટાની જાત, ઋતુ અને ભૂમિની સ્થિતિ પર રહેલો છે. પાકને ભૂમિની નજીકથી કાપી છોડનાં ડૂંડાં જુદાં પાડવામાં આવે છે. ચોમાસુ વરસાદ પર આધારિત પાકમાંથી હેક્ટરે 1,000થી 1,500 કિગ્રા. ઉત્પાદન મળે છે.

ઉપયોગો : તે મૈસૂર, ચેન્નઈ અને મુંબઈના પ્રદેશોમાં અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ખેડૂતવર્ગનો મુખ્ય ખોરાક છે. તેને દળીને ભાખરી, ખીર, રાબ વગેરે બનાવવામાં આવે છે. મુંબઈ અને હિમાલયના કેટલાક ભાગોમાં દાણાનો આથો લાવી બિયર બનાવાય છે. દાણામાંથી માલ્ટ મેળવવામાં આવે છે. તે નવજાત શિશુઓ, રોગિષ્ઠ અને અશક્ત વ્યક્તિઓને પોષક પદાર્થ તરીકે આપવામાં આવે છે. મધુપ્રમેહના દર્દીઓ માટે તે અગત્યનો ખોરાક ગણાય છે. તેનો ઉપયોગ ઢોરોના ચારા માટે પણ થાય છે.

તેનું પોષક મૂલ્ય ચોખા કરતાં વધારે અને ઘઉં જેટલું હોય છે. એક વિશ્ર્લેષણ પ્રમાણે દાણાનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : ભેજ 13.1 %, પ્રોટીન 7.1 %; મેદ 1.3 %; ખનીજ-દ્રવ્ય 2.2 %, કાર્બોદિત 76.3 %; કૅલ્શિયમ 0.33 % અને ફૉસ્ફરસ 0.27 %. આ ઉપરાંત તે લોહ, કૅરોટીન, પ્રજીવક બી1 અને નિકોટિનિક ઍસિડ ધરાવે છે.

આયુર્વેદ અનુસાર તે તૂરો, કડવો, મધુર, તર્પણ, લઘુ, બળકર અને શીતળ હોય છે અને પિત્ત તથા ત્રિદોષનો નાશ કરે છે. તે અશક્ત અને નાનાં બાળકોને શક્તિવર્ધક તરીકે આપવામાં આવે છે અને શીતળા હલકા  લાવવા માટે અને ગોઠણના દર્દ ઉપર પણ તે વપરાય છે.

જયંતિલાલ છોટાભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ