બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા નિષિદ્ધ થયેલ કાર્ય. તે માટે નિર્ધારિત સજા કે દંડ પણ હોય છે. બાલ-અપરાધ એ બાળકે કરેલું એવું સમાજવિરોધી ગેરવર્તન છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું અનિવાર્ય થઈ પડે છે.

વિવિધ સામાજિક સમસ્યાઓમાં બાલ-અપરાધ એક મહત્વની સમસ્યા છે જે બાળકોના વર્તનની અને ધોરણભંગની સમસ્યા છે. અત્યંત ગંભીર એવી આ સમસ્યાને શહેરીકરણ તથા ઔદ્યોગિકીકરણ જેવાં મહત્વનાં પરિબળોએ વધારે જટિલ બનાવી છે. ગ્રામીણ વિસ્તારના લોકો શહેરમાં રોજીરોટી અર્થે સ્થળાંતર કરે છે. ત્યાં વિવિધ લોકોના સંપર્કમાં આવે છે અને ગંદા વિસ્તારોમાં વસવાટ કરે છે. તેને કારણે તેઓ અપરાધનો શિકાર બને છે.

નિયત કરેલી વયમર્યાદાની અંદર (18 વર્ષ) આવી જતી વ્યક્તિઓ કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની અને અસ્વીકાર્ય હોય તેવું વર્તન કરે ત્યારે તેને બાલ-અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. આવું વર્તન કરનાર વ્યક્તિ સામે તેની અપરિપક્વ વય હોવાના કારણે ફોજદારી કાયદા પ્રમાણે શિક્ષાત્મક પગલાં લઈ શકાતાં નથી, પરંતુ સુધારણાલક્ષી પગલાં લઈ શકાય છે.

આમ, સમાજશાસ્ત્રીય શબ્દકોશ મુજબ બાલ-અપરાધ અમુક વયથી નીચેનાં બાળકો અને કિશોરોનાં એવાં સમાજવિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયાં હોય અથવા કાયદામાં જે કૃત્યોનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કોઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યાં હોય.

વિશ્વની કુલ વસ્તીના આશરે 14 % બાળકો ભારતમાં વસે છે. 1991ની વસ્તીગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના 42 % 15 વર્ષથી ઓછી વયનાં બાળકો છે અને તેમાંનાં 78 % બાળકો ગ્રામીણ વિસ્તારમાં તથા 22 % બાળકો શહેરી વિસ્તારમાં વસે છે.

આ સમસ્યા સંયુક્ત પરિવાર પદ્ધતિનું વિચ્છેદન, પરંપરાગત માન્યતાઓ, સામાજિક નિયંત્રણો, વ્યવહારની આંટીઘૂંટી વગેરે પરિબળોને લીધે ઉદભવે છે. બાલ-અપરાધનો ખ્યાલ અપરાધ કરનાર વ્યક્તિના જવાબદારીના ભાનની કક્ષાનો તફાવત સૂચવે છે. ટૂંકમાં બાલ-અપરાધ એક પ્રકારનો સામાજિક ભૂમિકાએ પ્રગટ થતો અનિચ્છનીય વ્યવહાર છે. આ વ્યવહારને દોષરહિત કરવો એ વિશિષ્ટ સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિમાં જ સંભવિત છે.

બાલ-અપરાધના વર્તન પાછળ બાળકનાં વ્યક્તિત્વ અને પરિસ્થિતિ પર ભાર મૂકવામાં આવે છે. બાળકના અપરાધી વર્તન પાછળનાં કારણોમાં મહત્વનાં નીચે મુજબ છે :

(1) કૌટુંબિક કારણોમાં માતા-પિતા તથા બાળક વચ્ચેનો ખામીયુક્ત વ્યવહાર, માતા-પિતાનું વધુ પડતું નિયંત્રણ, નિરક્ષરતા, અજ્ઞાનતા, અપર માતા-પિતા હોવાં, પક્ષપાત, સંઘર્ષ, કુટુંબનું કદ, કૌટુંબિક પરિસ્થિતિ, નિયંત્રણનો અભાવ, સાંસ્કૃતિક તફાવતો, વ્યક્તિત્વ વગેરેનો સમાવેશ કરી શકાય.

(2) તેનાં આર્થિક કારણોમાં ગરીબી, અપૂરતું પોષણ, બેકારી, નબળું આરોગ્ય, અમુક પ્રકારના વ્યવસાયો, મજબૂરી, જરૂરિયાતો પૂરી ન થવી વગેરેનો સમાવેશ થાય છે.

(3) સામાજિક કારણોમાં સમકક્ષ જૂથો, બાળપણના મિત્રો, સામાજિક સંબંધો, સમવયસ્ક જૂથનું નિયંત્રણ, સોબત વગેરેનો સમાવેશ થાય છે.

(4) સમાચાર-પત્રો, બીભત્સ સાહિત્ય, જાસૂસી નવલકથાઓ, જાતીય ઉશ્કેરાટ થાય તેવાં ચલચિત્રો જેવાં સંપર્કમાધ્યમો પણ બાળકોને અપરાધી વર્તન કરવા તરફ દોરી જાય છે.

(5) ભૌતિક પર્યાવરણમાં શહેરી જીવનની રહેણીકરણી, ગીચ વસ્તી, રહેણાક વિસ્તારની ગંદકી, સાંકડાં મકાનો, ઉદ્યોગો તથા કારખાનાંઓનું પ્રદૂષિત વાતાવરણ વગેરેનો સમાવેશ થાય છે.

(6) મનોવૈજ્ઞાનિક કારણોમાં અસ્થિરતા, જિદ્દીપણું, હતાશા, સંઘર્ષમૂલક મનોદશા, બુદ્ધિમાંદ્ય વગેરેનો સમાવેશ થાય છે.

(7) શારીરિક કારણોમાં શારીરિક ખોડખાંપણ, દીર્ઘકાલીન બીમારી, ઇન્દ્રિયોની ખામી વગેરેનો સમાવેશ થાય છે.

(8) રાજનૈતિક બાબતોમાં મૂલ્યોનો ગૂંચવાડો કે અભાવ, જાતિ-વ્યવસ્થા, અસામાજિક તત્વોની ભીંસ, વ્યસનો, યુદ્ધખોરી, અપરાધી વાતાવરણ, દોષયુક્ત શિસ્ત, તિરસ્કાર વગેરે કારણોને લીધે પણ બાળક ગુનાઇત વર્તન કરે છે.

બાળ-અપરાધીની પાછળ કેટલાક ઘટકો કામ કરતા હોય છે. તેમાં વ્યક્તિગત ઘટકો અને પરિસ્થિતિ સંબંધી ઘટકોનો સમાવેશ કરી શકાય. વ્યક્તિગત ઘટકોમાં ઢીલાશ, અવજ્ઞા, વિદ્વેષ, ભય, આવેગશીલતા, અસલામતીની ભાવના, સંઘર્ષ, આત્મનિયંત્રણનો અભાવ વગેરે બાબતો અસર કરતી હોય છે. પરિસ્થિતિગત ઘટકોમાં કુટુંબ, મિત્રસમૂહ, પડોશ અને શાળાનું વાતાવરણ, સિનેમા, અશ્લીલ સાહિત્ય વગેરે ગણી શકાય.

મનોવૈજ્ઞાનિકો બાલ-અપરાધ માટે આંતરિક નિયંત્રણોને, જ્યારે સમાજશાસ્ત્રીઓ બાહ્ય નિયંત્રણને જવાબદાર ગણે છે.

બાલ-અપરાધના પ્રકારોમાં વ્યક્તિગત બાલ-અપરાધ, સમૂહગત બાલ-અપરાધ, સંગઠિત બાલ-અપરાધ તથા પરિસ્થિતિજન્ય બાલ-અપરાધનો સમાવેશ થાય છે.

માનસશાસ્ત્રીઓ બાલ-અપરાધીઓની વ્યક્તિગત વિશેષતા કે વ્યક્તિત્વના માનસિક ગતિશાસ્ત્રના આધારે તેનું વર્ગીકરણ કરે છે. તેઓ માનસિક રીતે દોષપૂર્ણ, માનસિક રોગથી પીડિત, ઉત્તેજિત પરિસ્થિતિજન્ય અને સાંસ્કૃતિક બાબતોને મહત્વની લેખે છે. કેટલાક વળી વયજૂથોને તથા અપરાધના સ્વરૂપને મહત્વ આપે છે. બીજા કેટલાક બાલ-અપરાધીઓનું વર્ગીકરણ બાલ-અપરાધના સંગઠિત, આકસ્મિક, સમાજવિરોધી (anti-social), અનિયમિત અને ધંધાદારી પ્રકાર અનુસાર કરે છે.

બાલ-અપરાધીઓ સામાન્ય રીતે ઘરે મોડા આવવું, જુગાર રમવો, શાળામાંથી અથવા ઘરમાંથી ભાગી જવું, નાની-મોટી ચોરી કરવી, લૂંટ ચલાવવી, સંપત્તિનો નાશ કરવો, ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરવો, યોનિ સંબંધી ગુનાઓ (સજાતીયતાથી માંડીને બળાત્કાર સુધીના) કરવા, વ્યસનોમાં શરાબ કે માદક પદાર્થો લેવા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે.

બાળકો અને કિશોરો દ્વારા કરવામાં આવતા અપરાધો મુશ્કેલીથી પોલીસ તથા ન્યાયાલયોના ધ્યાનમાં આવતા હોય છે. ઇન્ડિયન પીનલ કોડ હેઠળ 1991માં લગભગ 56 હજાર બાળકોને ગુનાઓ કરવા બદલ કેદ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી 70 %ને ભારતીય દંડ સંહિતા હેઠળ પકડીને અદાલત સમક્ષ રજૂ કરાયાં હતાં અને 30 %ને વિશેષ કાયદા હેઠળ કેદ કરવામાં આવ્યાં હતાં. આમાંથી કેટલાકને સલાહ અને ચેતવણી આપીને, કેટલાંકને દંડ ભરાવીને તો કેટલાંકને જામીન આપીને છોડવામાં આવ્યા હતા તો કેટલાંકને રિમાન્ડ હોમમાં રાખવામાં આવ્યાં હતાં.

‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ (1991)ના અહેવાલ અનુસાર, સૌથી વધારે ગુનાઓ પ્રોહિબિશન ઍક્ટ અને ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ નોંધાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ બાલગુનાઓ 47 %, તામિલનાડુમાં 26 %, મધ્યપ્રદેશમાં 13 %, બિહારમાં 7 % તથા આંધ્રપ્રદેશમાં 5 % બાળગુનાઓ નોંધાયા હતા.

છોકરીઓ કરતાં છોકરાઓમાં બાલ-અપરાધનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. 12થી 16 વર્ષના વયજૂથમાં વિશેષ ગુનાઓ જોવા મળે છે, ગ્રામીણ કરતાં શહેરી વિસ્તારમાં વધારે ગુનાઓ થાય છે. બાલ- ગુનેગારીમાં કૌટુંબિક વાતાવરણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણે ભાગે બાલ-અપરાધીઓ નિરક્ષર કે વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ મેળવેલ હોય છે. નિમ્ન આર્થિક સામાજિક દરજ્જો ધરાવતાં કુટુંબોમાં બાલ-અપરાધીઓ વિશેષ હોય છે. બાલગુનેગારોની કુલ સંખ્યામાં પહેલી વાર ગુનો કરનાર બાલ-અપરાધીઓની સંખ્યા વિશેષ હોય છે.

નીચેનાં માધ્યમો દ્વારા બાલ-અપરાધીઓ દ્વારા કરવામાં આવતા ગુનાઓનું નિવારણ કરવાનો પ્રયત્ન થાય છે. : (1) શાળાના માધ્યમ દ્વારા; (2) વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ અને સંપર્ક માધ્યમો દ્વારા; (3) સામુદાયિક સંગઠનો; સરકારી, બિનસરકારી અને સ્વૈચ્છિક સંગઠનો; નાગરિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ તથા સંયોજક સમિતિ દ્વારા; (4) સામાજિક કાર્યકરો તથા સામુદાયિક નેતાગીરી દ્વારા; (5) પુન:સ્થાપન આદિ વિવિધ સામાજિક યોજનાઓ દ્વારા; તથા (6) દંડ આપીને, દોષોનું નિવારણ કરીને તથા ભૌતિક ઉપાયો દ્વારા વધારે સુરક્ષા રાખીને.

બાલ-ગુનેગારોનો કાનૂનથી, દંડ કે શિક્ષા કરીને, એકાંતમાં રાખીને, અપરાધ ન કરવા માટેનાં સલાહ-સૂચનો આપીને, સમજાવટથી, નીતિનિયમોના શપથ લેવડાવીને, યોગ અને ધ્યાન દ્વારા, પશ્ચાત્તાપની ભાવના પેદા કરીને, સામાજિક કાર્યકરો દ્વારા શિબિરોનું આયોજન કરીને ઉપચાર કરી શકાય. આ સિવાય અધ્યયન, જૂથકાર્ય, વ્યક્તિત્વ-સુધારણા, મનોરંજનના કાર્યક્રમો વગેરે દ્વારા બાલ-ગુનાનિવારણના જરૂરી ઉપાયોનું આયોજન કરી શકાય છે.

બાલ-ગુનેગારોની સુધારણા માટે કેટલીક ખાસ સંસ્થાઓ પ્રયત્નશીલ છે; જેમાં ઑબ્ઝર્વેશન હોમ, રિમાન્ડ હોમ, રિફૉર્મેટરી સ્કૂલ, માન્યતાપ્રાપ્ત શાળા, બૉર્સ્ટલ શાળા, આફ્ટર કેર એસોસિયેશન તથા બાલ-અદાલતોનો સમાવેશ થાય છે.

બાલ-અપરાધીઓને સુધારવા માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 39 દ્વારા બાળકો અને કિશોરોને નૈતિક તથા ભૌતિક શોષણમાંથી મુક્ત કરવાની તથા માતા-પિતા કે વાલીઓ દ્વારા તેમના ત્યાગની સામે રક્ષણ આપવાની નીતિ અપનાવાઈ છે.

અપરાધશાસ્ત્રમાં અનેકવિધ સમાજશાસ્ત્રીઓએ મહત્ત્વનું પ્રદાન આપ્યું છે જેમાં રૉબર્ટ મર્ટન, ફ્રેડરિક થ્રેશર, ક્લિફૉર્ડ શૉ, હેનરી મીડ, જ્યૉર્જ હર્બર્ટ મીડ, આલ્બર્ટ કોહેન, વૉલ્ટર મિલ્ટર વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સામાજિક સંરચના, વાતાવરણ અને શિક્ષણની પ્રક્રિયાને મહત્ત્વ આપ્યું છે. માનસશાસ્ત્રીઓએ અપરાધમાં વ્યક્તિ અને એના અભિપ્રેરણના ઘટકોને મહત્વ આપ્યું છે. મનશ્ચિકિત્સા, વર્તન-ચિકિત્સા, યથાર્થ-ચિકિત્સા, પ્રવૃત્તિ દ્વારા ચિકિત્સા તથા વાતાવરણીય ચિકિત્સા દ્વારા બાલ-અપરાધીઓનો ઉપચાર કરી શકાય છે.

એક સ્વતંત્ર અભ્યાસવિષય તરીકે બાલગુનેગારીની સમસ્યાનો હજુ હમણાં સુધી વિચાર કરવામાં આવ્યો ન હતો. એક સગીર વયની વ્યક્તિ દેશના સામાન્ય કાયદાને અધીન છે અને પોતાનાં કાર્યોની ગંભીરતા સમજ્યા સિવાય તેના દ્વારા ગુનાઇત કૃત્યો થઈ જાય તેવા અપવાદરૂપ સંજોગોમાં તે ખાસ વિચારણાની અધિકારી બને છે એ સિદ્ધાંતનો સ્વીકાર ઓગણીસમી સદીની પ્રશિષ્ટ કાનૂની સંહિતાઓમાં (જેમ કે ફ્રેન્ચ કાનૂની સંહિતામાં) કરવામાં આવ્યો હતો. ગુનેગાર અને નિરાધાર બાળકોને લગતો સૌથી પહેલો કાનૂની ઇલાજ તે 1850નો એપ્રેન્ટિસશિપ ઍક્ટ. આખા ભારતને લાગુ પડતો એ કાયદો હતો અને તેનો મુખ્ય હેતુ માલિકો અને કામદારો વચ્ચેના સંબંધોનું નિયમન કરવાનો હતો. દેખીતી રીતે જ આ કાયદા પાછળનું મુખ્ય પ્રેરક બળ કિશોરોની ગેરરસ્તે વળેલી શક્તિઓને વેપાર-ધંધો કે હુન્નર શીખવવા તરફ વાળવાનો હતો, જેથી તેઓ પ્રામાણિકપણે પોતાનો રોટલો રળવા માટે શક્તિમાન અને સજ્જ બને. આવાં કિશોરો-બાળકોના રક્ષણ સારુ ઘણી જોગવાઈઓનો એ કાયદામાં સમાવેશ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ કાયદાનું સ્થાન રિફૉર્મેટરી સ્કૂલ્સ ઍક્ટ ઑવ્ 1876  એ લીધું. આ નવા કાયદા હેઠળ કેટલાંક રાજ્યોમાં બાલગુનેગારો માટે સુધારણા-સંસ્થાઓ સ્થાપવામાં આવી, જેમ કે, 16 વર્ષની નીચેના ગુનેગારો માટે તે વખતના મુંબઈ રાજ્યમાં અને 15 વર્ષની નીચેના ગુનેગારો માટે અન્ય રાજ્યોમાં આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. હિન્દી ફોજદારી ધારાની કલમો 82 અને 83 હેઠળ કરેલ ગુનાની જવાબદારી માટે નિમ્ન વયની વ્યાખ્યા બાંધે છે અને બાલ-કિશોર ગુનેગારોના કિસ્સાઓમાં કાચી (juvenile) ઉંમરના ખ્યાલને કેવી રીતે લાગુ પાડવો તે સંબંધી જોગવાઈ કરે છે.

બાલગુનેગારના ખ્યાલમાં જ હવે આમૂલ પરિવર્તન આવેલું હોવાથી  સામાન્ય ગુનાની અદાલતો નહિ, પણ ખાસ હેતુ માટે રચવામાં આવેલી અદાલતો અને કાયદાઓ હેઠળ આ બાલગુનેગારોને આવરી લેવામાં આવે છે. હિન્દી ફોજદારી ધારો ‘બાલગુનેગારી’ એ શબ્દને બદલે ‘બાલ અથવા કિશોરે કરેલા ગુના’ – એવા શબ્દનો પ્રયોગ કરે છે. ભારતમાં 1876માં સૌપ્રથમ પસાર કરવામાં આવેલ અને 1897માં સુધારવામાં આવેલ રિફૉર્મેટરી સ્કૂલ્સ ઍક્ટમાં કિશોર-ગુનેગાર એટલે ‘જેલ અથવા દેશનિકાલની સજા થઈ શકે એવા ગુના માટે જેને સજા થઈ હોય તેવી પણ 15 વર્ષ કરતાં ઓછી વયની વ્યક્તિ’ એવી વ્યાખ્યા કરવામાં આવેલી છે. બાલગુનેગારની કાનૂની વ્યાખ્યા જુદા જુદા દેશોમાં જુદી જુદી છે. ઉદ્ધતાઈથી માંડીને કાયદા દ્વારા જે માટે સજા થઈ શકે તેવા મોટા હુમલા સુધીનાં વધતા-ઓછા પ્રમાણમાં સામાજિક પરિમાણો ધરાવતાં ગુનાઇત કૃત્યોનો તે નિર્દેશ કરે છે. કાયદાની ર્દષ્ટિએ જોતાં, બાર વર્ષનો એક છોકરો ભૂખનો માર્યો દુકાનમાંથી કોઈ ખાદ્ય વસ્તુ ચોરે છે, તે બાલગુનેગાર ઠરે છે, પણ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી આવા છોકરાનું વર્તન સમાજવિરોધી ગણાતું નથી. બધા જ સંજોગોમાં જો તે છોકરો ચોરી કરતો થઈ જાય અને સમાજને હાનિ પહોંચાડવાનો તેનો એક સ્વભાવ પડી જાય ત્યારે જ તેને ગુનેગાર કહી શકાય. આમ, મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ ગુનેગારી એટલે સામાજિક મૂલ્યોનું ખંડન કરવાનું માણસે વિકસાવેલ વલણ. અર્થાત્ ગુનેગારનાં કૃત્યો પોતાની સામે નહિ પણ સમાજ વિરુદ્ધ તકાયેલાં હોય છે. કાનૂની વ્યાખ્યામાં તો ગુનેગારનાં વ્યક્તિત્વ કે તેના વર્તન પાછળનાં કારણો, બેમાંથી એકેયનો ખુલાસો થતો નથી.

બાલ-અદાલતો જેવી સત્તાધારક સંસ્થાઓના ક્ષેત્રાધિકાર હેઠળ આવરી લેવાતા બાલગુનેગારોની ઉંમરની બાબતમાં ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં મોટો તફાવત જોવા મળે છે. ચિલ્ડ્રન્સ ડિલિક્વન્સી ઍક્ટના ઉદ્દેશોને એકસરખી રીતે લાગુ પાડવા માટે કાયદા હેઠળ વિચારાયેલા ‘બાળક’નો સ્પષ્ટ ખ્યાલ મેળવી લેવો અત્યંત જરૂરી છે. ‘બાળકો માટેના ધારા’ એ શબ્દો પાછળનું તત્વજ્ઞાન નિરાધાર, અવળે માર્ગે ચઢી ગયેલા અને ગુનેગાર બાળકો માટે રક્ષણાત્મક અને સુધારાત્મક સેવાઓ પૂરી પાડવાનું છે. ભારતમાં સૌથી પહેલો ચિલ્ડ્રન્સ ઍક્ટ મદ્રાસમાં પસાર કરવામાં આવ્યો. ત્યારપછી તેમાં છ વખત સુધારા કરવામાં આવ્યા છે અને તે હવે ખૂબ જ પ્રગતિશીલ બન્યો છે.

મુંબઈ રાજ્યમાં 1924માં ચિલ્ડ્રન્સ ઍક્ટ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 1948માં તેમાં સુધારા કરવામાં આવ્યા અને તેને અદ્યતન બનાવવામાં આવ્યો છે. 1924ના કેટલાક કાયદાઓની સમીક્ષા કરતાં જણાય છે કે બાળકોની સારસંભાળ અને સમાજમાં તેમની પુન:સ્થાપના એ તે કાયદાઓનો મુખ્ય હેતુ હતો. બાલગુનેગારોને સજા કરવાનું તત્વ તેમાંથી ધીરે ધીરે નાબૂદ કરવામાં આવ્યું છે. અને બાળકોનું કલ્યાણ એ તેનો મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત બન્યો છે.

1924ના મુંબઈના ચિલ્ડ્રન્સ ઍક્ટમાં ‘બાળક’ અને ‘યુવાન વ્યક્તિ’ વચ્ચે તફાવત પાડવામાં આવેલ છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોના પ્રવર્તમાન કાયદાઓમાં પણ આવો ભેદ પાડવામાં આવેલો છે; પરંતુ બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટ(1948)માં આવો ભેદ પાડવામાં આવ્યો નથી. બીજી બાજુ, સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન્સ ઍક્ટ(1954)માં બાલ-અદાલત સમક્ષ રજૂ થવા માટેની મહત્તમ ઉંમર છોકરા અને છોકરી બંને માટે 18 વર્ષની તો બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટમાં 16 વર્ષની અને મદ્રાસ તથા બંગાળ જેવાં રાજ્યોના ચિલ્ડ્રન્સ ઍક્ટમાં બાળક તથા યુવાનની વયમર્યાદા અનુક્રમે 14 અને 16 વર્ષની નક્કી કરવામાં આવી છે. આમ જુદા જુદા ચિલ્ડ્રન્સ ઍક્ટમાં બાળકોની વયની ર્દષ્ટિએ કરવામાં આવેલી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓને કારણે ઘણો ગૂંચવાડો ઊભો થયેલો જોવા મળે છે. તેથી, અમુક નિશ્ચિત કરવામાં આવેલી ઉંમરની નીચેની તમામ વ્યક્તિઓનો સમાવેશ ‘બાળક’ની વ્યાખ્યામાં થઈ જાય છે. એ રીતે બધા જ ચિલ્ડ્રન્સ ઍક્ટમાં સુધારો કરાવો જોઈએ, જેથી આવો ગૂંચવાડો ટાળી શકાય. ચિલ્ડ્રન્સ ઍક્ટ હેઠળ ગુનેગારો અને બિન-ગુનેગારોની વયમર્યાદાઓ ઊંચે લઈ જવાનો પ્રશ્ન પણ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરે છે.

બાળકો માટેના પ્રવર્તમાન કલ્યાણ ધારાઓનો વિકાસ જુદાં જુદાં રાજ્યોમાં એકસરખી રીતે થયો નથી. આખા દેશ માટે એકસરખી ભાત ઉપસાવવી એ સૌથી પહેલું કાર્ય છે. ચિલ્ડ્રન્સ ઍક્ટ 1960 અને બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટ 1948 ઠીક ઠીક પ્રમાણમાં પ્રગતિશીલ છે. એ બંને કાયદાઓની જોગવાઈઓને મજબૂત બનાવીને આખા દેશમાં તે લાગુ પાડી શકાય તેમ છે. બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટ 1948માં બાલગુનેગારની સમસ્યા પ્રત્યેનું પ્રગતિશીલ વલણ જોવા મળે છે અને તેમાં બાલગુનેગારને સજા કરવાને બદલે તેની સામાજિક સુધારણા તરફનો ઝોક વ્યક્ત થાય છે; દાખલા તરીકે, બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટ 1924ના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત ધારાનો હેતુ બાલ અને કિશોર ગુનેગારોને સારસંભાળ અને રક્ષણ પૂરું પાડવાનો તેમજ યુવાન ગુનેગારોની સંભાળ લેવી, તેમના પર કામ ચલાવવું અને તેમને સજા કરવી વગેરે જોગવાઈઓ કરવાનો છે. નવો ધારો તો એથી પણ આગળ જાય છે. તેના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પ્રાંતમાં બાલ અને કિશોર ગુનેગારોની સંભાળ, સંરક્ષણ, તેમની સાથેનો વ્યવહાર અને તેમની પુન:સ્થાપના માટે તથા યુવાન ગુનેગારોને સજા કરવા માટે કાયદાને મજબૂત કરવા અને તેમાં સુધારા કરવાનું જરૂરી છે. બંને કાયદાઓના આમુખોની તુલના સ્પષ્ટપણે દર્શાવે છે કે બાલગુનેગારો સાથેના વ્યવહાર સંબંધી તત્વજ્ઞાનમાં અને તેમની પ્રત્યેના ષ્ટિકોણમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. 1948ના કાયદામાં બાલગુનેગારોની સંભાળ, તેમનું રક્ષણ, તેમના પર કેસ ચલાવવો અને તેમને સજા કરવી એ બધાંને બદલે તેમની સુધારણા અને સમાજમાં તેમની પુન:સ્થાપના પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટ સંપૂર્ણ નથી. બાલ-ગુનેગારીનો કેવી રીતે ઇલાજ કરવો તે સંબંધી નવા વિચારો અને પદ્ધતિઓ સતત વિકસતાં જ રહ્યાં છે અને તેથી તે બાબતોમાં નવા સુધારા હમેશાં આવકારદાયક રહે છે એ આપણે યાદ રાખવું જોઈએ. બાલગુનેગારની સમસ્યામાં બાલગુનેગારને ખાસ સંસ્થાઓમાંથી રજા આપ્યા બાદ તેની સારસંભાળ (rehabilitation) કેવી રીતે રાખવી જોઈએ એ બાબતમાં પૂરતો વિકાસ થયો નથી. બૉમ્બે ચિલ્ડ્રન્સ ઍક્ટ 1948માં આવી પછીની સેવાઓ માટેની ચોક્કસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સમાજમાં પાછા આવ્યા બાદ બાળકોની ખરેખર કેવી પુન:સ્થાપના થાય છે, તેના પર ગુનેગારીની સમસ્યાના ઇલાજની સફળતાનો આધાર રહેલો છે અને તેથી જ પછીની સારસંભાળ વિશે કાયદામાં જોગવાઈ અપેક્ષિત છે. બાલગુનેગારોને તે માટે તમામ સગવડો અને હક્ક પ્રાપ્ત થાય એ જરૂરી છે.

ભારતીય સંસદે ડિસેમ્બર 1960માં ચિલ્ડ્રન્સ ઍક્ટ પસાર કર્યો છે; પણ આ કાયદો કેન્દ્રશાસિત વિસ્તારોને જ લાગુ પડે છે. આ ધારો 16 વર્ષની ઉંમર સુધીના છોકરાઓ અને 18 વર્ષ સુધીની છોકરીઓને લાગુ પડે છે. તેમને 21 વર્ષની ઉંમર સુધી રાજ્યની સારસંભાળ હેઠળ રાખી શકાય છે.

બાળકને અટકાયતમાં રાખવાની મર્યાદા અથવા સંસ્થાકીય સારસંભાળ હેઠળ કઈ ઉંમર સુધી બાળકોને રાખી શકાય તેની મર્યાદા આ કાયદાઓ આંકે છે, પણ ત્યારપછી બાળકોનું શું કરવું તે વિશે તે મૌન સેવે છે.

હર્ષિદા દવે

અરવિંદ દેસાઈ