બાલઅલી (કવિ)  (17મી સદીનો ઉત્તરાર્ધ) : રામભક્તિ શાખાના સંત કવિ. મૂળ નામ બાલકૃષ્ણ નાયક. ‘બાલઅલી’ એ એમના ભાવદેહની સંજ્ઞા છે. અને એમની કૃતિઓમાં એ જ પ્રયોજાઈ છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા. શરૂઆતમાં રામાનુજ સંપ્રદાયની દીક્ષા લીધી અને અહોબલ ગાદી-પરંપરાનાં વૈષ્ણવચિહનો ધારણ કર્યાં. વર્ષોની સાધના છતાં તૃપ્તિ ન થતાં તેઓ અગ્રદાસજીની ગાદીના ચોથા આચાર્ય ચરણદાસના શિષ્ય થયા. ગુરુજી સાકેતયાત્રા દરમિયાન તેઓ રેવાસાપીઠના અધિકારી થયા. તેમણે રચેલા આઠ ગ્રંથો મળે છે. એમાં ‘ધ્યાનમંજરી’ (1669) અને ‘નેહપ્રકાશ’ (1692) વિશેષ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ‘સિદ્ધાંતતત્વ દીપિકા’, ‘દયાલમંજરી’, ‘ગ્વાલપહેલી’, ‘પ્રેમપહેલી’, ‘પ્રેમપરીક્ષા’ અને ‘પરતીતપરીક્ષા’ પણ એમની જાણીતી કૃતિઓ છે. તેમની કૃતિઓમાં કાવ્યગુણોની યોજનાને બદલે સૈદ્ધાંતિક વિવેચન તરફ વિશેષ ઝોક અપાયો છે. શૃંગારી રામોપાસકોમાં એમની ‘નેહપ્રકાશ’ની ભારે પ્રતિષ્ઠા છે.

પ્રવીણચંદ્ર પરીખ