બાલાશિનોર

January, 2000

બાલાશિનોર : ખેડા જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 57´થી 23° 18´ ઉ. અ. અને 73° 19´થી 73° 37´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 5,523 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર અને પશ્ચિમે સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો આવેલા છે. આ તાલુકામાં 99 ગામો તથા બાલાશિનોર અને વીરપુર એ બે શહેરો છે.

ભૂપૃષ્ઠ : તાલુકાના પશ્ચિમ ભાગમાં ટેકરીઓની હારમાળા આવેલી છે, બાકીનો ભાગ સપાટ મેદાન છે. આ તાલુકામાંથી મહી અને શેઢી નદીઓ પસાર થાય છે. મહી નદી પર જનોડ, પિલુદ્રા અને સાકરિયા ગામો તથા શેઢી નદી પર બાલાશિનોર સહિત 11 ગામો આવેલાં છે. શેઢી પંચમહાલ જિલ્લાના ધામોદ અને વરધરીની ટેકરીઓમાંથી નીકળે છે. આ નદીનો પટ ખૂબ સાંકડો છે, તેને પ્રભાવકચરિતમાં ‘પલાશચારિણી’ – ખાખરાના વનમાંથી પસાર થતી – જણાવી છે.

આબોહવા : આ તાલુકામાં મે માસનું મહત્તમ–લઘુતમ સરેરાશ તાપમાન અનુક્રમે 41° સે. અને 26° સે., જ્યારે જાન્યુઆરીનું મહત્તમ–લઘુતમ સરેરાશ તાપમાન અનુક્રમે 29° સે. અને 14° સે. જેટલું રહે છે. આ તાલુકો સમુદ્રથી દૂર હોઈ ગરમી-ઠંડીનું પ્રમાણ વિશેષ રહે છે. મે માસ સૌથી વધુ ગરમ અને જાન્યુઆરી સૌથી વધુ ઠંડો રહે છે. પંદરમી જૂનથી પંદરમી સપ્ટેમ્બરના વર્ષાઋતુના ગાળા દરમિયાન અહીં સરેરાશ 905 મિમી. જેટલો વરસાદ પડે છે.

આ તાલુકામાં 7,800 હેક્ટર ભૂમિ પર જંગલનો વિસ્તાર આવેલો છે, જ્યાં સાગ, બાવળ, ખાખરો વગેરે જેવાં પર્ણપાતી વૃક્ષો તથા ઘાસ જોવા મળે છે. અહીંથી ગ્રૅનાઇટ, રેતીખડકો, ચૂનાખડકો, બૅસાલ્ટ જેવા પથ્થરો તથા માટી, રેતી વગેરે દ્રવ્યો મળી આવે છે. રૈયોલી નજીકથી ડાઇનોસૉરનાં ઈંડાંના અશ્મીભૂત અવશેષો મળી આવેલા.

બાલાશિનોર તાલુકો, ખેડા જિલ્લો

આ તાલુકાની ઉપયોગમાં લઈ શકાય એવી 55,277 હેક્ટર જમીનમાંથી 37,322 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. મુખ્યત્વે બાજરી, ડાંગર, જુવાર, મગ, અડદ, તુવેર જેવા ખાદ્ય પાકો તથા અમુક પ્રમાણમાં કપાસ, મગફળી, તલ, એરંડા, રાઈ, તમાકુ જેવા અખાદ્ય–રોકડિયા પાકો લેવાય છે. પાતાળકૂવા તથા સાદા પાકા અને કાચા કૂવાની મદદથી જ્યાં શક્ય છે ત્યાં સિંચાઈનો લાભ લેવાય છે.

તાલુકાનાં બાલાશિનોર અને વીરપુરમાં ઉદ્યોગો કેન્દ્રિત થયેલા છે; જેમાં તેલમિલો, જિન, સાબુનાં કારખાનાં, લાકડાં વહેરવાની મિલો અને ચૂનાના ભઠ્ઠાઓનો સમાવેશ થાય છે. તાલુકાનાં 91 ગામો અને 2 શહેરોને વીજળીનો લાભ મળે છે. આ તાલુકામાં આશરે 387 કિમી. લંબાઈના પાકા રસ્તાઓની સગવડ છે.

1991 મુજબ, આ તાલુકાની વસ્તી 1,89,354 જેટલી છે; તેમાં પુરુષો લગભગ 52 % અને સ્ત્રીઓ 48 %ના પ્રમાણમાં છે. 48 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. લોકો ખેતી, પશુપાલન, ખાણઉદ્યોગ, ગૃહઉદ્યોગ, લઘુઉદ્યોગ તથા વેપારનાં ક્ષેત્રોમાં રોકાયેલા છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ આપતી વિનયન-વાણિજ્ય કૉલેજ, પ્રૌઢ-શિક્ષણકેન્દ્રો તથા પુસ્તકાલયોની અહીં સગવડ છે.

બાલાશિનોર નગર : ભૌગોલિક સ્થાન : 22° 57´ ઉ. અ. અને 73° 20´ પૂ. રે. તે શેઢી નદીથી 6 કિમી. અંતરે તથા આણંદ–ગોધરા બ્રૉડગેજ રેલમાર્ગ પરના સેવાલિયા રેલમથકથી 14 કિમી. દૂર આવેલું છે. આ નગર વાડાશિનોરના નામથી પણ જાણીતું છે. જૂના વખતમાં તે ‘વાડશોળ’ નામથી ઓળખાતું હતું. અહીં ભરવાડોનો મુખ્ય વસવાટ હતો. ઢોર પૂરી રાખવા માટે થોરની વાડ તૂટી જવાથી ભરવાડોએ શોળ(પથ્થર)નો વાડો તૈયાર કરેલો, આ કારણે તેનું નામ ‘વાડશોળ’ પડેલું, જે અપભ્રંશ થઈને ‘વાડાશિનોર’ થયું હોવાની માન્યતા છે. આ નગર નજીક કેદાર, દેવડુંગરિયા અને ભીમભમરાડાના ડુંગરો આવેલા છે.

બાલાશિનોર તાલુકાનું મથક હોઈને વેપારનું પીઠું વિકસ્યું છે. તેના બજારમાં બાજરી, કપાસ, વરિયાળી, તમાકુ વેચાવા આવે છે. વેપારીઓની સગવડ માટે અહીં રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅંકોની કેટલીક શાખાઓ પણ છે.

અહીંની ઔદ્યોગિક વસાહતમાં 22 શેડ તથા 28 લઘુ એકમો આવેલા છે. અહીં સાબુનાં કારખાનાં, તેલમિલ, લાટીઓ તથા લાકડાં વહેરવાની મિલો, સહકારી જિન, ચૂનાના ભઠ્ઠા અને ડેરી વગેરે આવેલાં છે. ચામડાં કમાવાનો ગૃહઉદ્યોગ પણ છે. નજીકમાં ચૂનાખડકની ખાણો આવેલી છે. રાજ્યપરિવહનની બસો મારફતે આ નગર વીરપુર, કપડવંજ, નડિયાદ જેવાં નજીકનાં શહેરો સાથે જોડાયેલું છે. નગરની અંદર 22 કિમી.ના રસ્તાઓ છે.

1991ની વસ્તીગણતરી મુજબ આ નગરની વસ્તી 30,000 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સરખી છે. અહીં 90 %થી વધુ લોકો સાક્ષર છે. 65 % હિંદુઓ અને 35 % મુસલમાન છે.

આ નગરમાં બે બાલવાડી, બે બાલમંદિર, છાત્રાલયો સહિતની બે આશ્રમશાળાઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિનયન-વાણિજ્ય કૉલેજ, સંસ્કૃત પાઠશાળા, તાલુકા પુસ્તકાલય અને વાચનાલય છે. આ નગરમાં ગ્રામસેવા સમિતિ, સાંસ્કૃતિક વિકાસ મંડળ, મહિલામંડળ તથા યુવકમંડળ જેવી સંસ્થાઓ સેવાકાર્ય કરે છે. આ ઉપરાંત બે જાહેર દવાખાનાં, લકવાનું ખાસ દવાખાનું, સરકારી કચેરીઓ તથા તાર-ટપાલ કચેરીઓ આવેલાં છે.

અહીં મદનમોહનજી અને ગોકુળનાથજીનાં તથા દેવડુંગરિયા ઉપર ચતુર્મુખ શિવ અને કેદારેશ્વરનાં પ્રાચીન મંદિરો છે. દર જન્માષ્ટમીને દિવસે અહીં મેળો ભરાય છે. નગરની ઉત્તર તરફના ભાગમાં સુદર્શન તળાવની સામે નવાબનો મહેલ આવેલો છે. આ ઉપરાંત નગરમાં સાત મસ્જિદો છે.

ઇતિહાસ : મુસ્લિમ શાસન પૂર્વે બાલાશિનોર વીરપુરના સોલંકી રાજાને તાબે હતું. 1505માં મહમ્મદ બેગડાના સેનાપતિએ તે જીતી લીધું હતું. શેરખાન બાબીથી ચોથી પેઢીએ થઈ ગયેલા સરદાર મહમૂદખાને મુઘલ શાસનની અવનતિ દરમિયાન બાલાશિનોરનું રાજ્ય સ્થાપ્યું હતું. 1761માં તે ગાયકવાડને ખંડણી આપતું હતું. મહમૂદખાનના અનુગામી સલાબતખાન બાબી ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા ગાયકવાડ – બંનેને ખંડણી ભરતા હતા. 1882થી સલાબતખાનના વારસ જોરાવરખાને 50 વર્ષ શાસન કર્યું અને ત્યારબાદ તેનો પુત્ર મુનાવરખાન ગાદીએ આવ્યો. તેના શાસન દરમિયાન વીરપુર પરગણાનાં 42 ગામો અંગેની તથા લુણાવાડા સાથેના બાલાશિનોર રાજ્યની તકરારનો અંત આવ્યો. 1899માં મુનાવરખાનના અવસાન પછી તેનો પુત્ર જમાલખાન ગાદીએ આવ્યો. તે સગીર હોવાથી બાલાશિનોરનો વહીવટ બ્રિટિશ સરકારના અધિકારીને હસ્તક હતો. 1915માં તેણે વહીવટ સંભાળ્યો. છેલ્લો નવાબ જમિયતખાન તરંગી અને રૈયત તરફ સહાનુભૂતિવિહીન હતો. નાટકો અને તાજિયાનો શોખીન હોઈ તેનો બધો જ વખત તેમાં વીતતો હતો. લોકોનાં કલ્યાણકાર્યો પ્રત્યે તે બેદરકાર હતો. તેના વખતમાં વેઠની પ્રથા પ્રચલિત હતી. તેણે મૃત્યુવેરો પણ નાખ્યો હતો. લોકોએ તેનાથી કંટાળીને મણિલાલ હીરાલાલ મહેતાના પ્રમુખપણા નીચે ‘લોકસમાજ’ની સ્થાપના કરી. પહેલી સભાના પ્રમુખ નવાબ પોતે હતા. 1921માં વીરપુર ખાતે ભરાયેલી સભાના પ્રમુખ મોહનલાલ કામેશ્વર પંડ્યા હતા. ત્રીજું અધિવેશન રાજ્યના ત્રાસને કારણે ભરી શકાયું નહિ. 20 મે 1922ના રોજ છોટાલાલ કડકિયાની ધરપકડ કરવામાં આવી. ચંદુલાલ ગાંધી ઘોડા નીચે કચરાઈને મૃત્યુ પામ્યા. સરદાર પટેલ અને નરીમાને રાજ્યવિરોધી આ આંદોલનને ટેકો આપ્યો. 1930–31 દરમિયાન રાજ્યના ખેડૂતો વેઠના ત્રાસથી કંટાળી હિજરત કરીને કૈલાસપુરમાં જઈને વસ્યા. રાજ્યે વિદ્યારામ જોષી વગેરેની ધરપકડ કરી. એ વર્ષે ઘરવેરો બેવડો કરાયો. મોજીલાલ દેસાઈ સહિત સો માણસો હિજરત કરી ગોધરા રહેવા ગયા. 1932માં મુંબઈના ગવર્નર સર ફ્રેડરિકને જુલમ અંગે મેમોરૅન્ડમ આપ્યું. 1936–37માં નવાબને તેના મૃત્યુ સુધી વડોદરામાં રહેવા ફરજ પાડવામાં આવી. 1945ના ફેબ્રુઆરીમાં નવાબનું મૃત્યુ થયું. ત્યારબાદ બાલાશિનોર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. નવાબને રૂ. 69,000 સાલિયાણું અપાયું. તે વખતે બાલાશિનોર રાજ્યમાં 104 ગામ હતાં અને તેનો વિસ્તાર 189 ચોકિમી. જેટલો હતો. 28 ડિસેમ્બર 1971થી એ સાલિયાણું બંધ કરાયેલું છે.

શિવપ્રસાદ રાજગોર