બાલનચિન, જ્યૉર્જ (જ. 1904, પિટ્સબર્ગ, રશિયા; અ. 1983) : રશિયાના નામી બૅલે-નર્તક અને નૃત્યનિયોજક (choreographer). તેમણે ‘ઇમ્પીરિયલ થિયેટર્સ’ની બૅલે સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પોતાની નાની નૃત્યમંડળી સ્થાપી. 1924માં યુરોપના નૃત્યપ્રવાસ દરમિયાન, નર્તકોના નાના જૂથ સાથે તેમણે પોતાના દેશનો ત્યાગ કર્યો અને લંડનમાં સૉવિયેટ સ્ટેટના નર્તકો તરીકે કાર્યક્રમ આપ્યો. પછી તેમણે નર્તકો સાથે પૅરિસમાં રશિયન બૅલે રજૂ કર્યાં અને પોતાનું મૂળ નામ (જ્યૉર્જી મેલિટોનૉવિચ) બદલીને બાલનચિન રાખ્યું. પૅરિસમાં તેમણે 2 બૅલે મંડળીની સ્થાપના કરવામાં સહાય કરી. 1934માં તેમણે ન્યૂયૉર્ક શહેરમાં ‘સ્કૂલ ઑવ્ અમેરિકન બૅલે’નો પ્રારંભ કર્યો. યુદ્ધ પછી તેમણે ‘ધ બૅલે સોસાયટી’ નામની પોતાની ખાનગી નૃત્યમંડળીનું નિર્દેશન સંભાળ્યું અને તેમાંથી 1948માં ‘ન્યૂયૉર્ક સિટી બૅલે’ મંડળીનો ઉદભવ થયો. એ મંડળીના નેજા હેઠળ તેમણે 90 ઉપરાંત વૈવિધ્યપૂર્ણ રચનાઓ પ્રયોજી અને રજૂ કરી. મ્યુઝિકલ કૉમેડી તથા ફિલ્મમાં પણ તેમણે નૃત્યનિયોજક તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી.

મહેશ ચોકસી