બાયર્ડ, રિચાર્ડ એલ્વિન (જ. 1888, વિન્ચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 1957) : વિમાનચાલક, સાહસખેડુ અને રેર – ઍડમિરલ. 9 મે 1926ના રોજ ઉત્તર ધ્રુવ પર જે સર્વપ્રથમ વિમાની ઉડ્ડયન થયું તેમાં દિશાસંચાલન તેમણે સંભાળ્યું હતું અને આવી કીમતી – કપરી કામગીરી બજાવવા બદલ તેમને ‘કાગ્રેશનલ મેડલ ઑવ્ ઑનર’ અપાયો હતો. તેમણે અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી સુસજ્જ સંશોધન અભિયાન પ્રયોજ્યું અને 28–29 નવેમ્બર 1929ના રોજ દક્ષિણ ધ્રુવ પર નૅવિગેટર તરીકે ઉડ્ડયન કર્યું. 1933–34 તથા 1939–41 દરમિયાન તેમણે દક્ષિણ ધ્રુવ પ્રદેશના વિશેષ સંશોધન પ્રવાસ હાથ ધર્યા અને તેમાં કૂતરાં અને બરફ-ગાડી જેવાં પ્રચલિત સાધનોનો ઉપયોગ કરવાને બદલે વિમાન, રેડિયો અને આધુનિક ટેકનૉલોજીનો નિર્ણાયક અને મહત્વનો આધાર લીધો.

મહેશ ચોકસી