બાબા ફરીદ (જ. 1173, ખોતવાલ, જિ. મુલતાન; અ. 15 ઑક્ટોબર 1265, અજોધન) : અરબી અને ફારસીના પ્રકાંડ પંડિત, ઉત્તમ શિક્ષક, ભારતમાં સૂફી પરંપરાના સ્થાપક અને સર્વપ્રથમ પંજાબી કવિ. તેમનું મૂળ નામ ફરીદ-મસ્ઊદ હતું. તે પ્રખ્યાત સૂફી સંત અને સૂફી પરંપરાના ત્રીજા પ્રમુખ હોવાથી અને આધ્યાત્મિક સિદ્ધિઓને કારણે શેખ ફરીદ-ઉદ્-દીન અને બાબા ફરીદના નામે પ્રસિદ્ધ અને પૂજ્ય બની રહ્યા. તેઓ કાબુલના એક રાજપરિવારના ફરજંદ હતા. તેમના પિતા જમાલ-ઉદ્-દીન સુલેમાન કુરાનના અભ્યાસી, ઇસ્લામિક કાયદા અને ધર્મના પંડિત હતા. તેમને ખોતવાલના કાજી નીમવામાં આવેલા. મુઘલ આક્રમણકારોના ભયાનક ત્રાસમાંથી બચવા હજારો મુસ્લિમો સાથે તેમણે પંજાબ(હાલનું હરિયાણા)માં આશ્રય મેળવ્યો. માતા કરસુમબીબી   ધર્મપરાયણ મહિલા હતાં. બાબા ફરીદની કિશોરાવસ્થામાં બનેલા અનેક ચમત્કારોને લીધે તે ગંજે-શકર (મીઠાશના ભંડાર) તરીકે ઓળખાતા.

પ્રાથમિક શિક્ષણ ખોતવાલમાં; ત્યાં તે ફારસી-અરબી અને કુરાનેશરીફના નિયમો ને કાયદા શીખ્યા. અઢારમે વર્ષે તેઓ મુલતાન ગયા અને મૌલાના મિનહાજ-ઉદ્-દીન તીરમીઝી મસ્જિદની દરગાહમાં દાખલ થયા. ત્યાં સુહરાવર્દી શાખાના પીર બહા-ઉદ્-દીન ઝકરિયાના સાન્નિધ્યમાં તેમણે વિધિવત્ કુરાનેશરીફ, ઇસ્લામી કાયદા-કાનૂન અને અન્ય વિષયોનું ઊંડું અધ્યયન કર્યું, આખું કુરાન કંઠસ્થ કર્યું. પરિશ્રમી સ્વભાવ, ધર્મદર્શન પ્રત્યે લગન અને ઇબાદત-બંદગીમાં  અપાર તન્મયતાના કારણે ‘કાઝીસાહેબના ધૂની પુત્ર’ તરીકે ઓળખાતા. તેમના વિશેની વાતો સાંભળીને તેમના ભાવિ આધ્યાત્મિક ગુરુના મિત્ર જલાલ-ઉદ્-દીન તબરીઝી ફરીદને મળવા આવ્યા અને એક દાડમ ભેટ ધર્યું. ફરીદને ઉપવાસ હોવાથી બીજે દિવસે તેમણે તે દાડમ પર પડેલું બીજ મોંમાં મૂકતાં જ તેમને ‘એકદમ અંદર પ્રકાશપુંજ’ જેવું જણાયું. મુલતાનની આ જ મસ્જિદમાં તેમના ગુરુ ખ્વાજા કુત્બ-ઉદ્-દીન બખ્તિયાર કાકી સાથે મેળાપ થતાં તેમના અંતરાત્મામાં એક આંદોલન જાગ્યું અને તે તેમના શિષ્ય બન્યા. ગુરુ તેમને દિલ્હી લઈ ગયા અને પોતાના તકિયામાં રાખ્યા. ગુરુની આજ્ઞાથી વધુ અભ્યાસાર્થે પાછા મુલતાન આવ્યા. ઉચ્ચતર અભ્યાસ માટે 5 વર્ષ કંદહાર ખાતે રહ્યા. પછી ઈરાન, ઇરાક, ખુરાસાનનો તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો; મક્કા શરીફની મુલાકાત પણ લીધી. ભારત પાછા ફરીને તેઓ સીધા દિલ્હીના ખ્વાજાસાહેબના તકિયા પર શિષ્યની જેમ રહેવા લાગ્યા.

તેમના જીવનમાં મુખ્ય ત્રણ પ્રભાવ રહ્યા : (1) માતાનો પ્રભાવ : માતા કરસુમબીબી રોજ ધ્યાનમાં લીન રહેતાં. (એક વાર ઘરમાં ઘૂસી આવેલ ચોર ચારે બાજુ પ્રકાશ પથરાયેલો જોઈને તેમના પગે પડી ગયો અને તેણે કદી ચોરી નહિ કરવાનું અને પ્રામાણિક જીવન જીવવાનું વચન આપ્યું). માતાએ ફરીદના મનમાં ધર્મ-ભાવના, ઈશ્વરભક્તિ અને નમાજની નિયમિતતાની ગંભીરતા ઠસાવી. (2) પિતાનો પ્રભાવ : પિતા જમાલ-ઉદ્-દીને ફરીદમાં અભ્યાસની લગન અને ઇસ્લામી જ્ઞાન તરફ શ્રદ્ધા જગાડી. ઘરમાં ધાર્મિકતા અને ધર્મશાસ્ત્રોના મનન-ચિંતનનું વાતાવરણ હતું. મોટાભાગના સૂફીઓ – ધર્મવેત્તાઓનો સંપર્ક થતો રહેતો હતો. (3) ગુરુનો પ્રભાવ : તેમના ગુરુએ બગદાદથી આવી ભારતમાં સૂફીવાદ ફેલાવવા દિલ્હીમાં ખાનકાહ – તકિયો – બંધાવ્યો. ફરીદ તેમના સાન્નિધ્યમાં રહ્યા. ત્યાં રહીને ફરીદે તીવ્ર સાધના કરી. કલાકો સુધી જાગતા, એકાંતવાસમાં આસનારૂઢ રહેતા, સ્વેચ્છાએ તપ-ઉપવાસ કરતા, શારીરિક કષ્ટ વેઠતા. એ રીતે ઇન્દ્રિયનિગ્રહ, પ્રાણાયામ વગેરે કરીને મનની એકાગ્રતા એમણે સાધી. એમ કહેવાય છે કે એક વાર તેમણે ‘ચિલ્લાહ-એ-માકૂસ’ ખેંચીને 40 રાત્રિ એક કૂવામાં ઊંધા મસ્તકે અલ્લાહના નામનું રટણ કર્યું હતું. ‘ગુરુ ગ્રંથસાહેબ’માં તે અંગેના સંકેતો છે.

ફરીદ તેમના ગુરુ અને ગુરુનાય ગુરુ અજમેરવાળા ખ્વાજા મુઇન-ઉદ્-દીનના આશીર્વાદ પામનાર એકમાત્ર સૂફી સંત હતા. ફરીદની ધર્મપરાયણતા, તપશ્ચર્યા તથા પ્રાર્થનાશીલતાને લીધે દિલ્હીમાં તેમની ખ્યાતિ ખૂબ ઝડપથી વધી અને તાવીજ બનાવવા આવનારની ભીડ દિનપ્રતિદિન વધતી ચાલી. વધેલી ભીડથી તેમની ધ્યાનોપાસનામાં વિક્ષેપ પડતાં ગુરુની આજ્ઞા મેળવી તેઓ હિસાર જિલ્લાના હાંસી નામના શાંત સ્થળે રહેવા ચાલ્યા ગયા. તે પહેલાં તેમના ગુરુએ તેમને તેમના ઉત્તરાધિકારી બનાવવાની ઘોષણા કરીને તેમને મુસલ્લો અને છડી સુપરત કર્યાં.

ફરીદ વર્ષો સુધી હાંસીમાં રહ્યા. ત્યાંના તેમના ચમત્કારો વિશે મૅક્સ આર્થર મૅકૉલિફે તેમના વીસમી સદીના ચરિત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યાં તેમનો તકિયો કોઈ જાતના ભેદભાવ વિના અતિથિઓ માટે સદાય ખુલ્લો રહેતો. ‘ફરીદી લંગર’માં મુસ્લિમો ઉપરાંત અન્ય ધર્મની વ્યક્તિઓ, સાધુ-યોગીઓ પોતાની મુશ્કેલી-આશંકાઓ દૂર કરવા આવતા. તેમણે જાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વિના હંમેશ હેતભાવ, સહાનુભૂતિ અને સેવાભાવનાનો પરિચય કરાવ્યો. તેમના ઉપદેશમાં મુખ્ય 3 સૂત્રો હતાં : ઈશ્વરપ્રેમ, મનની પવિત્રતા અને ધન-સંપત્તિ તથા સાંસારિક ઉત્કર્ષ પ્રત્યે અનાસક્તિ. આનાથી પ્રભાવિત થઈને હજારો હિંદુઓએ ધર્મ-પરિવર્તન સ્વીકારેલું, જેમાંના મોટાભાગના પેઢીઓથી ઘૃણા અને તિરસ્કારનો ભોગ બનેલા નીચલી જાતિના લોકો હતા. અહીં પણ અશાંતિ વધતાં તેઓ પોતાને ગામ અજોધન (હાલ પાકિસ્તાનના શાહીવાલ જિલ્લામાં) ખાતે રહેવા ચાલ્યા ગયા.

અજોધનના નિવાસ દરમિયાન તેમણે લગ્ન કર્યું. તેમને 3 પત્નીઓ હતી. તેમાંની એક સુલતાન બલ્બનની પુત્રી હોવાનું કહેવાય છે. તે વાતને કોઈ ઐતિહાસિક સમર્થન મળતું નથી. અહીં તેઓ સળંગ 60 વર્ષ સુધી રહ્યા. તેમનું સમગ્ર જીવન તપશ્ચર્યા અને ધ્યાનમાં વીત્યું. તેમણે અરબી, ફારસી, પંજાબી અને અન્ય ભાષાઓમાં પદ-રચનાઓ કરી છે. પંજાબીમાં કરેલી તેમની રચનાઓથી ગુરુ નાનક ખૂબ પ્રભાવિત થયેલા અને તેમણે તેમની એ રચનાઓ ભાવિ પેઢી માટે સાચવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરેલી. બાબા ફરીદના ‘શબદ’ અને ‘સલોક’  બૌદ્ધિક ગહનતા અને માનવીય સંવેદનાથી દીપ્તિમાન છે. તેમનાં 4 ગીતો અને 112 દોહા શીખોના ધર્મગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં સંકલિત કરવામાં આવ્યાં છે. તેમણે ઈશ્વર અને માનવસંબંધનું વર્ણન કરતાં ભક્તિગીતો રચ્યાં છે. તેમના કાવ્યનો મુખ્ય વિષય રહ્યો છે : માનવી અને આધ્યાત્મિકતા. તેમને પળેપળ ચિંતા રહેતી માનવજીવનની ક્ષણભંગુરતાની, જરાવસ્થા અને મૃત્યુની, ગરીબી અને ભૂખની, પાપાચાર ને સત્તા-વૈભવના મોહ તથા તજ્જન્ય વિનાશની. તેમના કાવ્યમાં ‘તરીકત’ (સૂફી સાધના), ‘મારિફત’ (આત્મજ્ઞાન) અને ‘હકીકત’ (આત્મજાગૃતિ) – આ ત્રણેય અવસ્થાઓ જોવા મળે છે. તેમણે પોતાની ભાવાનુભૂતિ અભિવ્યક્ત કરવા માટે મુલતાની પંજાબીનો પ્રયોગ કર્યો છે. તેમના ‘સલોકો’માં વિભિન્ન ઉપમાઓ ભરી છે, જે ગ્રામીણ પરિવેશમાંથી લીધેલી છે અને તેથી નિરક્ષરો સુધી તે પહોંચી છે. કવિ તરીકે તેઓ અત્યંત સંવેદનશીલ જણાય છે. તેમનામાં પ્રચુર કરુણા છે. તેમના કાવ્યમાં વણી લીધેલાં બધાં ચિત્રો કલ્પનાત્મક છે. મહદંશે તેમની રચનાઓ 2 પંક્તિઓવાળી અને અપવાદ રૂપે 4 પંક્તિઓવાળી છે. દરેક પંક્તિમાં અલગ નૈતિક મૂલ્ય રજૂ થયેલું હોય છે. તેમણે ક્લેશમય–અશ્રુમય લોકસંસારનું સચોટ ચિત્રાંકન કર્યું છે.

અજોધનમાં હજારો લોકો, રાજા-ઉમરાવો તેમના આશીર્વાદ લેવા આવતા. તેમના માનમાં આ અજોધન પાછળથી ‘પાક-પટ્ટણ’ તરીકે ઓળખાયું. તેમના અનેક શિષ્યો, અનુયાયીઓ હતા. તેમાં સૌથી વધુ પ્રખ્યાત અને વગદાર શિષ્ય હતા દિલ્હીના શેખ નિઝામુદ્દીન ઓલિયા, જેમની પ્રખ્યાત કબર દિલ્હીમાં છે. ફરીદના ગુરુની કબર અજમેરમાં આવેલી છે. ફરીદના અંતિમ દિવસો ઘણા કષ્ટદાયક હતા. તકિયાની બધી આવક અને ભેટો ક્યાંય ગુમ થઈ જતી. અંતસમયે ફરીદ અને તેમના પરિવાર માટે ઘરમાં કંઈ જ નહોતું, છતાં ફરીદ પોતાની આરાધનાને – પોતાનાં ઉપવાસ, તપ અને વ્રતપાલનને – વળગી રહ્યા. તેઓ ત્રણ વાર પોતાની પ્રાર્થનામાં બેઠા અને ‘તું જ નિત્ય છે, તું જ અનશ્વર છે’નું રટણ કરતાં કરતાં નિર્વાણ પામ્યા.

બળદેવભાઈ કનીજિયા