બાબાણી, કીરત ચોઇથરામ

January, 2000

બાબાણી, કીરત ચોઇથરામ [જ. 3 જાન્યુઆરી 1956, મોરોબાખો, જિ. નવાબશાહ, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની ડિગ્રી અને એસ.ટી.સી.નો ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં હતાં. તેમને તેમની કૃતિ ‘ધર્તી-અ-જો સડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ અખિલ ભારત સિંધી બોલી ઐં સાહિત્ય સભાના પ્રમુખ; 1988–1992 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય તથા સિંધીમાં પ્રગતિશીલ લેખક-ચળવળ સાથે સંકળાયેલ રહ્યા. ‘સદગત’, ‘નઈ દુનિયા’, ‘સિંધુ ધારુ’ના સંપાદક; 1991થી ‘સિંધ રાઇઝિઝ’ (અંગ્રેજી) અને ‘સિંધ સુહાગ’ના સંપાદક રહ્યા. તેઓ સ્વાતંત્ર્યસેનાની છે.

કીરત ચોઈથરામ બાબાણી

તેમણે અત્યાર સુધીમાં સિંધીમાં 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હૂઆ’ (1956), ‘ના લૈલા, ના મજનૂ’ (1987), ‘આવ્હીન સભ નંગા આહિયો’ (1993) તેમના વાર્તાસંગ્રહો છે. ‘અબોલ રાની’ (1982), ‘ચૂંદ સિંધી લોક કલ્હાનિયૂં’ (1990) (લોકકથા) અને ‘ચૂંદ સિંધી મઝમૂન’, ‘આબાદ-મેં-કદ્રાં જો સવાલ’ નિબંધસંગ્રહો છે; ‘સોરેયા સાદ કાયો’ (1972) એકાંકી સંગ્રહ છે. ‘દુનિયા જી આઝિમ’ (1980) ચરિત્ર ગ્રંથ છે. ‘જેકી દીઠો હો મૂન’ (1981) પ્રવાસકથા, ‘ઓખ દોખ’ (1980) અને ‘પેહી મુંજ પાતર’ (1985) બંને વિવેચનગ્રંથો છે.

તેમને 1980માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, ઑલ ઇન્ડિયા બેસ્ટ બુક ઍવૉર્ડ, અખિલ ભારત સિંધી બોલી ઐં સાહિત્ય સભા વાર્ષિક સાહિત્ય પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય સિંધી સાહિત્ય અકાદમી વાર્ષિક પુરસ્કાર અને ભારતીય ભાષા પરિષદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની કૃતિ ‘ધર્તી-અ-જો સડુ’ ભારતના વિભાજનની દર્દનાક વ્યથા દર્શાવતું નાટક છે. તેમાં સિંધી સમુદાયનાં દુ:ખો-યાતનાઓ, જીવનની નવી પરિસ્થિતિઓમાં પુનર્વસવાટના પ્રયાસો સંબંધમાં નાટકનાં પાત્રોનું દિલચસ્પ ચિત્રાંકન હોવાને કારણે આ કૃતિ સિંધીમાં લખેલ ભારતીય નાટ્યસાહિત્યનું એક ઉલ્લેખનીય પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા