બાબર (જ. 14 ફેબ્રુઆરી 1483, અંદિજાન, ફરઘાના, મધ્ય એશિયા; અ. 26 ડિસેમ્બર 1530, આગ્રા) : ભારતમાં મુઘલ વંશનો સ્થાપક. તેનું મૂળ આરબ નામ ઝહીરુદ્દીન મુહંમદ હતું. તેના પિતા ઉમરશેખ મીર્ઝા તિમૂરલંગના ચોથા વંશજ અને ફરઘાનાના શાસક હતા. તેની માતા ચંગીઝખાંની તેરમી વંશજ હતી. બાબર અર્થાત્ સિંહનું ઉપનામ તેને તેના નાના (માતાના પિતા) યૂનુસખાને આપ્યું હતું. પિતાનું એકાએક અવસાન થતાં બાબર 12 વર્ષની ઉંમરે ફરઘાનાની ગાદીએ બેઠો. 1497માં તેણે સમરકંદ જીતી લીધું. 1501માં તેણે તેના પ્રદેશો ગુમાવ્યા અને રખડપટ્ટી કરવી પડી. 1504માં તેણે કાબુલ, ગઝની અને અન્ય પ્રદેશો કબજે કર્યા. બાબરે શિયાપંથ સ્વીકારવાની અને સુન્ની પ્રદેશોમાં શિયાપંથનો પ્રચાર કરવાની શરતોએ ઈરાનના શાહની લશ્કરી મદદ મેળવી અને 1511માં સમરકંદ પાછું મેળવ્યું; પરંતુ ઉઝબેકોએ તે પાછું જીતી લીધું. ત્યારબાદ તેણે ભારત તરફ નસીબ અજમાવ્યું. તેણે જાન્યુઆરી 1519થી શરૂ કરી ભારત પર પાંચ આક્રમણો કર્યાં, શરૂઆતનાં ચાર આક્રમણોમાં તેણે બેજોરનો કિલ્લો, સિયાલકોટ, સૈયદપુર, લાહોર અને દિપાલપુર કબજે કર્યાં હતાં. છેલ્લા આક્રમણમાં તેણે પોતાના 12,000ના સૈન્ય સાથે પાણીપતના મેદાનમાં દિલ્હીના અફઘાન સુલતાન ઇબ્રાહીમ લોદીની એક લાખની સેનાને 21 એપ્રિલ 1526ના રોજ હરાવીને નિર્ણાયક વિજય મેળવ્યો. આ વિજય માટે બાબરનું શિસ્તબદ્ધ સૈન્ય, તોપખાનું અને વ્યૂહરચના જવાબદાર હતાં. બાબરે દિલ્હીમાં મુઘલવંશ સ્થાપ્યો. તેનાથી અફઘાન સત્તા નાબૂદ થઈ અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. ત્યારબાદ વિરોધી અફઘાન સરદારોને હરાવી રાપરી, ઇટાવા, કનોજ અને ધોલપુર કબજે કરવામાં  આવ્યાં. તેના પુત્ર હુમાયૂંએ જોનપુર, ગાઝીપુર અને કાલ્પી જીતી લીધાં.

મેવાડના રાણા સંગના નેતૃત્વ હેઠળ રજપૂતોના એક શક્તિશાળી અને વિશાળ સૈન્યને આગ્રાથી પશ્ચિમે આવેલ ખાનવા મુકામે બાબરની સેના સાથે ભીષણ યુદ્ધ થયું. તેમાં રાજપૂતોનો પરાજય થયો (1527). તેનાથી મુસ્લિમો ઉપર ઝઝૂમતો રાજપૂતોની સર્વોપરિતાનો ભય દૂર થયો. આ યુદ્ધને બાબરે જેહાદનું નામ આપ્યું હતું. તેણે દારૂનો ત્યાગ કર્યો હતો. ત્યાર પછી જાન્યુઆરી 1528માં બાબરે મેદિનીરાયને હરાવીને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો. આ દરમિયાન મહમૂદ લોદીની આગેવાની હેઠળ અફઘાનોએ એક લાખનું સૈન્ય ભેગું કરી ચુનારને ઘેરી લીધું. તેમનો સામનો કરવા બાબર જાતે ગયો. તેના આગમનના સમાચારથી અફઘાન સૈન્ય વેરવિખેર થઈ ગયું. ગોગ્રા નદીના કિનારે થયેલા યુદ્ધમાં બાબરે અફઘાનોને હરાવ્યા. આમ બાબરે પાણીપત, ખાનવા અને ગોગ્રાના યુદ્ધમાં વિજય મેળવીને ઉત્તર ભારતનો વિશાળ પ્રદેશ કબજે કર્યો. તેનું સામ્રાજ્ય પશ્ચિમે આમુદરિયા નદીથી પૂર્વે ગોગ્રા સુધી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી ફેલાયેલું હતું. આ વિજયોથી બાબરના ભટકતા જીવનનો અંત આવ્યો. તેની કારકિર્દીનું કેન્દ્ર કાબુલથી ભારતમાં આવ્યું.

બાબરનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. એક વિજેતા, શાસક અને સંનિષ્ઠ પુરુષના ગુણોનું તેનામાં મિશ્રણ થયું હતું. પોતાના પ્રત્યેક વિજયને માટે તેણે અલ્લાહનો આભાર માન્યો હતો. ખાનવાના યુદ્ધ બાદ તેણે હિંદુઓની ખોપરીઓનો મિનારો બનાવ્યો, તેમાં તેની મોંગોલ ક્રૂરતા જણાય છે. તે લેખક, કવિ અને વિવેચક પણ હતો. તેણે તુર્કી ભાષામાં કવિતા લખી છે. તેણે મુબૈયાન નામની કાવ્યશૈલીની શોધ કરી હતી. તેણે કાયદાઓ વિશે એક અધિકૃત વિવેચનાત્મક ગ્રંથ લખ્યો હતો. તેની  આત્મકથા ‘તુઝુકે બાબરી’ અથવા ‘બાબરનામા’ તેના શાસનકાળનો સૌથી આધારભૂત ગ્રંથ છે. તેના ફારસી, અંગ્રેજી, ફ્રેન્ચ અને બીજી યુરોપીય ભાષાઓમાં અનુવાદો થયા છે. બાબર વહીવટદાર તરીકે નિષ્ફળ ગયો હતો. તેણે દારૂગોળો અને તોપ દાખલ કરીને ભારતની મધ્યયુગી યુદ્ધપદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું.

જયકુમાર ર. શુક્લ