બાબરેર પ્રાર્થના

January, 2000

બાબરેર પ્રાર્થના (1976) : બંગાળના ખ્યાતનામ કવિ અને વિવેચક શંખો ઘોષની જાણીતી કૃતિ. સામાજિક સંઘર્ષ વિશે અનુત્કટ છતાં સક્રિય સહભાગિતા, ભરપૂર કલ્પનાસૃષ્ટિ તેમજ રચના અને ટેક્નિકની પૂરેપૂરી જાણકારી સાથે રોજિંદી ભાષાના ઉપયોગ માટે તેને બંગાળી સાહિત્યમાંનું એક ઉત્કૃષ્ટ પ્રદાન ગણવામાં આવે છે.

‘બાબરેર પ્રાર્થના’માં 47 કાવ્યોને ત્રણ વિભાગ – ‘મણિકર્ણિકા’ (15 કાવ્યો), ‘ખાર’ (14 કાવ્યો) અને ‘હાતેમતાઈ’(18 કાવ્યો)માં વિભાજિત કરાયાં છે. બાબરનો પુત્ર હુમાયૂં માંદો પડ્યો ત્યારે તેણે પોતાની જિંદગીના બદલામાં તેના પુત્રને જીવન બક્ષવા માટે અલ્લાહને પ્રાર્થના કરેલી અને અલ્લાહે તે મંજૂર રાખેલી તે ઘટનાનું આ કાવ્ય છે. આ કૃતિનાં પ્રથમ 3 કડવાંમાં ઉદ્દીપ્ત ભાવનાવાળી એકોક્તિમાં અલ્લાહને કરેલી પાર્થના છે.

આ કાવ્ય શીર્ષકદા કૃતિ છે. અહીં આપેલાં 47 કાવ્યો પૈકી પ્રત્યેક કાવ્ય ઊર્મિકાવ્ય છે અને તે બધાં ઊર્મિકાવ્યો એકસાથે લેતાં વિવિધ પ્રકારનાં બહુરંગી પુષ્પોના ઉદ્યાન જેવો ચિતાર ખડો થાય છે. આ કૃતિ માટે શંખો ઘોષને 1977માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા