બાબરનામા (સોળમી સદીનો પ્રથમ પાદ) : મુઘલ શહેનશાહ બાબરની આત્મકથા. તે ‘તુઝુકે-બાબરી’ નામે પ્રસિદ્ધ છે. પૂર્વના દેશોની આત્મકથાઓમાં આ ગ્રંથનું સ્થાન મહત્વનું છે. આ ગ્રંથ બાબરે તુર્કી ભાષામાં લખ્યો હતો. 1590માં મીર્ઝા અબ્દુર્ રહીમખાનખાનાએ અકબરના સૂચનથી તેનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. ત્યારબાદ ઓગણીસમી સદીમાં તેના અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી વગેરે ભાષાઓમાં અનુવાદો થયા.

‘બાબરનામા’ની લેખનશૈલી સરળ અને સ્પષ્ટ છે. તેમાં અતિશયોક્તિ નથી. તેના પ્રથમ ભાગનો વૃત્તાંત ઇતિહાસ-સ્વરૂપે છે, જ્યારે બીજા ભાગનો રોજનીશીના રૂપમાં છે. આ આત્મકથા અલગ અલગ સમયે તથા સ્થળે લખાયેલી છે, તેથી તેમાં ભાષા અને પ્રસંગોનું વૈવિધ્ય જોવા મળે છે. બાબરે આ ગ્રંથમાં રાજકીય તથા લશ્કરી ઘટનાઓનાં વર્ણનો સહિત તત્કાલીન પ્રસિદ્ધ વ્યક્તિઓની માહિતી પણ નોંધી છે. તેણે તેમાં દેશની કુદરતી અને ભૌગોલિક લાક્ષણિકતાઓ, લોકોના રીતરિવાજો, પહેરવેશ, ટેવો, શિષ્ટાચાર, વેપાર-રોજગાર, વનસ્પતિ, ફૂલઝાડ, પશુઓ, પક્ષીઓ વગેરેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેણે પોતાના ગુણદોષોનું નિખાલસભાવે વર્ણન કર્યું છે; તેથી તેમાં સત્ય જણાઈ આવે છે. તેમાં બાબરના જીવન વિશેનો ફક્ત અઢાર વર્ષનો ઇતિહાસ આવે છે.

જયકુમાર ર. શુક્લ