બાઉશ, પિના (જ. 1940, સૉલિન્ઝન, જર્મની) : અગ્રણી નૃત્યનિયોજક અને નર્તકી. તેમનું લાડકું નામ હતું ‘ફિલિપિન બાઉશ’. જર્મનીમાં ઇસેન ખાતે થોડો વખત અભ્યાસ કર્યા પછી તેઓ ન્યૂયૉર્ક સિટી ગયાં. થોડો સમય તેઓ મેટ્રોપૉલિટન ઑપેરા બૅલે કંપની સાથે સંકળાયેલાં રહ્યાં; ત્યારબાદ અમેરિકાના નૃત્ય-નિયોજક પૉલ ટેલર સાથે જોડાયાં. છેવટે તેઓ ઇસેન પાછાં ફર્યાં અને વુપર્ટલ થિયેટર માટે સંખ્યાબંધ ઑપેરા રજૂ કર્યાં.

તેમની અત્યંત સફળ કારકિર્દીના પરિણામે તેમણે પોતાની નૃત્યસંસ્થા ઊભી કરી. 1970ના દાયકામાં તેમણે પોતે નિર્માણ કરેલા કાર્યક્રમો પ્રસ્તુત કરવા માંડ્યા. તેમાં ર્દષ્ટિપૂર્ણ નૃત્ય-નિયોજન અને ખાસ કરીને અવનવીન શૈલીની તેમની નૃત્ય-પ્રસ્તુતિના પરિણામે સમકાલીન નર્તનશૈલીમાં નવો અને પ્રગતિલક્ષી વળાંક આવ્યો. તેઓ નૃત્યનિયોજનના ક્ષેત્રે એક અત્યંત શક્તિશાળી અને પ્રભાવક પરિબળ પુરવાર થયાં.

1996માં તેમની સંસ્થાના નર્તકવૃંદે એડિનબરો ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહોત્સવની પચાસમી ઉજવણી પ્રસંગે યાદગાર નૃત્ય-કાર્યક્રમ આપ્યો હતો.

મહેશ ચોકસી