બાઉહાઉસ (1919) : જર્મનીના વાઇમાર નગરમાં શરૂ થયેલી સ્થાપત્ય, ડિઝાઇન, ચિત્રકલા અને શિલ્પકલાની વીસમી સદીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત કલાશાળા. તેનું પૂરું નામ ‘સ્ટાટલિચેસ બાઉહાઉસ’ હતું; તેનો જર્મન ભાષામાં અર્થ થાય : રાજ્ય સ્થાપત્યશાળા.

જર્મનીના વાઇમાર નગરમાં 1919માં વૉલ્ટર ગ્રૉપિયસ દ્વારા તેની સ્થાપના થયેલી અને તેઓ આ શાળાના સ્થાપક-નિયામક બનેલા. સ્થાપત્ય, ડિઝાઇન, શિલ્પકલા, ચિત્રકલા તથા હસ્ત-કલાકારીગરીની એકવાક્યતામાં ગ્રૉપિયસ માનતા હતા; તેથી આ બધી જ કલાઓનો એક જ સંસ્થામાં સમાવેશ કર્યો. બધી ર્દશ્ય કલાઓમાં સ્થાપત્યકલા સૌથી મહત્વની છે એમ ગ્રૉપિયસ માનતા. વિદ્યાર્થીઓએ અહીં લલિતકલા તેમજ હસ્તકલાના કારીગરો – એમ બેઉ પાસેથી જે તે વિષયનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું હતું.

બાઉહાઉસ કલાશાળાના શિક્ષકો

કલાની ઉપર દર્શાવેલી શાખાઓ ઉપરાંત ચર્મકલા, સુથારીકામ, કાચનાં અને માટીનાં વાસણો બનાવવાની કલા (pottery), લુહારીકામ, વસ્ત્રડિઝાઇન અને વણાટકામનો પણ અહીં અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો હતો.

શરૂઆતનાં વર્ષોમાં વિશ્વવિખ્યાત ડિઝાઇનરો અને કલાકારો બાઉહાઉસમાં કલાશિક્ષકો તરીકે નિમાયા હતા, તેમાં લિયૉનલ ફિનિન્જર (ડિઝાઇન), ગૅહોર્ડ માર્કસ, જૉહાનેસ ઇટન, ઍડૉલ્ફ મેયર, જ્યૉર્જ મુચે (વણાટ), પૉલ ક્લે, ઑસ્કર રક્લેમર (શિલ્પવિદ્યા), વાસિલી કૅન્ડિન્સ્કી (સામાન્ય કલાશિક્ષણ) અને લાઝ્લો મૉહૉલી-નાગી (ધાતુવિદ્યા), જોસેફ આલ્બર્સ (કાચનાં વાસણો બનાવવાની કલા), હિનર્ક શૅપર (ભીંતચિત્ર), હર્બર્ટ બેયર (મુદ્રણક્ષમ કલા), જૂસ્ટ શ્મિટ (શિલ્પવિદ્યા), માર્સેલ બ્રૂયર (સુથારીકામ) તથા ગુન્ટા સ્ટૉલ્ઝેલ(વણાટ)નો સમાવેશ થાય છે.

1925માં રાજદ્વારી દબાણોને અધીન થઈને આ કલાશાળાને વાઇમારથી ડેસો નગરમાં ખસેડવાની ગ્રૉપિયસને ફરજ પડી. અત્યાર સુધીમાં આ કલાશાળા સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામી ચૂકી હતી અને નવી સ્થપાતી જતી કલાશાળાઓ અભ્યાસક્રમ, શિક્ષણપદ્ધતિ ઇત્યાદિમાં તેનું અનુકરણ કરતી હતી. ઔદ્યોગિક વિકાસને કારણે પ્રાપ્ત થતા જતા યંત્રવિજ્ઞાનનો ડિઝાઇન અને કલામાં કરેલો વિનિયોગ એ બાઉહાઉસની સૌથી મોટી સિદ્ધિ હતી. સ્થાપત્યના ક્ષેત્રે બાઉહાઉસે વિકસાવેલી શૈલી આંતરરાષ્ટ્રીય શૈલી તરીકે દુનિયાભરમાં પ્રતિષ્ઠા પામી. યુરોપ અને અમેરિકામાં એ શૈલી મુજબ નવાં મકાનો બંધાવાં શરૂ થયાં.

1928માં ગ્રૉપિયસે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે બાઉહાઉસના નિયામક તરીકે રાજીનામું આપ્યું અને તેના સ્થાને હૅન્સ મેયર આવ્યા અને 1930માં મિસ લુડવિગ ફાન દે રૉહ નિયામક બન્યાં. રાજદ્વારી દબાણ ચાલુ જ રહ્યું. 1932માં આ કલાશાળાને બર્લિન ખાતે ખસેડવી પડી. દુર્ભાગ્યે, 1933માં નાઝી હકૂમતે આ કલાશાળાને કાયમ માટે બંધ કરાવી. મિસ ફાન દે રોહ અમેરિકા ચાલ્યાં ગયાં અને ઇલિનૉઇ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીના સ્થાપત્યવિભાગનાં અધ્યક્ષ બન્યાં. ગ્રૉપિયસ પણ અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર’ના ડીન બન્યા.

1937માં અમેરિકાના શિકાગો નગરમાં મૉહોલી-નાગીએ ‘ધ ન્યૂ બાઉહાઉસ’ નામે કલાશાળા શરૂ કરી.

અમિતાભ મડિયા