બાઇબલ : ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ. પૂરું નામ ‘હોલી બાઇબલ’ એટલે કે પવિત્ર શાસ્ત્ર. ગ્રીક ભાષાના તેના મૂળ શબ્દનો અર્થ ‘પોથીસંગ્રહ’ એવો થાય છે. બાઇબલ કુલ 73 નાનામોટા ગ્રંથોનો સમૂહ છે. તેના બે મુખ્ય ગ્રંથો ‘જૂનો કરાર’ (Old Testament) અને ‘નવો કરાર’ (New Testament) છે. લખાણ અધ્યાય તથા કાવ્યપંકિતઓમાં છે. જૂનો કરાર અથવા હિબ્રૂ બાઇબલ મૂળ યહૂદીઓનો ધર્મગ્રંથ છે. તેમાં યહૂદી અથવા હિબ્રૂ પ્રજાની કથા છે. એમાં યહૂદીઓના મૂસા (Moses) તથા અન્ય દેવદૂતોની કથાઓ છે. યહૂદીઓ ઈશ્વરના માર્ગે ચાલશે અને ઈશ્વર તેમની રક્ષા કરશે એવી પ્રાચીન સમજૂતી કે કરાર ઉપરથી તેમનો ગ્રંથ ‘કરાર’ કહેવાયો. ‘જૂના કરાર’ની 46 ગ્રંથોમાંની પ્રથમ પોથીનું નામ ઉત્પત્તિકાંડ (Genesis) છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. બીજા નિષ્ક્રમણકાંડ(Exodus)માં ઇજિપ્તના દાસત્વમાંથી હિબ્રૂ પ્રજાની મુક્તિની વાત છે. ઘણીખરી પોથીઓ દૂતોના નામ ઉપરથી છે. જૂના કરારની ભાષા હિબ્રૂ છે. થોડો અંશ આરામાઇક ભાષામાં છે.

ઈ. પૂ.ની દસમી સદીમાં પ્રજાની ભિન્ન ભિન્ન પરંપરાઓ અને છૂટક લખાણોને ગ્રંથસ્થ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારથી માંડીને જુદા જુદા કાળે ને જુદાં જુદાં સ્થળે બાઇબલના ગ્રંથો રચાતા રહ્યા. એ પ્રક્રિયા ઈસવી સનની પહેલી સદીના અંતભાગમાં પૂરી થઈ. ‘નવા કરાર’ની રચના થવાથી આ જૂના ગ્રંથનું ‘જૂનો કરાર’ એવું નામ પ્રચલિત બન્યું.

ઈસુ ખ્રિસ્તના જન્મ પછી તેમણે જે નવો બોધ કર્યો તે ઉપરથી ‘નવા કરાર’ની 27 પોથીઓની રચના થઈ. તેની રચના ઈસુના સમય પછી ઘણા સમય પછી થઈ. ત્યારે મુખ્ય ભાષા ગ્રીક હોવાથી ‘નવા કરાર’ની મૂળ ભાષા ગ્રીક છે.

પ્રૉટેસ્ટંટ સંપ્રદાયોની બાઇબલની આવૃત્તિઓમાં ‘જૂના કરાર’ના  39 ગ્રંથો હોય છે; કારણ કે આ સંપ્રદાયોએ મૂળ હિબ્રૂભાષી ગ્રંથોને જ પ્રમાણભૂત ગણ્યા અને બાકીના ગ્રીકભાષી 7 ગ્રંથોનો અસ્વીકાર કર્યો છે. ‘નવા કરાર’માં ઈસુનું ચરિત્ર તથા તેમના શિષ્યોની વાતો છે. તેમાં ખ્રિસ્તી ધર્મના ઉદભવ તથા પ્રસારની વાતો છે. ત્યારે ભૂમધ્ય કાંઠાના પ્રદેશો પર રોમનું આધિપત્ય હોવાથી લૅટિન ભાષાનો વ્યવહાર હતો. તેથી પ્રચારના હેતુથી 1,500 વર્ષ પૂર્વે બાઇબલનું લૅટિનમાં ભાષાંતર કરવામાં આવ્યું. સમય જતાં અન્ય ભાષાઓમાં પણ ભાષાંતરો થયાં. ભાષાંતરકારનો ઉદ્દેશ, તેને મળેલી મૂળ પ્રત, તેની ભાષાની સમજ, મૂળ કૃતિગત શબ્દોનું અર્થવૈવિધ્ય વગેરે કારણોથી ભાષાંતરોમાં પાઠભેદો થયા. આગળ જતાં અર્થઘટન પર પણ તેમનો પ્રભાવ પડ્યો. યહૂદીઓ ‘નવા કરાર’ને માનતા નથી.

બાઇબલનું અંગ્રેજી ભાષામાં પ્રથમ ભાષાંતર 1382માં થયું. ત્યારપછી તેનાં અસંખ્ય ભાષાંતરો થયાં. નવજાગૃતિ (renaissance) પછી યુરોપી પ્રજાએ વિશ્વના અનેક દેશો પર સત્તા જમાવી. તેમની સાથે તેઓ ખ્રિસ્તી ધર્મ અને બાઇબલ લઈ ગયા. આ રીતે વિશ્વની લગભગ બધી ભાષાઓમાં બાઇબલનાં ભાષાંતર ઉપલબ્ધ બન્યાં.

1820માં ગુજરાતીમાં એનું પ્રથમવાર ભાષાંતર કરાયું હતું. પુરાણોની જેમ બાઇબલ સુંદર કથાઓ ધરાવે છે. તેમાં ચમત્કારની વાતો ભરપૂર છે. નીતિ અને સદાચારની વાતો પણ છે. જોસેફની કથા ભલાભાઈ અને ભૂંડાભાઈની વાર્તા જેવી છે. ભાઈઓની ઈર્ષાનો ભોગ બનવા છતાં જોસેફ નીતિમત્તાને લીધે ઇજિપ્તના રાજાનો પ્રિય સભાજન બને છે. મૂસાની કથા પણ રસભરી છે. હિબ્રૂઓની વસ્તી વધતાં તેમનાથી ભય પામીને રાજાએ નવા જન્મતા દરેક હિબ્રૂ બાળકની હત્યા કરવાની આજ્ઞા આપી. એક માતાએ તેના નવજાત શિશુને ટોપલીમાં સંતાડી ટોપલી નાઇલ નદીમાં વહાવી દીધી. ટોપલી રાજકુમારીના હાથમાં આવતાં તેણે શિશુને સંતાન ગણી સારી રીતે ઉછેર્યો. મોટો થતાં મૂસા નામે તે યહૂદીઓનો તારણહાર થયો. ઈશ્વરે તેને દસ મહાઆદેશ (Ten Commandments) આપેલા. ભરવાડના પુત્ર ડેવિડ દ્વારા ગોલિયેથ નામના રાક્ષસની હત્યાની વાર્તા પણ રોચક છે.

ખ્રિસ્તી શ્રદ્ધા એવી છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલું છે. તેનો એકેએક શબ્દ સાચો છે. જોકે મોડેવહેલે અંધશ્રદ્ધા સામે બુદ્ધિવાદીઓનો વિરોધ જાગે છે. બુદ્ધિવાદી સમીક્ષકોએ બાઇબલ સંબંધી દૈવી દાવાઓનો અસ્વીકાર કરીને તેને પણ અન્ય ગ્રંથોની જેમ તર્કસિદ્ધ પ્રમાણોના આધારે મૂલવવાનો આગ્રહ રાખ્યો. આથી બાઇબલના અર્થઘટન વિશે વિવિધ મતો પ્રચલિત બન્યા. તેમાં રૂઢિચુસ્ત અને બુદ્ધિવાદી એવી બે પ્રમુખધારાઓ ઊપસી આવી. પ્રૉટેસ્ટંટ સંપ્રદાયમાં એવો મત છે કે વ્યક્તિને પોતાની સમજ પ્રમાણે બાઇબલનો અર્થ તારવવાની સ્વતંત્રતા છે. સામે પક્ષે રોમન કૅથલિક સંપ્રદાયમાં આગ્રહ છે કે ધર્મસંઘ (church) એટલે કે વડા ધર્મુગુરુ જે અર્થ ઠરાવે તે જ અર્થ શ્રદ્ધાળુઓએ સ્વીકારવો જોઈએ. તેની સામે દલીલને અવકાશ નથી. રોમન કૅથલિક સંસ્કરણોમાં બાઇબલમાં પંક્તિઓ સાથે વિવરણ આપવામાં આવે છે. આવૃત્તિ પ્રમાણે આ વિવરણોમાં પણ ભેદ જોવામાં આવે  છે. બાઇબલની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈસુની ચોથી સદીની મળેલી છે. હિબ્રૂ પાઠની સૌથી જૂની પ્રતનાં ફાટ્યાંતૂટ્યાં પાનાં બીજી સદીમાં ઇજિપ્તમાં 1902માં મળેલાં. પહેલું મહત્ત્વનું લૅટિન ભાષાંતર સંત જેરોપનું ‘વલ્ગેટ’ છે. જેને આજે પણ રોમન કૅથલિક સંઘ અનુસરે છે. અંગ્રેજી ભાષાંતરોમાં 1611નું ‘સત્તાવાર સંસ્કરણ (Authorized Version – AV) અથવા ‘રાજા જેમ્સનું સંસ્કરણ’ (King James’ Version – KJV) ભારે મહત્વ ધરાવે છે. તે એક ઉત્તમ સાહિત્યિક રચના પણ છે. પશ્ચિમ ગોળાર્ધમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતાં ત્યાં પણ નવાં સંસ્કરણો થવા લાગ્યાં. ઘણા વિદ્વાનો સ્વંતત્ર રીતે બાઇબલ પર ટીકા લખતા થયા. 1952માં યુનાઇટેડ સ્ટેટ્સના બાઇબલવિદોએ સહકારથી સંશોધિત માનક સંસ્કરણ (Revised Standard Vesion – RSV) તૈયાર કર્યું. તેને મોટાભાગના ખ્રિસ્તી દેશોએ માન્ય ગણ્યું. એ જ રીતે, બ્રિટનમાં 1970માં ‘ન્યૂ ઇંગ્લિશ બાઇબલ’ પ્રસિદ્ધ કરાયું.

બાઇબલ વિશ્વમાં સૌથી વધારે પ્રચલિત તથા પ્રભાવશાળી ધર્મગ્રંથ છે. યુરોપમાં ખ્રિસ્તી સંસ્કૃતિનું પ્રચંડ પ્રેરક બળ બાઇબલ છે. પંદરમી સદીના અંત ભાગથી યુરોપી પ્રજા નવા પ્રદેશોની શોધમાં વિશ્વના બધા ભાગોમાં ફરી વળી. તે સાથે આવા ઘણા પ્રદેશોમાં તેમની સંસ્કૃતિનો પ્રસાર થયો. યુરોપનાં ભાષા, સાહિત્ય અને કલા ઉપર બાઇબલનો ભારે પ્રભાવ રહ્યો અને યુરોપી દેશોનાં શાસનોને લીધે વિશ્વના બીજા અનેક પ્રદેશોમાં આ પ્રભાવનો પ્રસાર થયો

ફ્રાન્સિસ પરમાર

જેમ્સ ડાભી