બહુરૂપી (લોકકલા) : ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામેલી મનોરંજન માટેની એક લોકકલા. ‘બહુરૂપી’ એટલે ઘણાં રૂપો ધારણ કરનાર. એ જાતભાતના વેશ સાથે તદનુરૂપ અભિનય પણ કરે છે. આવા કલાકારો–બહુરૂપીઓની એક જાતિ છે. જૂના વખતમાં મનોરંજનનાં માધ્યમો બહુ ઓછાં હતાં ત્યારે બહુરૂપીઓએ લોકજીવનને ગમ્મતના ગુલાલ દ્વારા હર્યુંભર્યું રાખવામાં મૂલ્યવાન ફાળો આપ્યો હતો. ભારતમાં સદીઓથી ચાલી આવેલી આ પરંપરાને દેશી રજવાડાંઓએ ભૂતકાળમાં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું; એને કારણે આ કલાએ સારું કાઠું કાઢ્યું હતું. આઝાદી બાદ લોકજીવનમાં મનોરંજનનાં અનેક નવાં માધ્યમો દાખલ થતાં બહુરૂપીની કલાનો આખો યુગ આથમી ગયો છે. આજે તો ક્યાંક ક્યાંક રડ્યાખડ્યા બહુરૂપીઓ નાનામોટા વેશો કરતા અલપઝલપ જોવા મળે છે.

બહુરૂપીની કલાપરંપરાનો પ્રારંભ ક્યારથી થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. એવું અનુમાન કરવામાં આવે છે કે સામવેદમાં તાલ અને સૂરમાં ગાવાના મંત્રો છે. કાળક્રમે તેમાંથી ભૂતલીલા, પ્રેમલીલા અને રામલીલાનો જન્મ થયો. આ રામલીલાનું એક અંગ તે બહુરૂપીની વેશભૂષા. લોકગીતોની પરંપરા અનુસાર ભોળા શંભુએ પાર્વતીને છેતરવા માટે મણિયારાનો વેશ ધારણ કરી એમને રાતા ચૂડલા પહેરાવી કે મોચીડાનો વેશ લઈ ખભે લાલ મોજડી લટકાવી તેમના હાથે ભાવતાં ભોજન આરોગ્યાં હતાં. વળી દેવો અનેક સ્વરૂપે ભક્તોની ભીડ ભાંગવા આવ્યાનાં ઉદાહરણો પુરાણોમાંથી મળતાં હતાં. ઉપરાંત એક પૌરાણિક પરંપરા અનુસાર બલિરાજાના દ્વારે વિષ્ણુ ભગવાને 52 રૂપ લીધાં હતાં. આવી પારંપરિક ભૂમિકામાંથી બહુરૂપીઓ અસ્તિત્વમાં આવ્યા ને 52 સ્વરૂપના વેશો કરવા લાગ્યા એમ માનવામાં આવે છે. વિવિધ વેશો લેવામાં નટખટ કાનુડો પણ મોખરે રહ્યો છે. સાંદીપનિ ઋષિને ત્યાં ભણવા ગયેલા શ્રીકૃષ્ણે 14 વિદ્યા અને 64 કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ કલાઓમાં બહુરૂપીની કલાનો પણ સમાવેશ થતો હતો. આમ બહુરૂપીની કલા દેવોની દેણગી ગણાય છે. એના આદ્યસર્જક ભોળા શંભુ છે તો એને વિકસાવનાર શ્રીકૃષ્ણ છે.

ગુજરાતમાં બહુરૂપીનો વ્યવસાય કરનાર કલાકારો મોટેભાગે બ્રાહ્મણ, મુસલમાન, વાઘરી, ભાંડ, ભવાયા વગેરે જાતિઓમાંથી આવે છે. રાજસ્થાનના શ્રીગોડ બ્રાહ્મણોએ બહુરૂપીની કલા વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એમનાં કુળદેવી બ્રહ્માણીમાતા છે. આ દેવસ્થાનના આદેશ મુજબ એમના પ્રત્યેક કુટુંબમાંથી એક વ્યક્તિએ ફરજિયાત બહુરૂપીનો વેશ કરવો પડે છે. બહુરૂપીઓની ગુરુગાદી હોય છે. બગદાદ, મકનપુર, જયપુર, અજમેર અને કર્નાલમાં આવી ગાદીઓ આવેલી છે. અજમેરના મેળા વખતે તાલાઘોલામાં ભારતભરના બહુરૂપીઓ ભેગા થાય છે. અહીં ગુરુ એમની પરીક્ષા લે છે અને નવા બહુરૂપીઓને દીક્ષા આપે છે. કર્નાલમાં આવેલી મનવા ભાંડની ટેકરી બહુરૂપીઓ માટે પ્રેરણાસ્થાન ગણાય છે. અહીંની ગાદીના ગુરુ પાસે તાલીમ લેવા ઘણા બહુરૂપીઓ આવે છે.

ભારતભરમાં બહુરૂપીની ગાદીના 52 વેશો ગણાય છે. જૂના કાળે ઉસ્તાદ બહુરૂપીઓ 52 વેશો કરતા. આ વેશો 52 અઠવાડિયાં એટલે એક વર્ષ ચાલતા. આજે 52 વેશોના સંપૂર્ણ જાણકાર કોઈ જ બહુરૂપી બચ્યા નથી. અત્યારના બહુરૂપીઓ પરાણે પાંચથી સાત વેશો કરીને પેટિયું રળે છે. પરંપરિત એવા 52 વેશોમાંથી અર્ધનારીનટેશ્વર (શિવપાર્વતી) વેશનું સુંદર નૃત્ય વી. શાંતારામે ‘નવરંગ’ ફિલ્મમાં સંધ્યા દ્વારા કલાત્મક રીતે રજૂ કરાવ્યું હતું. આ ઉપરાંત હનુમાનજી, મહાકાળી, ગરુડસવાર વિષ્ણુ, સરસ્વતી, નારદમુનિ અને પુંડરીક જેવાં દેવદેવીઓ અને પૌરાણિક કથાઓનાં પાત્રોનાં રૂપો; ખાખી બાવા, સીદી ફકીર, જલાલી ફકીર, પંજાબી ફકીર, અરબી ફકીર, બુઢ્ઢા ફકીર, તપસ્વી બાબા, અલખિયા બાવા, ગુરુચેલો, નાથદ્વારાના મુખિયાજી જેવાં ઓલિયા, સંતો, મહંતો અને ફકીરબાવાઓનાં રૂપો; કાંસકીવાળી ભરવાડ-ભરવાડણ, રબારી-રબારણ, બીકાનેરની માલણ, લુવારિયાં, રંગરેજ, મદારી, કંસારો, જયપુરનો ગવૈયો, દાક્તરસાહેબ, અત્તરવાળો, મારવાડી શેઠ, ભૈયાજી, ચણાવાળો, કાબુલી પઠાણ જેવાં ધંધાવાળાનાં રૂપો; મેવાડના મહારાણા, દિલ્હીના બાદશાહ, ચંદ બારોટ અને મેવાડી રાજપૂત જેવાં ઐતિહાસિક પાત્રોનાં રૂપો તેમજ લયલા-મજનૂ, નેપાળની જોગણ, શીરી-ફરહાદ, જંગલી ભીલ, દેવર-ભાભી, સુરદાસ, ભિખારી, ગાંડો, ટપાલી, ફોજદાર, રેલવેના ટી. ટી., તોલમાપ ખાતાના અધિકારી જેવાં અનેક રૂપો ધારણ કરીને તેઓ મનોરંજન કરાવે છે. બહુરૂપીઓ વર્ષ દરમિયાન શહેર કે ગામડાંઓમાં ઘર ભાડે રાખી મહિનોમાસ રહે છે, અને રાતના સમયે ધાર્મિક વેશો રજૂ કરી છેલ્લે દિવસે અનાજ અને રોકડ રકમનો ખરડો ઉઘરાવે છે. બહુરૂપીની બોલી પણ મનોરંજક હોય છે.

બહુરૂપીનો વ્યવસાય કરનાર કલાકારે ગાદીના નિયમનું પાલન કરવું પડે. બહુરૂપીની ગાદીના નિયમ મુજબ એક ગામમાં કે શહેરના એક વિસ્તારમાં એક બહુરૂપી ફરતો હોય ત્યાં બીજાથી ન જઈ શકાય. બે ભેગા થઈ જાય તો નવો આવનાર સાચો છે કે ખોટો તેની પરીક્ષા થતી. તેને પ્રશ્નો પુછાતા :

(1) તમે બહુરૂપી છો તો ભાઈ, તમારી ગાદી કઈ ? (2) તમારું ઘરાણું કયું ? (3) તમે કેટલા વેશ કરો છો ? (4) તમે વેશ કરવા બેસો ત્યારે પહેલો પાઉડર ક્યાં કરો છો ? (5) દાઢી કરાવો ત્યારે વાળ કેટલા કપાવો છો ? (6) વેશ પહેરીને તમે કયા રૂપે જાઓ છો ને કયા રૂપે પાછા આવો છો ?

ખરો બહુરૂપી તુરત આ મુજબના જવાબો આપે :

(1) ગાદી : પાણીપત.

(2) ઘરાણું : કર્નાલ.

(3) જે કરતા હોય તે વેશનાં નામ આપે.

(4) પાણો લાવી, આદ્ય ભગવાન શિવ તરીકે સ્થાપી પ્રથમ પાઉડર એમને ચડાવી પછી અંગે લગાડું છું.

(5) દાઢી કરાવું ત્યારે બે વાળ કપાવું છું. એક કાળો ને બીજો ધોળો.

(6) વેશ પહેરીને સિંહસ્વરૂપે (ઝડપથી) જાઉં છું ને હાથી રૂપે નમ્રતાથી પાછો આવું છું.

પછી નવા આવેલા બહુરૂપીને ગાડીભાડું આપી ત્યાંથી વિદાય કરે છે.

બહુરૂપીની આવડત અને કલા તેનાં વેશપરિધાન–મેકઅપ અને તેની બોલીમાં વરતાઈ આવે છે. એની સફળતાનો આધાર પણ તેના પર જ અવલંબે છે. જૂના જમાનામાં બહુરૂપીઓ એકાદ રજવાડું માંડ માંગતા. કલાપ્રેમી રજવાડાંઓ એમને મહિનોમાસ રોકી એમના વેશો માણતા. એમને 12 મહિનાની ખાધાખોરાકી ને ખોબામોઢે રાણીછાપ રૂપિયા આપતા. એક રજવાડામાંથી બીજે જાય ત્યારે રાજનાં ગાડાં એમને મૂકવા માટે જતાં.

સૌરાષ્ટ્રમાં ભાંડ લોકો બહુરૂપીના વેશો કરે છે અને મોં વડે ચકલી, કબૂતર, મોર, બિલાડી, કૂતરું, ઘોડો, ગાય, ભેંસ જેવાં પશુ-પ્રાણીઓના હૂબહૂ અવાજ રજૂ કરે છે. એ કૂતરું બોલાવે તો સામે કૂતરાં ભસવા માંડે છે.

બહુરૂપીની દુનિયામાં મનવો ભાંડ કરીને બહુરૂપી થઈ ગયો. એની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. એમ કહેવાય છે કે તે બળદનો વેશ લેતો ને કોઈ કાંકરી મારે તો બળદની જેમ ચામડી હલાવતો. એણે જૈન મુનિ બનીને એક વાણિયાને બોધ આપ્યો. બહુરૂપીનો બોધ પામેલા વાણિયાએ સંસાર છોડી દીધો ને દીક્ષા લઈ લીધી. આ વાતની મનવા ભાંડને ખબર પડી એટલે એના અંતરમાં વલોપાત જાગ્યો. એને થયું, મારા વેશથી એક વાણિયો તરી ગયો ને હું સંસારમાં સબડ્યા કરું ? એનેય લગની લાગી ગઈ ને ભેખ લઈ લીધો.

બહુરૂપીની કલાનો યુગ આજે આથમી ગયો છે. ગરીબ બહુરૂપીઓ પેટિયું રળવા મજૂરીકામે લાગી ગયા છે. બહુરૂપીની કલા લોકજીવનનો મૂલ્યવાન વારસો છે. આ કલા પુનર્જીવિત બને તે માટે ગુજરાત લોકકલા ફાઉન્ડેશને કામગીરી શરૂ કરી દીધી છે.

જોરાવરસિંહ જાદવ