બહુરૂપી (સામયિક) (1931)

January, 2000

બહુરૂપી (સામયિક) (1931) : ગુજરાતી ડિટેક્ટિવ વાર્તાનું સાપ્તાહિક. સ્થાપના વીરમગામના ચંદુલાલ જેઠાલાલ વ્યાસે 1931માં કરી. છપાઈની સગવડ માટે તેનું કાર્યાલય રાણપુરમાં રખાયું. ચંદુલાલ તેના તંત્રી રહ્યા. ત્યારે તેનું વાર્ષિક લવાજમ 5 રૂપિયા હતું. કદ ત્યારનાં બીજાં જાણીતાં સામયિકો ‘નવરચના’, ‘નવચેતન’ અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાંને મળતું હતું. પાનાં કંઈક ઓછાં રખાયેલાં. તેની વિશેષતા તે દર અંકે એમાં આવતી એક લાંબી સંપૂર્ણ ડિટેક્ટિવ વાર્તા હતી. વાર્તાનો નાયક ડિટેક્ટિવ ચિત્રગુપ્ત વકીલ હતો. મુંબઈમાં નૅપિયન સી માર્ગ ઉપર તેનો બંગલો હતો. તેનો સહાયક મનહર હતો. ડિટેક્ટિવની મોટરગાડીનું વિશેષ નામ ‘સફેદ પરી’ હતું. ખલનાયકોમાં બે પાત્રો વારંવાર આવતાં : વામન પહેલવાન તથા ઝુલફિકાર અલી. આ બે મવાલીઓ ખોટાં કામ કરીને છટકી જતા. ચિત્રગુપ્ત બહુ કુનેહપૂર્વક અપરાધનો ભેદ ઉકેલી આપે અને તેમાં ઘણી વાર ભારે સાહસપૂર્વક અપરાધીનો પીછો પણ કરે. વાર્તા એવો રસ જમાવે કે એકીબેઠકે વાંચવી પડે. ‘બહુરૂપી’નું બીજું આકર્ષણ વૈદ્ય જાદવજી નરભેરામ ઠાકર(પાટડીવાળા)ની ‘રખે વહેમાતા’ નામની લેખમાળા હતી. ડિટેક્ટિવ વાર્તાની જેમ આ વિષયમાં પણ તેની પહેલ હતી. આ વિષય એટલે જાતીય જ્ઞાનનો વિષય. પાછળથી લેખમાળા પુસ્તક રૂપે સુલભ બનાવાઈ હતી. ‘બહુરૂપી’ની સફળતાથી પ્રેરાઈને ચંદુલાલે એવું બીજું સાપ્તાહિક ‘બિરાદર’ બે વર્ષ પછી શરૂ કર્યું. તે પણ ખાસ્સું ચાલ્યું. તેમના અવસાન પછી પુત્ર મનહરે થોડો સમય ‘બહુરૂપી’ ચલાવ્યું હતું.

બંસીધર શુક્લ