બહુદેવવાદ (polytheism) : વેદગ્રંથોમાં ઘણાં દેવદેવીઓ રહેલાં છે એવું માનતો સિદ્ધાન્ત. વેદનાં સૂક્તોમાં, તેમાં વર્ણવેલા આચારમાં જીવન પ્રત્યે જોવાની જે ર્દષ્ટિ તરી આવે છે તે બોધપ્રદ છે. પરમ સત્યના સ્વરૂપને લગતા પ્રશ્નોના જે ઉત્તર તે વખતના લોકો સાચા માનતા હોય તે ઉત્તરો આપણને એ પુરાણકથાઓ ને ઉપાસનાના પ્રકારોમાં જોવા મળે છે. એ ઉત્તરો કલ્પનામાંથી નિપજાવેલા હોય છે. જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય કોઈ દેવદેવીઓને હાથે થતાં માનવામાં આવે છે. જે સ્થાયી તત્વો અથવા મહાભૂતોનું આ વિશ્વ બનેલું છે તેમને દેવદેવી રૂપે કલ્પવામાં આવે છે. અલબત્ત, આમ થતાં તેમાં સૃષ્ટિવિજ્ઞાન અને દેવોપાસના બે સેળભેળ થઈ જાય છે. ઋગ્વેદમાં આપણને તત્વ-ચિન્તનની જે પ્રાથમિક ભૂમિકા જોવા મળે છે, તેમાં દેવદેવીઓ વિશેની કલ્પનાઓ, સૃષ્ટિવિજ્ઞાન અને ધર્મ અથવા ઉપાસના એ સર્વનું મિશ્રણ થયેલું જોવા મળે છે. ઋગ્વેદનાં સૂક્તોમાં જુદા જુદા અનેક દેવોના ઉલ્લેખ કરેલા છે, ઘણાં દેવદેવીઓનાં નામો આપેલાં છે ને તેમની સ્તુતિ ને ઉપાસના કરેલી છે. નિસર્ગની વિવિધ શક્તિઓરૂપી અનેક દેવદેવીઓની ઉપાસના એ દાર્શનિક વિચારનું પહેલું સ્તર લેખી શકાય. આ જ બહુદેવવાદનું મૂળ છે.

‘દેવ’ શબ્દનો અર્થ અચોક્કસ છે, ને ઘણી જુદી જુદી વસ્તુઓ સૂચવવા તેનો ઉપયોગ થાય છે. ઉદા., દાન આપે તે દેવ; દીપે તે દેવ; તેજસ્વી હોય તે દેવ; અથવા તો આકાશ કે સ્વર્ગમાં રહે તે દેવ. ‘દેવ’ શબ્દ લૅટિન શબ્દ DEUS – ‘દ્યુસ્’ની સાથે સંબંધ ધરાવે છે ને જે ધાતુમાંથી તે નીકળેલો છે તેનો મૂળ અર્થ છે દીપવું કે પ્રકાશવું

(दिव् = પ્રકાશવું). તેથી ‘દેવ’નો અર્થ થાય દ્યુતિમાન અર્થાત્ તેજસ્વી. ઋષિઓનાં હૃદય ઉન્નત અને ર્દષ્ટિ પ્રતિભાયુક્ત હોવાથી આ અખિલ વિશ્વમાં તેમજ એના વિવિધ પદાર્થોમાં એમને ચૈતન્યની ઝલક દેખાતી હતી અને એ ચૈતન્યની ઝલકને તથા ઝલકવાળા પદાર્થોને તેઓ ‘દેવ’ કહેતા હતા. એ પદાર્થોનાં વિવિધ ગુણ અને કર્મ પ્રમાણે તે તે દેવનાં જુદાં જુદાં નામ પડ્યાં હતાં અને એક અનંત પદાર્થમાંથી એ વિવિધ પદાર્થો નીકળે છે તેથી એ અનંત પદાર્થના દેવતાને તેઓ દેવમાતા ‘અદિતિ’ કહેતા હતા. પહેલાં ભૌતિક તત્વોની અને પછી માનવ-રૂપધારી શક્તિઓની ઉપાસના ને માનવરૂપમાંથી આગળ વધીને દૈવી તત્વની ઉપાસના, એમ ઉત્તરોત્તર પ્રગતિ થઈ હોય એ સંભવિત છે.

આર્યો અને અનાર્યો ભારતવર્ષની ભૂમિ પર ભેગા થયા તે કાળમાં ઋગ્વેદનાં સૂક્તોનો સંગ્રહ કરવામાં આવ્યો હશે (સંહિતા = સંગ્રહ) એવો ડૉ. એસ. રાધાકૃષ્ણનનો મત છે. ભારતના પ્રસિદ્ધ ભાષ્યકાર સાયણાચાર્ય સંહિતા(ઋક્ આદિ)ના દેવોને નિસર્ગની જુદી જુદી શક્તિઓ માને છે; અને આ માન્યતાને આધુનિક યુરોપિયન વિદ્વાનો પણ અનુમોદન આપે છે. ટેલર કહે છે, ‘મનુષ્યનું શરીર તેમાં વસતા આત્માની શક્તિ વડે જીવે છે ને હાલેચાલે છે, એવું જેમ મનાતું, તેમ સૃષ્ટિની ક્રિયાઓ બીજા દેવો ચલાવે છે એવો ભાસ થતો.’ હ્યૂમ લખે છે કે, ‘વિશ્વનાં સર્વ સત્વોને પોતાના જેવાં કલ્પવાની વૃત્તિ સમગ્ર માનવસમાજમાં સર્વ દેશકાળમાં હોય છે……. એ સત્વોને વિચાર, બુદ્ધિ ને રાગદ્વેષ હોય છે એમ આપણે થોડા જ વખતમાં માનવા લાગીએ છીએ; ને તેમને મનુષ્યના જેવાં હાથપગ અને આકૃતિઓ હોય છે એવી પણ કલ્પના કેટલીક વાર કરીએ છીએ.’ યોગી શ્રી અરવિન્દ ઘોષના મતે વેદો ગુપ્ત સિદ્ધાન્તો અને ગૂઢવાદી તત્વવિચારોનાં સૂચનોથી ભરેલા છે. વેદમંત્રોનાં દેવદેવીઓ તે મનુષ્યના મનમાં ચાલતી ક્રિયાઓનાં મૂર્તપ્રતીકો છે; દા.ત., સૂર્ય તે બુદ્ધિ, અગ્નિ તે સંકલ્પશક્તિ ને સોમ તે લાગણી છે. પ્રાચીન ગ્રીસમાં જે ઑરફિક અને ઇલ્યુઝિનિયન સંપ્રદાયો હતા તેની પેઠે વેદ (ઋગ્વેદ) પણ ગુપ્ત ઉપાસનાવિધિઓવાળો ધર્મ હતો; આર્યસમાજના સંસ્થાપક દયાનંદ સરસ્વતી તથા બ્રહ્મોસમાજના રાજા રામમોહન રાય વગેરેના મતે વેદના દેવો તે ‘પરમાત્માના ભિન્ન ભિન્ન ગુણોનાં પ્રતીકો છે.’

કેટલાક પાશ્ચાત્ય વિચારકોના મતે દેવતા અનેક છે. પ્રત્યેક દેવતા પ્રકૃતિના એક વિભાગનો અધ્યક્ષ છે. દેવતાનું સ્વરૂપ આમ વિભાગીય અધ્યક્ષના જેવું છે. જે વિભાગ જેટલો મહત્વપૂર્ણ છે તેટલો જ મહત્વપૂર્ણ તેનો દેવતા પણ છે. ઉસેનર (Usener) દેવતાઓની બે શ્રેણીઓની વાત કરે છે. પ્રથમ શ્રેણીમાં વિશિષ્ટ દેવતાઓ – special gods – જેવા કે અગ્નિ, વાયુ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે દ્વિતીય શ્રેણીમાં વરુણ, ઇન્દ્ર જેવા માનવાકૃતિ દેવો(personal gods)નો સમાવેશ થાય છે. બ્લૂમફીલ્ડ વૈદિક દેવતાઓનું જે રીતે વિભાજન કરે છે તેમાં ઐતિહાસિક કાળ-ક્રમનો માપદંડ જોવા મળે છે. તેના મતે દેવતાઓની પાંચ શ્રેણીઓ છે :

1. પ્રાગૈતિહાસિક દેવતા (prehistoric gods)

2. પારદર્શી દેવ (transparent gods)

3. પારભાસી દેવ (translucent gods) – વિષ્ણુ, પૂષન્ વગેરે

4. અપારદર્શી દેવ (opaque gods) – આ વર્ગના દેવતાઓની આકૃતિ માણસને મળતી આવે છે; ઉદા., ઇન્દ્ર

5. અમૂર્ત પ્રતીકાત્મક દેવો (abstract symbolic gods) – દાત., શ્રદ્ધા, ભક્તિ વગેરે.

જોકે બ્લૂમફીલ્ડના આ વિભાજનમાં પણ ત્રુટિઓ છે. આ રીતે દેવતાઓને કાળક્રમના સૂત્રમાં બાંધવા કઠિન છે.

યાસ્ક તેમના ‘નિરુક્ત’માં કહે છે કે ઘણા વેદમંત્રોના ત્રિવિધ અર્થ થાય છે : આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. ઉદા., અગ્નિનો આધિભૌતિક અર્થ છે બળતો દેવતા; આધિદૈવિક અર્થ છે પુરોહિત દેવ; અને આધ્યાત્મિક અર્થ છે પરમાત્માનું ભવ્ય તેજ. નિસર્ગનાં બળોનાં આવાહન અને સ્તુતિ કરવામાં આવતાં ત્યારે ઉપાસકોનું લક્ષ તેમનાં બાહ્ય રૂપ ઉપર નહિ, પણ તેના અંતસ્તલમાં રહેલી શક્તિ ઉપર રહેતું.

ઋગ્વેદ સંહિતાનો ધર્મ અનેક દેવની ઉપાસનાનો નથી એ વાતનું કાંઈક ભાન થવાથી પ્રો. મૅક્સમૂલરે એને માટે એકદેવવાદ કે એકેશ્વરવાદ –  monotheism – જેવો શબ્દ નહિ વાપરતાં, તેમણે henotheism શબ્દ યોજ્યો છે : એનો અર્થ એવો છે કે ઋષિ જે વખતે જે દેવની સ્તુતિ કરે છે તે વખતે એક દેવને જ માને છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે મૅક્સમૂલર ‘હેનોથીઇઝમ’ કહે છે તે વૃત્તિ વેદમાં દેખાય છે. તેનો અર્થ એ છે કે વારાફરતી એક એક દેવ, જાણે મોટામાં મોટો ને એકમાત્ર દેવ (વેદના પોતાના શબ્દો વાપરીને કહીએ તો देवानां देवतम: અથવા देवेषु अधिदेव:) હોય. આનો કામચલાઉ પર્યાય શબ્દ ‘અધિદેવવાદ’ બનાવી શકાય. જેમાં એક દેવને સર્વદેવોમાં ‘અધિદેવ’ માનવામાં આવે છે તે. પણ આ વાદમાં તર્કર્દષ્ટિએ જોતાં વિચારદોષ રહેલો છે. એમાં હૃદય તો આગળ વધવાનો ખરો માર્ગ બતાવે છે, પણ બુદ્ધિ એ રસ્તે જવાની ના પાડે છે.

દેવોની સંખ્યાની વાત કરીએ તો, ‘ત્રણ હજાર ત્રણસો ત્રીસ અને નવ (3339) દેવોએ અગ્નિની સેવા કરી’ (જુઓ ઋગ્વેદ 3;9;9) અથવા તો ‘3 એ આંકડાવાળી બીજી કોઈ સંખ્યા જેટલા છે’ એમ પણ કહેવામાં આવ્યું છે. બે દેવો જ્યારે એકનું એક કામ કરતા હોય ત્યારે તેમના જોડકાનું સાથે આવાહન કરવામાં આવે છે. કેટલીક વાર ‘विश्वदेवा:’ એવા વ્યાપક નામ હેઠળ તમામ દેવોને ભેગા કરી તેમની સ્તુતિ કરાય છે. મનુના મતે યજ્ઞીય દેવો સર્વદેવો છે કે જેમની સંખ્યા 33ની છે, કારણ કે જ્ઞાની અને ક્રાન્તદર્શી કવિઓ સુપર્ણ(આદિત્ય, પરમાત્મા)ને એક છતાં અનેક રૂપે કલ્પે છે. આનંદશંકર બા. ધ્રુવના મતે આ અનેકતા ઉપરથી કેટલાકને વેદમાં અનેકદેવવાદ હોવાની ભ્રાન્તિ થાય છે; પરંતુ વસ્તુત: એ ભ્રાન્તિનું બીજ પરમાત્મા સંબંધી અપૂર્ણ વિચારમાં રહેલું છે. વેદના ઋષિઓ પરમાત્માને બદલે જડ પદાર્થોને પૂજે છે (physiolatry) અથવા તો અનેકદેવવાદ(polytheism)માં માને છે એમ કહેવું વાજબી નથી. દેવો એવા મહાભાગ છે કે એ એક હોઈને પણ એનાં અનેક નામો હોય છે. ‘यद् यद् विभूतिमत् सत्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेववावगच्छ त्वं मम तेजोंशसंभवत् ।।’  એ ભગવદગીતાના વચનમાં ધર્મના મૂળનું પૂર્ણ તત્વજ્ઞાન સમાયેલું જોવા મળે છે.

ઋગ્વેદસંહિતાની દેવતાઓમાં અદિતિ, દ્યૌ:પૃથિવી, ત્વષ્ટા, વિશ્વકર્મા, હરિણ્યગર્ભ અને પ્રજાપતિ, પુરુષ, અગ્નિ, વરુણ, ઇન્દ્ર, વિષ્ણુ, સવિતા, સૂર્ય, પૂષા, અશ્વિનૌ, યમ, રુદ્ર, મરુત્, વાત  વાયુ, પર્જન્ય, ઉષા, વાસ્તોષ્પતિ, ક્ષેત્રપતિ, બ્રહ્મણસ્પતિ, સોમ, આપ:, ઇલા વગેરે દેવો ઉપરાંત ઇન્દ્રાણી, વરુણાની, અગ્નાયી એમ દેવો ઉપરથી એમની શક્તિરૂપ દેવીઓ થયેલી જોવા મળે છે. આમાં પૃથ્વીસ્થાનીય દેવ, અન્તરીક્ષસ્થાનીય દેવ, આકાશ(દ્યુ:)-સ્થાનીય દેવ વગેરેનો સમાવેશ થાય છે. ઋગ્વેદનાં કેટલાંક સૂક્તોમાં એકેશ્વરવાદ (monotheism) પ્રગટ થાય છે. કેટલીક વાર જુદા જુદા અનેક દેવોને પરબ્રહ્મ કે પરમાત્માનાં જુદાં જુદાં નામોને અંગો માનવામાં આવે છે.

કોઈ એને ઇન્દ્ર, કોઈ મિત્ર, કોઈ વરુણ ને કોઈ અગ્નિ કહે છે. એ જ પાંખવાળો દિવ્ય સુપર્ણ છે. સત્ એક છે તેને વિપ્રો બહુ રીતે વર્ણવે છે. તેઓ એને અગ્નિ, યમ, માતરિશ્વા, એમ અનેક નામ આપે છે. વેદની સંહિતાઓમાં બહુદેવવાદ ભલે જણાતો હોય, પરંતુ વેદના જ્ઞાનકાંડ ઉપનિષદોમાં તો અદ્વૈતવાદ અથવા એકેશ્વરવાદ જ રહેલો છે એ સ્પષ્ટ છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ