બર્નિયર, ફ્રાંકવા

January, 2000

બર્નિયર, ફ્રાંકવા (જ. 1620, એંગર્સ, ફ્રાંસ; અ. 1688, પૅરિસ) : ભારત સહિત અનેક દેશોનો (1656–1668) પ્રવાસ ખેડનાર ફ્રેંચ પ્રવાસી. તેણે પોતાનું પ્રવાસપુસ્તક ફ્રેંચ ભાષામાં 1670માં પ્રગટ કર્યું હતું. ફ્રાંકવા બર્નિયરે યુવાવસ્થામાં જર્મની, પોલૅન્ડ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો અને 1652માં તબીબની પદવી લઈને તે પૅરિસ પહોંચ્યો હતો. તેણે 1654માં પૅલેસ્ટાઇન અને સિરિયાની મુલાકાત લીધી હતી. તેણે 1656–1658 વચ્ચે ઇજિપ્તના કેરો શહેરમાં અને અરબસ્તાનનાં જિદ્દા તથા મુકા બંદરોમાં નિવાસ કર્યો હતો. ત્યાંથી 1659માં એક ભારતીય નૌકામાં બાવીસ દિવસનો પ્રવાસ ખેડીને તે સૂરત બંદરે આવી પહોંચ્યો હતો. સૂરતથી આગ્રા જતાં રસ્તામાં અમદાવાદ નજીક તેની  મુલાકાત મુઘલ શાહજાદા દારા શિકોહ સાથે થઈ હતી. દારા શિકોહ આ ફ્રેંચ પ્રવાસીને પોતાના અંગત તબીબ તરીકે સિંધ લઈ જવા ઇચ્છતો હતો; પરંતુ બર્નિયર તેને છોડીને અમદાવાદ અને ત્યાંથી એક મુઘલ અમીરના કાફલા સાથે દિલ્હી પહોંચી ગયો હતો.

બર્નિયરે ભારતમાં અમદાવાદ અને દિલ્હી ઉપરાંત કાશ્મીર, લાહોર, બંગાળ, મછલીપટ્ટમ અને ગોલકોન્ડાની મુલાકાત લીધી હતી અને 1667માં તે સૂરત બંદરેથી ઈરાનના શીરાઝ શહેરમાં પહોંચી ગયો હતો. તેણે 1685માં ઇંગ્લૅન્ડનો પણ પ્રવાસ ખેડ્યો હતો.

ભારતનો પ્રવાસ ખેડનાર યુરોપિયન પ્રવાસીઓમાં બર્નિયર સૌથી વધુ ખ્યાતિ પામ્યો છે. તેણે તબીબીશાસ્ત્ર ઉપરાંત તત્વજ્ઞાનનું પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે મુઘલ સમ્રાટ શાહજહાનના દીકરાઓ વચ્ચે લડાઈ ચાલતી હતી. આ લડાઈનું વર્ણન તેણે ચોકસાઈપૂર્વક કરેલું છે. દિલ્હી, આગ્રા અને કાશ્મીર અંગે પણ તેણે રસપ્રદ વર્ણન કર્યું છે.

બર્નિયરનાં પ્રવાસ-વર્ણનો, તેની હયાતીમાં પૅરિસથી ફ્રેંચ ભાષામાં અને તેના અવસાન બાદ લંડનથી અંગ્રેજીમાં અનુવાદો રૂપે પ્રગટ થયાં હતાં. ‘હિસ્ટરી ઑવ્ ધી એમ્પાયર ઑવ્ ધ ગ્રેટ મુઘલ્સ’ના શીર્ષક હેઠળ તેનાં પ્રવાસ-વર્ણનો પ્રકાશિત થયાં છે. વળી ભારતનાં જુદાં જુદાં સ્થળો અને લોકસમૂહોના વર્ણનવાળા તેના પત્રો બર્નિયરના ‘મેમ્વર્સ’ના નામે પ્રકાશિત થયા છે. બર્નિયરે પોતાની પ્રવાસકથાઓમાં મુઘલ સમ્રાટ શાહજહાન તથા ઔરંગઝેબના સમયની રાજકીય ઘટનાઓ, તેમના અમીર-ઉમરાવો, તેમના દરબારો, સોના-ચાંદીનાં ચલણો, સૈન્ય, ન્યાય તથા ધનની વિગતો, રાજ્યની પડતીનાં મુખ્ય કારણો, હિન્દુઓના રિવાજો, રહેણીકરણી તથા અન્ય અનેક પ્રકારની ખાનગી તથા જાહેર વિગતોનું વર્ણન કર્યું છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી