બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન

January, 2000

બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન (જ. 25 ઑક્ટોબર 1888, વિંચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 11 માર્ચ 1957, બૉસ્ટન) : ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર જનાર પ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક અને અન્વેષક. 1912માં તેણે અમેરિકન નૌસેના અકાદમીની પદવી લીધી. તે ઍન્ટાર્ક્ટિકાના અન્વેષક તરીકે પ્રખ્યાત છે.

વર્જિનિયા યુનિવર્સિટીની સેનાન્દોહ લશ્કરી અકાદમીમાં અને યુ.એસ. નૌસેના અકાદમીમાં જોડાયા બાદ યુ.એસ.ના પેન્સાકોલા હવાઈમથક ઉપરથી તેણે ઉડ્ડયનની તાલીમ લીધી. તેણે પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી નૌસેનામાં વિશેષ યોગ્યતા સાથે સેવાઓ આપી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તેણે વિમાનો માટે નૌસંચાલનીય (navigational) સુવિધાઓ વિકસાવવા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેણે 1924માં ધ્રુવીય પ્રદેશના અન્વેષણની સાહસ-સફર શરૂ કરી. સમુદ્રી બરફ અને હિમનદી (glacier) ઉપર થઈને ઊડતાં જે અનુભવ તેને થયો તેનાથી ઉત્તર ધ્રુવ ઉપર જવાની તેની ઉત્કંઠા તીવ્ર બની. પરિણામે તેણે 9 મે 1926ના રોજ આવી સફર પૂરી કરી. તે માટે તેને યુ.એસ. કૉંગ્રેશનલ સન્માનપદક આપવામાં આવ્યો.

ત્યારબાદ ઍટલાંટિક ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ઊડવાનો તેણે સંકલ્પ કર્યો, જે તેણે તેના ત્રણ સાથીદારો જોડે જૂન 1927માં પૂરો કર્યો. 42 કલાકના સફળ ઉડ્ડયન બાદ તેને ફ્રેન્ચ લીયનનો કમાન્ડર બનાવાયો. આ સાથે બર્ડ અને તેના સાથીદારોને ન્યૂયૉર્કના મેયર તરફથી બહાદુરીના ચંદ્રકો પણ આપવામાં આવ્યા.

1928માં ઍન્ટાર્ક્ટિકાના અજાણ્યા વિસ્તારો ઉપર ઊડવાનો તેણે નિર્ધાર કર્યો. તે માટે એડ્સેલ ફૉર્ડ અને જે. ડી. રૉકફેલરે (જુ.) જરૂરી આર્થિક મદદ કરી.

ઍન્ટાર્ક્ટિકાના વિસ્તારમાં રૉકફેલર ગિરિમાળા નામે જાણીતા ઊંચા પર્વતો 1928માં શોધી કાઢ્યા. તેથી આગળનો વિસ્તાર જે આજ લગી અજાણ્યો હતો તે શોધી કાઢ્યો અને પોતાની પત્નીના નામ ઉપરથી તે વિસ્તારનું નામ મેરી બર્ડ-લૅન્ડ રાખ્યું.

1933માં તે ઍન્ટાર્ક્ટિકામાં લિટલ અમેરિકાના નામે ઓળખાતા વિસ્તાર ઉપર ગયો. તે પ્રદેશનું તેણે ચિત્રાંકન (mapping) કર્યું. ધ્રુવની આસપાસની ધરતી ઉપર અધિકાર સ્થાપ્યો. તેણે તેની સાહસ-સફર મેરી બર્ડ-લૅન્ડ સુધી લંબાવી અને વૈજ્ઞાનિક સંશોધન આગળ ધપાવ્યું. બૉલિંગ એડવાન્સ બેઝે નામના સ્થળ ઉપર –50°થી –60° સે. તાપમાન વચ્ચે તેણે ઝૂંપડીમાં પાંચ મહિના પસાર કર્યા. તે ખૂબ જ થાકી ગયો હતો અને કાર્બન મૉનૉક્સાઇડનું ઝેર લાગતાં ગંભીર રીતે બીમાર પડી ગયો હતો. તેની આ સફર બાદમાં વિવાદાસ્પદ પણ બની હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે નૌસેનાના સ્ટાફના વડા તરીકે સેવાઓ આપી. તે દરમિયાન તેણે પૅસિફિક ટાપુઓનું સંક્રિયાત્મક (operatioanl) સ્થાન તરીકે મૂલ્યાંકન કર્યું.

સંગઠન અને પ્રશાસન પરત્વે તે તીક્ષ્ણ બુદ્ધિથી કામ લેતો હતો. તે ભારે પ્રભાવી અને કુશળ અફસર પુરવાર થયો હતો ને તેણે સરકારી ક્ષેત્રે રહીને સ્વદેશ અને માનવતાની ઉત્તમ સેવા કરી.

ધ્રુવીય સંશોધન માટે એરોપ્લેન, રેડિયો અને આધુનિક તકનિકોનો ઉપયોગ તેની અપૂર્વ સિદ્ધિ ગણાય છે. જાહેર સંબંધો નિભાવવામાં તે સક્ષમ હતો. તે છતાં સંશોધન માટે સાહસો ખેડવા માટે જરૂરી ખર્ચાઓ માટે તેને બીજાઓ ઉપર આધાર રાખવો પડતો હતો. યુ.એસ.ની પ્રજા તેના સદગુણો પ્રત્યે આફરીન હતી. એટલે તે પ્રજામાં ખૂબ જ વિશ્વસનીય રહ્યો હતો. વ્યાવસાયિક સિદ્ધિ તેનું લક્ષ્ય હતું. તેનું અવસાન થયું ત્યારે તેને આંતરરાષ્ટ્રીય પરાક્રમી વ્યક્તિ તરીકેનું માન મળ્યું હતું. વર્જિનિયાના આર્લિન્ગ્ટન કબ્રસ્તાનમાં લશ્કરી સન્માન સાથે તેની દફનવિધિ કરવામાં આવી હતી.

પ્રહલાદ છ. પટેલ