બર્ડ, ડિકી (જ. 1933, સાઉથ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા ક્રિકેટ અમ્પાયર. હૅરલ્ડ ડિકી બર્ડનું આ લાડકું નામ છે. યૉર્કશાયર (1956–59) તથા લેસ્ટરશાયર (1960–64) દરમિયાન તે કાઉન્ટી ક્રિકેટમાં રમતા રહ્યા. ત્યારપછી લોકપ્રિય અને આદરપાત્ર અમ્પાયર તરીકે બેહદ નામના પામ્યા.

તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વની રમતોમાં અમ્પાયર તરીકે ફરજ બજાવી. તેમાં 68 ટેસ્ટ મૅચ ઉપરાંત વિશ્વવિક્રમરૂપ 92 એક-દિવસીય મૅચ, વિશ્વવિક્રમરૂપ 159 આંતરરાષ્ટ્રીય મૅચ અને એક અન્ય વિક્રમરૂપ 3 વિશ્વકપ (1975, 1979, 1983) માટેની ફાઇનલ મૅચનો સમાવેશ થાય છે.

1996માં તેમણે ટેસ્ટ મૅચના અમ્પાયર તરીકે નિવૃત્તિ લીધી. 1988માં ‘ફ્રૉમ ધ પૅવિલિયન એન્ડ’ નામનું તેમનું પુસ્તક પ્રગટ થયું હતું.

મહેશ ચોકસી