બર્ગ, પૉલ (જ. 30 જૂન 1926, ન્યૂયૉર્ક સિટી) : પ્રથમ નિર્ગમન આર. એન. એ.(transfer RNA)ની શોધ કરનાર તથા પુનર્યોજક ડીએનએ (recombinant DNA) તકનીકની પહેલ કરનાર અમેરિકન આણ્વિક જૈવવૈજ્ઞાનિક. બર્ગે પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી તથા વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1952માં પીએચ.ડીની પદવી મેળવી.

પૉલ બર્ગ

પ્રથમ વૉશિંગ્ટન યુનિવર્સિટી(સેન્ટ લૂઈસ)ની સ્કૂલ ઑવ્ મેડિસિનમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ 1959માં કૅલિફૉર્નિયામાં યુનિવર્સિટી ઑવ્ સ્ટૅન્ફર્ડમાં જોડાયા અને 1960માં ત્યાં જૈવરસાયણના પ્રાધ્યાપક બન્યા. તે અગાઉ 1955માં ફ્રાન્સિસ ક્રિકે એવું સૂચવેલું કે એમીનો ઍસિડ RNA ટેમ્પ્લેટ પરસ્પર ક્રિયા કરતાં નથી, પણ તેમને એક અનુકૂલક (adaptor) અણુ દ્વારા ભેગા કરવામાં આવે છે અને એ રીતે RNA ટેમ્પ્લેટના નિયંત્રણ હેઠળ એક મધ્યસ્થી અનુકૂલક અણુ મારફત એમીનો ઍસિડમાંથી પ્રોટીનનું સંશ્ર્લેષણ થતું હોય છે. તેમણે એવું પણ સૂચન કરેલું કે 20 એમીનો ઍસિડ પૈકી દરેકને માટે એક વિશિષ્ટ અનુકૂલક હોવો જોઈએ. ક્રિકની પરિકલ્પનાથી અજાણ એવા બર્ગે પછીના વર્ષે (1956માં) આવા અનુકૂલકને પારખવામાં સફળતા પ્રાપ્ત કરી, જે હાલ નિર્ગમન RNA તરીકે ઓળખાય છે. બર્ગે એક નાનો RNA અણુ શોધી કાઢ્યો, જે મિથિયોનિન નામના એમીનો ઍસિડનું સ્થાનાંતર કરે છે.

ત્યારબાદ બર્ગે એક કોષમાંથી પસંદ કરેલાં જનીનો(genes)ને અન્ય (foreign) જીવાણુમાં દાખલ કરવાની પદ્ધતિ વિકસાવી અને એ રીતે આ જીવાણુને જેમાંથી જનીનો લેવામાં આવ્યાં હતાં તેવા કોષની લાક્ષણિકતાઓ ધરાવતાં પ્રોટીન ઉત્પન્ન કરતાં બનાવ્યાં. આને પુનર્યોજક DNA તકનીક અથવા જનીનિક (genetic) ઇજનેરી તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ એ અર્થમાં મૂલ્યવાન છે કે તેના દ્વારા ઇન્સ્યુલિન કે ઇન્ટરફેરૉન જેવાં પ્રોટીનોનું જીવાણુઓ દ્વારા સરળ સંશ્લેષણ થઈ શકે છે.

તે પછી ‘સાયન્સ’ નામના સામયિકના એક અંકમાં (24 જુલાઈ 1974) ‘બર્ગનો પત્ર’ નામના લેખના પ્રકાશનને કારણે તેમને વધુ ખ્યાતિ મળી. આ લેખને અનેક અગ્રગણ્ય આણ્વિક વૈજ્ઞાનિકોનું સમર્થન પ્રાપ્ત થયેલું હતું. તેમાં તેમણે પુનર્યોજક પદ્ધતિના અનિયંત્રિત પ્રયોગો કરવા અંગે સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વિશિષ્ટ ઉત્સેચકોનો ઉપયોગ કરીને એક સજીવના DNAના કેટલાક ભાગને કાપી લઈ તેમને અન્ય સૂક્ષ્મજીવાણુના DNAમાં દાખલ કરવાનું શક્ય બન્યું છે. આથી જો સામાન્ય પ્રયોગશાળામાં મળી શકતા ઇશિરિચિયા કૉલી નામના બિનહાનિકારક સૂક્ષ્મ જીવાણુમાં અર્બુદ માટે કારણભૂત એવા વિષાણુ (virus) SV 40ને અકસ્માતે યા ઇરાદાપૂર્વક દાખલ કરી દેવામાં આવે તો તે સમગ્ર માનવજાત માટે અકલ્પનીય પરિણામો ઉત્પન્ન કરી અનર્થ સર્જી શકે. આથી તેમણે કેટલાક પ્રયોગો ઉપર તત્પૂરતી બંધી અને કેટલાક ઉપર ચુસ્ત નિયંત્રણની હિમાયત કરી હતી અને અસિલોમર(કૅલિફૉર્નિયા)માં મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદ બાદ 1976માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થ દ્વારા આ અંગે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી.

1980ના વર્ષનો રસાયણવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર પૉલ બર્ગ, વૉલ્ટર ગિલ્બર્ટ તથા ફ્રેડરિક સૅન્ગર વચ્ચે વહેંચાયેલો. એ પુરસ્કારનો 50 % ભાગ ન્યૂક્લીઇક ઍસિડના જૈવ રસાયણ માટે, ખાસ કરીને પુનર્યોજક DNA માટે બર્ગને અને બાકીનો 50 % ભાગ બે રસાયણવિદો : વૉલ્ટર ગિલ્બર્ટ તેમજ ફ્રેડરિક સૅન્ગરને સંયુક્તપણે અપાયેલો.

જ. પો. ત્રિવેદી