બર્ગ, મૅક્સ (જ. 1870; અ. 1947) : પોલૅન્ડના આધુનિક સ્થપતિ. પોલૅન્ડના પશ્ચિમ ભાગમાં અગાઉ બ્રૅસ્લૉ નામે ઓળખાતા આજના વ્રૉકલૉ નગરમાં તેમનાં કેટલાંક મહત્વનાં સ્થાપત્યો આવેલાં છે. બર્ગ વ્રૉકલૉના નગરસ્થપતિ હતા. 1912થી 1923 સુધીમાં તેમણે ‘હાલા લુડોયા’ નામના ભવ્ય સભાખંડની ડિઝાઇન તૈયાર કરી. આ બાંધકામ 1925માં પૂરું થયું. અત્યાર સુધીમાં નિર્માણ પામેલાં ભવનોમાં રીઇન્ફૉર્સ્ડ ક્રૉંક્રીટ વડે નિર્માણ પામેલું તે વિશ્વનું સૌથી વિરાટ સ્થાપત્ય હતું. તેનાં ઘુમ્મટ અને કમાનો ભવ્ય છે તથા ક્યૂપોલા (ઘુમ્મટની ઉપર બાંધેલો ત્રીજો નાનો ઘુમ્મટ) રોમના સેંટ પીટર્સ કરતાં પણ વધુ વિરાટ છે. વ્રૉકલૉ નગરના સેન્ટેનિયલ એક્સ્પોઝિશન માટે તેમણે બીજાં કેટલાંક ભવનોની ડિઝાઈન પણ તૈયાર કરી હતી.

અમિતાભ મડિયા