બરડો : સૌરાષ્ટ્રમાં જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ઈશાનથી નૈર્ઋત્ય પથરાયેલી 16 કિમી. ઉત્તર-દક્ષિણ અને 11 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈની ડુંગરમાળા. તેનો ઉત્તર છેડો જામનગર જિલ્લા તરફ અને દક્ષિણ છેડો પોરબંદર પંથક તરફ આવેલો છે. આ ડુંગરમાળાનો કુલ વિસ્તાર 181.30 ચોકિમી. જેટલો છે.

દાનશાસનમાં બરટક પર્વતનો ઉલ્લેખ મળે છે, જે બરડાનું સંસ્કૃત નામ હોવાનું જણાય છે. પાર્જિટર બરડાને રૈવતક પર્વત હોવાનું જણાવે છે. બરડાની એક ધાર આજે પણ રેવત તરીકે ઓળખાય છે, તે ઉપર્યુક્ત માન્યતાને સમર્થન આપે છે. બરડાની રેવત ધાર ઉપર જેઠવા રાણા ખેમાજીએ ઉદકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું એવું જગજીવન કાળીદાસનું મંતવ્ય છે.

હરિવંશમાં દ્વારકા ફરતા ચાર પર્વતોનો ઉલ્લેખ મળે છે. તે પૈકી એક પર્વત ઉત્તરે આવેલ ‘વેણુમાન’ કે ‘વેણુ’ 625.5 મીટર ઊંચો છે. તેનાથી થોડી ઓછી ઊંચાઈ ધરાવતું આભપરાનું શિખર (593 મીટર) તથા બીજું એક શિખર (525 મીટર) પણ તેમાં છે. આભપરા ઉપર સોન કંસારીનું અને તેની તળેટીમાં નવલખાનું મંદિર છે. ગોપ અને આલેચના ડુંગરો અનુક્રમે તેની ઈશાને તથા અગ્નિખૂણે આવેલા છે. બરડાની પશ્ચિમે તળેટીમાં ધિંગેશ્વરનું મંદિર અને રાણપુર પાસે ગુફા પણ આવેલાં છે. બિલ્વગંગાને તીરે બીલેશ્વર અને અંદરના ભાગમાં કિલેશ્વર મહાદેવનાં તીર્થસ્થાનો છે.

હરિવંશ પ્રમાણે પ્રાગ્જ્યોતિષપુરની પશ્ચિમે વરાહ પર્વત હોવાનો ઉલ્લેખ મળે છે. આ વરાહ પર્વત એ જ બરડો હોવાનું મંતવ્ય પણ છે. બરડાની આસપાસનો પ્રદેશ વરદાન ક્ષેત્ર તરીકે ઓળખાય છે.

19મી સદીના અંત સુધી તો અહીં ગીચ ઝાડી હતી. વાંસ, બોરડી, બાવળ, ગાંડો બાવળ, ગોરડ જેવાં કાંટાળાં વૃક્ષો તથા ઘાસચારો અહીં સારા પ્રમાણમાં હતાં. જયકૃષ્ણ ઇન્દ્રજીએ ‘બરડાની વનસ્પતિ’ ઉપર પ્રમાણભૂત પુસ્તક લખેલું છે.

બરડા વિસ્તારમાં બાંધકામના હેતુ માટેના રેતીખડકો, ચૂનાખડકો તથા ક્વાર્ટ્ઝ અને ખડીની ખાણો આવેલી છે. આદિત્યાણા પાસે આવેલી ચૂનાખડકોની ખાણો પોરબંદર તથા રાણાવાવની સિમેન્ટ ફૅક્ટરીઓને કાચો માલ પૂરો પાડે છે.

બરડા વિસ્તારમાં મેર લોકોનાં 22 ગામો આવેલાં છે. બરડા અંગેની કહેવત ‘બરડો, બારાડી (દ્વારકા નજીકનો પ્રદેશ) અને ઘેડ, ને મોસમનો નહિ મેળ,’ અહીંના વરસાદની અનિયમિતતાનો નિર્દેશ કરે છે. ‘બરડો ભાંગે નહિ’ એ કહેવત મેર લોકોના ખમીરવંતા લડાયક મિજાજનું સૂચન કરે છે, કારણ કે તેઓ જલદીથી નમતું જોખતા નથી.

બરડા વિસ્તારના લોકોનો મુખ્ય ધંધો ખેતી તથા પશુપાલન છે. ખેતીલાયક જમીનોનું પ્રમાણ ડુંગરાળ પ્રદેશને કારણે ઓછું છે. બરડાના અંદરના ભાગમાં ખાંભળા તળાવ આવેલું છે. સૈન્ધવો અને જેઠવાની પ્રાચીન રાજધાની ભૂતામ્બિલિકા અને ઘૂમલીના અવશેષો તેની પ્રાચીન ભવ્યતાનો ખ્યાલ આપે છે. પોરબંદર નજીક બરડો ગિરિમાળા જેવો હોવાથી પોરબંદર માટે ‘પેરિપ્લસ’ના લેખકે ‘બોરડેક-સીમા’ નામ આપેલ છે.

શિવપ્રસાદ રાજગોર