બદામ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus amygdalus Batsch. syn. P. communis Fritsch; Amygdalus communis Linn. (સં. वाताद, वाताम, वातांबुफल; હિં. બં., મ., ગુ., ફા., બદામ; અં. almond) છે. તેનું વૃક્ષ 8.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પુષ્પો એકાકી, ગુલાબી કે લગભગ સફેદ અને સુંદર હોય છે અને 2થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. ફળ અષ્ઠિલ પ્રકારનાં 3થી 6 સેમી. લાંબાં અને રોમિલ (pubescent) હોય છે. અંત:ફલાવરણ પાતળું અથવા જાડું હોય છે. બીજ ચપટાં, લાંબાં અને અંડાકાર હોય છે અને બદામી બીજાવરણ ધરાવે છે.

બદામ : (1) ફૂલ; (2) ફોલેલું ફળ; (3) પર્ણ અને ફળ સાથેની શાખા

બદામની 3 જાતો છે : (1) var. amygdalus, (2) var. amara (DC.) Focke અને (3) var. sativa (Ludw.) Focke. પ્રથમ જાતમાં પશ્ચિમ એશિયા, ગ્રીસ અને ઉત્તર આફ્રિકામાં થતી વન્ય જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. var. amara મુખ્યત્વે બદામની કડવી જાતો અને var. sativa બદામની મીઠી જાત સાથે સંકળાયેલી છે. બદામ મધ્ય અને પશ્ચિમ એશિયાની મૂળનિવાસી છે. ચીનમાં ઈ. પૂ. દસમી સદીમાં અને ગ્રીસમાં ઈ. પૂ. પાંચમી સદીમાં તેનું સૌપ્રથમ વાવેતર થયું હોવાનું માનવામાં આવે છે. અત્યારે તો તે દક્ષિણ યુરોપ, અમેરિકા (કૅલિફૉર્નિયા), ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં તેનું વાવેતર કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 760થી 2,400 મી.ની ઊંચાઈ સુધી થાય છે.

કડવી અને મીઠી બંને પ્રકારની બદામો ફળપાક તરીકે ઉગાડવામાં આવે છે. કડવી જાત ખાસ કરીને કડવી બદામનું તેલ મેળવવા વવાય છે. કવચની જાડાઈને અનુલક્ષીને મીઠી બદામને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સખત કવચવાળી જાત, પોચા કવચવાળી જાત અને કાગઝી કે રૂમાલી (કાગળ જેવા કવચવાળી) જાત. ભારતમાં જોકે કોઈ પ્રમાણભૂત જાત થતી નથી. અમેરિકાથી ભારતમાં આવેલી સૌથી અગત્યની જાતોમાં non-pareil અને કાગળ જેવા કવચવાળી જાત, Ne-plus-ultra (પોચા કવચવાળી જાત) અને ડ્રેક(સખત કવચવાળી જાત)નો સમાવેશ થાય છે.

આ જાતિના ફળ માટેના પ્રકારો ઉપરાંત મોટી સંખ્યામાં શોભન પ્રકારોનો સમાવેશ થાય છે. કેટલીક જાતો દ્વિદળી પુષ્પ (double flower), સફેદ પુષ્પ કે બહુવર્ણી (variegated) પર્ણો માટે જાણીતી છે.

બદામને ઠંડી અને શુષ્ક આબોહવા અનુકૂળ હોવા છતાં પરિપક્વન સમયે હૂંફાળું વાતાવરણ જરૂરી છે. સારા પાક માટે 60 સેમી. જેટલો વરસાદ થવો જોઈએ. પુષ્પનિર્માણ વસંતઋતુની શરૂઆતમાં થાય છે.

બદામનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન એકત્રિત કરવામાં આવેલાં બીજને ડિસેમ્બર સુધી ઠંડી અને શુષ્ક જગાએ રાખવામાં આવે છે. બીજમાંથી તૈયાર કરવામાં આવેલા રોપમાંથી વૃક્ષ ઉગાડવામાં આવે છે. કલિકાપદ્ધતિ (budding) અને રોપણ (grafting) દ્વારા પણ પસંદગીની જાતો ઉત્પન્ન કરવામાં આવે છે. રોપ 2થી 3 માસનો થયો હોય અને 20થી 30 સેમી. ઊંચો બન્યો હોય ત્યારે કલિકા તૈયાર કરવામાં આવે છે. રોપણમાં જીભી કલમ (tongue grafting) કે શિખર કલમ(crown grafting)નો ઉપયોગ કરવામાં આવે છે.

બદામને 1.0 મી.નો વ્યાસ ધરાવતા ગોળાકાર ખાડામાં 6થી 8 મી.ના અંતરે વાવવામાં આવે છે. શુષ્ક ઉનાળામાં તેને સામયિક સિંચન કરવામાં આવે છે. વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત વધારે હોય છે. તેની ત્રુટિને કારણે ઘણાં પુષ્પોમાં ફળ બેસતાં નથી અથવા ફળ બેસે તો નાની બદામો ઉત્પન્ન થાય છે. નાઇટ્રોજનયુક્ત ખાતર દ્વારા તેનું ઉત્પાદન વધારી શકાય છે.

વાવણી પછી વૃક્ષ 3થી 4 વર્ષે ઉત્પાદન આપવું શરૂ કરે છે. શરૂઆતમાં તેનું ઉત્પાદન ઓછું હોય છે અને 8થી 10 વર્ષે અનુકૂલતમ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. કૅલિફૉર્નિયામાં સરેરાશ ઉત્પાદન 400 કિગ્રા. પ્રતિહેક્ટર જેટલું થાય છે; જોકે ત્યાં 1,220 કિગ્રા. જેટલું મહત્તમ ઉત્પાદન પણ મેળવવામાં આવેલું છે. બલૂચિસ્તાનમાં સરેરાશ-ઉત્પાદન પ્રતિ હેક્ટર 2,375 કિગ્રા. જેટલું થાય છે; જ્યાં પ્રત્યેક હેક્ટરે 325 વૃક્ષો હોય છે અને વૃક્ષદીઠ 7.3 કિગ્રા. બદામ ઉત્પન્ન થાય છે. કાશ્મીરમાં પ્રત્યેક વૃક્ષ 2.7 કિગ્રા. બદામ ઉત્પન્ન કરે છે.

બદામ માટે શ્રેણી-નિશ્ર્ચયન(grading)નાં માનકો(standards)નો વિકાસ અમેરિકામાં થયો છે. શ્રેણીનિશ્ચયન માટેનાં મુખ્ય પરિબળો બદામનું કદ અને સ્વરૂપ છે. ફળમાં બીજ-દ્રવ્યનું પ્રમાણ પણ અગત્યનું પરિબળ છે. પ્રતિકિગ્રા. સંખ્યા આધારિત શ્રેણીનિશ્ર્ચયન આશરે 705 કિગ્રા.થી શરૂ થઈ લગભગ 2,470 કિગ્રા. સુધી પહોંચે છે.

બદામ મેદ અને પ્રોટીનનો મહત્વનો સ્રોત છે. તેનું કૅલરિફિક મૂલ્ય 655 કે./100 ગ્રા. છે. ભારતીય મીઠી બદામનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભેજ 5.2 %; પ્રોટીન 20.8 %; મેદ (ઈથરનિષ્કર્ષ) 58.9 %; કાર્બોદિતો 10.5 %; રેસા 1.7% અને ખનિજદ્રવ્ય 2.9 %; કૅલ્શિયમ 230; ઑક્ઝેલિક ઍસિડ 409; ફૉસ્ફરસ 490; લોહ 4થી 5; થાયેમિન 0.24; નિકોટિનિક ઍસિડ 2.5; અને રાઇબોફ્લેવિન 0.15 મિગ્રા./100 ગ્રા. હોય છે. તેમાં ઍસ્કૉર્બિક ઍસિડ અને પ્રજીવક ‘એ’નો અભાવ હોય છે. બીજમાં ફૉલિક ઍસિડ (0.45 પી.પી.એમ.), α-ટૉકોફૅરોલ (15 મિગ્રા./100 ગ્રા.) અને ટૉકોફૅરોલ (0.5 મિ.ગ્રા./100 ગ્રા.) હોય છે. કાર્બોદિતોમાં સુક્રોઝ (4.4 %થી 4.7 %), પૅન્ટોસન અને હેમિસેલ્યુલૉસ હોય છે; સ્ટાર્ચ હોતો નથી. અલ્પ તત્વોમાં તાંબું, આયોડીન, મૅંગેનીઝ અને જસત હોય છે. ફૉસ્ફરસનો 82 % ભાગ ફાઇટિક ઍસિડના સ્વરૂપમાં હોય છે.

બદામમાં મુખ્ય પ્રોટીન ગ્લોબ્યુલિન, ઍમેન્ડિન (નાઇટ્રોજન દ્રવ્ય, 19 %) અને આલ્બ્યુમિન છે. ઍમેન્ડિનમાં આવશ્યક એમીનોઍસિડોનું પ્રમાણ આ મુજબ છે : આર્જિનિન 11.9 %; હિસ્ટીડિન 1.6 %; લાયસિન 0.7 %; ફીનિલ ઍલેનિન 2.5 %; લ્યુસિન 4.5 %; વેલાઇન 0.2 %; ટ્રિપ્ટોફેન 1.4 %; મિથિયોનિન 0.7 % અને સિસ્ટિન 0.8 %. ઍમેન્ડિનમાં આર્જિનિન વધારે પ્રમાણમાં હોય છે. એવું માનવામાં આવે છે કે બદામ દૂધ માટે સારી સંપૂરક (supplement) છે. કડવી બદામમાં મીઠી બદામ કરતાં 10 % જેટલું પ્રોટીન દ્રવ્ય વધારે અને 10% જેટલું મેદદ્રવ્ય ઓછું હોય છે. બંને બદામ વચ્ચેનો પ્રાથમિક રાસાયણિક તફાવત ઍમાયઝેલિનમાં રહેલો છે. કડવી બદામમાં તે 2.5 %થી 3.5 % જેટલું હોય છે. પરિપક્વ મીઠી બદામ આ સાયનોજેનેટિક ગ્લુકોસાઇડથી મુક્ત હોય છે. કડવી બદામમાં ઉત્સેચકીય જલીકરણને લીધે ઍમાયઝેલિનમાંથી હાઇડ્રૉસાયનિક ઍસિડ ઉત્પન્ન થાય છે; તેથી તે માનવ-વપરાશ માટે અયોગ્ય હોય છે. મીઠી બદામમાં સક્રિય ચયાપચય(metabolism)ને કારણે ફળ અને બીજ પાકે ત્યારે તે ઝડપથી અર્દશ્ય થાય છે.

મીઠી બદામનું તેલ સ્વચ્છ, રંગહીન કે આછું પીળું, ઓછું સુગંધિત અને સ્વાદે સૌમ્ય હોય છે. તેની ઊંચી કિંમતને લીધે તેનો ખોરાકમાં ઉપયોગ ભાગ્યે જ થાય છે. તેના ઔષધીય (pharmaceutical) અને સૌંદર્ય-પ્રસાધન ઉદ્યોગોમાં મુખ્ય ઉપયોગો છે. તે શામક (demulcent), પોષક અને સહેજ રેચક છે. તેનો ત્વચાના મલમો, શીત-મલમો કે પોષક મલમો જેવી પ્રશામક (emolient) બનાવટો બનાવવામાં ઉપયોગ થાય છે.

કડવી બદામનું તેલ રંગહીન અને અત્યંત અપવર્તક (refractive) હોય છે અને તે કડવી બદામની વિશિષ્ટ વાસ પણ ધરાવે છે. તેનો સંગ્રહ કરતાં તે પીળા રંગનું બને છે. હાઇડ્રૉસાયનિક ઍસિડની હાજરીને લીધે તેને સૂંઘતાં કાળજી રાખવી  જરૂરી છે. તેનો ઔષધીય ઉપયોગ ઓછો છે. તેનો ઉપયોગ પ્રતિઉદ્વેષ્ટિ (antispasmodic) અને પ્રશામક (sedative) તરીકે થાય છે. પ્રુરીગો સેનાઇલિસ અને ખૂજલીના કિસ્સામાં તેનું તેલ લગાડવામાં આવે છે.

બદામ પૌષ્ટિક ખાદ્ય છે. તેમાંથી દૂધ–બદામનું દૂધ બનાવાય છે. મીઠાઈમાં તેનો પુષ્કળ ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર તે સારક, ઉષ્ણ, ગુરુ, અમ્લ, કફકારક, સ્વાદુ, સ્નિગ્ધ, તૂરી, શુક્રલ, વાતનાશક અને ઉષ્ણવીર્ય છે. તેનાં લીલાં ફળ સારક, ગુરુ અને પિત્તલ છે અને કફ, પિત્તવિકાર અને વાયુનો નાશ કરે છે. પાકાં ફળ ઉષ્ણ, સ્નિગ્ધ, વાતનાશક, શુક્રલ, જડ અને કફકારક છે અને  રક્તપિત્તનો નાશ કરે છે. ફળનો ગર મધુર, વૃષ્ય, સ્નિગ્ધ, ઉષ્ણ, પૌષ્ટિક, કફકારક, વાતપિત્તનાશક અને રક્તપિત્ત થયો હોય તેને નુકસાનકારક છે. બદામનું તેલ કર્ણરોગમાં ઉપયોગી છે. માથે ચોળવાથી મગજ ઠંડું અને હલકું થઈ જાય છે. ભિલામો ઊઠે ત્યારે બદામ ઘસીને ચોપડવામાં આવે છે. કાનખજૂરાના કાંટા વાગ્યા હોય ત્યારે તેનું તેલ ચોપડવામાં આવે છે. બદામનાં ફોતરાં બાળી તેમાં મીઠું ઉમેરીને દાંત ઘસવાથી મજબૂત બને છે. મસ્તકશૂળ અને શિરોરોગ ઉપર બદામની ખીર કરી ત્રણ દિવસ સવારે લેવામાં આવે છે. મગજ તર કરવા અને ધાતુવૃદ્ધિ માટે બદામનો ઉપયોગ કરવામાં આવે છે.

બદામના વૃક્ષ દ્વારા ગુંદર ઉત્પન્ન થાય છે. તે ટ્રેગ્રાકૅથની જગાએ વાપરવામાં આવે છે. બદામનાં પુષ્પોમાંથી બાષ્પશીલ તેલ મેળવવામાં આવે છે.

કાષ્ઠ (689 કિગ્રા./ઘ.મી.) ઝાંખું, રતાશ પડતું બદામી હોય છે અને કેટલીક વાર ખરાદીકામમાં તે વપરાય છે.

દેશી કે લીલી બદામ તરીકે ઓળખાવાતી બદામ દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રીટેસી કુળની વનસ્પતિ છે અને તેનું વૈજ્ઞાનિક નામ Terminalia catappa L. છે. તે વૃક્ષ સ્વરૂપ ધરાવતી જાતિ છે. તેનાં ફળો ખાદ્ય હોય છે. તેના કાષ્ઠનો ઉપયોગ મકાન બનાવવા અને પ્લાયવુડ તરીકે થાય છે. બીજમાં 52 % જેટલું તેલ હોય છે. તેનો ખોળ પ્રાણી આહાર માટે વપરાય છે. કુમળાં પાન રેશમના કીડાના ખોરાક તરીકે ઉપયોગી છે.

કરસનભાઈ પુરુષોત્તમભાઈ કીકાણી

રામસિંહ ગંભીરસિંહ જાદવ

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ