બંદ્યોપાધ્યાય, રંગલાલ

January, 2000

બંદ્યોપાધ્યાય, રંગલાલ (જ. 1826; અ. 1886) : બંગાળી કવિ. એમના શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક હતું. અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન સારું, સંસ્કૃતનું સઘન, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વમાં સક્રિય રસ, ઊડિયા ભાષાનો અભ્યાસ. પોતાના સાહિત્યિક જીવનની શરૂઆતમાં બંદ્યોપાધ્યાય સમસામયિક બંગાળી સાહિત્યના ભારે મોટા સમર્થક હતા, છતાં પછી બંગાળીમાં યુરોપીય કવિતાના આદર્શને અનુસરવા  એમણે ઉચિત દલીલો કરી હતી. બંદ્યોપાધ્યાયનું ‘પદ્મિની ઉપાખ્યાન’ (1858) બંગાળીમાં નવા પ્રવાહનું પહેલું રોમૅન્ટિક ઐતિહાસિક કથાકાવ્ય  હતું. તેમાં રાષ્ટ્રીયતાનો પરોક્ષ ર્દષ્ટિકોણ હતો. કદાચ બંદ્યોપાધ્યાયે મધુસૂદન દત્તના અંગ્રેજી કાવ્ય ‘કૅપ્ટિવ લેડી’(1848)માંથી આ માટેનો સંકેત મેળવ્યો હોય. ટૉડે ‘ઍનલ્સ ઑવ્ રાજસ્થાન’માં વર્ણવેલી દિલ્હીના સુલતાન અલાઉદ્દીને કરેલી ચિતોડની લૂંટ – એનો વિષય છે. આમુખમાં સ્કૉટનાં રોમાંસ-કાવ્યોનું અનુકરણ છે. લોકકથાઓમાં પરિચિત ચારણ એક પ્રવાસી યુવકને વાર્તા સંભળાવે છે, સંપૂર્ણપણે વર્ણનાત્મક અને પરંપરાગત રોમાંસથી જુદી રીતે. અંગ્રેજી કવિઓની પંક્તિઓ અને ખંડોનો ભાવાનુવાદ આપ્યો છે; જૂનો પયાર છંદ છે. બીજું કાવ્ય ‘કર્મદેવી’ 1862માં પ્રગટ થયું. કાવ્યનું વિભાજન સર્ગોમાં કર્યું છે. તેમાં અને થોડી શૈલીગત ભંગિઓમાં માઇકલ મધુસૂદન દત્તનાં ‘મહાકાવ્યો’નો પ્રભાવ જોવા મળે છે. ‘કર્મદેવી’ તેમજ પછીની રચના ‘શૂરસુંદરી’(1868)ની કથા રાજપૂત ઇતિહાસમાંથી લેવામાં આવી છે. ‘પદ્મિની’ કરતાં ‘કર્મદેવી’ વધુ કથનાત્મક અને વર્ણનાત્મક છે અને રાષ્ટ્રીય ચેતનાનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. ‘શૂરસુંદરી’માં કવિની ક્ષમતા ઝાંખી પડેલી જણાય છે, પણ 10 વર્ષ પછીના કાવ્ય ‘કાંચી-કાવેરી’(1879)માં નવો ઉત્સાહ પ્રગટે છે. કથા પુરુષોત્તમ દાસના એક પ્રાચીન ઊડિયા કાવ્યમાંથી લેવામાં આવી છે. રસપ્રદ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ધાર્મિક ભાવનાની અંતર્ધારાને કારણે પહેલાંની કૃતિઓની એકવિધતા અહીં નથી, જે રાહતરૂપ છે. તેની શૈલી પ્રાસાદિક છે. બંદ્યોપાધ્યાયે કાલિદાસના ‘કુમારસંભવ’નું છંદોબદ્ધ રૂપાંતર (1872) કર્યું છે અને બસોથી વધારે સંસ્કૃત શ્લોકોનો અનુવાદ કર્યો છે.

અનિલા દલાલ