બંગાળી ભાષા અને સાહિત્ય

બંગાળી ભાષા ભારત-ઈરાની તરીકે ઓળખાતી ભારત-યુરોપીય ભાષાકુળની છેક પૂર્વેની શાખામાંથી ઊતરી આવી છે. તેની સીધી પૂર્વજ તો છે પ્રાકૃત, જે સંસ્કૃત–પ્રાચીન ભારતીય આર્યભાષા–માંથી ઊતરી આવી છે. લગભગ ઈ. પૂ. 500 સુધી સંસ્કૃત આર્યાવર્તની બોલચાલની તેમજ સાહિત્યની ભાષા હતી, જે પછીનાં લગભગ બે હજાર વર્ષ સુધી મુખ્ય સાહિત્યિક ભાષા રહી. તેમાં, બોલાતી સંસ્કૃતમાં બોલીની લાક્ષણિકતા વિકસી રહી હતી અને બંધારણમાં પરિવર્તનો શરૂ થયાં હતાં. આ પરિવર્તનોને કારણે તે ભાષા પ્રાચીન ભારતીય આર્યભાષાથી – સંસ્કૃતથી – એક જુદો જ તબક્કો રજૂ કરતી હતી, જે તબક્કો મધ્યમ ભારતીય આર્ય કે વિશાળ અર્થમાં પ્રાકૃત તરીકે ઓળખાય છે. ભારતની બોલચાલની આર્યભાષાઓનો સૌથી જૂનો સમકાલીન દસ્તાવેજ તે અશોકના શિલાલેખ (આશરે ઈ. પૂ. 250); તેમાં મધ્યમ ભારતીય ભાષાના પ્રાદેશિક ભેદો પણ જોવા મળે છે. આ પ્રાદેશિક બોલીઓ બદલાતી જઈ એક હજારથીય વધારે વર્ષો સુધી આર્યભાષી ભારતની બોલચાલની ભાષાઓ તરીકે ચાલુ રહી. પછી, તેના સ્વરૂપમાં બીજો મોટો ફેરફાર આવ્યો – આજે બોલાતી કેટલીક અર્વાચીન ભારતીય આર્યભાષાઓ તરીકે તેમનો વિકાસ થયો; જોકે આ અર્વાચીન ભારતીય આર્યભાષાઓ, મધ્યમ ભારતીય આર્યભાષાની જુદી જુદી પ્રાકૃતો અને તે પછીની પરિવર્તિત અપભ્રંશ કે લૌકિક ભાષાઓમાંથી ઉદભવી હતી : આ અર્વાચીન ભાષાઓમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, ઊડિયા વગેરેનો સમાવેશ થાય છે. આ ભાષાઓમાંથી જે કેટલીકનો ઉદભવ દશમી સદીમાં થયો તેમાંની એક બંગાળી હતી.

અપભ્રંશ અથવા બોલાતી લૌકિકમાંથી ઉદભવ પામ્યા પછી બંગાળી ભાષા બે તબક્કાઓમાંથી પસાર થઈ : (1) પ્રાચીન બંગાળી (આશરે 950થી 1350) અને (2) મધ્યમ બંગાળી (આશરે 1350થી 1800). મધ્યમ બંગાળીના બે સ્પષ્ટ સ્તરો જોવા મળે છે : (ક) શરૂઆતનો મધ્યમ પૂર્વકાલીન (આશરે 1350થી 1500) અને (ખ) પછીનો મધ્યમ ઉત્તરકાલીન (આશરે 1500થી 1800). (આ પછીનો તબક્કો તે નવો અથવા અર્વાચીન.) મધ્યમ બંગાળીના તબક્કામાં એક જુદી જ કાવ્યભાષા મળે છે, જેનું ખેડાણ એકંદરે વૈષ્ણવ પદકવિઓએ કર્યું હતું. આ પરંપરારૂઢ કાવ્યભાષાનું નામ ‘વ્રજબુલિ’ હતું. તેનો ઉપયોગ માત્ર બંગાળી કવિઓએ જ નહિ, પણ અસમના વૈષ્ણવ કવિઓ અને ઉડીસાના કેટલાક ભક્તકવિઓએ પણ કર્યો છે. આના પાયામાં રહેલી અપભ્રંશ કવિતાની પરંપરાને વિદ્યાપતિ જેવા મૈથિલી કવિઓએ પુષ્ટ કરી હતી અને આ પરંપરાનું ચલણ આખી ઓગણીસમી સદી સુધી ચાલુ રહ્યું, જેનું અંતિમ ઉત્તમ ઉદાહરણ તે તરુણ કવિ રવીન્દ્રનાથ ઠાકુરના ભાનુસિંહના નામથી વ્રજબુલિમાં લખાયેલાં પદો છે. આ જૂની બંગાળીની ભાષાસામગ્રી અગમવાદી ચર્યાગીતિઓમાં તેમજ કેટલાક જૂના ગ્રંથોમાં મળે છે.

મધ્યમ બંગાળી મુખ્યત્વે પશ્ચિમ બંગાળની બોલી પર આધારિત સમગ્ર બંગાળની સાહિત્યિક ભાષા હોય એમ લાગે છે. જોકે જુદા જુદા ભાગોમાંથી આવનારા શરૂઆતના લેખકો પોતાના રૂઢપ્રયોગો, શબ્દો પણ વાપરે છે. દા.ત., ચૈતન્યના પ્રભાવશાળી અનુયાયીઓ. વળી, તદભવ અને દેશ્ય શબ્દો સાથે તત્સમ શબ્દોનો–સંસ્કૃત શબ્દોનો પ્રવાહ પણ ભળતો હતો. આથી સાહિત્યિક ભાષા જરૂર સશક્ત બની, પણ બોલાતી ભાષાથી તે જુદી પડતી ગઈ. વળી એમાં ફારસી શબ્દો પણ દાખલ થતા જતા હતા, પણ સોળમી સદીના ઉત્તરાર્ધથી મુઘલ સામ્રાજ્ય સાથે જોડાતાં વિદેશી શબ્દોના પ્રવાહને રોકી શકાયો નહિ. વેપાર અને કાયદાની ભાષા ફારસી હતી; તેથી ફારસી–અરબી શબ્દો વિપુલ પ્રમાણમાં આવ્યા. તે પછી અઢારમી સદીના અંતથી અંગ્રેજી શબ્દો આવવા લાગ્યા અને હવે ફારસીનું સ્થાન વહીવટના ક્ષેત્રમાં તેણે લીધું. આ ઉપરાંત ફિરંગી સાહસિકો અને ખ્રિસ્તી મિશનરીઓને કારણે એ ભાષાના ઘણા શબ્દો આવ્યા, જે બંગાળીમાં આવશ્યક બની ગયા. બ્રિટિશ સત્તા અને અંગ્રેજી શિક્ષણ સાથે અંગ્રેજી શબ્દો બંગાળીમાં ભળવા લાગ્યા અને એ સાથે આધુનિક બંગાળી ગદ્યશૈલીનો પણ વિકાસ થયો. બંગાળીની આજે બે સાહિત્યિક શૈલીઓ છે – એક સાધુ-ભાષા(ઉચ્ચ પ્રકારની બંગાળી)ની અને બીજી ચલિતભાષા(ચાલુ વ્યવહારની ભાષા)ની. સાધુભાષા કોશગત અને સંસ્કૃત સમાસયુક્ત શબ્દો પ્રત્યે પક્ષપાત ધરાવે છે; જ્યારે ચલિત બંગાળી બોલચાલના શબ્દો, લઢણો પસંદ કરે છે. રવીન્દ્રનાથના કહેવાથી 1914ની આસપાસ પ્રમથ ચૌધરીએ ચલિત બંગાળીને ગંભીરતાપૂર્વક અપનાવી હતી અને રવીન્દ્રનાથે પણ પછી સાધુભાષા લગભગ છોડી દીધી હતી.

1913નું સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવી ભારતીય સાહિત્યને વિશ્વપ્રસિદ્ધિ અપાવનાર, બંગાળી સાહિત્યની કીર્તિદા કૃતિ ‘ગીતાંજલિ’ના સર્જક રવીન્દ્રનાથ ટાગોર

બીજી બધી ભારતીય લિપિઓની જેમ બંગાળી લિપિનો ઉદભવ પણ અશોકના શિલાલેખોની બ્રાહ્મી વર્ણમાળામાંથી થયો છે. દસમી સદીના અભિલેખના અક્ષરોને આદિમ બંગાળી કહી શકાય. પૂરેપૂરી વિકસિત બંગાળી વર્ણમાળા બારમી સદીમાં દેખાય છે. એ રીતે જોતાં બંગાળી ભાષા અને લિપિનો વિકાસ લગભગ સાથે સાથે થયો છે. તે પછી લેખનની સરળતા અને સામગ્રીની ર્દષ્ટિએ એમાં જરૂરી ફેરફારો થયા. ઈ. સ. 1878માં જ્યારે ચાર્લ્સ વિલ્કિન્સે છાપવા માટે પહેલી વાર બંગાળી ટાઇપ ઢાળ્યા ત્યારે બંગાળી વર્ણમાળાએ આજનું મુદ્રિત રૂપ લીધું.

બંગાળી સાહિત્યનો આરંભ બૌદ્ધ સિદ્ધાચાર્યોની વાણીથી થયેલો માનવામાં આવે છે – જૂની બંગાળીમાં રચાયેલાં ‘ચર્યાગીતિ’ અથવા અગમનિગમવાદી સાધનાને લગતાં પદોનો રચનાકાળ ઈ. સ. 1200ની પહેલાં, પણ ઈ. સ. 1000 પછીનો માનવામાં આવે છે; જે વેળાએ બંગાળી ભાષા પૂર્વ માગધીમાંથી અને માગધી અપભ્રંશમાંથી નીકળી રહી હતી. આ ચર્યાપદોની રચના મુખ્યત્વે બૌદ્ધ તાંત્રિકોએ કરી હોવા ઉપરાંત શૈવ તાંત્રિકો અને કદાચ વૈષ્ણવ તાંત્રિકો પણ એમના રચયિતા હોવાનાં એંધાણો જોવા મળે છે. આ અગમવાદીઓની રચનાઓમાં ‘વ્રજગીતિ’ નામે ઓળખાતાં પદો તેમજ નવદીક્ષિતો માટે ‘દોહા’ નામે ઓળખાતી રચનાઓ પણ થયેલ છે. આ દોહાઓનો સંગ્રહ ‘દોહાકોશ’ નામે ઓળખાય છે.

તેરમા સૈકામાં અને ત્યારપછી તુર્કી આક્રમણને કારણે બંગાળ–બિહારનાં  નાલંદા, વિક્રમશીલા જેવાં સાંસ્કૃતિક કેન્દ્રોનું પતન થતાં અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ લગભગ બંધ પડતાં સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસમાં લાંબો સમય પ્રવૃત્તિશૂન્યતા વ્યાપી ગઈ. જોકે અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો પોતાની રીતે પ્રવૃત્ત તો હતા. તેઓ પુરાણકથાઓ અને પૌરાણિક ચરિત્રો પર આખ્યાનો રચતા હતા; વળી મનસા, ચંડી અને ધર્મ જેવા લોકદેવતાઓ પરનાં મધ્ય બંગાળીનાં આખ્યાનકાવ્યોમાં સંપ્રદાય સાથે જોડાયેલી કથાઓનું વર્ણન થતું હતું. તેમાં નાથ સંપ્રદાય, મનસા આખ્યાન, ધર્મની ઉપાસનાનું આખ્યાન વગેરે જોવા મળે છે. સર્પદેવતા મનસાની કથાનો ઉદભવ જટિલ છે. દેવતાઓનું દેવત્વ માણસની સ્વીકૃતિ પર આધાર રાખે છે. બેહુલાની કથા ‘મનસામંગલ’ કાવ્યનું સૌથી મહત્વનું આખ્યાન છે, જેમાં ચાંદ સોદાગરની કથા પણ સમાવિષ્ટ છે. આ જ રીતે ‘ધર્મમંગલ’ કાવ્યો તેમજ ‘ચંડીમંગલ’ કાવ્યો રચાયેલાં છે. મધ્યકાલીન બંગાળીનાં લાંબાં આખ્યાનકાવ્યોનું નામકરણ દેવતા વિશેના નામ પછી ‘મંગલ’ કે ‘વિજય’ શબ્દ જોડીને કરવામાં આવ્યું છે.

પ્રાચીન બંગાળી સાહિત્યને કાવ્યસ્વરૂપની રીતે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય : (1) પદાવલિ અથવા ગેય ઊર્મિકાવ્યો, (2) પાંચાલી અથવા ગેય આખ્યાનકાવ્યો, (3) પાઠકાવ્ય. સૌપ્રથમ પદાવલિ સાહિત્ય જ અસ્તિત્વમાં આવ્યું છે. તેનું ઉદાહરણ છે ચર્યાપદો. બંગાળીનાં ભક્તિપ્રધાન આખ્યાનો ‘પાંચાલી’ વર્ગમાં મૂકવામાં આવે છે. ‘પાંચાલી’નો મૂળ અર્થ ‘ઢીંગલી’ કે ‘પૂતળી’. ગવાતાં ભક્તિગીતો આખ્યાનો અને વંચાતી કવિતા કઠપૂતળીના ખેલ સાથે રજૂ થતાં. એનું ચિત્રિત રૂપ તે ‘ચિત્રાંકિત પટ’. પટ બતાવાતો જાય તેમ તેમ વાર્તા ચાલે. તેથી આમાં ગાયક, કથાવાચક અને અભિનેતા ત્રણેયની કુશળતાનો મેળ હોય છે. પ્રથમ બંગાળી પાઠકાવ્ય તો સોળમી સદીમાં કૃષ્ણદાસનું ‘ચૈતન્યચરિતામૃત’ લખાયું તે છે. વિષયોની રીતે વિભાજન કરીએ તો રામાયણ-મહાભારતને આધારે લખાયેલું (1) પૌરાણિક સાહિત્ય – આખ્યાનો, (2) વૈષ્ણવ સાહિત્ય અને (3) દેવદેવીઓનું માહાત્મ્ય ગાતાં મંગલકાવ્યો – આ ત્રણનો પ્રાચીન બંગાળી સાહિત્યમાં સમાવેશ થાય છે.

આખ્યાનોમાં સૌથી લોકપ્રિય વિષય રામાયણની કથા રહ્યો છે અને સૌથી પ્રાચીન જ્ઞાત કવિ છે કૃત્તિવાસ. તેમનો જન્મ ઈ. સ. 1398માં થયો હોવાનું મનાય છે. માલાધર બસુ-કૃત કૃષ્ણકથા પર આધારિત ‘શ્રીકૃષ્ણવિજય’ પૂરું કરતાં 7 વર્ષ (ઈ. સ. 1473–1480) લાગ્યાં હતાં, પરંતુ કૃષ્ણકથા પર સૌથી મહત્વપૂર્ણ કાવ્ય ‘બડુ’ ચંડીદાસની રચના ‘શ્રીકૃષ્ણકીર્તન’ છે. તે સોળમી સદીમાં લખાઈ હશે એમ માનવામાં આવે છે. તેમાં મધ્યબંગાળીનું પ્રાચીન રૂપ જોવા મળે છે. પાંચાલી આખ્યાયિકાથી તે જુદું છે છતાં એક રીતે તે નાટ્યગીતિકાવ્ય છે; ત્રણ ચરિત્રો – રાધા, કૃષ્ણ અને બડાયી સ્વતંત્ર રીતે વિકસ્યાં છે. ‘બડુ’ ચંડીદાસની સાથે વૈષ્ણવપદ-કર્તા ચંડીદાસનો ઉલ્લેખ કરી લેવો જોઈએ. તેમને નામે મળતાં પદોમાં રાધાની વિરહવ્યથાનું માર્મિક નિરૂપણ છે. કૃત્તિવાસકૃત રામાયણ બંગાળીનો મહાન લોકપ્રિય ગ્રંથ છે. કંઠોપકંઠ ગવાતી આ શ્રીરામ-પાંચાલીનું કલેવર અને આત્મા બંને બદલાઈ ગયાં છે. આ ગ્રંથમાં, અલબત્ત, બંગાળની ભૂમિની અનેક વિશેષતાઓ સમરસ થઈ ગઈ છે; પણ તેમ છતાં તે વાલ્મીકિની કૃતિથી અનેક પ્રકારે જુદું પડે છે. કાશીરામનું મહાભારત આ સમય પછીની – સત્તરમી સદીની રચના છે. વૈષ્ણવભાવધારાના પ્રભાવને લીધે એમાં ભક્તિભાવનું પ્રાધાન્ય છે. આ મહાભારતને ‘ભારતપાંચાલી’ કહેવાય છે. કૃત્તિવાસ અને કાશીરામ બંગાળના સંસ્કૃતિધારક કવિઓ છે. કાશીરામની અપૂર્ણ રચનાને તેમના ભત્રીજાએ પૂર્ણ કરી હતી. કાશીરામની જ એક પંક્તિને ફેરવીને એમના વિશે કહેવાયું છે : મહાભારતેર કથા અમૃત સમાન; / હે કાશી, કવીશદલે તુમિ પુણ્યવાન. (મહાભારતની કથા અમૃત સમાન છે; હે કાશીરામ, મહાકવિઓના સમુદાયમાં તમે પુણ્યવાન છો.)

મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’ અને ‘મનસાર ભાસાન’ નામે પ્રચલિત છે. તેમાં વિપ્રદાસનું ‘મનસાવિજય’ (ઈ. સ. 1495) મહત્વનું છે. વળી કેતકાદાસ(જે પોતાને ક્ષેમાનંદ કહેતા)નું ‘મનસામંગલ’ સત્તરમી સદીના મધ્ય ભાગમાં લખાયું છે. તે રચના સરસ, મધુર છે. તેમાં ચાંદ સોદાગરનું પાત્રાંકન સ્પષ્ટતાથી આલેખાયું છે.

મંગલકાવ્યોની પરંપરામાં કવિ કંકણને નામે જાણીતા કવિ મુકુંદરાય ચક્રવર્તીનું ‘ચંડીમંગલકાવ્ય’, વૈષ્ણવકવિતાને બાદ કરતાં, સોળમી સદીની સૌથી મહત્વપૂર્ણ રચના છે. પશ્ચિમ બંગાળમાં ‘મંગલકાવ્ય’ના રચયિતાઓએ તેનું અનુસરણ કર્યું છે. તેમાં બે કથાઓ છે : (1) કાલકેતુ નામના વ્યાધની અને (2) ધનપતિ નામે વાણિયાની. કાવ્યના વિષયનું મૂળ પૌરાણિક છે અને સ્વરૂપ ધાર્મિક છે; પણ તેમાં સમસામયિક જીવનને વણી લેવાયું છે. તેમની પાત્રાલેખનની વિશેષ શક્તિને કારણે પાત્રો સજીવ થઈ ઊઠ્યાં છે; કરુણ રસ ઉચ્ચ સ્તરે જોવા મળે છે. ધર્મમંગલ કાવ્યોમાં સત્તરમી સદીમાં રચાયેલું રૂપરામ ચક્રવર્તીનું ‘ધર્મમંગલ’ જૂનામાં જૂનું છે. તે ઘણું લોકપ્રિય હતું. કૃષ્ણરામ દાસે પણ મંગલકાવ્યો – ‘કાલિકામંગલ’ અને ‘ષષ્ઠીમંગલ’ (સત્તરમી સદી) રચ્યાં હતાં. તે પછી પણ અઢારમી સદીમાં ‘રાયમંગલ’, ‘લક્ષ્મીમંગલ’ વગેરેની રચના થઈ છે; પણ વૈષ્ણવ પ્રભાવ વ્યાપક થતો જતો હતો, તેથી આ દેવતાઓનાં આખ્યાનકાવ્યો સીમિત વિસ્તારોમાં ધાર્મિક અનુષ્ઠાનોના ભાગ રૂપે જ સ્વીકૃતિ પામતાં હતાં.

પંદરમી સદીમાં ઉત્તર ભારતે ભક્તિઆંદોલન તરીકે ઓળખાતી એક પ્રાણવાન ઉપાસના-પદ્ધતિનો ઉદ્રેક અનુભવ્યો. તેમાં બંગાળી સાહિત્યના ચૈતન્યનો આવિર્ભાવ (ઈ. સ. 1486–1533) એક મહાન ઘટના છે. આમ ચૈતન્યદેવે પોતે ખાસ કશું લખ્યું નથી, પણ તેમની પ્રેરણાથી બંગાળી કવિતામાં ગૌરવ લઈ શકાય તેવી રચનાઓ થઈ છે. 24 વર્ષની વયે સંન્યસ્ત લઈ તેમણે ભારતભ્રમણ કર્યું ત્યારે અનેક ભાષાઓના સાહિત્ય પર તેમના ભક્તિભાવની અસર પડી – જાણે કે કૃષ્ણભક્તિનું પૂર ! ચંડીદાસ અને વિદ્યાપતિનાં પદો જાણે ભક્તિનાં પદો બની ગયાં અને વૈષ્ણવ પદાવલિમાં માધુર્યભક્તિની સરવાણી ફૂટી. ઈ. સ. 1500થી 1700 સુધીમાં હજારોની સંખ્યામાં નવાં પદો રચાયાં. આ પદો મુખ્યત્વે વિદ્યાપતિએ જે ભાષામાં લખ્યું તે મૈથિલીમાં અને બંગાળી-મિશ્રિત વ્રજબુલિમાં રચાયાં છે. મુખ્ય વિષય રહ્યો છે કૃષ્ણની વૃંદાવન-લીલા. ચૈતન્યદેવની પ્રેમોન્માદભરી ભક્તિથી આ પદોને ઊંચું આસન તેમજ આધ્યાત્મિક સંસ્પર્શ મળ્યો. એમાં કૃષ્ણ કરતાં ‘રાધાવિરહ’ને ઊંચું સ્થાન મળ્યું. આજે આ પદો ઉત્તમ ગીતિતત્વનું સ્વરૂપ લઈને આવે છે. ચૈતન્યે સંસ્કૃતમાં આઠ શ્લોકોમાં રચેલું ‘શિક્ષાષ્ટક’ તેમના પંથની સ્પષ્ટ ઘોષણારૂપ છે. વૃંદાવનદાસ-કૃત ‘ચૈતન્યમંગલ’ (1540 આસપાસ) બંગાળીમાં રચાયેલું ચૈતન્યનું પ્રથમ જીવનચરિત્ર છે. પછીની મહત્વની જીવનચરિત્રાત્મક કૃતિ છે કૃષ્ણદાસ કવિરાજનું ‘ચૈતન્યચરિતામૃત’ (સંભાવ્ય સમય : 1575થી 1595), તેમાં ચરિત્ર ઉપરાંત ચૈતન્યપ્રવર્તિત વૈષ્ણવમતનો મર્મ પણ છે એટલે તે ચિંતનાત્મક કૃતિ પણ બની છે. સોળમી સદીના મધ્ય ભાગમાં પ્રસિદ્ધ ઊર્મિકવિ લોચનદાસ થયા, તેમણે પણ ‘ચૈતન્યમંગલ’ રચ્યું છે.

ચૈતન્યના અનુયાયીઓ દ્વારા ઉત્તમોત્તમ વૈષ્ણવગીતો રચાયાં હતાં. તેમાં સૌપ્રથમ મુરારિ ગુપ્ત આવે છે. તેમણે પણ પ્રથમ ‘ચૈતન્યચરિત’ લખ્યું હતું. લોચનદાસનું બોલચાલની ભાષા પર સારું પ્રભુત્વ હતું. પછી નિત્યાનંદના અનુયાયી જ્ઞાનદાસનું સ્થાન બંગાળના શ્રેષ્ઠ વૈષ્ણવ કવિઓમાં છે; ભાવની સહજતા અને રસાનુભૂતિની તીવ્રતા એમનાં પદોની સિદ્ધિ છે. ગોવિંદદાસનાં પદો વ્રજબુલિમાં છે; તે ઝડઝમકની અતિશયતાવાળાં છે; પદલાલિત્યમાં ભાગ્યે જ કોઈ એમને આંબી શકે; એમનું પ્રેરણાસ્થાન મૈથિલીના વિદ્યાપતિ છે. કવિ વિદ્યાપતિને નામે ચઢેલું કવિ વલ્લભ નામના અલ્પજ્ઞાત કવિનું આ પદ વૈષ્ણવ પદાવલિનું રત્ન છે : ‘સખિ હે કિ પુછસિ અનુભવ મોય’, ‘સોઇ પીરિતિ અનુરાગ બાખાનિને, અનુખન નૌતન હોય…’. વૈષ્ણવ પદાવલિની સાથે સાથે શાક્ત પદાવલિની મધુરતા પણ સ્પર્શી જાય છે. નરોત્તમદાસની રચના ‘પ્રેમભક્તિચંદ્રિકા’ મહત્વની છે. શાક્ત પદો રચનારાઓમાં શ્યામા- (કાલી)વિષયક કવિતા કરનાર રામપ્રસાદ સેનનું નામ પ્રસિદ્ધ છે. ‘કાલીકીર્તન’ તેમની રચના છે. તેમણે તાંત્રિક બાહ્ય ઉપાસનાને બદલે માનસિક ઉપાસનાનું બહુમાન કર્યું છે.

અઢારમી સદીના કવિ ભારતચંદ્રનું (1712–1760) ‘અન્નદામંગલ’ મંગલકાવ્યોની પરંપરામાં લખાયેલું હોવા છતાં આ કવિનું ધ્યાન ભક્તિભાવ કરતાં વિશેષ તો કાવ્યકલા પર છે. આ કવિએ સંસ્કૃતની સાથે અરબી-ફારસીના શબ્દોનો પણ સુંદર રીતે વિનિયોગ કર્યો છે. તે કૃષ્ણચંદ્ર રાય(કૃષ્ણનગરના રાજા)ના રાજકવિ હતા. એક દરબારી કવિનું રીતિપરસ્ત માનસ અને તજ્જન્ય અભિવ્યક્તિ તેમની કવિતામાં જોવા મળે છે. ‘અન્નદામંગલ’માં આવતી ‘વિદ્યાસુંદર’ની કથા ભારતચંદ્રની ઉપલબ્ધિ છે. આ પહેલાં પણ વિદ્યાસુંદરની કથા બંગાળમાં પ્રચલિત હતી, ભારતચંદ્ર પછી પણ તે પ્રચારમાં રહી, પણ કથાતત્વમાં ભારતચંદ્રને કોઈ પહોંચી શક્યું નથી. ભારતચંદ્રની વર્ણનશક્તિ ઉત્તમ, છંદચાતુર્ય પણ પ્રશંસાપાત્ર. તેમની રચનામાં અલંકારોની બહુલતા પણ છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી ભારતચંદ્રની કવિતાની બોલબાલા હતી. તેમની કવિતાના પડઘા માઇકેલ મધુસૂદન વગેરેની કવિતામાં સાંભળવા મળે છે. તેમની ભાષા આધુનિક બંગાળીની બહુ નજીકની છે. ભારતચંદ્રના સમયથી જાણે બંગાળી ભાષા આધુનિક યુગને ઉંબરે આવી ઊભી રહે છે.

અઢારમા સૈકાના મધ્ય સુધી નવીન પ્રવૃત્તિઓ વેગ ધરી રહી હતી તે દરમિયાન એક તરફ રોમૅન્ટિક પ્રેમની કે ઐતિહાસિક સમકાલીન વિષયો પરની નાની કાવ્યરચનાઓ મળે છે તો બીજી બાજુ નાનાં લૌકિક પ્રેમગીતો. આ પ્રવૃત્તિ અઢારમી સદીના અંતભાગે અસ્ત પામવા આવેલી નવ્ય ‘પાંચાલી’ અને ‘કવિવાલા’ની કવિતામાં પ્રકટ થઈ અને કલકત્તા તેમજ આસપાસના પ્રદેશમાં છવાઈ ગઈ. જોકે ‘કવિવાલા’ની કૃત્રિમતા નિષ્ફળ ગઈ, પણ ‘પાંચાલી’ વધારે સમય રહ્યું, ઓગણીસમી સદીના અંતમાં નાટક અને નાટક પર આધારિત ‘યાત્રા’ને લીધે એ પરંપરા પણ લુપ્ત થતી ગઈ. ઐતિહાસિક કાવ્યોમાં મંગારામ દત્તનું ‘મહા-રાષ્ટ્ર પુરાણ’ છે. ઉત્તર બંગાળના એક ગ્રામકવિએ લખેલા ગાથાકાવ્ય(બંગાળીમાં ‘છડા’)નો ઉલ્લેખ કરવો જોઈએ. કવિનું નામ છે કૃષ્ણહરિ દાસ. કવિગાનના રચયિતા તરીકે જાણીતા રામ બસુ- (1787–1829)એ પણ કેટલાંક સુંદર ગીતો રચ્યાં છે. દશરથી રાયે (1806–1857) ‘કવિવાલા’ની મંડળીમાં ગીતકવિ તરીકે આરંભ કર્યો, પછી ‘પાંચાલી’ની મંડળી સ્થાપી. આ નવી ‘પાંચાલી’ કવિગીતો અને પુરાણકથાઓ સાથે ‘યાત્રા’ અને કીર્તનગાનના સમન્વયરૂપ હતી. ઓગણીસમી સદીના વચગાળાના દસકાઓમાં પશ્ચિમ બંગાળને તેમની રચનાઓએ શ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજન પૂરું પાડ્યું છે.

આધુનિક યુગ : સાહિત્યિક બંગાળી ગદ્યનો આરંભ અંગ્રેજોના ભારતમાં આગમન પછી શરૂ થાય છે. ઈ. સ. 1800માં શ્રીરામપુરમાં બૅપ્ટિસ્ટ મિશનની સ્થાપના અને કલકત્તામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપનાએ બંગાળી ગદ્યના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. કૉલેજમાં બંગાળી વિભાગમાં વિલિયમ કેરી અધ્યક્ષ હતા અને તેમની નીચે અનેક પંડિતો કામ કરતા હતા. તે પૈકી રામરામ બસુનું (અ. 1813) સ્થાન મહત્વનું હતું. તે જ વર્ષે બંગાળી માટે પ્રેસ સ્થપાતાં 1801માં બાઇબલનો બંગાળી અનુવાદ છપાય છે. એ અનુવાદનું કાર્ય રામરામ બસુએ કર્યું હતું. વળી કૃત્તિવાસનું ‘રામાયણ’ અને કાશીરામના ‘મહાભારત’નું પ્રથમ પર્વ છાપવામાં આવ્યાં. મૃત્યુંજય વિદ્યાલંકારે (અ. 1819) સંસ્કૃતમાંથી ગદ્યાનુવાદો કર્યા. પણ પાઠ્યપુસ્તકેતર ગદ્યમાં તો અર્વાચીનોના આદ્ય એવા રાજા રામમોહન રાય (1774–1833) હતા. 1815માં તેમણે વેદાંત વિશે પુસ્તક અને 1821માં ‘બ્રાહ્મનિકલ મૅગેઝીન’ શરૂ કર્યું. બંગાળી ગદ્યના પુરસ્કર્તાઓમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (1820–1891) અને અક્ષયકુમાર દત્તનું કાર્ય મહત્વપૂર્ણ છે. વિદ્યાસાગરના હાથે બંગાળી ગદ્યનું ઉત્તમ ખેડાણ થયું – ઉચિત શબ્દ અને ધારી અભિવ્યક્તિ. તેમણે ‘તત્વબોધિની પત્રિકા’માં મહાભારતનો ગદ્યાનુવાદ શરૂ કર્યો હતો. તેમના મૃત્યુ બાદ અધૂરું કામ કાલિપ્રસન્ન સિંહે પૂરું કર્યું. આ પત્રિકામાં રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, રાજનારાયણ બસુ તેમજ દ્વિજેન્દ્રનાથ ઠાકુર લેખો લખતા હતા. અક્ષયકુમાર દત્ત આ પત્રિકાનું સંપાદન કરતા હતા. આ પત્રિકાનો આદર્શ પછીથી બંકિમચંદ્ર-સંપાદિત ‘બંગદર્શન’માં પણ જોવા મળે છે.

વિલિયમ કેરીના મોટા પુત્ર ફેલિક્સ કેરીએ (અ. 1882) બંગાળીમાં એક વિશ્વકોશ જેવા કાર્યનો આરંભ કર્યો. તેમના અકાળ અવસાનથી આ યોજના અટકી – પહેલો ભાગ જ પ્રકટ થયો (1819). પછી હિંદુ કૉલેજના વિદ્યાર્થી કે. એન. બંદ્યોપાધ્યાયે (1813–1885) આ પ્રકારનો વિશ્વકોશ ‘વિદ્યા-કલ્પદ્રુમ’ અથવા ‘એન્સાઇક્લોપીડિયા બેંગૉલેનસિસ’ 13 ખંડમાં (1846થી 1851) તૈયાર કર્યો. 1851માં વર્નાક્યુલર લિટરેચર કમિટી શરૂ થઈ. તેના સંપાદક વિદ્વાન રાજેન્દ્રલાલ મિત્ર (અ. 1891) હતા. ‘વિવિધાર્થસંગ્રહ’નું પ્રકાશન (1851) એ સમિતિનું સફળ સાહસ હતું. વળી પુસ્તકોની આ શ્રેણીમાં ઘણા અનુવાદો પણ પ્રકટ થયા હતા.

બંગાળી ભાષાના પહેલા સફળ ઉત્તમ નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (1838–1894) હોવા છતાં, બંગાળી કથાસાહિત્ય તેના સાચા અર્થમાં એટલે કે બંગાળી જીવનના આલેખન સાથે શરૂ કર્યું પ્યારીચાંદ મિત્રે (1814–83). મિત્રની પહેલી અને સૌથી વધુ પ્રતિનિધિરૂપ કૃતિ ‘આલાલેર ઘરેર દુલાલ’ (એક ઉચ્ચ પરિવારનો લાડલો બેટો – 1858) મૌલિક કથાસાહિત્યનું પહેલું ઉદાહરણ છે. મિત્રની શૈલી સૂચક અને જીવંત હતી; મિત્રે સામાન્ય વાચકને કંટાળાભરેલા પદ્ય અને પાંડિત્યપૂર્ણ ગદ્યમાં રચાયેલી બંગાળી સાહસિક લોકવાર્તાઓની નીરસતામાંથી મુક્ત કર્યો. કાલિપ્રસન્ન સિંહે (1840–1876) મહાભારતનો બંગાળી ગદ્ય-અનુવાદ તો આપ્યો, પણ કથાસાહિત્યમાં બોલચાલની ભાષા તેમજ રમૂજભરી શૈલી અને કંઈક સ્થૂળ હાસ્ય નિપજાવતી ‘હુનોમ પેંચાર નકશા’ (1862) જેવી મનોરંજક કૃતિ પણ આપી છે. બંકિમચંદ્ર બંગાળી ભાષામાં જ સીમિત ન રહેતાં ભારતીય નવલકથાકાર બની ચૂક્યા છે. ઐતિહાસિક વાતાવરણવાળી નવલકથાઓમાં ‘દુર્ગેશનંદિની’, ‘ચંદ્રશેખર’, ‘કપાલકુંડલા’ વગેરે ઉપરાંત ‘વિષવૃક્ષ’, ‘કૃષ્ણકાન્તેર વિલ’, ‘દેવી ચૌધુરાણી’, ‘આનંદમઠ’ – તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આનંદમઠ’ સ્વેદશી ધર્મનો પ્રચાર કરતી વધુ જાણીતી નવલ છે; એનો બંગાળી જીવન પર ઊંડો પ્રભાવ છે. તેનું ગીત ‘વંદે માતરમ્’ બંગાળનો ધ્યાનમંત્ર બન્યું હતું. તે પછી આવે છે રવીન્દ્રનાથ ઠાકુરની (1861–1941) ‘ચોખેર બાલિ’, ‘ગોરા’, ‘ઘરે બાહિરે’, ‘શેષેર કવિતા’ વગેરે નવલકથાઓ. તેણે બંગાળી નવલકથાને શુદ્ધ કલાસ્વરૂપ તરીકે સ્થાપવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જેમણે બંગાળના કથાવાચકોનાં હૃદય સદા માટે જીતી લીધાં અને ભારતની બધી ભાષાઓના નવલકથાકાર ગણાયા એ શરદબાબુ – શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે (1876–1938) રવીન્દ્રનાથની વાર્તાઓ પ્રકટ થતી હતી ત્યારે અજ્ઞાત રીતે બંગાળી કથાક્ષેત્રમાં પ્રવેશ કર્યો ‘બડી દીદી’ વાર્તાથી. પછી તો એમની ‘પરિણીતા’, ‘પલ્લીસમાજ’, ‘ચરિત્રહીન’, ‘દેવદાસ’, ‘ગૃહદાહ’, ‘પથેર દાબિ’, ‘શ્રીકાન્ત’, ‘શેષ પ્રશ્ન’ વગેરે કૃતિઓ ખૂબ આદર પામી. તેમનાં પાત્રો, ખાસ કરીને નારીપાત્રો, ચિરસ્મરણીય બની રહ્યાં. શરદબાબુનું મહાત્વાકાંક્ષી સર્જન છે આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી દીર્ઘકાય રચના ‘શ્રીકાન્ત’. ‘ગૃહદાહ’ તેમની સુગ્રથિત નવલ છે. શરદબાબુની કથાઓમાં લાગણીશીલતા સાથે વાસ્તવિક જીવનનાં સુખદુ:ખનો સ્પર્શ અને તે સાથે મનુષ્યમાત્રમાં રહેલી સદવૃત્તિઓ પ્રત્યેની ઊંડી શ્રદ્ધાનો સમન્વય છે.

રવીન્દ્રનાથ અને શરદબાબુ પછી શક્તિશાળી નવલકથાકારોમાં એક છે તારાશંકર બંદ્યોપાધ્યાય (1898–1971). તેમની નવલકથાઓમાં ‘ચૈતાલિ ઘૂર્ણિ’, ‘ધાત્રીદેવતા’, ‘કવિ’ વગેરે છે. ‘ગણદેવતા’ તેમની જ્ઞાનપીઠ-પુરસ્કારવિજેતા નવલકથા છે તો ‘આરોગ્યનિકેતન’ તેમની પ્રસિદ્ધ નવલકથા છે. ‘ગણદેવતા’ એક પ્રાદેશિક નવલકથા છે. તેમાં ‘ગણ’દેવતાનો એક ચહેરો ઉપસાવવા અનેક પાત્રો જિવાતા જીવનમાંથી અવતાર્યાં છે. વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાય(1894–1950)ની ‘પથેર- પાંચાલી’ અને ‘અપરાજિત’ને સત્યજિત્ રાયે કચકડામાં મઢી અમરતા આપી છે; તો ‘આરણ્યક’ પણ તેમની ઉત્તમ સિદ્ધિ છે. બુદ્ધદેવ બસુએ (1908–1975) અનેક નવલકથાઓ લખી છે, જેમાં ‘ધૂસર ગોધૂલિ’, ‘એકદા તુમિ પ્રિયે’ વગેરે પ્રયોગશીલ છે. કેટલીકમાં મનોવૈજ્ઞાનિક અભિગમ જોવા મળે છે. અન્નદાશંકર રાયે બંગાળીમાં એક બૃહદ્ નવલકથા ‘સત્યાસત્ય’ 6 ભાગમાં  લખી છે. (પહેલાં તેઓ ઊડિયામાં લખતા હતા.) તેમની છેલ્લી એક નવલકથા ‘સુખ’ પરીકથા સ્વરૂપે આધુનિક જીવનસંદર્ભ લઈ આવીને નવી ભાત પાડે છે. માણિક બંદ્યોપાધ્યાયની ‘પુતુલ નાચેર ઇતિકથા’ પ્રકટ થતાં એક આગવા અભિગમવાળા મૌલિક લેખક તરીકે તેમનું સ્વાગત થયું – કેટલીક નવલોમાં તેમનામાં રહેલો પ્રચારક અને મનોવિજ્ઞાની સ્પષ્ટ દેખાય છે. તેમની પ્રસિદ્ધ નવલો તે – ‘અતસી મામી’, ‘પદ્માનદીર માઝી’, ‘ચતુષ્કોણ’ વગેરે. અન્ય પ્રયોગવાદીઓમાં કમલકુમાર મજુમદારની ‘અંતર્જલી યાત્રા’ નોંધપાત્ર ગણાય છે. લાંબી અને લોકપ્રિય નવલકથાઓ જેવી કે ‘સાહિબ બીબી ગુલામ’ અને ‘કોડિ દિયે કિનલામ’ના લેખક બિમલ મિત્ર કે ‘ચૌરંગી’ના લેખક શંકર કે ‘લૌહકપાટ’(ઊજળા પડછાયા કાળી ભોંય – ગુ. અનુ.)ના લેખક જરાસંધ વગેરે ગુજરાતના વાચકોને પરિચિત છે.

સ્ત્રી-નવલકથાકારોનું એક મંડળ બન્યું હતું; જેમાં ઇન્દિરાદેવી, તેમની નાની બહેન અનુરૂપાદેવી અને બાળપણની સખી નિરુપમાદેવી હતાં. આમ તો રવીન્દ્રનાથનાં એક મોટાં બહેન સ્વર્ણકુમારીદેવી (1855–1932) બંગાળનાં પહેલાં અને બધી રીતે સુસંસ્કૃત સાહિત્યિક મહિલા હતાં. તેમની પહેલી નવલ ‘દીપનિર્વાણ’નું (1876) કથાનક ઐતિહાસિક છે; પણ તેમની ‘સ્નેહલતા’ (1892) સૌથી વધુ મહત્વની છે. ઉપર જણાવેલ ત્રણ સ્ત્રી-નવલકથાકારના મંડળમાં શરદચંદ્રનો સમાવેશ થાય તો તેને ભાગલપુર મંડળ કહી શકાય. ઇન્દિરાદેવીને (1880–1922) ફાળે ટૂંકી વાર્તાઓ અને એક નવલકથા ‘સ્પર્શમણિ’નું શ્રેય જાય છે. અનુરૂપા (1882–1958) તેમની નવલકથા ‘પોષ્યપુત્ર’(1912)થી વાચકોમાં પરિચિત થયાં, પણ ‘મંત્રશક્તિ’ (1915) વધારે લોકપ્રિય છે. તેમણે ઐતિહાસિક નાટકો પણ લખ્યાં છે. નિરુપમાએ (1883–1951) ટૂંકી વાર્તાઓ અને ડઝનથી વધારે નવલકથાઓ લખી છે; જેમાં ‘દિદિ’ (1915) સૌથી લોકપ્રિય છે. તેમની નવલો વાચનક્ષમ છે. શૈલી આડંબર વિનાની છે. તેમની ‘શ્યામલી’(1919)નું નાટ્યરૂપાંતર કરવામાં આવ્યું છે. શૈલબાલા ઘોષજાયા (1894–1974), ભાગલપુર મંડળ સાથે જોડાયેલાં ન હોવા છતાં તેમનું નામ આ ત્રણેયની સાથે છે; કારણ કે તેઓ પણ એક નારીના ર્દષ્ટિબિંદુથી જ લખતાં હતાં. તેમણે ઘણી નવલો લખી છે. તેમાંથી પહેલી ‘સેખ આંદુ’ (1917) કથાનકની ર્દષ્ટિએ સાહસભરી છે; તેમાં શિક્ષિત હિંદુ છોકરીના યુવાન મુસલમાન શૉફર સાથેના નિષ્ફળ પ્રેમની વાત છે. ‘જન્મ-અપરાધી’ એક પ્રતીતિકર વાર્તા રજૂ કરે છે. પીઢ પત્રકાર રામાનંદ ચટ્ટોપાધ્યાયની પુત્રીઓ શાન્તાદેવી અને સીતાદેવી(1895–1974)એ ફક્ત ‘પ્રવાસી’ માટે જ વાર્તાઓ અને નવલકથાઓ લખી છે.

બંગાળી નાટક બંગાળમાં થતી ‘યાત્રા’ઓ દ્વારા જીવંત રહ્યું છે; ધર્મ સાથે જોડાવાથી ‘યાત્રા’ ટકી રહી; પરંતુ આધુનિક રંગભૂમિ તો પશ્ચિમના સંપર્કમાં આવ્યા પછી જ વિકાસ પામી. અંગ્રેજો સારી સંખ્યામાં કલકત્તામાં વસ્યા અને તેમના રંજન માટે અંગ્રેજી નાટકો ભજવવા રંગભૂમિની સ્થાપના થયેલી. 1795માં ‘છદ્મવેશ’ નામે અંગ્રેજી નાટકનો બંગાળી અનુવાદ ભજવાયો હતો, જેનું શ્રેય એક રશિયનને ફાળે જાય છે. તે પછી કલકત્તાનું હિંદુ થિયેટર અને શ્યામબજાર થિયેટર થયાં. શ્યામબજારમાં (ભારતચંદ્રનાં રૂપાંતરિત) ‘વિદ્યાસુંદર’ જેવાં બંગાળી નાટકો ભજવાતાં હતાં. 1853થી બંગાળી નાટકકારોએ બે પદ્ધતિઓ અપનાવી : (1) અંગ્રેજી નાટકોના અનુવાદ-રૂપાંતરની અને (2) સંસ્કૃતનાં પ્રસિદ્ધ નાટકોના અનુવાદ અને રૂપાંતરની. વળી બેલગાછિયા નાટ્યશાળાની સ્થાપના પછી બંગાળી રંગમંચના નવા યુગનાં મંડાણ થાય છે. 1858માં ‘રત્નાવલી’(નાટકકાર તર્કરત્ન)ના પ્રયોગથી લોકપ્રિયતા સાંપડી. ઉપરાંત, આ પ્રયોગો માટે પ્રબળ પ્રેરણા સમાજસુધારણાની ભાવના રૂપે આવી. રામનારાયણ તર્કરત્ન(1822–1886)નું ‘કુલીનકુલસર્વસ્વ’ (1854) અને ‘નવનાટક’ (1866), ઉમેશચંદ્ર મિત્રનું ‘વિધવાવિવાહ નાટક’ (1856) વગેરે ઉલ્લેખનીય છે. માઇકેલ મધુસૂદન દત્તનું બંગાળી ‘શર્મિષ્ઠા’ (1858) તેમજ ‘પદ્માવતી’ (1859) પણ ભજવાયાં. દીનબંધુ મિત્ર(1829–1874)થી ‘નીલદર્પણ’(1859)નો યુગ શરૂ થાય છે. તેમાં બ્રિટિશ સામ્રાજ્યનું નગ્ન સ્વરૂપ જોવા મળે છે. તેમણે અમાનવીય દુષ્ટતા અને યંત્રણાનું એક ભયંકર ચિત્ર રજૂ કર્યું છે. જાહેર થિયેટરનું ઉદઘાટન (1872) મિત્રનાં નાટકોથી થયું હતું. ‘કવિ’ ગીતોના લેખક મનમોહન બસુએ પૌરાણિક કથાઓ પરનાં નાટકોમાં ભક્તિની ધારા ભેળવી, જે દ્વારા બંગાળી નાટકોનો પ્રવાહ પ્રાચીન ‘યાત્રા’ તરફ વળ્યો અને નવી ‘યાત્રા’નો જન્મ થયો. મ. બસુનાં (1831–1912) ‘રામાભિષેક’ અને ‘સતીનાટક’ નોંધપાત્ર છે.

બંગાળી રંગભૂમિના વિકાસમાં મહર્ષિ દેવેન્દ્રનાથ અને તેમના ઠાકુર કુટુંબનો ફાળો મહત્વનો છે. જોડાસાંકોમાં નાની રંગભૂમિની સ્થાપના કરવામાં આવી હતી. રવીન્દ્રનાથના મોટા ભાઈ જ્યોતિરિન્દ્રનાથના પહેલા નાટક ‘પુરુવિક્રમ’(1874)માં રાષ્ટ્રીય ચેતનાની પહેલી વાર સ્થિર સાહિત્યિક અભિવ્યક્તિ મળે છે. પછીનાં નાટકો ‘સરોજિની’, ‘અશ્રુમતી’માં સ્વદેશપ્રીતિની પૃષ્ઠભૂમિમાં પ્રેમ અને કર્તવ્યના દ્વન્દ્વનું આલેખન છે. ‘સ્વપ્નમયી’ (1882) સંરચના અને અભિનયની ર્દષ્ટિએ જુદું છે. આ નાટકો ‘જોડાસાંકો’ના રંગમંચ પર ભજવાતાં, વર્ષો બાદ રવીન્દ્રનાથનું ‘વાલ્મીકિર પ્રતિભા’ નાટક ત્યાં જ ભજવાયેલું. રામકૃષ્ણ રાય (1852–1894) પોતાના થિયેટર માટે નાટકો લખતા. તેમનાં નાટકો પુરાણકથાઓ તેમજ ભક્તિપરક કથાઓ પર આધારિત ગંભીર નાટકો હતાં. લોકપ્રિય ‘યાત્રા’ પ્રયોગોની નજીક સાર્વજનિક મંચને લાવવા માટે તેઓ કેટલેક અંશે કારણભૂત થયા.

ગિરીશચંદ્ર ઘોષ (1844–1891) નાટકકારો અને અભિનેતાઓમાં અગ્રિમ સ્થાનના અધિકારી છે. પોતે સ્થાપેલા નાટ્યગૃહમાં ઘણાં નાટકો ભજવાયાં. ઘોષનાં નાટકોની સંખ્યા 80થી પણ વધારે થવા જાય છે. તેમાં ‘રાવણ-વધ’ અર્ધધાર્મિક નાટક છે, પણ સૌથી ઉત્તમ તો ‘બુદ્ધદેવચરિત’ (1885) છે. સામાજિક કરુણાન્ત નાટકોમાં શ્રેષ્ઠ છે ‘પ્રફુલ્લ’ (1891). તેમણે મધ્યમ વર્ગની વાસ્તવિક સમસ્યાઓ આલેખતાં સામાજિક નાટકો પણ લખ્યાં–ભજવ્યાં છે. અમૃતલાલ બસુ(1853–1929)નાં પ્રહસનોએ સાર્વજનિક રંગમંચ પર હાસ્યના વધુ સારા સ્વરૂપને, મનોરંજક વળાંક આપવામાં ઘણું પ્રદાન કર્યું. ઘોષ અને બસુ તેમની પ્રવૃત્તિની પરાકાષ્ઠાએ હતા ત્યારે રવીન્દ્રનાથ જોડાસાંકોની રંગભૂમિ પર ‘રાજા ઓ રાની’ (1889) જેવાં નાટકો ભજવી રહ્યા હતા. ડી. એલ. રાય તરીકે જાણીતા દ્વિજેન્દ્રલાલ રૉય (1863–1913) બંગાળીના પ્રસિદ્ધ નાટકકાર છે. તેમણે અહલ્યા-ઉદ્ધારનું વસ્તુ લઈને ‘પાષાણી’ (1900) તેમજ રામાયણ પરથી ‘સીતા’ (1902) નાટકો પદ્યમાં લખ્યાં છે – ‘પાષાણી’ તો પૂરેપૂરું મુક્ત પયાર છંદમાં લખાયું છે. પછીનાં નાટકો તેમણે ગદ્યમાં લખ્યાં, જે મોટે ભાગે ઐતિહાસિક નાટકો – ‘નૂરજહાઁ’ અને ‘શાહજહાઁ’ (1910) – છે. તેમણે રંગમંચને રોતલ ટ્રૅજેડી અને સંકુચિત ધાર્મિકતામાંથી મુક્ત કરવામાં ઘણો ફાળો આપ્યો, શિશિરકુમાર ભાદુડી (1889–1960) નાટ્યકલામાં સુધારણા લાવ્યા. તેમના જેવા અભિનેતાઓએ બંગાળી રંગભૂમિને પ્રતિષ્ઠા આપી છે. તે દરમિયાન જ રચાતાં રવીન્દ્રનાથનાં નાટકો મોટે ભાગે ભાવપ્રધાન છે, જેનાથી બંગાળી નાટકને એક નવી ધાટી મળી છે.

હાલ બંગાળી રંગભૂમિ પર અનેક પ્રયોગો થઈ રહ્યા છે, પ્રયોગશીલ નાટકો પણ લખાય છે. બાદલ સરકારનું ‘એવં ઇન્દ્રજિત્’ ઘણી પ્રસિદ્ધિ પામ્યું છે. બુદ્ધદેવે રામાયણમાંથી ઋષ્યશૃંગનું વસ્તુ લઈ ‘તપસ્વી ઓ તરંગિણી’, અને કૃષ્ણના અંતિમ દિવસો પર ‘કાલસંધ્યા’ નાટકો લખ્યાં છે. ‘કાલસંધ્યા’ પદ્યનાટક છે.

બંગાળીમાં વાર્તાસાહિત્ય પણ ઘણું વિકસિત છે. રવીન્દ્રનાથ પછી સૌથી પ્રસિદ્ધ નવલિકાકાર પ્રભાતકુમાર મુખોપાધ્યાય (1873–1932) હતા. તેમના સંગ્રહો ડઝન કરતાં પણ વધારે છે; જેવા કે ‘ષોડશી’ (1906), ‘ગલ્પાંજલિ’ (1913), ‘નૂતન બઉ’ (1928) વગેરે. તેમાં રચનાનૈપુણ્ય જોવા મળે છે. ‘વાયુપરિવર્તન’, ‘ખોકાર કાંડ’ વાર્તાઓ પ્રસિદ્ધ છે. રવીન્દ્રનાથ તો વાર્તાસાહિત્યને ઉન્નત શિખરે લઈ ગયા; એટલું જ નહિ, પછી આવનાર વાર્તાકારોને તેમણે પ્રભાવિત કર્યા છે. તેમના ભત્રીજા સુધીન્દ્રનાથ ઠાકુરે પણ કેટલીક સારી વાર્તાઓ રચી છે. પ્રમથ ચૌધરી(1868–1948)એ ‘બિરબલ’ નામથી હાસ્યરસપ્રધાન સુંદર વાર્તાઓ લખી છે; તેમાં સૌથી ઉત્તમ હતી ‘ચાર ઇયારી-કથા’. એ રીતની વાર્તાઓ લખનારાઓમાં રાજશેખર બસુ(1880–1960)નું નામ પણ જાણીતું છે. બંગાળીની સૌથી પ્રસિદ્ધ બાલકથાઓમાંની ‘ટુનટુનિર કથા’(1910)ના સંકલનકર્તા હતા સુકુમાર રાયચૌધરી (1887–1923). ‘ભારતી’ મંડળના યુવાન લેખકોમાંથી સૌથી અનુભવી સૌરીન્દ્રમોહન મુખોપાધ્યાયે (1884–1966) ટૂંકી વાર્તાઓના સંગ્રહો ‘શેફાલી’ અને ‘નિર્ઝર’ પ્રકટ કર્યા છે. ચારુચન્દ્ર બંદ્યોપાધ્યાય (1876–1938) મુખોપાધ્યાય જેટલા ઘણું લખનારા નહોતા, પણ શરૂઆત નવલિકાકાર તરીકે કરી. તેમના ‘પુષ્પપત્ર’, ‘સૌગાત’ વગેરે ડઝન જેટલા વાર્તાસંગ્રહો છે. પછીની વાર્તાઓ અનૂદિત અને રૂપાંતરિત છે. મુખોપાધ્યાયનાં પિતરાઈ બહેન ઇન્દિરાદેવીના પણ મૌલિક વાર્તાઓના ચાર સંગ્રહો પ્રકાશિત છે. ‘નારાયણ’ સામયિકમાં વિચારપ્રધાન લેખક હરિદાસ હાલદારે (1862–1934) યથાર્થવાદી કથાવસ્તુવાળી ટૂંકી વાર્તાઓ લખી. એ જ રીતે ડૉ. નરેશચંદ્ર સેનગુપ્તે (1882–1964) ‘યથાર્થવાદી’ પંથની જવાબદાર વ્યક્તિ તરીકે પહેલો વાર્તાસંગ્રહ ‘દ્વિતીય પક્ષ’ (1919) પ્રકાશિત કર્યો. શરતચંદ્રની પહેલી વાર્તા ‘મંદિર’ 1903માં પ્રગટ થયેલી.

1923માં શરૂ થયેલું સામયિક ‘કલ્લોલ’ બંગાળી સાહિત્યમાં નવી પ્રગતિશીલ ચળવળનું મુખ્ય મુખપત્ર બની રહ્યું. આ ‘કલ્લોલ’-યુગમાં શૈલજાનંદ મુખોપાધ્યાય (1900–1976), પ્રેમેન્દ્ર મિત્ર (1904–1988), અચિન્ત્યકુમાર સેનગુપ્ત (1904–1988), બુદ્ધદેવ બસુ (1908–1974) વગેરે વાર્તાકારો આવે છે. શૈલજાનંદ ખાણોના મજૂરોના જીવનનું આલેખન કરતી વાર્તાઓ સાથે ઉપસ્થિત થયા. ‘કયલા કુઠિ’, ‘દિનમજૂર’ તેમના સંગ્રહો છે, જે જીવંત વાસ્તવવાદ અને કષ્ટદાયક ટ્રૅજેડીથી નહિ, પરંતુ પહેલી વાર જાનપદી કથાસાહિત્યના પ્રચલન માટે સીમાચિહ્નરૂપ છે. તે પછીના વાર્તાસંગ્રહો ‘વધૂવરણ’, ‘સતી-અસતી’ વગેરેની વાર્તાઓ વ્યક્તિગત અનુભવ અને જાણકારીમાંથી આવે છે. જગદીશચંદ્ર ગુપ્તને શૈલજાનંદ સાથે મૂકવામાં આવે છે – તેઓ અનુભવાતા જીવનમાંથી કથાવસ્તુ લે છે. શૈલજાનંદ દ્વારા પ્રબોધકુમાર સાન્યાલ (1907–1983) વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા. તેમનો સંગ્રહ છે ‘નિશિપદ્મ’ (1931). પ્રેમેન્દ્ર મિત્રના અનેક વાર્તાસંગ્રહોમાં ‘પંચશર’, ‘બેનામી બંદર’ વગેરે ઉલ્લેખનીય છે. અચિન્ત્યકુમાર સેનગુપ્તના વાર્તાસંગ્રહો વીસથીય વધારે છે. તેમની મંડળીના લાક્ષણિક કથાસાહિત્યના વિરોધમાં પ્રતિભાવ એટલો ઉગ્ર હતો કે તેમની અને બુદ્ધદેવની બેત્રણ કૃતિઓ જપ્ત કરવામાં આવી હતી. વાર્તાના ક્ષેત્રમાં અલબત્ત, બુદ્ધદેવની સફળતા નિર્વિવાદ છે : તેમના સંગ્રહો છે ‘રેખાચિત્ર’, ‘મિસેજ ગુપ્ત’, ‘એરા, ઓરા એવં આરો અનેકે’ વગેરે. નારાયણચંદ્ર ગંગોપાધ્યાય વિષયવૈવિધ્ય અને કલાનૈપુણ્યની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ સ્થાનના અધિકારી છે. બાલાઈચંદ મુખોપાધ્યાય (1899–1979) પોતાની રચનાઓ ‘બનફૂલ’ તખલ્લુસથી લખતા. તેમની કેટલીક વાર્તાઓ ઘણી સરસ છે – ખાસ તો તબીબી વિદ્યાના અભ્યાસી અને પૅથોલૉજિસ્ટ તરીકેના અનુભવોમાંથી નીપજેલા તેમના સંગ્રહો છે ‘બનફૂલેર ગલ્પ’, ‘વૈતરણી તીરે’, ‘બાહુલ્ય’ વગેરે. શરદિન્દુ બંદ્યોપાધ્યાયની (1899–1970) વાર્તાઓ (કેટલીકનો ગુજરાતી અનુવાદ ‘મરુભૂમિમાં’ નામથી) ઐતિહાસિક પટ પર આલેખાયેલી છે. વાસ્કો-ડી-ગામાને અનુલક્ષીને લખાયેલી વાર્તા ‘રક્તસંધ્યા’ અત્યંત પ્રસિદ્ધ છે. ‘જાતિસ્મર’, ‘કાલકૂટ’ (1945) વગેરે વાર્તાસંગ્રહો છે. નવલકથાક્ષેત્રની જેમ વાર્તાક્ષેત્રમાં પણ તારાશંકર બંદ્યોપાધ્યાય અગ્રણી છે. જાનપદી વાતાવરણ, ધરતી સાથેનો પ્રત્યક્ષ પરિચય અહીં મળે છે. (ગુજરાતીમાં વાર્તાઓનો અનુવાદ : ‘મૂગું રુદન’). પ્રમથનાથ બિશિ(1901–1985)ને રવીન્દ્રનાથની ચેતના અને તેમના પરિવેશને શાન્તિનિકેતનની જ ભૂમિકામાં આત્મસાત્ કરવાની ઉત્તમ તક મળી છે. એવા એ એકમાત્ર લેખકના એકાધિક વાર્તાસંગ્રહો છે. તેઓ પ્રહસનો માટે પણ જાણીતા છે. તેઓ ગદ્યના લોકપ્રિય લેખક છે. ‘રવીન્દ્રનાથ ઓ શાંતિનિકેતન’ (1944) વિદ્યાર્થી-જીવનનાં સંસ્મરણો પર આધારિત તેમનું એક ઉત્તમ પુસ્તક છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રે બંગાળની સિદ્ધિ અસાધારણ છે.

ઓગણીસમી સદીના કાવ્યપ્રવાહમાં 1830થી 1896 સુધીના સમયને એક અલગ એકમ તરીકે એટલા માટે ઓળખી શકાય કે એક છેડે છે કવિ ઈશ્વરચંદ્ર ગુપ્ત (1812–1859) અને બીજે છેડે છે આ ધારાનું છેલ્લું કાવ્ય ‘પ્રભાસ’. ઈશ્વરચંદ્રને આધુનિક બંગાળી કવિતાના સ્રષ્ટા કહેવા અંગે વિવાદ હોઈ શકે, પણ તેમની કવિતામાં અર્વાચીનતાનાં લક્ષણો છે, જેની અસર પછીના કવિઓ પર વરતાય છે. તેમણે પ્રાચીન અને અર્વાચીન યુગની સંધિએ ઊભા રહી બે વચ્ચે સેતુ રચ્યો; અનેક અર્વાચીન કવિઓને લખતા કર્યા, એ રીતે અર્વાચીન બંગાળી કવિતાના ગુરુસ્થાને છે. તેમના નવદીક્ષિતોમાં આવે ઉત્તમ લેખકો – રંગલાલ બંદ્યોપાધ્યાય, દીનબંધુ મિત્ર અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ઈશ્વરચંદ્ર ગુપ્તની કવિતામાં પ્રકૃતિ પહેલી જ વાર સ્વતંત્ર સત્તા રૂપે દેખા દે છે, ઉપરાંત સમાજચેતનાનું દર્શન થાય છે. વળી તેમનામાં ઇતિહાસબોધ અને એક બૌદ્ધિક અભિગમ પણ છે. વર્ષાવિષયક કવિતામાં કવિ ગુપ્તની વર્ણનશક્તિનો પરિચય મળે છે. તેમની કવિતામાં પ્રકટતી સ્વદેશચેતના અંગ્રેજી રાજ્યનો નહિ, પણ અંગ્રેજી સંસ્કૃતિનો વિરોધ કરે છે. એમની કવિતામાં બે સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ નિરૂપાયો છે. એમનું પદ્ય મોટે ભાગે પ્રાસાદિક, સરળ છે; કેટલાંક કાવ્યો ખુલ્લેખુલ્લાં ઉપદેશાત્મક છે. જોકે તેમનું છંદકૌશલ અદભુત છે. એમણે સંસ્કૃતમાંથી અનુવાદ પણ કર્યા હતા.

માઇકેલ મધુસૂદન દત્તને (1824–1873) ‘આધુનિક બંગાળી કાવ્યના વાલ્મીકિ’ કહેવામાં આવ્યા છે. તેઓ બંગાળી કાવ્યની એક વિરલ પ્રતિભા છે. આરંભમાં અંગ્રેજીમાં જ કવિતા કરતા; અંગ્રેજી ઉપરાંત ગ્રીક, હીબ્રૂ, ફારસી, લૅટિન, ફ્રેંચ, જર્મન વગેરે ભાષાઓમાં તેમણે પ્રવીણતા મેળવી હતી. બંગાળી કવિતા લખવાનો આરંભ પયાર છંદને નાથવાથી કર્યો. પયારને પ્રાસમુક્ત અને પ્રવાહી કરી તેમાં ‘બ્લૅન્ક વર્સ’નું વૈશિષ્ટ્ય અર્પ્યું. તેમણે ‘તિલોત્તમાસંભવ’, ‘વીરાંગના’, ‘મેઘનાદવધ’ વગેરે પ્રૌઢ કાવ્યો અને સૉનેટો આ છંદમાં રચ્યાં. ‘મેઘનાદવધ’ તેમનું વિખ્યાત મહાસર્જન છે, જેમાં તેમની ર્દષ્ટિનો અને સર્ગશક્તિનો ઉત્તમ આવિષ્કાર થયો છે. પશ્ચિમનાં મહાકાવ્યો આ કાવ્યનો આદર્શ છે. આ કાવ્ય ‘કવિના માનસના અને યુગમાનસના વિદ્રોહનું પ્રતીક’ છે. તેમની કાવ્યરચનાઓનું છેલ્લું પુસ્તક 102 સૉનેટનો સંગ્રહ છે (1865).

હેમચન્દ્ર બંદ્યોપાધ્યાય(1838–1903)નું દીર્ઘ કાવ્ય ‘ચિન્તાતરંગિણી કાવ્ય’ ઈશ્વરચંદ્ર ગુપ્ત અને રંગલાલ બંદ્યોપાધ્યાયની રીતિ પર રચાયેલું હતું. નવીનચંદ્ર સેન(1846–1909)ને મહાકાવ્યના ત્રીજા મહત્વપૂર્ણ કવિ અને હેમચન્દ્રના ઉત્તરાધિકારી ગણવામાં આવે છે. 5 સર્ગમાં રચાયેલી તેમની કૃતિ ‘પલાશીર યુદ્ધ’ (1875) યશ સ્થાપિત કરનારી નીવડી. તેમના સમકાલીન કવિઓમાં બિહારીલાલ ચક્રવર્તીએ (1834–1894) અંત:સ્ફુરણથી જ કાવ્યરચના કરી હતી. પહેલો કાવ્યસંગ્રહ ‘બંધુ-વિયોગ’ છે; તેમાં ઈશ્વરચંદ્ર ગુપ્તને અનુસરતી પદ્ધતિ અને જન્મભૂમિ માટેનો ઊંડો પ્રેમ છે. તેમનું સૌથી પ્રસિદ્ધ કાવ્ય ‘શારદામંગલ’ છે. ચક્રવર્તી જેનું નેતૃત્વ ધરાવતા હતા તે રોમૅન્ટિક કવિવર્ગ માત્ર પોતાની ઊંડી આત્મલક્ષિતાને કારણે જ વિશિષ્ટ નહોતો; પણ પ્રેમ પર, વિશેષે નારીપ્રેમ અને અન્ય લાગણીભર્યા સંબંધો પર તે ભાર મૂકતો હતો. તાત્કાલિક સામાજિક સમસ્યાઓ તરફનું આ લોકોનું વલણ પ્રશિષ્ટ કહી શકાય એવા સમકાલીન કવિઓના બીજા સમૂહોથી જુદું હતું. આ વર્ગમાંના સુરેન્દ્રનાથ મજુમદારને (1838–1878) અર્ધ-રોમૅન્ટિક કવિ કહી શકાય. એમનું સર્વોત્તમ કાવ્ય ‘મહિલા’ છે, જે ચક્રવર્તીની ‘બંગસુંદરી’થી પ્રેરાયેલું છે. દ્વિજેન્દ્રનાથ ઠાકુર (1840–1926) બહુમુખી પ્રતિભાવાળી વ્યક્તિ હતા, પણ તે સંભાવનાઓ લાંબો સમય દર્શનશાસ્ત્રના એકાંગી અભ્યાસને કારણે અવિકસિત રહી. કલ્પનાત્મક ગૂંથણીના સ્મારક સમું એમનું મહાન કાવ્ય ‘સ્વપ્નપ્રયાણ’ ((1875) એક રૂપક-કાવ્ય છે, જેની તુલના ‘ફેરી ક્વીન’ સાથે કરી શકાય. તેમાં માત્ર ભાવનું જ પ્રાચુર્ય નથી, રચનાની વિપુલ શોભા છે. મિત્ર ચક્રવર્તીની જેમ દ્વિજેન્દ્રનાથ ચલિત બંગાળી સાથે સાધુ બંગાળીનો સંયોગ કરતાં અચકાતા નથી. તેમણે હળવી શૈલીમાં એક કથાકાવ્ય ‘યૌતુક ના કૌતુક’ (દહેજ કે તમાશો ? – 1883) લખ્યું હતું. આ કાવ્ય નાના ભાઈ રવીન્દ્રનાથ ઠાકુરને તેમના લગ્નપ્રસંગે અર્પિત કર્યું હતું. દેવેન્દ્રનાથ સેન (1855–1920), રોમૅન્ટિક વર્ગના કવિ છતાં પ્રશિષ્ટો સાથે કંઈક સંબંધ હતો. એમના કાવ્યસંગ્રહોનાં શીર્ષકોના અંત ‘ગુચ્છ’ શબ્દથી આવે છે, જેમકે, ‘અશોક-ગુચ્છ’, ‘શેફાલી-ગુચ્છ’ વગેરે. તેમની ઉત્તમ કવિતા પ્રેમ વિશે છે. અક્ષયકુમાર બાડાલ (1865–1918) પણ વિહારીલાલ ચક્રવર્તીના નિકટના અનુયાયી હતા. પહેલો સંગ્રહ ‘પ્રદીપ’ 1885માં, છેલ્લો સંગ્રહ ‘એષા’ 1912માં.

આ સમયની કવયિત્રીઓમાં ગિરીન્દ્રમોહિની દત્તને ઠાકુર પરિવારનો સાહિત્યિક સંપર્ક હતો. ગ્રંથ-સૂચિમાં ‘કવિતાહાર’, ‘અર્ધ્ય’ વગેરે. સ્વર્ણકુમારીદેવીએ પહેલાં રોમૅન્ટિક વીર-કાવ્યની શરૂઆત કરી, જેમાંનાં ચાર ‘ગાથા’(1890)માં સંગૃહીત કરવામાં આવ્યાં છે. કામિની રાય (1884–1933) કલા-સ્નાતિકા હતાં. તેમના પર રવીન્દ્રનાથની કવિતાશૈલીનો ઊંડો પ્રભાવ હતો; પણ સ્વભાવથી તે રોમૅન્ટિક કવિઓ કરતાં પ્રશિષ્ટોની નજીક હતાં. પહેલો અને ઉત્તમ કાવ્યસંગ્રહ ‘આલો ઓ છાયા’ 1889માં પ્રકટ થયો હતો. રવીન્દ્રનાથનો પ્રભાવ પછીની કૃતિઓ(1901–1930)માં વધુ અસરકારક રીતે પડ્યો છે.

અનેક કવિઓએ બંગાળી કવિતાને સમૃદ્ધ કરી છે, પરંતુ રવીન્દ્રનાથની (1861–1941) પ્રખર આભામાં તેમના સમયના અનેક કવિઓ નિષ્પ્રભ બની રહ્યા. રવીન્દ્રનાથે પોતાના દીર્ઘ કવનકાળ દરમિયાન 1,000 જેટલાં કાવ્યો અને 2,000 જેટલાં ગીતો લખી બંગાળી કવિતાને વિશ્વસાહિત્યમાં સ્થાન અપાવ્યું. એમની કવિતાથી ગુજરાતી વાચક સુપરિચિત છે.

વીસમી સદીના આરંભના બે દાયકાઓમાં સત્યેન્દ્રનાથ દત્તનો (1882–1922) કવિ તરીકે સમકાલીન કવિઓ પર પ્રભાવ પડ્યો હતો. ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ગદ્યલેખક અક્ષયકુમાર દત્તના તે પૌત્ર હતા. ‘ભારતી’ મંડળના તેઓ વિશિષ્ટ સભ્ય હતા. તેમણે કવિતાના ચિત્રાત્મક સ્વરૂપનો વિકાસ કરી, રવીન્દ્રનાથના પ્રભાવને ખાળી પોતાનો માર્ગ કરી લીધો : શબ્દનો લય અને છંદનો નિનાદ આ સ્વરૂપની વિશિષ્ટતા છે. ‘ફૂલેર ફસલ’ (1911) સંગ્રહમાં પ્રૌઢિ જોવા મળે છે, જે પ્રૌઢિ ‘કુહુ ઓ કેકા’માં (1912) પણ જળવાઈ રહી છે. તેમણે પ્રાચીન અને આધુનિક ભાષાઓની કાવ્યરચનાઓના કેટલાક ઉત્કૃષ્ટ અનુવાદ કર્યા હતા. દ્વિજેન્દ્રનારાયણ બાગચી (1873–1927) રવીન્દ્રનાથની કવિતાના ઉત્કટ પ્રેમી હતા – તેમનો માત્ર એક કાવ્યસંગ્રહ ‘એકતારા’ (1917) છે. વળી કરુણાનિધાન બંદ્યોપાધ્યાય, કુમુદરંજન મલ્લિક અને કાલિદાસ રાયનાં નામોનો ઉલ્લેખ પણ કવિતાના સંદર્ભમાં કરી લેવો જોઈએ.

યુદ્ધોત્તર અસંતોષ અને અસહકારની તુરતની નીપજ જો કોઈ હોય તો તે હતી કાજી નજરુલ ઇસ્લામ(1899–1976)ની કવિતા. થોડા સમય સુધી રવીન્દ્રનાથને પણ ઢાંકી દેતા વિદ્રોહી કવિ નજરુલ ઇસ્લામની કવિતામાં રાજ્યક્રાંતિની અને વ્યક્તિગત અસંતોષની ભાવના એટલી પ્રબળ છે કે તેમની કવિતાના પ્રત્યેક શબ્દમાં જાણે તેનો પડઘો સંભળાય છે. તેમની ‘વિદ્રોહી’ કવિતા 1921માં પ્રગટ થતાં જ તે બંગાળી કવિતામાં પ્રવેશી ચૂક્યા : ‘આમિ ચિર દુર્દમ……આમિ ભેંગે કરિ સબ ચુરમાર !’…… વિદ્રોહની ભાવના જગાડતી તેમની ઓજસ્વી વાણીમાં ‘વિષેર બાંશી’, ‘ભાંગાર ગાન’ વગેરે કાવ્યરચનાઓ થઈ છે. આવી કાવ્યરચનાઓએ કવિને જેલના સળિયા દેખાડ્યા, પણ ત્યાંય અનેક રચનાઓ થતી રહી. આ વિદ્રોહી કવિનો ભાવધારાનો બીજો માર્ગ છે પ્રણય – જાણે પાંચજન્ય શંખ ફૂંકનાર વૃંદાવની વાંસળી ફૂંકે છે ! તેમણે અનેક પ્રણયગીતોની રચના કરી છે. રવીન્દ્રનાથ પછી કદાચ ગીત લખવામાં તેમનું સ્થાન આવે. કાવ્યસંગ્રહો : ‘વિષેર બાંશી’ (1924), ‘ભાંગાર ગાન’ (1924) અને ‘સંચિતા’ (1928). તે બધાં ગીતો-કાવ્યો ‘ધૂમકેતુ’ સામયિકમાં પ્રકટ થયાં હતાં. આ સિવાય બીજાં ઘણાં ગીતોના ‘બુલબુલ’ (1928), ‘નજરુલ ગીતિકા’, ‘સૂરમહલ’ (1934) જેવા સંગ્રહો છે. નજરુલની કવિતામાં જેટલો ઉન્મુક્ત આવેગ છે, તેટલો કલાનો સંયમ નથી. સામયિકતાની નીપજ જેવી એ કવિતામાં પ્રચારકનો આવેશ વિશેષ જોવા મળે છે. જીવનના ઉત્તરકાળમાં – 1942થી – તેમની વાણી રૂંધાઈ ગઈ હતી અને ચિત્ત પણ પછી તો વિક્ષિપ્ત બની ગયું હતું. નજરુલ સાથે ‘કલ્લોલ’ ગ્રૂપમાં જોડાયેલા કવિ મોહિતલાલ મજુમદાર (1888–1952), પછી ‘ભારતી’માં જોડાયા. તેમની કવિતા સત્યેન્દ્રનાથ દત્તની કવિતારીતિનું અનુસરણ કરે છે : ‘વિસ્મરણી’, ‘હેમન્તગોધૂલિ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

રવીન્દ્રકાવ્યના ઓછાયાથી બચવા અને પોતાનો સ્વતંત્ર અવાજ રજૂ કરવા મથતા તરુણોએ રવીન્દ્રવિરોધી આંદોલન ચલાવ્યું. જોકે આરંભમાં કોઈ કવિ રવીન્દ્રપ્રભાવથી પોતાને મુક્ત રાખી શક્યો નહોતો. બુદ્ધદેવ બસુ વગેરેએ 1925ની આસપાસ સભાનપણે એવું આંદોલન ચલાવવાનો માર્ગ લીધો. ‘કલ્લોલ’ સામયિકના આ તરુણ કવિઓના જૂથમાં સુધીન્દ્રનાથ દત્ત (1901–1960), વિષ્ણુ દે (1909–1982) વગેરે હતા. આ કવિઓ બૉદલેર, રૅમ્બો, વાલેરી, એલિયટ વગેરે આધુનિક કવિઓના સંસ્કારો ઝીલીને બંગાળી કવિતામાં એક આધુનિકતાની સ્થાપના કરવા ઇચ્છતા હતા. તેમણે વિષય અને અભિવ્યક્તિનાં નવાં ઉપકરણો અજમાવ્યાં. કલ્પન અને પ્રતીક દ્વારા કવિતાને ઇન્દ્રિયગ્રાહ્ય બનાવી; પુરાણકલ્પનો પણ પ્રયોજાયાં. બે વિશ્વયુદ્ધ વચ્ચેનો આ સમયગાળો. વળી ગાંધી, માર્ક્સ, ફ્રૉઇડ વગેરેના વિચારો વાતાવરણમાં ગુંજતા હતા. એમ કહી શકાય કે તેમનો વિરોધ રવીન્દ્રનાથ સામે તેટલો નહોતો જેટલો અ-યથાર્થ રંગદર્શિતા સામે હતો.

આ બધા આધુનિકોમાં બુદ્ધદેવ અગ્રણી રહ્યા જણાય છે. આરંભમાં રવીન્દ્ર-અનુસરણમાં જ રચનાઓ કરતા, પછીથી તેઓ મુક્ત બન્યા. ફ્રૉઇડના દર્શનથી તેઓ અધિક પ્રભાવિત છે. તેમના કાવ્યસંગ્રહો છે ‘બંદીર વંદના’, ‘કંકાવતી’, ‘દ્રૌપદીર સાડિ’ વગેરે. પરંતુ રવીન્દ્રોત્તર બંગાળી કવિઓમાં જીવનાનંદ દાસનું (1899–1954) સ્થાન સૌથી સ્વતંત્ર છે. કાવ્યપરંપરામાં તેમનો અવાજ નોખો તરી આવે છે. કોલાહલભર્યા જગતમાંથી નિર્જન સંધ્યાધૂસર પ્રદેશમાં તેઓ લઈ જાય છે; જ્યાં વસંતવર્ષાનો ઉલ્લાસ નથી, પણ હેમંતની ઉદાસીનતા છે. ઉપમાના આ કવિની ઉપમાઓ નવીન તાજગીભરી હોય છે. એમની પ્રસિદ્ધ કવિતા છે ‘વનલતા સેન’. તેમની કવિતામાં માત્ર સંવેદના જ નહિ, પણ અંતર્વેદના છે. સુધીન્દ્રનાથ દત્ત માલાર્મે અને વાલેરીની શુદ્ધ કવિતાની વિભાવના લઈ આવનાર શક્તિશાળી કવિ છે. તેમની કવિતા વ્યંજનાધર્મી છે. તેમની કાવ્યબાની સંસ્કૃતનિષ્ઠ છે. એક રીતે તેઓ પ્રશિષ્ટ પરંપરામાં માનનારા કવિ છે. આધુનિક મિજાજ પ્રકટ કરતું ‘પરિચય’ સામયિક 1931માં તેમણે શરૂ કર્યું. તેમના કાવ્યસંગ્રહો છે ‘ઑર્કેસ્ટ્રા’ (1935), ‘ક્રન્દસી’ (1937), ‘ઉત્તરા ફાલ્ગુની’ (1940) વગેરે. કાવ્યોમાં પુરાણકલ્પનોનો અભિનવ વિનિયોગ જોવા મળે છે. તેમના પર આધુનિક પાશ્ચાત્ય દર્શનોની અસર છતાં આરંભ તો રવીન્દ્રસંસ્કારો સાથે કર્યો છે. વિષ્ણુ દે રવીન્દ્રચેતનાના વિરોધ સાથે પ્રવેશે છે. જીવનદર્શન પરત્વે તેઓ માર્ક્સવાદી છે, પણ કાવ્યરીતિમાં એલિયટપંથી છે. એલિયટનો પ્રભાવ વિશેષે તો કવિતામાં ઐતિહાસિક કે પૌરાણિક સંદર્ભો તેમજ અન્ય કવિઓની કવિતાની પંક્તિઓ વગેરે ગૂંથી લેવાની રીતિમાં દેખાય છે. તેમની કવિતા તેથી ઘણી વાર દુર્બોધ બને છે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉર્વશી ઓ આર્તેમિસ’(1933)નું નામ નિર્દેશે છે તેમ તેમાં દેશ-પરદેશનું સાયુજ્ય છે. અન્ય સંગ્રહોમાં છે ‘પૂર્વલેખ’ (1941), ‘અન્વિષ્ટ’ (1950), ‘નામ રેખેછિ કોમલ ગાંધાર’ (1953), ‘તુમિ શુધુ પંચિશે વૈશાખ’ વગેરે. આ કવિ ઉર્વશી, ઉલૂપી, અર્જુન, નહુષ, વિભીષણ આદિ પુરાપાત્રો આધુનિક ચેતનાને અભિવ્યક્ત કરવા પોતાની કવિતામાં પ્રયોજે છે. અન્ય કલાઓના સંસ્કાર પણ એમની કવિતા ઝીલે છે. વર્તમાન યુગની સભાનતા વ્યંગ–વિડંબના–વક્રોક્તિ દ્વારા પ્રકટે છે. માર્ક્સવાદી હોઈ વિષ્ણુ દે ભાવિ વિશે આશાવાદી છે, ભલે વર્તમાનથી અસંતુષ્ટ હોય. આ બાબતે સુધીન્દ્રનાથ ભાવિમાં કે શાશ્વત પ્રેમમાં વિશ્વાસ સ્થાપી શકતા નથી. તેમનામાં વિષ્ણુ દેનો વિરોધ સ્પષ્ટ જોવા મળે છે. આ ચાર કવિઓ સાથે અમિય ચક્રવર્તી (1901–1986) પણ આધુનિકોમાં એટલા જ ઊંચા સ્થાનના અધિકારી છે. રવીન્દ્રનાથ સાથે વર્ષો રહ્યા છતાં તેમની કવિતા નિરાળી છે. એમના કાવ્યસંગ્રહોમાં છે ‘એક મુઠો’ (1939), ‘પારાપાર’ (1953), ‘પાલાબદલ’ (1955) વગેરે. તેઓ છંદોવિધાનના શિલ્પી છે. તેમની કવિતામાં વિશદ જીવનદર્શન સાથે માનવ પ્રત્યેનો રાગ પ્રકટ થાય છે. પ્રેમેન્દ્ર મિત્ર (1904–1988) અને અચિન્ત્યકુમાર સેનગુપ્તે (1904–1988) બુદ્ધદેવ સાથે ત્રિપુટી રચી હતી. મિત્રના કાવ્યસંગ્રહોમાં ‘પ્રથમા’, ‘સાગર થેકે ફેરા’ વગેરે છે. આધુનિકોમાં તેઓ પ્રારંભિક તબક્કાના કવિ છે.

છેલ્લા દાયકાઓમાં અનેક નવા કવિઓ નવી અભિજ્ઞતા લઈને આવ્યા છે. આજના યુગની નિર્ભ્રાન્ત મનોદશાનું આલેખન એમની કવિતામાં મળે છે. સુભાષ મુખોપાધ્યાય(1919–)ની કવિતામાં ડાબેરી વિચારસરણી જોવા મળે છે. એમની કવિપેઢીમાં નીરેન્દ્રનાથ ચક્રવર્તી (1924–), સમર સેન (1916–1987), સુકાન્ત ભટ્ટાચાર્ય (1926–1947), મંગલાચરણ ચટ્ટોપાધ્યાય (1920) વગેરેનાં નામો મૂકવામાં આવે છે. આ કવિઓમાં સમસામયિક સામાજિક બોધની તીવ્રતા છે. જે દશકામાં બંગાળમાં મહાભયંકર દુકાળ પડ્યો, બીજું વિશ્વયુદ્ધ થયું, આઝાદી મળી પણ દેશના ભાગલા સાથે, તે આ દશક. તેમની કવિતા જીવનાભિમુખ-સમાજાભિમુખ છે. આગલા દશકની કલાત્મક કાવ્યરીતિ અને તે સાથેની કેટલીક દુર્બોધતાને પડછે આ કવિઓની રીતિમાં સહજ ઉક્તિ સાથે વ્યંગ્યનો પણ પ્રવેશ થાય છે. નીરેન્દ્રનાથ ચક્રવર્તીમાં સમયની નિષ્ઠુરતાની વાત મર્મસ્પર્શી બને છે, તો સમર સેન પ્રતિરોમૅન્ટિક ભાવધારા લઈને આવે છે. સામ્યવાદી પક્ષમાં જોડાયેલા સુકાન્ત ભટ્ટાચાર્યની કવિતામાં શ્રમજીવી અને પરિત્રસ્ત લોકો પ્રત્યેનો સમભાવ નર્મમર્મસભર શૈલીમાં પ્રકટે છે. આ જૂથના અગ્રણી કવિ સુભાષ મુખોપાધ્યાયે તો સરઘસોમાં ગાવાનાં ગીતો પણ લખ્યાં છે અને હજારોના સમૂહે તે ઝીલ્યાં છે ! પ્રથમ કાવ્યસંગ્રહ ‘પદાતિક’(1940)ની કવિતામાં ‘પ્રેમ’ અને ‘પ્રકૃતિ’ નથી, જે સામાન્ય રીતે કવિની આરંભની રચનાઓમાં હોય છે; પણ ચારેય બાજુની ભીંસમાં સપડાયેલા માનવોની યાતનાઓ છે. ‘અગ્નિકોણ’(1944)માં પ્રચારધર્મી કવિતા છે; છતાં કાવ્યરીતિ અને છંદોલય પરનું પ્રભુત્વ એ કાવ્યરચનાઓને છેક સામ્યવાદી ફતવા થવા દેતાં નથી. તેઓ તો કવિતાને સડકના આદમી સુધી લઈ જનારા કવિ છે ને સાથે વિવાદાસ્પદ પણ છે. ‘ફુલ ફુટુક’ (1957), ‘યત દૂરેઇ યાઇ’, ‘કાલ મધુમાસ’ વગેરે સંગ્રહોની કવિતામાં અભિવ્યક્તિની પ્રૌઢિ મળે છે. પશ્ચિમના કવિઓની કવિતાના તેમણે અનુવાદ કર્યા છે. રાષ્ટ્રીય કક્ષાનાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ તેમજ ‘કબીર-સમ્માન’ એમને પ્રાપ્ત થયાં છે. આ સાથે છેલ્લે નરેશ ગુહનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, જેમનું અલ્પ સર્જન છે પણ સાચનો રણકો છે. વળી બીજા એક કવિ છે જગન્નાથ ચક્રવર્તી (1924–1996). તેમના સંગ્રહોમાં ‘પાર્ક સ્ટ્રીટનું સ્ટૅચ્યુ’, ‘રાજકોટ’, ‘રાજપથ’ વગેરેનો સમાવેશ થાય છે.

સુનીલ ગંગોપાધ્યાય (1934–) નૂતન બંગાળી કવિતાના એક પ્રતિનિધિ છે. હાલના સમયની સર્જાતી કવિતાનો મિજાજ એમનામાં છે. તેમની કવિતા શબ્દ, છંદ અને વિષયવૈવિધ્યની ર્દષ્ટિએ નવો પરિવેશ લઈને આવે છે. એમની કવિતામાં સહજ અભિવ્યક્તિ છે, જે દુર્બોધતાથી મુક્ત છે. તેમાં આધુનિક સંવેદના છે જ, પણ અભિવ્યક્તિની રીતિ સીધી છે. તેમના સંગ્રહોમાં ‘એક એવં કયેક જન’, ‘આમિ કિ રકમ ભાબે બેંચે આછિ’, ‘હઠાત્ નિરાર જન્ય’ વગેરેનો સમાવેશ થાય છે. ‘કૃત્તિવાસ’ પત્રિકાનું સંપાદન કરતા, આ કવિની શૈલી તરુણ કવિઓને પ્રેરક બની છે. પછીથી તેઓ ‘આનંદબજાર’ અને ‘દેશ’ સામયિક સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. ‘કૃત્તિવાસ’ સાથે સંકળાયેલા અન્ય કવિઓમાં અલોકરંજન દાસગુપ્ત (1930), શક્તિ ચટ્ટોપાધ્યાય (1933–1995), વિનય મજુમદાર (1934) વગેરે છે. શંખ ઘોષ (1932), જીવનાનંદ દાસનું સ્મરણ કરાવે તેવી અભિવ્યક્તિશૈલી સાથે દેશકાળની મર્યાદાને અતિક્રમી અખિલાઈ તરફ લઈ જતું ઊર્ધ્વગામી ભાવવિશ્વ લઈ આવે છે. તેમના સંગ્રહો છે ‘બાબરેર પ્રાર્થના’, ‘દિનગુલિ રાતગુલિ’ વગેરે.

અત્યારના બીજા ઉલ્લેખનીય કવિઓમાં તારાપદ રાય (1936), નવનીત દેવસેન (1938), શરતકુમાર ચટ્ટોપાધ્યાય (1931), દેવારતિ મિત્ર (1946), મલ્લિકા સેનગુપ્ત (1950) વગેરે છે. આજની બંગાળી કવિતાના મુખ્ય કવિ છે જય ગોસ્વામી (1954). કલકત્તામાં જન્મેલા, પણ ગંગાકિનારે રાણાઘાટમાં ભીષણ ખાલીપો, આર્થિક અભાવો, રુગ્ણતા આદિ જીવનની ત્રાસદાયક અનુભૂતિ વચ્ચે કવિતાને સથવારે તેમણે જીવન વિતાવ્યું છે. છેલ્લાં ચારેક વર્ષથી પ્રસિદ્ધ ‘દેશ’ પત્રિકા સાથે તેઓ સંબંધ ધરાવે છે. તેમના કાવ્યસંગ્રહોનાં નામ છે ‘ક્રિસમસ ઓ શીતેર સૉનેટગુચ્છ’, ‘ઉન્માદેર પાઠ્યક્રમ’, ‘ભુતુમ ભગવાન’ વગેરે. આ કવિ પરંપરાગત અને પ્રયોગશીલ રચનાઓ આપે છે. છંદમાં, અછાંદસમાં, ગદ્ય-છંદમાં સિદ્ધ રચનાઓ પણ આપે છે. આજે અનેક કવિઓ બંગાળી કવિતાને સમૃદ્ધ કરી રહ્યા છે. જાતભાતની કવિતાની પત્રિકાઓ, આંદોલનો, ઘોષણાઓ વગેરે પ્રગટ થતાં રહે છે. બંગાળીમાં કવિતાનું દૈનિક પણ પ્રગટ થાય છે ! સમૃદ્ધ કાવ્યવારસો આત્મસાત્ કરી આજની બંગાળી કવિતા નવાં નવાં પ્રસ્થાન કરી રહી છે.

પ્રયોગશીલ નાટકકારોમાં બાદલ સરકારનું નામ પરિચિત છે. બુદ્ધદેવનો નિર્દેશ આ પૂર્વે થયો જ છે. બંગાળી રંગભૂમિની લાંબી પરંપરાની એક કડી એટલે બાદલ સરકારનો ‘આંગન મંચ’ અથવા ઑલ્ટરનેટિવ થિયેટર. ‘એવં ઇન્દ્રજિત્’, ‘પગલા ઘોડા’, ‘શેષ ઇતિહાસ’ વગેરે તેમનાં પ્રસિદ્ધ નાટકો છે. ‘પગલા ઘોડા’માં એક સ્મશાનની વિશિષ્ટ ભૂમિકા લઈ મૃત્યુ પામેલી છોકરીને ચિતામાંથી વખતોવખત ઊભી થઈ ત્યાં બેઠેલી ચાર વ્યક્તિઓ પાસે આવતી બતાવી છે. ટૅકનિકની ર્દષ્ટિએ તેમજ વસ્તુની ર્દષ્ટિએ આ નાટક અનન્ય છે. ખૂબ જાણીતા દિગ્દર્શક શંભુ મિત્રે પણ એક નાટક બેહુલાની કથા પર આધારિત ‘ચાંદ સોદાગરેર પાલા’ લખ્યું અને ભજવ્યું છે. આવા દિગ્દર્શકોએ પણ બંગાળી રંગમંચને સારી પ્રતિષ્ઠા આપી છે.

બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં અનેક બંગાળી વાર્તાકારો નવાં નવાં કથાવસ્તુ, કથ્ય રીતિ લઈને આવે છે. તેમાંના ઘણા નવલકથાકારો પણ છે; જેમ કે સુનીલ ગંગોપાધ્યાય, મહાશ્ર્વેતાદેવી, આશાપૂર્ણાદેવી, સતીનાથ ભાદુડી વગેરે. દેવેશ રાય પણ તેમની આગવી શૈલીમાં, થોડું અપરિચિત કથાવસ્તુ લઈને વાર્તાઓ લખી રહ્યા છે. રમાનાથ રાય (1939) ‘એઇ દશક’ નામના ટૂંકી વાર્તાના આંદોલન સાથે જોડાયેલા. એમનું પુસ્તક છે ‘ક્ષત ઓ અન્યાન્ય ગલ્પ’. પ્રલય સેન (1934–1998) જેવા પ્રગતિશીલ વાર્તાકારના વાર્તાસંગ્રહનું નામ છે ‘લાલ પાતાર બાંશી’, જે 1964માં પ્રકટ થયો હતો. દિવ્યેન્દુ પાલિત (1939) નવલકથાકાર છે, પણ તેમણે ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે. નવલકથા ‘અનુભવ’ને 1998માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. અનિતા અગ્નિહોત્રીએ (1958) ત્રણ વાર્તાસંગ્રહો પ્રકટ કર્યા છે. આફસર આમેદ (1959) હાલના પ્રસિદ્ધ વાર્તાકાર છે.

સુનીલ ગંગોપાધ્યાયની ઘણી નવલકથાઓ ગુજરાતીમાં પણ અનૂદિત છે; દા.ત., ‘અરણ્યેર દિનરાત્રિ’, ‘પ્રતિદ્વન્દ્વી’, ‘સ્વર્ગની નીચે મનુષ્ય’, ‘પર્વત-શિખરે હાહાકાર’ વગેરે. તેમની નવલ ‘સેઇ સમય’ને અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. હમણાં છેલ્લે ‘પ્રથમ આલો’ પ્રકટ થઈ છે. જ્ઞાનપીઠ એવૉર્ડ-વિજેતા મહાશ્ર્વેતાદેવીની પ્રસિદ્ધ નવલોમાં ‘અરણ્યેર અધિકાર’, ‘હાજાર ચુરાશીર મા’ વગેરે આવે. આ તબક્કે ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ નવલનાં લેખિકા આશાપૂર્ણાદેવીનો તેમજ ‘ન હન્યતે’નાં મૈત્રેયીદેવીનો ઉલ્લેખ કરી લેવો જોઈએ. વિમલ કર પણ તેમની નવલકથાઓ ‘અસમય’, ‘બાલિકા વધૂ’, ‘પ્રચ્છન્ન’ વગેરેથી આપણને પરિચિત છે. પ્રસિદ્ધ નવલ ‘ઢોંઢાઇ ચરિત માનસ’ના લેખક સતીનાથ ભાદુડીનો પણ અહીં ઉલ્લેખ કરવો ઘટે.

એ જ રીતે સમરેશ બસુ ‘વિવર’, ‘અમૃતકુંભેર સંધાને’, ‘કોથાય પાબો તારે’થી જાણીતા છે. અમલેન્દુ ચક્રવર્તીની ‘ગોષ્ઠ’, ‘બિહારીર જીવનજાપન’(1981)માં એક જ દિવસની અંદર સમગ્ર વાર્તા આલેખવામાં આવી છે (‘યૂલિસિસ’ની યાદ આવે). તેમાં સંસ્કૃતમય તેમજ બોલચાલની ભાષા પ્રયોજવામાં આવી છે. મનોજ બસુએ પણ જુદા જ પ્રકારનું કથાવસ્તુ લઈ ચોરપરિવારોનું જીવન લઈ બે ભાગમાં ‘નિશિકુટુંબ’ પ્રકટ કરી છે. અતીન બંદ્યોપાધ્યાયની ‘નીલકંઠ પાખિર ખોંજે’ અને સમરેશ મજુમદારની ‘કાલબેલા’ તેમજ સંતોષકુમાર ઘોષની ‘સમય આમાર સમય’ ખૂબ નોંધપાત્ર નવલો છે. બંગાળીના દિવાળીના–પૂજાઅંકોમાંય ત્રણચાર નવલકથાઓ મળે છે. આ બધું ત્યાંના પ્રકાશકો-વાચકો, સાહિત્યકારોની સાહિત્યકલા માટેની લગન તેમજ વિદ્યા માટેની પિપાસાને પ્રકટ કરે છે. સમૃદ્ધ બંગાળી સાહિત્યમાં રવીન્દ્રનાથ બંગાળની સીમાઓને અતિક્રમી આ વિશાળ ઉપખંડના જ નહિ, સમગ્ર વિશ્વના વિશ્વકવિ બન્યા છે.

અનિલા દલાલ