ફ્યુસલાજ : વિમાન-રચનામાં આવેલ પ્રથમ દ્વારથી છેલ્લા દ્વાર સુધીનો ભાગ. આ ભાગમાં મુસાફરોને બેસવાની જગા ઉપરાંત સામાન, બાથરૂમ, પરિચારિકાઓ માટેની જગા, મુસાફરી દરમિયાન ખોરાક રાખવા માટેની જગા વગેરે હોય છે. આ ઉપરાંત વિમાનના આ ભાગ સાથે વિમાનની પાંખો, તેનાં પૈડાં, વિમાનચાલકનું નિયંત્રણકક્ષ, તેનો પૂંછડિયો ભાગ તથા એન્જિન જોડાયેલાં હોય છે.

આકૃતિ 1 : (1) વધારાનું પાવરયુનિટ; (2) વધારાનો પ્રવેશ; (3) પાછળનો પ્રવેશ; (3)A બારી; (4) માલસામાન દ્વાર; (5) પૈડા માટેની જગ્યા; (6) ભાગી છૂટવાનું દ્વાર (7) માલસામાન દ્વાર; (8) મુખ્ય પ્રવેશદ્વાર.

‘ફ્યુસલાજ’ એ ફ્રેન્ચ ભાષામાંથી તારવેલો શબ્દ છે અને તેનો અર્થ ‘નળાકાર પદાર્થ’ (spindle-shaped object) થાય છે. આ નળાકારને હવામાં સહેલાઈથી સરકી શકે તેવો તેમજ વજન ઝીલી શકે તેવો મજબૂત બનાવાય છે.

ફ્યુસલાજ બનાવવા માટે અનેક રીત છે. સૌથી પ્રચલિત ‘semi-monocoque’ ડિઝાઇન છે. monocoque એટલે સળંગ/એક કોચલું (single shell). આ કોચલું તૈયાર કરવા માટે વપરાતી ધાતુને ખાસ પ્રકારનો ઉષ્મા-ઉપચાર (heat treatment) આપી કોચલાની મજબૂતી વધારાય છે. આ ઉપરાંત ફ્યુસલાજની મજબૂતી વધારવા ખાસ પ્રકારના સ્ટિફનર, સ્ટ્રિન્જર અને બ્રેસર વપરાય છે. અહીં નીચેની આકૃતિમાં ધાતુના આવરણ નીચે વપરાતાં સ્ટિફનર, સ્ટ્રિન્જર વગેરે દેખાડ્યાં છે :

આકૃતિ 2 : ફ્યુસલાજ માટેનું માળખું

જૂના જમાનાના 1થી 4 બેઠકવાળા વિમાનમાં લાકડું અને ખાસ પડ ચડાવેલું કપડું પણ વપરાતું હતું. સળંગ ધાતુના જાડા પતરામાંથી બનાવેલ કોચલાવાળું વિમાન બીજા વિશ્વયુદ્ધમાં ડી-હેવીલૅન્ડ કંપનીએ બનાવેલું, જેને ફુલ મૉનૉકૉક સ્ટ્રક્ચર કહે છે; પણ જેમ જેમ વિમાનનું કદ વિકસવા લાગ્યું તેમ એવું તારણ નીકળ્યું કે ધાતુની મજબૂતાઈ અને વજનના ગુણાંકમાં એક નિશ્ચિત હદ સુધી જ વધારો થઈ શકે. આ પછી સેમિ-મૉનૉકૉક જાતની બાંધણી વધુ મજબૂત અને કામયાબ નીવડે છે. આ રીતમાં પટ્ટીઓ, રિંગો અને સ્ટિફનરોથી માળખું તૈયાર થાય છે અને પછી બંને બાજુએ પાતળાં, હલકાં પતરાં લગાવી કોચલું (shell) તૈયાર કરાય છે.

આધુનિક સઘળાં વિમાનો સેમિ-મૉનોકૉક રીતે બનાવવામાં આવે છે. હવે ઍલ્યુમિનિયમ ઉપરાંત ટિટેનિયમ અને કાર્બનના તાંતણાવાળા પદાર્થો પણ એમાં વપરાય છે.

પ્રકાશ રામચંદ્ર