ફ્યુસેલી, જૉન હેન્રી

February, 1999

ફ્યુસેલી, જૉન હેન્રી (જ. 1741, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1825, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો મહત્વનો રંગદર્શી ચિત્રકાર. વીસ વરસની ઉંમરે સ્વિટ્ઝર્લૅન્ડમાં ચર્ચમાં જોડાયો, પણ 1764માં તે બધું છોડીને સ્વતંત્રતાની શોધમાં ઇંગ્લૅન્ડ આવ્યો. અહીંના પ્રતિષ્ઠિત ચિત્રકાર સર જૉશુઆ રેનોલ્ડ્ઝના ઉત્તેજનથી પ્રેરાઈ તેણે 1770થી 1776 સુધી રોમમાં રોમન અને ઇટાલિયન કલાનો અભ્યાસ કર્યો. માઇકલૅન્જેલો અને શેક્સપિયર તેના આજીવન આદર્શ રહ્યા અને શેક્સપિયરની કલામાં રહેલાં રંગદર્શી તત્વની તેણે, લંડન પાછા ફરી, ચિત્રકળામાં ઉપાસના કરી. ભય અને ત્રાસ એ બે તેનાં ચિત્રોના મુખ્ય વિષય બન્યા. તેનું ‘નાઇટમેર’ (દુ:સ્વપ્ન) ચિત્ર વિશ્વભરમાં જાણીતું છે. આ ચિત્રમાં અંધારા ખંડમાં સૂતેલી એક સ્ત્રી બિહામણા અને રાક્ષસી ચહેરાવાળા ઘોડાનું મોં જોઈને હબક ખાઈને મૂર્છિત થઈ ગયેલી બનાવેલી છે. ચિત્રમાં પ્રકાશ અને છાયાનું આયોજન રેમ્બ્રાં અને રેનોલ્ડ્ઝની યાદ આપે છે. નહિ બિલાડો કે નહિ વાંદરો એવું એક પ્રેત જેવું દેખાતું પ્રાણી ટૂંટિયું વાળીને બેઠું છે અને મૂર્છિત સ્ત્રીની સામે અટ્ટહાસ્ય કરે છે. સમગ્ર ચિત્રમાં યુરોપિયન મધ્યયુગીન વાર્તા-સાહિત્યનું વાતાવરણ છવાયેલું લાગે છે. આમ, ફ્યુસેલી ગૉથિક રંગદર્શી ભાવ ઉપસાવે છે. ચિત્રમાં ભૌતિક હિંસા ન હોવા છતાં માનવીના મનની ઊંડી અંધારી ગર્તામાં પડેલી ભયની ગ્રંથિને તે ઉપસાવે છે. રાક્ષસી ઘોડો પુરુષનું પ્રતીક હોઈ શકે. આમ આ ચિત્રને કામમૂલક (erotic) ર્દષ્ટિએ પણ મૂલવી શકાય. ઇટાલીથી પાછા ફર્યા બાદ ફ્યુસેલી એક યુવતીના ગાઢ પ્રેમમાં પડેલો, પણ તે યુવતી કોઈ ધનાઢ્ય વેપારીને પરણી ગઈ. આ નિષ્ફળ પ્રેમપ્રકરણના કારણે દબાયેલી કામવાસનાને આ ચિત્ર દ્વારા વાચા સાંપડી હોય તે શક્ય છે.

અમિતાભ મડિયા