ફૉકનર, વિલિયમ (જ. 25 સપ્ટેમ્બર 1897, ન્યૂ આલ્બની મિસિસિપી; અ. 6 જુલાઈ 1962, ઑક્સફર્ડ પાસે, મિસિસિપી) : અગ્રગણ્ય અમેરિકન નવલકથાકાર. જીવનનો મહતકાળ એમણે ઑક્સફર્ડ, મિસિસિપીમાં વિતાવ્યો. 1929માં એસ્ટેલા ઓલ્ડહામ સાથે એમનું લગ્ન થયું. પ્રસંગોપાત્ત, એમણે હૉલિવુડમાં ચલચિત્રોની પટકથાઓ પણ લખી હતી.

વિલિયમ ફૉકનર

અમેરિકન સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાં એમની ગણના થાય છે. ઑક્સફર્ડમાં ભૂગોળ, ઇતિહાસ, આર્થિક પરિસ્થિતિ તથા સામાજિક અને નૈતિક જીવનનું એમણે એમની કૃતિઓમાં દર્શન કરાવ્યું છે. 1949માં સાહિત્ય માટેનું ‘નોબેલ પ્રાઇઝ’ અને 1955માં ‘ફેબલ’ માટે અને 1963માં ‘રિવર્સ’ માટે એમને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ અપાયાં હતાં.

ફૉકનરની કૃતિઓમાં વિષયવસ્તુ, કલાકસબ તથા મનોભાવોનો સારો એવો વિસ્તાર છે. ‘એ સાઉન્ડ ઍન્ડ ફ્યૂરી’ (1929) અને ‘એઝ આઇ લે ડાઇંગ’(1930)માં એમણે ચેતાવસ્થાના પ્રવાહનો ઉપયોગ કર્યો છે. ‘રેક્વિઅમ ફૉર એ નન’(1951)માં કથાનો અમુક ભાગ નાટ્યરૂપાંતર પામે છે. ‘ફેબલ’(1954)માં એમણે પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકના અનુભવો ઈસુ ખ્રિસ્તના આવેગને સમાંતર લાગે એ રીતે વર્ણવ્યા છે. પાત્રોના વૈવિધ્ય માટે જટિલ પરિસ્થિતિઓનું કલાત્મક નિર્માણ અને જીવનની જટિલતા તથા સત્યપ્રાપ્તિના મુશ્કેલ માર્ગને પામવા નાટકીય કસબનો ઉપયોગ – એ એમની વિશિષ્ટતા છે.

દક્ષિણ પ્રદેશનો ઇતિહાસ તથા તેની પ્રણાલિકાઓ એમના પ્રિય વિષય હતા. ‘સાટૉર્રિસ’ (1929) અને ‘અનવૅન્ક્વિશ્ડ’(1938)માં સાટૉર્રિસ કુટુંબની અનેક પેઢીઓની કથા છે. ‘ધ રિવર્સ’(1962)માં એક કિશોરની મિસિસિપીથી મેમ્ફિસ સુધીના પ્રવાસના સાહસની રમૂજી કથા છે. ખાસ કરીને મિશ્ર રંગની જાતિઓની પાર્શ્વભૂમિકા અને પોતાની અસ્મિતા સ્થાપવા માટેની એમની સમસ્યાઓ વિશે તેઓ ‘લાઇટ ઇન ઑગસ્ટ’ (1932) તથા ‘ઍબ્સેલૉમ’(1936)માં સવિશેષ ચિંતિત હતા.

ફૉકનરની ઘણીખરી નવલકથાઓનો ધ્વનિ ગંભીર તથા કરુણ છે; પરંતુ તેમાં હાસ્યતત્વ પણ ભળેલું હોય છે. માર્ક ટ્વેઇન અને એવા અન્ય પૂર્વકાલીન લેખકોની, એમની વિનોદવૃત્તિ પર સીધી અસર દેખાય છે. તેમાં પણ માર્ક ટ્વેઇનની તો ખાસ. ‘ધ હૅમ્લેટ’ (1940), ‘ધ ટાઉન’ (1957) અને ‘ધ મૅન્શન’ (1959) ‘સ્નોપ્સ ટ્રિલૉજી’ બનાવે છે. એમાં સ્નોપ કુટુંબની હાસ્યમિશ્રિત કરુણકથા છે. એમાં યોકનાપતાવફા પ્રદેશનો પ્રભાવ એ કુટુંબ પર કેવો હતો તેનું વિસ્તારપૂર્વક વર્ણન છે. એમની લઘુકથાઓમાં પણ નવલકથાઓ જેવું જ વિષયનું, કસબનું અને કાર્યરીતિનું વૈવિધ્ય જોવા મળે છે.

કેટલાક શરૂઆતના વિવેચકોએ હિંસા પર ભાર મૂકતી કૃતિઓ પર તહોમતનામું પોકારેલું. ‘સૅન્ક્ચ્યુઅરી’(1931)માં બળાત્કાર અને હત્યાની વાત છે. ઘણા વિવેચકોએ સ્પષ્ટપણે એ સ્વીકાર્યુ છે કે પ્રેમ, સન્માન, દયા, અનુકંપા, ગૌરવ, સ્વાર્પણ જેવાં સનાતન મૂલ્યોના પ્રતિપાદન માટે એમણે એવાં વિરોધી તત્વોનું દર્શન કરાવ્યું હતું. ફૉકનર કહેતા કે વાચકોને આ મૂલ્યોનું ભાન કરાવવાનો લેખકનો ધર્મ છે.

જયા જયમલ ઠાકોર