ફિગાની શીરાઝી

February, 1999

ફિગાની શીરાઝી (જ. પંદરમી સદી; અ. 1519, મશહદ) : પંદરમા સૈકામાં થઈ ગયેલા ફારસીના નવી શૈલીના પ્રવર્તક કવિ. તેઓ ઈરાન ઉપરાંત ભારતમાં પણ લોકપ્રિય બન્યા હતા. તેમનું વતન શીરાઝ હતું. તેમણે કવિ તરીકેની કારકિર્દીની શરૂઆત આજના અફઘાનિસ્તાનના શહેર અને તૈમૂરી વંશના શાસકોના પાટનગર હિરાતમાં કરી હતી. તે સમયે ઈરાનમાં રૂઢિચુસ્ત કાવ્યશૈલીનું ચલણ હતું, જેના મુખ્ય પ્રયોજક અબ્દુર્રહમાન જામી જેવા પ્રખર રાજકવિ હતા. પરિણામે ફિગાનીને તેમની નવી ઢબની શાયરી માટે કોઈ દાદ મળી શકી ન હતી. છેવટે તેઓ ઈરાનમાં ઉત્તર-પશ્ચિમે આવેલા તબ્રીઝ શહેરમાં પહોંચ્યા. ત્યાંના રાજવી સુલતાન યાકૂબે તેમને સારો આવકાર આપ્યો હતો. તેની પ્રશંસામાં ફિગાનીએ અનેક કસીદાઓ લખ્યા.

ફિગાનીએ જિંદગીનાં પાછલાં વર્ષો બીવર્દ તથા મશહદ શહેરમાં કાઢ્યાં હતાં. તેઓ સ્વભાવે સ્વતંત્ર અને બેફિકર જીવન ગુજારનારા હતા. તેઓ દારૂનું ખૂબ સેવન કરતા હતા. આ રીતે તેમનો સમય શરાબખાનામાં પસાર થતો હતો. એમ કહેવાય છે કે બીવર્દ શહેરના હાકેમે તેમના માટે દારૂનું રૅશન બાંધી આપ્યું હતું. ફિગાનીએ છેવટે પ્રાયશ્ચિત્ત કર્યું હતું.

ફિગાનીએ પોતાની હયાતીમાં કાવ્યસંગ્રહ તૈયાર કર્યો હતો, પરંતુ રાજકીય ઊથલપાથલ દરમિયાન એ નાશ પામતાં, પોતાના ભાઈની મદદથી વેરવિખેર પડેલાં કાવ્યો અનેક સ્થળેથી એકત્રિત કરીને બીજો દીવાન તૈયાર કર્યો, જે આજે પણ પ્રાપ્ય છે.

ફારસીના બધા તઝકિરા-લેખકો તથા વિવેચકો ફિગાનીને ફારસી કવિતાની નવી – અપૂર્વ શૈલીના પ્રવર્તક ગણે છે. તેમના પછીના બધા જ આગેવાન કવિઓએ તેમની શૈલીનું અનુકરણ કર્યું હતું.

ફિગાનીએ મુખ્યત્વે ગઝલો કહી છે અને તેમાં પ્રેમીઓ વચ્ચે થતી વાતચીત તથા બીજા વ્યવહારો બહુ શિષ્ટ ભાષાસ્વરૂપમાં રજૂ કર્યા છે. કવિતામાં વિવિધ વિષયોને – વિચારને સચોટ અને તાર્દશ રીતે રજૂ કરવાની આગવી કળા ફિગાનીએ વિકસાવી હતી. ભારતમાંના નઝીરી નીશાપૂરી, ઉર્ફી શીરાઝી તથા વેહશી જેવા પ્રથમ પંક્તિના ફારસી કવિઓ ફિગાનીની કેડી ઉપર ચાલ્યા હતા.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી