ફિજી

નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો પ્રજાસત્તાક ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ 18° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી ઉત્તરમાં આશરે 1,800 કિમી. અંતરે તથા ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં આશરે 2,700 કિમી. અંતરે આવેલો છે. ફિજીનો રાષ્ટ્રસમૂહ વાસ્તવમાં તો કુલ 806 જેટલા ટાપુઓથી બનેલો છે, પરંતુ મહત્ત્વના ગણાતા 300 જેટલા ટાપુઓથી બનેલા સમૂહનું ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર 586 કિમી. અને પૂર્વ–પશ્ચિમ મહત્તમ અંતર 538 કિમી. છે. તેમનો સામૂહિક ભૂમિવિસ્તાર 18,333 ચોકિમી. જેટલો તથા તેમના દરિયાકિનારાઓની સામૂહિક લંબાઈ 1,489 કિમી. જેટલી થાય છે. 806 ટાપુઓ પૈકીના 300 જેટલા ટાપુઓ તો 2.5 ચોકિમી. કરતાં પણ નાના કદના છે. ટાપુસમૂહના કુલ વિસ્તારનો આશરે 86% જેટલો ભાગ આવરી લેતા અહીંના બે મુખ્ય ટાપુઓ વીતી લેવૂ (અર્થ–મોટું ફિજી) (મહત્તમ લંબાઈ 157 કિમી. અને મહત્તમ પહોળાઈ 107 કિમી.; વિસ્તાર : 10,386 ચોકિમી.) અને વાનુઆ (વાનુ) લેવૂ (વિસ્તાર : 5,535 ચોકિમી.) વિશેષ ઉલ્લેખનીય છે. વીતી લેવૂ ગોળાકાર ટાપુ છે, જ્યારે વાનુઆ લેવૂ ઈશાન–નૈર્ઋત્યમાં લંબાયેલો છે. આ ઉપરાંત વાનુઆ લેવૂથી અગ્નિ તરફ તાવેઊની (435 ચોકિમી.), સુવાથી દક્ષિણે કંદાવૂ (409 ચોકિમી.), સુવાથી પૂર્વ તરફ કોરો, ન્ગાઉ, ઓવાલાઉ, યસાવા પણ અન્ય મહત્વના ટાપુઓ ગણાય છે. રોતુમા ટાપુ મુખ્ય ટાપુઓથી વાયવ્યમાં 386 કિમી. દૂર આવેલો હોવા છતાં તે ભૌગાલિક ર્દષ્ટિએ આ રાષ્ટ્રસમૂહમાં જ સામેલ છે. વીતી લેવૂ ટાપુ પર અગ્નિકોણમાં આવેલું સુવા તેનું પાટનગર છે. વસ્તી તેના માત્ર 106 જેટલા ટાપુઓ પર જ છે.

ભૂપૃષ્ઠ : આ ટાપુસમૂહ જ્વાળામુખીજન્ય છે અને અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. બધા જ ટાપુઓ તદ્દન અવ્યવસ્થિત, જટિલ પરવાળાંના ખરાબાઓથી ઘેરાયેલા છે. નાના ટાપુઓ રેતાળ અને પંકવાળા છે, સેંકડો વર્ષોથી તે નદીજન્ય ધોવાણ પામતા આવેલા છે; એટલું જ નહિ તે પણ પરવાળાંના ખરાબાઓ પર જ વિકસેલા છે.

વીતી લેવૂ ટાપુ પરનું અહીંનું સર્વોચ્ચ શિખર માઉન્ટ તોમાનીવી 1,323 મીટરની ઊંચાઈ ધરાવે છે. 30 જેટલાં અન્ય શિખરો 910 મીટરથી વધુ ઊંચાઈવાળાં છે, શિખરોની સરેરાશ ઊંચાઈ 1,200 મીટરની ગણાય છે. રેવા અહીંની મોટામાં મોટી નદી છે, તે ઉપરાંત કેટલીક નાની નાની અન્ય નદીઓ પણ છે.

ફિજીની આજુબાજુનો પૅસિફિક મહાસાગરનો અધોદરિયાઈ વિસ્તાર ઉત્તર ફિજી દરિયાઈ થાળા અને દક્ષિણ ફિજી દરિયાઈ થાળા જેવા બે વિશાળ વિભાગોમાં વહેંચાઈ જાય છે. ઉત્તર અને દક્ષિણ થાળાંઓની મહત્તમ ઊંડાઈ અનુક્રમે 3,580 મીટર અને 5,303 મીટર જેટલી છે. નૈર્ઋત્યમાં ઈશાન–નૈર્ઋત્યમાં વિસ્તરેલી તથા અગ્નિ તરફ ઉત્તર–દક્ષિણ વિસ્તરેલી અધોદરિયાઈ ડુંગરધારો (oceanic ridges) આવેલી છે.

નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં ફિજી ટાપુસમૂહ

આબોહવા : ફિજી ટાપુસમૂહ મકરવૃત્ત નજીક આવેલો હોવાથી અયનવૃત્તીય આબોહવા ધરાવે છે. અહીં ઋતુભેદ જોવા મળતા નથી; તેમ છતાં વસંત અને ગ્રીષ્મ એવી બે ઋતુઓ ગણી શકાય ખરી. વર્ષભર હવામાન લગભગ એકસરખું રહે છે. આ ટાપુઓ અગ્નિકોણી વ્યાપારી પવનોના માર્ગમાં આવતા હોવાથી અહીં વર્ષના મોટા ભાગ દરમિયાન તેના પૂર્વ અને દક્ષિણ કિનારાઓ પર ભારે વરસાદ પડે છે. ફેબ્રુઆરી-માર્ચ વધુ ભેજવાળા (ભીના) રહે છે, જ્યારે શિયાળા સૂકા હોય છે. પાટનગર સુવામાં સરેરાશ વાર્ષિક વરસાદ 3,000 મિમી.થી વધુ પડે છે. વીતી લેવૂ ટાપુના વાયવ્યમાં આવેલું લોટોકા આશરે 1,800 મિમી. જેટલો વરસાદ મેળવે છે. વાયવ્ય ભાગ પ્રમાણમાં વધુ ગરમ રહે છે. સુવામાં ફેબ્રુઆરી (ઉનાળા) અને ઑગસ્ટ(શિયાળા)નાં તાપમાન અનુક્રમે 30° સે. અને 20° સે. જેટલાં તથા તટપ્રદેશોમાં 35° સે.થી 16° સે. જેટલાં રહે છે. ક્યારેક 150થી 200 કિમી.ની ઝડપે ફૂંકાતાં વાવાઝોડાં – હરિકેન – ભારે નુકસાન પણ વેરી જાય છે.

વનસ્પતિ : અયનવૃત્તીય આબોહવા ધરાવતા આ ટાપુસમૂહ પર ઉષ્ણકલ્પ પ્રકારની વનસ્પતિ થાય છે. પહાડો પર વિવિધ પ્રકારનાં સુગંધિત ફળ-ફૂલો જોવા મળે છે. દક્ષિણ તરફના ટાપુઓ ગાઢ જંગલોથી આચ્છાદિત છે. ફિજીની 65% ભૂમિ પર જંગલો આવેલાં છે. પહાડો તથા ખીણોમાંનાં જંગલોમાંથી મૂલ્યવાન નિકાસયોગ્ય ઇમારતી લાકડાં મળી રહે છે. ભૂતકાળમાં મળતાં ચંદનવૃક્ષો હવે રહ્યાં નથી. અહીંની 3% ભૂમિ પર સવાના પ્રકારનું ઘાસ અને કાંટાવાળાં વૃક્ષો થાય છે. દરિયાકિનારે ચેર વૃક્ષો, જ્યારે કિનારાનાં મેદાનોમાં નાળિયેરીનાં વૃક્ષો જોવા મળે છે.

ખેતી અને પશુપાલન : ફિજી ખેતીપ્રધાન દેશ ગણાય છે. અહીંની 13% ભૂમિ પર ખેતી થાય છે. દેશના 44% લોકો ખેતીમાંથી રોજી મેળવે છે. ટાપુઓનો અંદર તરફનો ભૂમિભાગ જળ-પુરવઠાવાળો રહેતો હોવાથી ખેતી માટે ખૂબ જ ઉપજાઉ છે. શેરડી, કપાસ, ડાંગર, મકાઈ, કોકો, તમાકુ, રબર, કેળાં, પાઇનેપલ તેમજ અન્ય ફળો, આદુ અને શાકભાજી અહીંની મુખ્ય કૃષિપેદાશો છે. આ પૈકી શેરડી મુખ્ય પેદાશ છે અને બાકીની કેટલીક પેદાશો સ્થાનિક જરૂરિયાત મુજબ ઉગાડાય છે. નાળિયેરીનું સ્થાન શેરડી પછીના ક્રમે આવે છે. અહીંના લોકો ઉદ્યોગ-ધંધા કરતાં ખેતીમાં વધુ નિપુણ છે. ખેતીની સાથે તેઓ માછીમારી પણ કરે છે.

ખેતીની સાથે સાથે અહીં પશુપાલન પણ મહત્ત્વની પ્રવૃત્તિ છે. ટાપુઓ પર ગાય-બળદ જેવાં ઢોર, ઘોડા, બકરાં અને ડુક્કરની સંખ્યા સારા પ્રમાણમાં જોવા મળે છે. અહીં ભેંસો નથી, પણ પશુપાલકો ઉત્તમ ઓલાદની ગાયો રાખે છે.

ઉદ્યોગો અને આર્થિક પ્રવૃત્તિ : ફિજીનાં ભૌગોલિક સ્થાન, પરિસ્થિતિ તથા આબોહવાનો અહીંના અર્થતંત્ર પર ભારે પ્રભાવ છે. વળી આ ટાપુઓ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અને વાયુમાર્ગ પર આવેલા હોવાથી અહીંના વેપાર-ઉદ્યોગના વિકાસમાં અનુકૂળતા ઊભી થયેલી છે. સાગરતટનું સામીપ્ય ફિજી માટે પ્રવાસન-ઉદ્યોગક્ષેત્રે સમૃદ્ધિનો સ્રોત બની રહેલું છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની ઠંડી મોસમ દરમિયાન ત્યાંના ધનિકો અહીં પ્રવાસે આવે છે.

શેરડી અને નાળિયેરી અહીંના મુખ્ય પાક હોવાથી તેને સંલગ્ન ખાંડ, કોપરાં અને કોપરેલના ઉત્પાદનની પ્રવૃત્તિઓ વિકસી છે. 6,000 લોકો શેરડીનાં ખેતરોમાં તથા 4,000 લોકો ખાંડનાં કારખાનાંમાં કામ કરે છે. હરિકેન પવનો અને દુકાળ જેવી કુદરતી આપત્તિઓને કારણે તથા કોપરાં-કોપરેલના પૂરતા ભાવ ન મળવાને કારણે તાજેતરનાં વર્ષોમાં નાળિયેરીનું ઉત્પાદન ઘટતું ગયું છે. લાકડાં મેળવવા માટે પાઇનનાં વૃક્ષોનું પણ વાવેતર થાય છે. કોપરાં, કોપરેલ, આદુ અને ખાંડની નિકાસ થાય છે. ફિજીની કુલ નિકાસ પૈકી 66% જેટલી કમાણી ખાંડની નિકાસમાંથી થાય છે.

વીતી લેવૂ પરના વાતાકૌલા ખાતેની ઍમ્પરર ખાણમાંથી સોનું તેમજ સુવાથી ઉત્તરે 40 કિમી.ના અંતરે તાંબાના નિક્ષેપો મળે છે. આ ઉપરાંત લોહ, બૉક્સાઇટ, મૅંગેનીઝ અને ફૉસ્ફેટના નિક્ષેપો પણ થોડા પ્રમાણમાં મળે છે. ખંડીય છાજલીના વિસ્તારમાંથી ખનિજ તેલ અને વાયુ મળે છે. ફિજી પોતાના તથા પૅસિફિકના કેટલાક ટાપુઓ માટે તૈયાર ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. ખેતીનાં સાધનો, ઇમારતી બાંધકામ માટે ઉપયોગી ચીજો, રાચરચીલું, કપડાં, સાબુ, દીવાસળી, બિયર, રબર, સિગારેટ, ખાદ્ય પેદાશો, ઍલ્યુમિનિયમનાં વાસણો, ફળોના રસ તથા સુગંધી દ્રવ્યો અહીંનાં અન્ય ઉત્પાદનો છે. અહીંના કેટલાક ટાપુઓ પર વર્ષના અમુક સમયે લોકો જાય છે, રહે છે અને નાળિયેર કે માછલાં ભેગાં કરીને પાછા ચાલ્યા જાય છે. ફિજીના સમુદ્રકિનારા પરથી કાચબા, કરચલા અને જિંગા પણ પકડવામાં આવે છે.

નાળિયેરીનાં તોતિંગ ઘેઘૂર વૃક્ષોનો સીધો સહારો લઈને ફિજીમાં બાંધવામાં આવતા આવાસોનું એક ર્દશ્ય

વેપાર : ફિજીમાંથી બ્રિટન, યુ.એસ., ચીન, મલયેશિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ખાંડની નિકાસ થાય છે. ફિજીની જરૂરિયાત માટેની 29% જેટલી ચીજોની આયાત ઑસ્ટ્રેલિયાથી, 16% જાપાનથી, 13% બ્રિટનથી અને 12% ન્યૂઝીલૅન્ડથી કરવામાં આવે છે.

પરિવહન : સુવા અને નાંદી ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલાં છે. રાષ્ટ્રની સ્થાનિક સુવિધા માટે કેટલાક મોટા ટાપુઓ પર હવાઈ મથકોની સેવા ઉપલબ્ધ છે. જુદા જુદા ટાપુઓ વચ્ચેની અવરજવર માટે વહાણોનો ઉપયોગ થાય છે. વીતી લેવૂ તથા અન્ય મોટા ટાપુઓ પર રસ્તાઓની પણ સગવડ છે.

સંદેશાવ્યવહાર : ‘ફિજી ટાઇમ્સ’ (સ્થાપના-વર્ષ : 1869) અને ‘ફિજી સન’ જેવાં બે અંગ્રેજી દૈનિક સમાચારપત્રો સુવા ખાતેથી બહાર પડે છે. ફિજી નજીકથી આંતરરાષ્ટ્રીય દિનાંતર (તિથિ) રેખા પસાર થતી હોવાથી ભૌગોલિક ર્દષ્ટિએ એ દુનિયાનું વધુમાં વધુ પૂર્વ તરફનું રાષ્ટ્ર છે, તેથી અહીં સર્વપ્રથમ સૂર્યોદય થાય છે. ‘ફિજી ટાઇમ્સ’ આ કારણે દુનિયાભરમાં સૌથી વહેલું પ્રસિદ્ધ થતું દૈનિક ગણાય. ભારતીયોની અહીં મોટી સંખ્યા હોવાથી ‘શાંતિદૂત’, ‘ફિજી સમાચાર’, ‘ફિજી સંદેશ’, ‘જાગૃતિ’, ‘જય ફિજી’ જેવાં હિંદી માસિકો, સાપ્તાહિકો તેમજ દીપોત્સવી અંકોનું પણ પ્રકાશન થાય છે. ભારતમાંથી પણ હિંદી અને ગુજરાતી સામયિકો ફિજીમાં જાય છે. 1987થી ફિજીમાં ટેલિવિઝનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.

વસ્તી – લોકજીવન : ફિજી ટાપુઓની કુલ વસ્તી 7,81,000 (1991) જેટલી છે, જે 1996માં 8.26 લાખ થવાની શક્યતા મૂકેલી. વસ્તી-ગીચતા દર ચોકિમી. 43 વ્યક્તિની છે. 300 ટાપુઓ પૈકીનો લગભગ 2 ભાગ કાયમી વસ્તી ધરાવે છે. વીતી લેવૂ પરના પાટનગર સુવાની વસ્તી જે અગાઉ લગભગ 65,000 જેટલી હતી, તે તાજેતરનાં વર્ષોમાં વધીને લગભગ 1,41,000 (બૃહદ સુવા 19,) જેટલી થઈ છે, જે 1996માં 1.61 લાખ થવાની શક્યતા મૂકેલી. દક્ષિણ પૅસિફિકમાં આવેલા બધા જ ટાપુઓમાં સુવા મોટામાં મોટું શહેર ગણાય છે. અહીં ફિજિયનો અને ભારતીયો – એ બે મુખ્ય જાતિસમૂહો છે. ફિજીની કુલ વસ્તીના 49% ભારતીયો, 46% ફિજિયનો અને 5% અન્ય જાતિસમૂહો છે. તેઓ ફિજિયન-બાઉઅન, અંગ્રેજી કે હિંદુસ્તાની ભાષા બોલે છે. ફિજિયનો કાળા વર્ણના, વાંકડિયા વાળવાળા મેલેનેશિયન છે. પૂર્વ તરફ ઘણાખરા ટાપુવાસીઓ મૂળ પૉલિનેશિયન લોહી ધરાવે છે. અહીંના 53% લોકો ખ્રિસ્તી, 38% લોકો હિંદુ અને 8% લોકો મુસ્લિમ ધર્મ પાળે છે. ફિજીની 56% વસ્તી ગ્રામીણ છે, પરંતુ હવે તેમનો શહેરો તરફનો ઝોક વધ્યો છે. પાટનગર સુવામાં ભારતીય વસ્તી વિશેષ છે. ભારતીય ફિજીવાસીઓ 1879થી 1916 દરમિયાન શ્રમિકો તરીકે ત્યાં જઈને સ્થાયી થયા છે, તેઓ શેરડીનાં ખેતરોમાં તથા ખાંડનાં કારખાનાંઓમાં કામ કરે છે. લોટોકા (વસ્તી : 23,000), નાંદી (7,000), બાઉ (6,000) અને નૌસારી (5,000) જેવાં નગરો તો એકલા ભારતીયોથી જ વસેલાં છે. ચીની લોકોની વસ્તી (9,500) ક્રમશ: ઘટતી ગઈ છે. ચીની કરતાં તો મૂળ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડથી આવેલા યુરોપિયનોનું પ્રમાણ વધુ છે. પૅસિફિકના અન્ય ટાપુઓમાંથી આવેલા લોકોની સંખ્યા આશરે 25,000 જેટલી છે, તેઓ ટોંગાન અને રોટુમાન તરીકે ઓળખાય છે. અહીંનાં અન્ય નગરોમાં લેવુકા, સિંગાટોકા, નાબુઆ, તાબુઆ, લંબાસા અને સાઉસાઉનો સમાવેશ કરી શકાય. આધુનિક સુવિધાઓ ધરાવતાં આ નગરોની વસ્તી ગુજરાતનાં મધ્યમ કક્ષાનાં ગામો જેટલી (5,000થી 7,000) હોય છે. અહીનાં ગામડાં ‘કોરો’ નામથી ઓળખાય છે. તે પાંચ-દસ છૂટાંછવાયાં ઘરથી બનેલાં હોય છે. તે આપણા આદિવાસી વિસ્તારો જેવાં હોય છે.

સંગીત અને નૃત્યમાં ફિજિયનોનો ઉલ્લાસ છતો થાય છે. હાથમાં ભાલા લઈને સમૂહમાં નાચતા પુરુષોનું ‘વેસી નૃત્ય’ તથા હાથમાં પંખા લઈને વિવિધ દેહભંગી સહિત થતું સ્ત્રીઓનું ‘ઈરી નૃત્ય’ ખૂબ જાણીતાં છે. આ ઉપરાંત સેયા નૃત્ય અને વાકમાલેલો નૃત્ય પણ પ્રખ્યાત છે. ભારતમાં કોઈ કોઈ જગાએ યોજાતું હોળીની આગમાં ચાલવા જેવું અહીંનું આગનૃત્ય જોવા વિદેશી પ્રવાસીઓ ફિજીની ખાસ મુલાકાત લે છે. કાળાં મરી જેવા અહીં થતા છોડનાં મૂળને સૂકવીને, ચૂર્ણ બનાવીને, પાણીમાં ઘૂંટીઘૂંટીને, દારૂ જેવું પીણું તૈયાર કરવામાં આવે છે. આ પીણાને તેઓ ‘યંગોવા’ કહે છે. રશિયાઈ વૉડકાની જેમ યંગોવા તેમના જીવનમાં વણાઈ ગયું છે. તેઓ પોતે તો ઉપયોગ કરે છે અને મહેમાનોનું સ્વાગત પણ તેનાથી કરીને સંતોષ માણે છે.

અહીંના ઘણાખરા ભારતીય નાગરિકો જમીનદારો છે, તેઓ ફિજિયન નાગરિકો કરતાં વધુ પૈસાપાત્ર છે. ફિજીના મોટાભાગના ધંધાઓ, વ્યવસાયો અને નોકરીઓમાં ભારતીયોનું પ્રમાણ વધુ હોય છે. યુરોપિયનો પ્રવાસન, ઉદ્યોગો, વાણિજ્ય, વાહન-વ્યવહાર, સરકારી નોકરીઓ, અધ્યાપન જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. ચીનાઓ દુકાનદારો અને કારીગરો છે, જ્યારે પૅસિફિક ટાપુઓ પરથી આવેલા લોકો મોટેભાગે વહાણો પર, ખાણોમાં તથા ખેતરોમાં કામ કરે છે.

ધાર્મિક સહિષ્ણુતા એ ફિજીવાસીઓનું નોંધપાત્ર લક્ષણ છે. બધા જ ધર્મના લોકો અહીં પરસ્પર સંપીને રહે છે. મુસલમાનો હિંદી સમાજ સાથે ભળી ગયા છે, તેઓ હોળી ખેલે છે, તો કેટલાક હિંદુઓ રોજા પણ રાખે છે. અહીં નાતાલ, દિવાળી, જન્માષ્ટમી, શિવરાત્રિ જેવા તહેવારો બધા જ ધર્મના લોકો ભેગા મળીને ઊજવે છે. અંગ્રેજી અહીંની રાષ્ટ્રભાષા હોવા છતાં હિંદી અને ફિજિયન ભાષાઓનો પણ જોડિયા ભાષા તરીકે સ્વીકાર થયો છે. હિંદીઓ હિંદી ભાષા બોલે છે, પરંતુ તેમની હિંદીમાં અરબી, ઉર્દૂ અને અંગ્રેજી શબ્દોનું મિશ્રણ વધારે હોય છે. ભારતમાંથી ફિજી જઈને વસેલા ભારતીયોએ ત્યાંનાં સ્થળોને નવસારી, નંદી, નેપાળગંજ, બાઉ, સુવા, સિમલા, રેવા જેવાં ભારતીય નામો આપી ભારતીય સંસ્કૃતિના તાણાવાણા ફિજીમાં ગૂંથ્યા છે. ભારતીય ભાતીગળ સંસ્કૃતિ ધરાવનાર ફિજી આ રીતે તેની રાષ્ટ્રીય એકતાનો સુંદર નમૂનો પૂરો પાડે છે.

અહીંની ભારતીય વસ્તી પૈકીના 80% હિંદુ છે, બાકીના 20% મુસ્લિમ કે ખ્રિસ્તી છે. ભારતીયો અને ફિજિયનો વચ્ચે આંતરલગ્ન-સંબંધોનું પ્રમાણ તદ્દન ઓછું છે, પરંતુ બંને જાતિસમૂહો વચ્ચે વર્ષોથી સારા સંબંધો જળવાતા આવ્યા છે. ભારતીયોએ દરિયાપાર વસીને, ત્યાંના સ્થાનિક લોકો જોડે હળીભળીને, તેમની સાથે મીઠા સંબંધો કેળવીને, સ્થાનિક લોકોના હક્કો, સલામતી અને સંસ્કૃતિ અકબંધ રાખીને, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા તેમજ તેની આગવી અસ્મિતા પણ જાળવી રાખી છે.

શિક્ષણ : અહીં પ્રાથમિક, માધ્યમિક, વ્યાવસાયિક, તકનીકી તેમજ શિક્ષકો માટેની તાલીમી શાળાઓ છે. ખાનગી શાળાઓનું પ્રમાણ વિશેષ છે. સ્થાનિક સમિતિઓ અને દેવળો તરફથી શાળાઓને સહાય મળે છે. છઠ્ઠી શ્રેણી સુધીનું પ્રાથમિક શિક્ષણ તથા કેટલુંક માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક છે. સુવા ખાતે સાઉથ પૅસિફિક યુનિવર્સિટી આવેલી છે. ત્યાં ફિજી ઉપરાંત પૅસિફિકના અન્ય ટાપુઓમાંથી પણ વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવે છે. ફિજીની કૃષિવિષયક તથા મેડિકલ કૉલેજમાં ડિગ્રી અને ડિપ્લોમા બંને કક્ષાના શિક્ષણની વ્યવસ્થા છે. અહીં બધા જ લોકો શિક્ષણનું મહત્ત્વ સમજે છે, અહીં 75% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.

જોવાલાયક સ્થળો : ફિજીની નરમ, અયનવૃત્તીય આબોહવા તેમજ મનોહર કુદરતી ર્દશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલાં છે. પ્રવાસીઓની સુવિધા માટે વીતી લેવૂ ટાપુના કિનારે સુવામાં, નાંદીમાં તથા અન્ય કેટલાક ટાપુઓમાં ઉત્તમ કક્ષાની હોટેલો અને વિહારધામોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રવાસીઓ અહીંનાં રંગબેરંગી બજારોમાં ફરવાનો તથા જકાતમુક્ત દુકાનોમાંથી ખરીદી કરીને પ્રવાસનો ભરપૂર આનંદ માણે છે. સુવા અને લોટોકાના કિનારાથી થોડેક દૂર આવેલા નાના નાના પ્રવાળદ્વીપો પર જવા માટે તેમજ તરવા અને માછીમારી કરવા માટે પણ સગવડો ઊભી કરવામાં આવેલી છે. અહીંનાં વિવિધ પ્રકારનાં નૃત્યો, યાકોના ઉજવણીપ્રસંગો તેમજ  ફિજિયનોને ધગધગતા અંગારાઓ પર ચાલતા હોય એવાં ર્દશ્યો જોવાની તક ચૂકવા જેવી હોતી નથી.

સ્વાસ્થ્યસેવા : ફિજી અયનવૃત્તીય પ્રદેશ હોવા છતાં વર્ષભર હવામાન એકસરખું અનુકૂળ રહે છે. તે મલેરિયામુક્ત છે. સરકારી દવાખાનાંઓમાંથી નાગરિકોને જરૂરી દવાઓ તથા દંતચિકિત્સા રાહતદરે પૂરી પાડવામાં આવે છે.

વહીવટી સેવા : 1874થી 1970 સુધી ફિજી કૉમનવેલ્થ દેશોનું સ્વતંત્ર સંસ્થાન રહેલું. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ બીજાંએ તથા તેમના પ્રતિનિધિ ફિજીયન ગવર્નર જનરલ બંનેએ અહીંના લોકોનાં પ્રેમ, લાગણી અને વફાદારી જીતેલાં. ત્યારપછી ફિજી કૉમનવેલ્થમાંથી અલગ કરાયું. 1970ની 10મી ઑક્ટોબરે અંગ્રેજોએ ફિજીને સ્વતંત્રતા આપી. 1987માં ફિજી પ્રજાસત્તાક બન્યું. ફિજીનો સમગ્ર વિસ્તાર 14 પ્રાંતોમાં વહેંચાયેલો છે. ફિજીમાં સંસદીય પ્રણાલીની શાસનવ્યવસ્થા છે, દ્વિગૃહી સંસદ છે. બંને ગૃહોની મુદત પાંચ વર્ષની છે. 1970માં તૈયાર કરાયેલા બંધારણની જગાએ 1989માં બંધારણનો નવો મુસદ્દો તૈયાર કરવામાં આવેલો છે. ન્યાય-વ્યવસ્થા માટે અહીં સુપ્રીમ કૉર્ટ અને મૅજિસ્ટ્રેટ કૉર્ટ કાર્ય કરે છે. જૂની બ્રિટિશ કાયદાકીય વ્યવસ્થામાં અહીંની સ્થાનિક જરૂરિયાતો મુજબ સુધારાઓ કરવામાં આવેલા છે. દેશમાં રક્ષણાત્મક હેતુઓ માટે 1400 પોલીસોની વ્યવસ્થા છે.

ઇતિહાસ : સંભવત: અહીંના સર્વપ્રથમ વસાહતીઓ પશ્ચિમ તથા દક્ષિણ પૅસિફિક મહાસાગરના જુદા જુદા ટાપુઓ પરથી આવેલા મેલેનેશિયનો હતા. તેમના કેટલાક વંશજો પૂર્વ તરફથી આવેલા પૉલિનેશિયનો જોડે ભળ્યા. મેલેનેશિયનો અને પૉલિનેશિયનોના મિશ્રણથી જે પ્રજા થઈ તે ફિજિયન કહેવાઈ. ફિજિયન દંતકથાઓ મુજબ પાપુઅન લોકો ઇન્ડોનેશિયામાંથી આવીને અહીં વસનારી સર્વપ્રથમ પ્રજા છે. પુરાતત્વીય સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ફિજીમાં 3,000 વર્ષ અગાઉ લોકો આવેલા. આ ઉપરાંત પ્રાચીન ઐતિહાસિક સમયમાં ટોંગા સાથે પણ ઘનિષ્ઠ સંબંધ કેળવાયા હોવાનું જણાય છે. આ ટાપુઓની મુલાકાત ભારતીય કે ચીની સાગરસફરીઓએ લીધી હોય તોપણ એ અંગેની કોઈ આધારભૂત ઐતિહાસિક માહિતી મળતી નથી.

ઈ. સ. 1643માં ડચ સાગરસફરી ઍબેલ ટાસ્માને અહીંના પૂર્વ તરફના ટાપુઓ પર પ્રથમ પગ મૂકેલો, પરંતુ ત્યારે અહીંના માનવભક્ષી લોકોની બીકથી તે તરત જ ત્યાંથી વિદાય થઈ ગયેલો. 1774માં બ્રિટિશ દરિયાખેડુ અને સંશોધક કૅપ્ટન જેમ્સ કૂકે અહીંના દક્ષિણ તરફના ટાપુઓની મુલાકાત લીધેલી અને લાઉ ટાપુસમૂહ પરનો વતોવા ટાપુ જોયેલો. વિલિયમ બ્લાઈ મુખ્ય ટાપુઓ પર આવનાર અને ટાપુઓના નકશા બનાવનાર પ્રથમ યુરોપિયન ગણાય છે. બાઉન્ટીના બળવા પછી ખુલ્લી હોડીમાં તિમોરની સફરે તે ગયો ત્યારે 1789માં તે આ ટાપુઓ પરથી પસાર થયેલો. 1797માં વિલ્સન નામના યુરોપિયને પણ આ ટાપુઓ જોયાનો ઉલ્લેખ મળે છે. 19મી સદીની તદ્દન શરૂઆત(1805)માં યુરોપીય લોકો ચંદનકાષ્ઠની શોધમાં વાનુ લેવૂના પશ્ચિમ કિનારે ઊતરેલા. તે પછીનાં દસ દસ વર્ષ સુધી લાગલાગટ અહીંનાં ચંદનવૃક્ષોને કાપતા રહ્યા અને તેમનું નિકંદન કાઢી નાખ્યું. વહેલના શિકારીઓ પણ અહીં આવતા હતા.

1830માં બે પ્રૉટેસ્ટંટ તાહિતી પાદરીઓ લાકેબા ખાતે આવેલા. 1835માં બે વેસ્લિયન યુરોપિયનો પણ આવેલા. 1839માં વીતી લેવૂથી અગ્નિકોણમાં આવેલા બાઉ નામના નાનકડા ટાપુ પર તેઓ વસ્યા ત્યાં સુધી અહીં ફરીફરીને તેમણે ધર્મપ્રચાર કરેલો. ચાકોબાઉ નામથી જાણીતા બનેલા એક અગ્રેસરે બાઉને તેનું મુખ્ય મથક બનાવીને વીતી લેવૂ તથા પૂર્વ તરફના ઘણા ટાપુઓ પર પોતાનું વર્ચસ્ જમાવ્યું. 1850 સુધીમાં તો તે ફિજીના રાજા ‘તુઈ વીતી’ તરીકે જાણીતો બની ગયો. વધુ પડતા આધિપત્યને કારણે તેના પોતાના જ કાબૂ હેઠળના કેટલાક લોકોના જૂથે તેની સામે બળવો કર્યો, આથી તેને ખ્રિસ્તીઓને શરણે જવું પડ્યું. છેવટે એ લડત શમી ગયેલી; પરંતુ ચાકોબાઉ પર આ દરમિયાન દેવાનો બોજ વધી ગયો હતો. 1858માં બ્રિટિશ કૉન્સલ તરીકે ડબ્લ્યૂ. ટી. પ્રીટચાર્ડ ફિજી આવ્યો. ચાકોબાઉએ બ્રિટિશ સરકાર જો તેના દેવાની ભરપાઈ કરી આપે તો ટાપુઓનો કબજો સોંપી દેવાની દરખાસ્ત મૂકી. બ્રિટને બે નિરીક્ષકોને ટાપુઓ પરની સંપત્તિની તપાસ માટે મોકલ્યા. આ ગાળા દરમિયાન ફિજી બ્રિટિશ સંસ્થાન બનવાનું છે એવી અફવા ફેલાવાથી ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના યુરોપિયન નિવાસીઓ આ ટાપુઓ પર વસવા આવી પહોંચ્યા. તેમણે અહીં સ્થાયી સરકાર સ્થાપવા ઘણા નિષ્ફળ પ્રયાસો કરેલા. 1874ના ઑક્ટોબરની 10મી તારીખે બ્રિટને ટાપુઓ સ્વીકાર્યા. ફિજી બ્રિટિશ સંસ્થાન બન્યું અને લેવુકા તેનું પાટનગર બન્યું. 1882માં આ પાટનગરને સુવા ખાતે ખસેડવામાં આવ્યું. અહીંનો પ્રથમ બ્રિટિશ ગવર્નર સર આર્થર ગૉર્ડન નિમાયો. તેણે અહીંના સ્થગિત બની ગયેલા અર્થતંત્રને બેઠું કરવા શેરડીના વાવેતરની યોજના અમલમાં મૂકી; પરંતુ તેને એવી આશંકા પણ હતી કે તેમાં શ્રમિકો તરીકે જો સ્થાનિક ફિજિયનોને સામેલ કરવામાં આવશે તો તેમની જીવનશૈલી અને પરંપરા જોખમાશે. આથી શેરડીના વાવેતરકાર્ય માટે ભારતીય શ્રમિકોની આયાત કરવી એવો એક પ્રસ્તાવ ભારતની બ્રિટિશ સરકારને મોકલી આપ્યો. તે મુજબ 1879માં અહીં પ્રથમ વાર ભારતીયો આવ્યા અને 1916 સુધી આવતા રહ્યા; દર વર્ષે લગભગ 2,000 જેટલા શ્રમિકો અહીં આવતા ગયા. તેમનો કરારગાળો પૂરો થયા પછી પણ તે પૈકીના ઘણાખરા તો ત્યાં જ કાયમી ધોરણે સ્થાયી થઈ ગયા. આ રીતે 1946 સુધીમાં તો સ્થાનિક ફિજિયનો કરતાં ભારતીય વસાહતીઓની સંખ્યા વધી ગઈ. 1874થી 1970 સુધીનાં બ્રિટિશ વહીવટનાં કુલ 96 વર્ષો દરમિયાન તો અહીંના શેરડીના વાવેતરનો તથા ખાંડનો ઉદ્યોગ ખૂબ જ મહત્વનો બની ગયો. આજે પણ તેનું એટલું જ મહત્વ છે. 1970ના ઑક્ટોબરની 10મી તારીખે ફિજી સ્વતંત્ર બન્યું. તે પછીનાં બે વર્ષ સુધી આ ઉદ્યોગ ઑસ્ટ્રેલિયાની કૉલોનિયલ શુગર રિફાઇનિંગ કંપની હેઠળ રહેલો, પરંતુ ત્યારપછી ફિજી સરકારે તેને પોતાને હસ્તક લઈ લીધો.

1987 સુધી ફિજીના અગ્રેસર રાતુ સર કૉમિસેસી મારા(રાતુ મારા)એ ફિજિયન બહુજાતિસમૂહોના પ્રતિનિધિત્વવાળી સરકાર ચલાવી. સ્વાતંત્ર્ય પછીની પાંચમી ચૂંટણીમાં ભારતીય વર્ચસ્ ધરાવતા સ્થાનિક નેતા તિમોસી બૅવેદ્રા જીત્યા, પરંતુ 1987ના મે માસમાં લેફ્ટનન્ટ કર્નલ સીટીવેની રેબુકાના નેતૃત્વ હેઠળનાં દળોએ આ સરકારને ઉથલાવી દીધી. તે જ વર્ષના સપ્ટેમ્બરમાં રેબુકા જૂથે પકડ જમાવી દીધી. ફિજીમાં થોડા જ વખતમાં લોકશાહીની પુન:સ્થાપનાની હૈયાધારણ આપીને વચગાળાની સરકાર કામ કરતી થઈ. 1990માં મેલેનીઝ ફિજિયનોની તરફેણમાં નવું બંધારણ ઘડાયું. લોકતાંત્રિક શાસનનું પુન:સ્થાપન થયું અને લશ્કરી અધિકારીઓનાં રાજીનામાં લેવાયાં. રાતુ મારાને વડાપ્રધાન બનાવાયા. 1992માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. મિશ્ર સરકાર અસ્તિત્વમાં આવી. રેબુકા વડાપ્રધાન બન્યા. ફિજીએ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઇન્ડોનેશિયા વગેરે સહિત રારાટોંગા સંધિ પર હસ્તાક્ષર કર્યા અને સમગ્ર દક્ષિણ પૅસિફિક પ્રદેશને અણુમુક્ત પ્રદેશ (Nuclear Free Zone) તરીકે જાહેર કરવામાં આવ્યો. 1993માં પ્રમુખ ગાનિલાઉ મૃત્યુ પામ્યા. તેમના સ્થાને રાતુ મારાને પ્રમુખ બનાવાયા. 1994ની ચૂંટણીમાં રાબુકા અને ફિજિયન પૉલિટિકલ પાર્ટી (FPP) ચૂંટાઈ આવેલાં.

ગિરીશભાઈ પંડ્યા

શિવપ્રસાદ રાજગોર