પ્રોપર્શિયસ, સેકસ્ટસ

February, 1999

પ્રોપર્શિયસ સેકસ્ટસ [જ. આશરે ઈ. પૂ. 50, ઍસિસિયમ (ઍસિસી), અમ્બ્રિઆ; અ. આશરે ઈ. પૂ. 16] : પ્રાચીન રોમના લૅટિન કવિ. શોક-કાવ્ય(elegies)ના રચયિતા. તેમના જીવન વિશેની માહિતી તેમનાં કાવ્યો અને તેમના પછીના લૅટિન લેખકોનાં લખાણોમાં છૂટાછવાયા સંદર્ભોમાંથી મળી આવે છે. પિતાના મૃત્યુ બાદ ઈ. પૂ. 41માં તેમની મોટાભાગની મિલકત ટાંચમાં લેવાઈ જતાં તેમની માતાએ તેમને લઈને રોમમાં સ્થળાંતર કર્યું હોય તેમ લાગે છે. રોમમાં કવિને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી. કવિતાની તરફેણમાં તેમણે કાયદાનો અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. પ્રોપર્શિયસ કઈ વયે મૃત્યુ પામ્યા તે ચોક્કસપણે જાણી શકાયું નથી. જોકે ઇતિહાસકાર પ્લિનીએ લખેલા પત્રોમાંના એક સંદર્ભને આધારે એમ માનવામાં આવે છે કે કવિ એક બાળકના પિતા બન્યા હતા.

કરુણ અને અન્ય શોકકાવ્યોના તેમણે ચાર ગ્રંથો રચ્યા. પ્રથમ ગ્રંથ તેમની પ્રિયતમા સિંથિયાને ઉદ્દેશીને રચવામાં આવ્યો છે અને તે ઈ. પૂ. 25માં પૂરો થયો. કવિ હોરેસ તથા વર્જિલના આશ્રયદાતા મૅસિનસનું ધ્યાન આ ગ્રંથ તરફ દોરાયું. કવિ માટે તે એક પ્રોત્સાહક બળ બન્યું. દ્વિતીય ગ્રંથમાં પણ સિંથિયા પ્રત્યે કવિનો સ્નેહ નીતરે છે. ઈ. પૂ. 24માં બીજો ગ્રંથ પૂરો થયો. ઈ. પૂ. 22માં ત્રીજો અને ઈ. પૂ. 16માં ચોથો ગ્રંથ સમાપ્ત થયો.

સિંથિયા ખરેખર તો હોશિયાર છે. રોમની તે દરબારી વારાંગના પ્રત્યે પ્રોપર્શિયસને બેહદ આકર્ષણ હતું. સિંથિયાના મૃત્યુ પર્યન્ત કવિને તેના પ્રત્યે ઉન્મત્ત પ્રેમ રહ્યો હતો. કવિએ સિંથિયા પ્રત્યેના શારીરિક આકર્ષણનો સ્વીકાર તેમનાં કાવ્યોમાં વારંવાર કર્યો છે. પોતાની પ્રિયતમાના શારીરિક ભૌતિક સૌંદર્યને અન્ય નસીબદાર આશિકો માણતા હશે તે વિચાર માત્ર તેમનામાં પારાવાર દુ:ખ ઉપજાવતો. કાવ્યમાં તેનાં સૌંદર્ય અને કળા ઇત્યાદિની સિદ્ધિઓ અંગેનું વર્ણન છે. સિંથિયા પણ વિદ્વાન યુવતી છે અને પોતાની જેમ તેનામાં પણ કાવ્યત્વની સૂઝસમજ છે એમ કવિને લાગતું. તેના પ્રત્યેનું આકર્ષણ કવિને પોતાના તીવ્ર પ્રેમની લાગણીનું વિશ્લેષણ કરાવે છે; પણ પ્રેમના તીવ્ર સંવેદન ઉપર જ્ઞાન સરસાઈ ભોગવતું લાગે છે. આમ તો તેમનાં મોટાભાગનાં કાવ્યોનું નિમિત્ત સિંથિયા છે, પણ કેટલાંક કાવ્યોમાં રોમન દંતકથા અને ઇતિહાસના અનેક સંદર્ભો છે. પ્રોપર્શિયસમાં અપ્રતિમ કલ્પનાશક્તિ હતી. અને તેની સબળ અભિવ્યક્તિરૂપ તેમની કવિતા છે.

આધુનિક સમયમાં કવિ એઝરા પાઉન્ડે પ્રોપર્શિયસની આવી કાવ્યકલા પ્રત્યે કાવ્યરસિકોનું સૌપ્રથમ ધ્યાન દોર્યું હતું.

વિ. પ્ર. ત્રિવેદી