પ્રોખોરોવ, ઍલેકસાન્દ્ર મિખાયલોવિક

February, 1999

પ્રોખોરોવ, ઍલેકસાન્દ્ર મિખાયલોવિક (Prochorov, Aleksandre Mikhailovic) (જ. 11 જુલાઈ 1916, ઍથરટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) : મેસર-લેસર સિદ્ધાંત આધારિત દોલકો (oscillators) અને પ્રવર્ધકો(amplifiers)ની રચના માટે, ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે મૌલિક પ્રદાન માટે યુ.એસ.એસ.આર.ના નિકોલાઇ ઝેનાડાઇવિક બેસોવ(Nikolai Gennadievic Basov)ની સાથે 1964ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા.

ઍલેકસાન્દ્ર મિખાયલોવિક પ્રોખોરોવ

(બાકીનું અડધું પારિતોષિક યુ.એસ.ના ચાર્લ્સ એચ. ટાઉન્સને ફાળે ગયું હતું.) ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સનું તેમનું આ મૌલિક સંશોધન ‘મેસર’ તથા ‘લેસર’ પ્રયુક્તિઓના વિકાસ તરફ દોરી ગયું, જેનો વ્યાપક ઉપયોગ ખગોળવિજ્ઞાન (astronomy), અંતરીક્ષ વિજ્ઞાન (astronautics), ઉદ્યોગો, સંચારણ (communication) અને અન્ય ક્ષેત્રોમાં થાય છે. લેનિનગ્રાડ યુનિવર્સિટીમાંથી 1939માં સ્નાતક થઈ 1946માં પીએચ.ડી. થયા અને 1946માં મૉસ્કોની લેબેદેવ (Lebedev) ફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ‘સિનિયર એસોશિયેટ’ તરીકે જોડાયા. 1955માં તેમણે તથા બેસોવે, એકસરખી તરંગલંબાઈના સમાંતરે પ્રવર્ધિત થઈને આવેલા  વિદ્યુતચુંબકીય તરંગોના ઉત્સર્જન માટેના ‘મેસર’ સિદ્ધાંતનું, સંયુક્તપણે સૂચન કર્યું. 1954માં પ્રોખોરોવ, ઇન્સ્ટિટ્યૂટની ઑસ્સિલેશન લૅબોરેટરીના વડા બન્યા અને ત્યારબાદ મૉસ્કોની લોમોનોસોવ (Lomonosov) સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક થયા. 1959માં પ્રોખોરોવને ‘લેનિન પ્રાઇઝ’ પણ અર્પણ કરવામાં આવ્યું હતું.

એરચ મા. બલસારા