પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ.

આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું કે ભારતમાં માત્ર 1800 જ વાઘ બચ્યા છે, આથી 1 એપ્રિલ 1973ના રોજ વાઘના સંરક્ષણને પ્રોત્સાહનઆપવા માટે ભારત સરકારે “પ્રોજેક્ટ ટાઇગર” શરૂ કર્યો. ઇ. સ. 1972માં ભારત સરકારે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ બહાર પાડ્યો. એક વર્ષ પછી ઇન્દિરા ગાંધી સરકારે વાઘના સંરક્ષણ માટે “પ્રોજેક્ટ ટાઇગર” શરૂ કર્યો.

પ્રોજેક્ટ ટાઇગરનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં કુદરતી વસવાટમાં વાઘની વસ્તીને સુનિશ્ચિત કરવાનો, તેને લુપ્ત થતી બચાવવાનો અને જૈવિક મહત્ત્વના વિસ્તારોને કુદરતી વારસા તરીકે જાળવવાનો હતો. વાઘની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ માનવ હોવાથી વાઘના તમામ સંરક્ષણક્ષેત્રને માનવમુક્ત બનાવવામાં આવ્યા. આ પ્રોજેક્ટથી વાઘના વસવાટના વિસ્તારોને સુરક્ષિત કરવામાં આવ્યાં, શિકારીઓથી તેમને બચાવવાનો પ્રયત્નો થયા અને એમની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી. માનવવસવાટને વાઘના વિસ્તારમાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા. આગ અને પૂર જેવી આપત્તિઓથી વાઘને નુકસાન ન પહોંચે એ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાં. આથી આ પ્રોજેક્ટવાઘની વસ્તી વધારવામાં સફળ રહ્યો છે.પ્રોજેક્ટ ટાઇગરનેકારણે પર્યાવરણને પણ ફાયદો થયો છે.

ભારત સરકારે આ પ્રોજેક્ટની જવાબદારી કૈલાસ સાંખલાને સોંપતા તે પ્રોજેક્ટ ટાઇગરના પ્રથમ ડિરેક્ટર બન્યા. કૈલાસ સાંખલા દિલ્લી જીઓલોજીકલ પાર્કના ડાયરેક્ટર અને રાજસ્થાનના ચીફ વાઇલ્ડ લાઇફ વૉર્ડન હતા. જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શરૂ થયેલ આ કાર્યક્રમ શરૂઆતમાં 14000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતા આસામ, બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઑડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એમ નવ રાજ્યોનાનવ વાઘ અનામત સ્થળોમાં શરૂ કરવામાં આવ્યો હતો.

ઈ. સ. 2006ના સર્વેક્ષણમાં વાઘની અંદાજિત વસ્તી 1411 હતી. ઈ. સ. 2010માં 1706 અને ઈ. સ. 2014માં 2227 સંખ્યા થઈ.પ્રોજેક્ટ ટાઇગરને કારણે ઈ. સ. 2018 સુધીમાં વાઘની સંખ્યા વધીને 2967 થઈ અને ઈ. સ. 2022 સુધીમાં 3167 થઈ. આજે વિશ્વની લગભગ 75% વાઘની વસ્તી ભારતમાં જોવા મળે છે.

જાન્યુઆરી 2005માં રાજસ્થાનના સરિસ્કામાં વાઘના સ્થાનિક સંહારથી તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પ્રોજેક્ટ ટાઇગરનું પુનર્ગઠન કર્યું અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની સ્થાપના કરી.

ઈ. સ. 1980ના દાયકાના અંત સુધીમાં 9115 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતા પ્રારંભિક 9 અનામત સ્થળો હતાં તે વધારીને, 24700 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતા 15 અનામત સ્થળો કરવામાં આવ્યા હતા. ઈ. સ. 1997 સુધીમાં 23 વાઘ અનામત સ્થળોએ 33000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લીધો હતો.

જિમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક(ઉત્તરાખંડ), સુંદરવન રાષ્ટ્રીય અભયારણ્ય(પશ્ચિમ બંગાળ), રણથંભોર રાષ્ટ્રીય પાર્ક(રાજસ્થાન), કાન્હા વાઘ અભયારણ્ય(મધ્યપ્રદેશ), માનસ રાષ્ટ્રીય પાર્ક(અસમ), સાતપુડા રાષ્ટ્રીય પાર્ક(મધ્યપ્રદેશ), તડોબા-અંધારી વાઘ અભયારણ્ય(મહારાષ્ટ્ર), વાલ્મીકિ વાઘ અભયારણ્ય(બિહાર), બાંદીપુર રાષ્ટ્રીય પાર્ક(કર્ણાટક), દુધવા રાષ્ટ્રીય પાર્ક(ઉત્તર પ્રદેશ), બાંધવગઢ રાષ્ટ્રીય પાર્ક(મધ્યપ્રદેશ) વગેરે ભારતનાંપ્રસિદ્ધ અભયારણ્યો છે.

ઈ. સ. 2022માં ઉત્તર પ્રદેશના રાણીપુર વન્યજીવ અભયારણ્યને ભારતનું 54મું વાઘ અનામત સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉત્તર પ્રદેશનું ચોથું વાઘ અનામત સ્થળ છે.આજે સમગ્ર ભારતમાંઅઢાર જેટલાં ગાજ્યોનાં 54 વાઘ અનામત સ્થળો છે જે 75796.83 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં છે.

પ્રોજેક્ટ ટાઇગરના પચાસ વર્ષ પૂર્ણ થતાં 9 એપ્રિલ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘ સંરક્ષણ માટે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું અને ઇન્ટરનેશનલ બીગ કેટ્‌સ એલાયન્સ (IBCA)ની શરૂઆત કરી.

જનક શાહ

અનિલ રાવલ

    કેયૂર કોટક