પ્રેહ-કો મંદિર : પ્રાચીન કંબુજદેશ(કંબોડિયા)ના રોલુસ નગરમાં આવેલું એક સ્મૃતિમંદિર. રાજા ઇંદ્રવર્મા(877–889)એ કંબુજના મહાન રાજા જયવર્મા બીજા(802–850)ની સ્મૃતિમાં આ મંદિર બંધાવી શિવપૂજા માટે અર્પણ કર્યું હતું. પ્રશિષ્ટ ખ્મેર સ્થાપત્યશૈલીના પ્રારંભના સમયનું આ વિશિષ્ટ દેવાલય છે.

પ્રેહ-કો મંદિરનો આલેખ

ચાર પ્રાકારો વચ્ચે ઘેરાયેલા, અગાસીયુક્ત છ પિરામિડો પર છ મિનારાઓ ધરાવતા આ મંદિરનો બહારનો પ્રાકાર 450 × 800 મીટરનો, લાકડાની ચીપોથી બનેલો છે. બીજા ત્રણ પ્રાકારો ઈંટેરી દીવાલોના બનેલા છે. એમાં પૂર્વ અને પશ્ચિમે પ્રવેશદ્વાર પર ગોપુર કરેલાં છે. ત્રીજો પ્રાકાર 215 × 215 મીટર, બીજો 75 × 75 મીટર અને અંદરનો પ્રાકાર 60 × 60 મીટર ચોરસ આકાર ધરાવે છે. તેની બરાબર મધ્યમાં ગર્ભગૃહ છે. ગર્ભગૃહ પર ત્રણેય અગાસીઓ પૈકીની દરેક અગાસીની મધ્યમાં બે-બે મિનારાઓ ગોઠવેલા છે. આગળના ત્રણ મિનારાઓ પર ઉત્તરથી દક્ષિણે અનુક્રમે રુદ્રેશ્વર, પરમેશ્વર અને પૃથિવીન્દ્રેશ્વર અર્થાત્ જયવર્મા બીજો (મરણોત્તર નામે વચ્ચે), તેના પિતામહ રુદ્રવર્મા અને ઇન્દ્રવર્માના પિતા પૃથિવીન્દ્રવર્માને નામે શિવનાં મૂર્તિશિલ્પ કરેલાં છે. તેવી રીતે તેની પાછલી (બીજી) હરોળના ત્રણ મિનારાઓ પર ઉત્તરથી દક્ષિણે અનુક્રમે રુદ્રવર્માની પત્ની નરેન્દ્રદેવી, જયવર્મા બીજાની પત્ની ધરણીન્દ્રદેવી અને પૃથિવીન્દ્રવર્માની પત્ની પૃથિવીન્દ્રદેવીના નામે પાર્વતીનાં મૂર્તિશિલ્પો કરેલાં છે.

રવીન્દ્ર વસાવડા