પ્રાત: હેળ (morning sickness) : સગર્ભતાના પ્રથમ 3 મહિનામાં ઉદભવતી ઊબકા-ઊલટીની તકલીફ. આશરે 50% સગર્ભા સ્ત્રીઓને પ્રથમ ત્રિમાસિક કાળ(trimester)માં તે થાય છે. સામાન્ય રીતે સવારે ઊઠતી વખતે ઊબકા અનુભવાય છે અને જો તેણે કુટુંબ માટે સવારનો નાસ્તો કે ખાવાનું બનાવવાનું હોય તો તે વધે છે. ઊબકા ઘણી વખત આખો દિવસ ટકે છે. સવારે જ્યારે તેની આંખ ઊઘડે ત્યારે થોડોક સમય પથારીમાં પડી રહેવાથી અને પથારીમાં જ ચા અને બિસ્કિટ લઈ લેવાથી ઊલટી થઈ જતી અટકાવી શકાય છે. પથારીમાંથી ઊઠવાની ક્રિયા પણ ધીમેથી કરવાનું સૂચવાય છે. ખૂબ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાને બદલે થોડો ઢીલો ખોરાક લેવાની સલાહ અપાય છે. જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ પાણીનું પ્રમાણ વધારવું સલાહભર્યું ગણાય છે. જરૂર પડ્યે આલ્કલીકારી મિશ્રણ કે ઊલટી રોકતી દવા અપાય છે. જો પેશાબમાં કીટોન જૂથનાં રસાયણો જણાય તો ઊલટી બંધ થાય ત્યાં સુધી હૉસ્પિટલમાં દાખલ કરીને નસ વાટે ક્ષાર અને પાણીવાળું પ્રવાહી અપાય છે. મોટાભાગની સ્ત્રીઓને થોડો અને વારંવાર ખોરાક લેવાય એવો તથા ઓછી ચરબી(તેલ-ઘી)વાળો ખોરાક અનુકૂળ પડે છે. જો ઊલટી રોકતી દવા આપવી પડે તો સામાન્ય રીતે પ્રોમિથેઝિન, ડાયફેન્હાઇડ્રેમિન કે કેટલાક હિસ્ટામીન-રોધકો (antihistamines) આપી શકાય છે. કેટલાંક ઔષધિસ્વરૂપોમાં પાયરિડૉક્સિન નામનું વિટામિન બી જૂથનું રસાયણ પણ વપરાય છે. હાલ કોક્સિલેમિન અને પાયરોડોક્સિન(વિટામિન B6)ને સાથે અપાય છે. ક્યારેક મેક્લેઝિન અથવા મેટોક્લોપ્રેમાઈડ નામના ઔષધો પણ વપરાય છે.

પ્રકાશ પાઠક

શિલીન નં. શુક્લ