પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન) : જૈવિક પ્રયોગો (biological experimentation) માટે કામમાં આવતાં પ્રાણીઓનાં પાલનપોષણ માટે ખાસ બંધાયેલાં પ્રાણીગૃહો. દવાઓ (drugs), ઝેરી દ્રવ્યો, પીડક-નાશકો (pesticides), પ્રાણીઓનાં વિવિધ અંગો પર સારી-માઠી અસર કરતાં રસાયણો, સૌંદર્ય-પ્રસાધનો (cosmetics) તેમજ અન્ય જૈવી અણુઓ (bio-molecules) જેવાના પરીક્ષણાર્થે વિવિધ પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. આયુર્વૈજ્ઞાનિક કાર્યવિધિ (medical procedure), મનોવૈજ્ઞાનિક નિરીક્ષણ (psychological testing), સમજનીનિકોનું નિર્માણ (cloning), રસી (vaccines) અને પ્રતિ-આવિષ(antitoxins)નું ઉત્પાદન વગેરે અંગે કરાતા પ્રયોગોમાં પ્રાણીઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

પ્રયોગાર્થે ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓમાં દેડકા, ઉંદર, ગિનીપિગ અને સસલાં જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. ઉંદરોમાં વર્ણહીન નૉર્વે ઉંદરને અને ઘરના ઉંદર(house mouse)ને ખાસ પસંદ કરવામાં આવે છે. અન્ય પ્રાણીઓમાં બિલાડીઓ, કૂતરાં, વાંદરાં, ઘેટાં, માછલીઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય ઉત્પાદન (pharmaceutical production), ચર્મ-ઉદ્યોગ, કાગળનિર્માણ જેવાં ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપનીઓ પાણી વાટે મોટા પાયા પર પ્રદૂષકો(pollutants)નું વિમોચન કરતી હોય છે. આવા દૂષિત પાણીનું વિમોચન તળાવ, નદી, દરિયો જેવાં કુદરતી જળાશયોમાં કરવામાં આવે છે. તેના અનુસંધાનમાં જલ-પ્રદૂષણનું પ્રમાણ નક્કી કરવા માટેના પ્રયોગો માછલીઓ પર કરવામાં આવતા હોય છે. શીતળા, પોલિયો, ઉટાંટિયું, કૉલેરા જેવા રોગોના પ્રતિ-રક્ષણાર્થે વપરાતી રસીઓના ઉત્પાદન માટે ઢોર, ઘોડા જેવાં પ્રાણીઓ પર પ્રયોગો કરવામાં આવે છે; જ્યારે પ્રતિ-આવિષ તૈયાર કરવા માટે વીંછી, નાગ જેવાં પ્રાણીઓમાંથી ઝેર મેળવવામાં આવે છે.

પ્રાણીગૃહોની યોજના અને સ્વરૂપ : પ્રયોગો માટે બંધાતાં પ્રાણીઓના આવાસો, તેમના કુદરતી જીવન માટે અનુકૂળતાવાળા હોય તે જરૂરી છે. આવાં પ્રાણીઓને પૂરતું રક્ષણ મળે અને તેઓ સ્વાસ્થ્યપૂર્ણ જીવન પસાર કરે તે માટે વિવિધ દેશોમાં કેટલાક નિયમો ઘડાયા છે. SPCA (Society for the Prevention of Cruelty to Animals) જેવી સંસ્થાઓ આવા નિયમોનું પાલન કરાવવા કામ કરે છે.

પાંજરાં : સામાન્ય પ્રયોગો માટે પસંદગીપાત્ર ઉંદર, ગિનીપિગ, સસલાં, પક્ષીઓ વગેરેને નાનાંમોટાં પાંજરાં કે એના જેવા આવાસોમાં રાખવામાં આવે છે. પાંજરામાં પ્રાણીઓ માટેનાં પાંજરાં તેઓ મુક્તપણે હલનચલન કરી શકે તેટલી મોકળાશવાળાં હોવાં જોઈએ.

પાંજરાંમાં મળમૂત્ર જેવી ગંદકી કે કાદવ-કીચડ ન થાય, પાણી ન ઢોળાય તેની તકેદારી રાખવી જરૂરી હોય છે. વખતોવખત પાંજરાંને ધોઈને સ્વચ્છ રાખવાની પણ જરૂરિયાત રહે છે.

પારિસ્થિતિક અનુકૂલન : પ્રાણીગૃહોમાં હવાની અવરજવર સારી રીતે થાય તેવી વ્યવસ્થા જરૂરી છે. પ્રયોગશાળામાં વપરાતાં મોટાંભાગનાં પ્રાણીઓ સસ્તન હોય છે અને તેમને માટે સ્થિર તાપમાન આવશ્યક હોય છે. સામાન્ય રીતે આવાં પ્રાણીઓ માટે 37° સે.થી 40° સે. વચ્ચેનું તાપમાન અનુકૂળ હોય છે. બદલાતા ઋતુમાનને અનુલક્ષીને પ્રાણીગૃહોમાં વાતાનુકૂલક અને ઉષ્ણક (heater) વડે યોગ્ય તાપમાન જાળવી શકાય. વળી ગંદા વાતાવરણમાં ચાંચડ, મચ્છર, ઉંદર જેવાં પ્રાણીઓના ઉપદ્રવથી પ્રાણીગૃહોનાં પ્રાણીઓ ન પીડાય તેવી તકેદારી પણ અપેક્ષિત હોય છે.

તણાવરહિત, ભયમુક્ત, સ્વાસ્થ્યપૂર્ણ જીવન પસાર કરતાં પ્રાણીઓ પર કરવામાં આવતા પ્રયોગોનાં નિરીક્ષણો આધારભૂત અને વિશ્વાસપાત્ર લેખવામાં આવે છે.

ખોરાક : પ્રાણીગૃહોનાં પ્રાણીઓ માટે પોષણ-વિજ્ઞાનીઓ (nutritionists) ખાસ તૈયાર કરવામાં આવેલ ખોરાકની ભલામણ કરે છે. આવો ખોરાક રુચિકર હોવા ઉપરાંત તેમાં આવેલાં કાર્બોદિત, લિપિડો, પ્રોટીનો, વિટામિનો અને ખનિજતત્વો પ્રમાણસર હોય તે પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ ખોરાક ઘાસ, કઠોળ, અનાજ, તેલીબિયાં વગેરેમાંથી બનાવવામાં આવે છે. કેટલાક તૈયાર ખોરાકમાં પ્રાણીજન્ય તત્વોને પણ ઉમેરવામાં આવે છે. કતલખાનામાંથી પ્રાપ્ય અખાદ્ય ગણાતી પેશીઓ, ખોરાક માટે અપાત્ર ગણાતાં જાળમાં ફસાઈને આવેલાં દરિયાઈ પ્રાણીઓ, પ્રાણીજન્ય ખોરાકમાં ઉપયોગી થાય છે. આવા પદાર્થો પોષકતત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, તેમને જંતુરહિત કરવામાં આવે છે અને સામાન્યપણે તેમનામાં પ્રતિજૈવકો (antibiotics) પણ ઉમેરવામાં આવે છે. પ્રાણીગૃહોમાં પોષાતા સાપો પ્રાણીજન્ય ખોરાક ખાય છે. તેમને ઉંદર, નાનાં પક્ષી જેવાં પ્રાણીઓ વડે પોષવામાં આવે છે.

અલ્પકાલીન પ્રયોગો દરમિયાન સામાન્યપણે પ્રાણીઓને ખોરાકથી વંચિત રાખવામાં આવે છે. વિવિધ પ્રાણીઓને એમની આદત પ્રમાણે પાણી પીવા મળે તેવી ખાસ વ્યવસ્થા જરૂરી છે.

જળનિવાસી પ્રાણીઓનાં ગૃહો : જૈવિક પ્રયોગોમાં, જલજીવી તરીકે માછલીઓને અગ્રતા આપવામાં આવે છે. તેમને માટે પરિસ્થિતિને અનુલક્ષીને માછલીઓને નાનાંમોટાં જલગૃહો(aquaria)માં રાખવામાં આવે છે. જલગૃહોમાં વપરાતું પાણી ક્લોરિનમુક્ત હોવું જોઈએ. પાણીમાં દ્રાવ્ય એવા ઑક્સિજનનો ઉપયોગ જલજીવો શ્વસનપ્રક્રિયામાં કરે છે અને પાણીમાં રહેલ ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. તેથી તેની ખોટ પૂરવા ખાસ પંપની જોગવાઈ કરવી જરૂરી થઈ પડે છે. પાણીનું ભ્રમણ કરવાથી, પાણી હવાના સંપર્કમાં આવતાં તેમાં ઑક્સિજનનું પ્રમાણ વધે છે. એ માટે પાણીમાં ખાસ પંપોની વ્યવસ્થા પણ થતી હોય છે.

મોટાભાગની માછલીઓ માંસાહારી હોય છે. સૂકી માછલી, જિંગા જેવાનો ભૂકો કરેલ ચૂરો તેમને ખોરાક તરીકે આપવામાં આવે છે. તેમાં પ્રતિજૈવકો(antibiotics)નું મિશ્રણ કરવું હિતાવહ હોય છે. તાજી માછલીના નાના ટુકડા પણ ખોરાક તરીકે આપી શકાય. માછલીને પ્રમાણસર અથવા તો જરૂરી કરતાં સહેજ ઓછો ખોરાક આપવાનો હોય છે, કેમકે ખાધા પછી બાકી રહેતો ખોરાક પાણીમાં કહોવાઈ બગડી જતાં પાણી દૂષિત થઈ જાય છે અને તે પાણીમાંનાં પ્રાણીઓ માટે ખતરનાક બને છે.

વારિગૃહોની ટાંકીઓ ચોખ્ખી રહે અને એમાંનું પાણી બદલાતું રહે તે પણ જરૂરી છે.

જૈવિક પ્રયોગો પર નિયંત્રણ : દુનિયાના અનેક લોકોએ જૈવિક પ્રયોગોના નામે પ્રાણીઓને થતી પીડા અને તેમના વિનાશ સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને તેથી આવા પ્રયોગોને બદલે અન્ય વિકલ્પો યોજવાની અથવા તો કમ્પ્યૂટર-મૉડલોનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. બ્રિટનમાં 1986માં પ્રાણીઓ માટે ઘડાયેલા નિયમો મુજબ સંશોધનકારો સંશોધન માટે પરવાનો મેળવે તે અગત્યનું છે. યુરોપ ઉપરાંત બીજા કેટલાક દેશોમાં પણ જૈવિક પ્રયોગોના નિયંત્રણ માટે કાયદા પસાર થયા છે.

મ. શિ. દૂબળે