પ્રાણીચર્મપૂરણ (taxidermy) : મૃત પ્રાણીની ખાલ ઉતારી, તેમાં વિવિધ પદાર્થો ભરીને, પ્રદર્શન હેતુ માટે તેને જીવંત અને સક્રિય લાગે તેવી રીતે તૈયાર કરવાની કલા. પ્રાણી-ઉદ્યાનોમાં જીવંત પ્રાણીઓને તેમના પ્રાકૃતિક પર્યાવરણમાં રાખવામાં આવે છે. પ્રાકૃતિક સંગ્રહાલયોમાં મૃત પ્રાણીઓને ચર્મપૂરણકલા દ્વારા તૈયાર કરીને પ્રાકૃતિક પરિવેશમાં પ્રદર્શિત કરવામાં આવે છે.

ચર્મપૂરણકાર્યમાં કેટલાંક ચરણ (ઉપર, ડાબેથી જમણે) : ચિત્તાની ખાલ પૂરણ માટે તૈયાર કરાય છે. ચિત્તાનું ગતિયુક્ત શિલ્પ બનાવવામાં આવે છે. શિલ્પ ઉપરથી ડાબા પડખાનો ફરમો ઉતારવામાં આવે છે. નીચે, ડાબેથી જમણે : ફરમા પર ખાલ લપેટવામાં આવે છે. સિલાઈ કરીને મોઢાની નાની નાની વિગતો પૂરવામાં આવે છે. છેલ્લે, શિકારની પાછળ 110 કિમી. વેગે ધસતો ચિત્તો તૈયાર.

ચર્મપૂરણકલા કેટલીક વિશેષ આવડત માગી લે છે. ચર્મપૂરણકાર ચિત્રકલા તથા શિલ્પકલા જાણતો હોવો જોઈએ. તે ઉપરાંત તેને શરીરરચનાશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર તથા ચર્મકામનો પરિચય હોવો જોઈએ.

પ્રથમ મૃત પ્રાણીનાં માપ લઈ તેમની નોંધ કરવામાં આવે છે. દાઢીથી પેડુ સુધી ઊભો ચીરો મૂકવામાં આવે છે. કેટલીક વાર બગલ તથા જાંઘવાળા ભાગો પર પણ નાના ચીરા મૂકવામાં આવે છે. હાડમાંસનો ભાગ ખાલથી છૂટો પાડી, બહાર કાઢી લેવામાં આવે છે. મીઠું, ટંકણખાર તથા સોમલ સાબુ જેવા પદાર્થોથી ખાલને ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે. સંઘટકના વાયુથી તે સૂકવવામાં આવે છે. આ પહેલાં પ્રાણીને કેવો ઘાટ આપવો તે વિશે વિચારીને એનું ચિત્રણ તૈયાર કરી રાખેલું હોય છે. તેમાં ઊપસેલા માંસલ ભાગ, દબાયેલા ભાગ, હાડકાંની સ્થિતિ આદિનું યથાર્થ ચિત્રણ હોય છે, જે ચર્મપૂરણકારને એના કલાકાર્યમાં માર્ગદર્શક નીવડે છે. હવે કલાકાર પ્રાણીના હાડપિંજરની અથવા લાકડા અને સળિયાના માળખાની સહાયથી પ્રાણીના ઘાટ અનુસાર સંરચના તૈયાર કરે છે. એમાં ચીકણી માટી ભરીને પ્રાણીનું શિલ્પ બનાવે છે. એના ઉપર કંતાન કે ટાટ (કોઈ વાર પાતળા તારની જાળી) તથા પ્લાસ્ટર કે કાગળનો કૂટો પાથરી પાતળા પડનું પોલું બીબું કે ફરમો ઢાળવામાં આવે છે. છેલ્લે, તેના પર ખાલ પહેરાવી તેને ગુંદર કે સરેશ તથા નાની ખીલીઓ દ્વારા જડી લેવામાં આવે છે. ચીરાવાળા ભાગને સીવી લેવામાં આવે છે. આંખનાં બાકોરાંમાં કાચની અથવા રંગેલી ગોળીઓની આંખો તથા મોંમાં કૃત્રિમ જીભ બેસાડવામાં આવે છે. પ્રાણીની સ્થિતિને અનુરૂપ કાન બેસાડવામાં આવે છે. પક્ષીઓ માટે ઘણી વાર લાકડાના નમૂના ઘડી તેમની ઉપર ખાલ પહેરાવી દેવામાં આવે છે. પગ, પૂંછડી માટે જાડા-પાતળા તાર કે સળિયા વપરાય છે. બહુ નાનાં પ્રાણીઓને શીતન-શુષ્કન નામની પ્રયુક્તિથી જાળવવામાં આવે છે.

મોટાં સંગ્રહાલયોમાં આ કામ માટે સ્થાયી પ્રાણીચર્મપૂરણ-વિભાગ હોય છે. નાનાં સંગ્રહાલયો વ્યવસાયી પ્રાણીચર્મપૂરણકારો પાસેથી સેવા મેળવે છે. આ કલા ઘણુંખરું જોઈને શીખવામાં આવે છે. ભારતમાં સરકારના પ્રાણીસર્વેક્ષણ વિભાગ દ્વારા કલકત્તામાં છ મહિનાનો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થાગત વિદ્યાર્થીઓને ત્યાં નિ:શુલ્ક પ્રશિક્ષણ અપાય છે. વ્યક્તિગત વિદ્યાર્થી પાસે પૂરું ખર્ચ લેવાય છે.

બંસીધર શુક્લ