પ્રાગ્-ઇતિહાસ : પૃથ્વીના ગ્રહ ઉપર મનુષ્યનો ઉદભવ એ જીવસૃષ્ટિની એક રોમાંચક ઘટના છે. માણસ એ વિશે કુતૂહલ સેવતો આવ્યો છે અને વૈજ્ઞાનિક સંશોધનો પહેલાં એણે આ વિષયમાં અનેક અટકળો કરી છે. દંતકથાઓ ને ધર્મકથાઓમાં મનુષ્યજાતિની ઉત્પત્તિ વિશે રસપ્રદ કલ્પનાઓ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ઇતિહાસ વિષયક બુદ્ધિના ઉદય અને વિકાસ સાથે માનવીની ઉત્પત્તિ વિશે સંશોધનો શરૂ થયાં પછી છેલ્લી બે સદીઓમાં ડાર્વિન, હૅકેલ, હક્સલી આદિ વિજ્ઞાનીઓ અને વિચારકોએ ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર પૃથ્વી પર પાંગરેલા જીવનનો, છેક મનુષ્યના ઉદભવ સુધીનો સિલસિલાબંધ વિકાસક્રમ બતાવ્યો છે.

મનુષ્ય, સંસ્કૃતિના છેક ઉગમકાળથી લેખનકલા જાણતો ન હતો. સંસ્કૃતિનાં શરૂઆતનાં હજારો વર્ષોનો વૃત્તાંત અલિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિની માહિતી બીજાં સમકાલીન સાધનો દ્વારા મળે છે, જેમાં માનવવિશેષો, સ્થળવિશેષો કે ઘટનાવિશેષોની સંજ્ઞાપૂર્વક વિગતો પૂરી શકાતી નથી; આથી સંસ્કૃતિના આ પ્રાગ્-અક્ષરજ્ઞાનકાલને ‘પ્રાગ્-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ્-ઐતિહાસિક કાલના ઉપલબ્ધ વૃત્તાંતને ‘પ્રાગ્-ઇતિહાસ’ કહે છે. કોઈ પણ દેશ-પ્રદેશ કે પ્રજાનો ઇતિહાસ સમજવા માટે એની પ્રાગ્-ઐતિહાસિક ભૂમિકા જાણવી જરૂરી છે.

ઐતિહાસિક કાલની સરખામણીએ પ્રાગ્-ઐતિહાસિક કાલ ઘણો લાંબો છે. ઐતિહાસિક કાલ ભારત જેવા દેશમાં છેલ્લાં પાંચેક હજાર વર્ષનો જ છે, જ્યારે પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય અઢીથી પાંચ લાખ વર્ષ જેટલો વિસ્તરે છે.

પ્રાગ્-ઐતિહાસિક કાલમાં માનવકૃત ટકાઉ ચીજો મુખ્યત્વે પાષાણની ઘડવામાં આવતી. આથી એ યુગને પાષાણયુગ કહે છે. એ ચીજોમાં મુખ્યત્વે હથિયારોનો સમાવેશ થાય છે. પાષાણનાં હથિયારો ઘડવાની જુદી જુદી પદ્ધતિ પરથી પાષાણયુગની સંસ્કૃતિના જુદા જુદા તબક્કા જાણવા મળે છે અને એ અનુસાર પાષાણયુગના જુદા જુદા વિભાગ પાડવામાં આવે છે.

માનવના પ્રાગ્-ઐતિહાસિક વસવાટનાં સ્થળ નદી, તળાવ જેવાં જળાશયો પાસે મળે છે. એ સ્થળોએ, એ સમયનાં જુદી જુદી જાતનાં પથ્થરનાં મોટાં કે નાનાં હથિયારો મળી આવે છે. એની સાથે કોઈ વાર અશ્મીભૂત અસ્થિઓ કે હાડપિંજરો મળે છે. રેતીના કેટલાક ટીંબાઓના ભૂપૃષ્ઠ પરથી ખાસ કરીને પથ્થરનાં નાનાં નાનાં હથિયારો (microtools) મળે છે. પાષાણયુગના અંતિમ તબક્કાના થરોમાંથી ક્યારેક તૂટેલાં માટીનાં વાસણોની ઠીકરીઓ પણ મળે છે. આ અવશેષો કયા સ્તરમાંથી મળે છે એ નોંધવામાં આવે છે.

પ્રાગ્-ઐતિહાસિક વસાહતોના ઉત્ખનનમાં મોટેભાગે પથ્થરનાં હથિયારો, હાડકાં કે હાડપિંજરો અને કેટલીક વાર માટીનાં વાસણો કે અન્ય ચીજોના અવશેષો હાથ લાગે છે. પાષાણયુગોની સંસ્કૃતિઓ પ્રાગ્-ઐતિહાસિક ગણાય છે, કારણ કે એ યુગમાં લેખનકળાનું અસ્તિત્વ નહોતું અને માનવકૃત ચીજો મુખ્યત્વે પાષાણમાંથી ઘડવામાં આવતી હતી. હુન્નરકલા તથા સંસ્કૃતિની ર્દષ્ટિએ આ યુગોના પ્રાચીન પાષાણયુગ તથા નૂતન પાષાણયુગ એવા બે ભેદ પાડવામાં આવે છે. પ્રાચીન પાષાણયુગના આદ્ય, મધ્ય અને અંત્ય એવા ત્રણ તબક્કાઓ પાડવામાં આવ્યા છે.

આદિમાનવે રોજિંદા વ્યવહારમાં વાપરેલાં ઓજારો, પ્રાગ્-ઇતિહાસનો કાલક્રમ નક્કી કરવામાં મહત્વનાં સાધનો મનાય છે. આજે આપણે, આપણાં ઓજારો લોખંડ, પોલાદ અને અન્ય ધાતુમાંથી બનેલાં જોઈએ છીએ. લોખંડ અને તેની વિવિધ મિશ્રણવાળી ધાતુઓનો ઉપયોગ આજે સામાન્ય બન્યો છે. તે પહેલાં તાંબા અને કાંસાનાં ઓજારો લોકો વાપરતાં; પરંતુ તાંબું અને કાંસું પ્રમાણમાં ઓછું મળતું હોવાથી તેની સાથે પથ્થરનાં ઓજારો પણ વપરાતાં. આ પરંપરા પૈકી પથ્થર સહુથી સસ્તી અને કુદરતી રીતે મળતી વસ્તુ હોઈ તેનો ઉપયોગ ઓજાર તરીકે થતો તેમજ તે વખતે તાંબું-કાંસું કે લોખંડ જેવી ધાતુઓ ગાળવામાં આવતી નહિ.

આ નૈસર્ગિક પરિસ્થિતિને અશ્મયુગ નામ આપવામાં આવે છે. મનુષ્ય જે યુગમાં મુખ્યત્વે પથ્થરનાં ઓજારો વાપરતો તેને સૂચવવા ‘અશ્મયુગ’ શબ્દ પ્રયોજાય છે. અશ્મયુગમાં મનુષ્ય, અશ્મ(પથ્થર)નાં ઓજારો વાપરતો હોવાના પુરાવાઓ તો મળે છે; તેની સાથે લાકડાંનાં કે બીજા પદાર્થનાં ઓજારો પણ તે વાપરતો હોય એવો સંભવ પણ ખરો; આમ છતાં તેના પુરાવા આજે મળતા નથી.

આ અશ્મયુગ (સ્ટોન એઇજ) સાથે પ્રાચીનાશ્મ, મધ્યાશ્મ, અન્ત્યાશ્મ અને નવાશ્મ જેવા કાલાનુક્રમના ભેદનો નિર્દેશ કરતાં નામ પણ સાંકળવામાં આવે છે.

પથ્થરનાં ઓજારોની સાથે તાંબાનાં અથવા તાંબાની મિશ્ર ધાતુ કાંસાનાં ઓજારો એક સ્થળ અને એક સ્તર પરથી મળતાં થાય તેવી પરિસ્થિતિની વિશેષતાને ‘તામ્રાશ્મ કાલ’ એવું સામાન્ય નામ આપવામાં આવે છે. તામ્રાશ્મ કાલના વિવિધતા-સૂચક શબ્દો મુખ્યત્વે સ્થળવિશેષને અનુસરે છે. ભારતમાં હડપ્પા સંસ્કૃતિ, આહાડ સંસ્કૃતિ, ‘માલવા સંસ્કૃતિ’ જેવાં નામો આ સંદર્ભે પ્રયોજવામાં આવે છે. સ્થળ પરની સ્તરરચના તપાસીને તેની મદદથી આ સંસ્કૃતિના વિભાગીકરણ માટે ‘અનુકાલીન’–‘સમકાલીન’–‘પ્રાકકાલીન’ જેવા શબ્દપ્રયોગો પણ કરવામાં આવે છે. તામ્રયુગ પછી કાંસ્યયુગ અને અન્તે લોહયુગ એવો માનવવિકાસનો ક્રમ માનવામાં આવે છે.

પ્રાગ્-ઐતિહાસિક યુગનું માનવજીવન : પૃથ્વી ઉપર મનુષ્યજીવનનાં આશરે 5,00,000 વર્ષોના પટને પાષાણયુગ, તામ્રયુગ અને લોહયુગમાં વિભાજિત કરવામાં આવે છે. એ સમયના મનુષ્યે વાપરેલ ઓજારો અને હથિયારો પરથી માનવજીવનનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસને પ્રાગ્-ઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાગ્-ઐતિહાસિક યુગમાં પાષાણયુગનો સમય ઈ. પૂ. 5,00,000થી ઈ. પૂ. 4000 સુધીનો માનવામાં આવે છે. તેમાં પણ ઓજારોના વર્ગીકરણ પરથી પથ્થરયુગના બે વિભાગ પાડવામાં આવે છે :

1. આદ્ય પાષાણયુગ (Palaeolithic age), જે ઈ. પૂ. 5,00,000થી ઈ. પૂ. 12,000 સુધી ચાલુ રહ્યો.

2. નૂતન પાષાણયુગ (Neolithic age), જેનો સમય ઈ. પૂ. 12,000થી ઈ. પૂ. 4000 સુધીનો માનવામાં આવે છે.

આ લાંબો પાષાણયુગ અંદાજે 5,00,000 વર્ષ જૂનો માનવામાં આવે છે. તે દરમિયાન માનવ વનવાસી હતો. એને કોઈ સ્થિર રહેઠાણ નહોતું અને તે પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરી શકતો નહિ. એ છોડ અને ફળ એકઠાં કરતો, માછલાં પકડતો અને જંગલી પ્રાણીઓનો શિકાર કરતો. પરિસ્થિતિ અને સંજોગોએ તેનાં ઓજારોમાં પરિવર્તન આણ્યાં. તેણે મોટાં આકાર વગરનાં અને ભારે ઓજારોમાંથી ક્રમે ક્રમે વધુ નાનાં, વધુ ખૂબીદાર અને અણીદાર એવાં વિશિષ્ટ ઓજારો વિકસાવ્યાં. મુખ્યત્વે એનાં ઓજારોના અભ્યાસ પર આધારિત માનવના વિકાસનો ઇતિહાસ રચાયો. આ વિકાસક્રમ સાથે છોડ અને પ્રાણીઓના અવશેષો, પુષ્પરજ, ધાન્યો, જમીનના ઉપલા સ્તરો, સમુદ્ર અને નદીની સપાટીઓની ચઢ-ઊતર, સૌર-કિરણોત્સર્ગ અને બીજા ઘણા મુદ્દાઓ જોડવામાં આવે છે. માનવીની જીવનપદ્ધતિની પ્રગતિના તબક્કાઓ આગળ જોઈ ગયા તે પ્રમાણે આદ્ય, મધ્ય અને નૂતન પાષાણયુગ તથા તામ્ર, કાંસ્ય તથા લોહયુગના ક્રમમાં વિકસ્યા છે.

આદ્ય પાષાણયુગમાં માણસ શિકારની શોધમાં ભટકતો રહેતો. તેના કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પણ તેની હતી. સ્ત્રીઓ અગ્નિને સળગતો રાખતી. અગ્નિને સળગતો જોઈને જંગલી પ્રાણીઓ ગુફાઓમાં રહેતા માણસ સુધી આવતાં નહિ. સ્ત્રીઓ ખોરાક તૈયાર કરતી. જીવન ખૂબ સંકટમય અને અસ્થિર હતું. પુરુષ આખો દિવસ પોતાને અને કુટુંબ માટે ખોરાકની શોધમાં ભટકતો રહેતો. તે કેટલીક વાર જંગલી પ્રાણીનો શિકાર બની જતો. ગુફામાં તેના પાછા ફરવાની કોઈ ખાતરી ન હતી. ત્યારપછી માણસને સમૂહમાં રહીને શિકાર કરવાનો ફાયદો સમજાયો. શક્તિશાળી પુરુષ કુટુંબનો વડો ગણાતો. તે ઉંમરમાં મોટો હોવો જરૂરી ન હતું. માણસો ટોળામાં ને ટોળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. ટૂંકમાં, પૅલિયૉલિથિક માનવ એક જગ્યાએ કાયમ માટે રહેતો નહિ.

હજી સંસ્કૃતિની શરૂઆત થઈ ન હતી, કારણ કે મનુષ્યે સ્થાયી રહેવાનું શરૂ કર્યું ન હતું. તે હજી જંગલી, પ્રાથમિક દશામાં પશુ જેવું જીવન જીવતો હતો. જોકે સમય જતાં બીજાં પ્રાણીઓ કરતાં તે ચઢિયાતો સાબિત થતો જતો હતો.

કલા : પ્રાથમિક દશામાં જીવતો હોવા છતાં આદિમાનવ કલાને જાણતો. તે ગુફામાં સુંદર ચિત્રો દોરતો. ઉત્તર સ્પેનની આલ્ટામીરા ગુફામાં આવાં ચિત્રો સંગ્રહાયેલાં છે. પાષાણયુગના આ માણસે પોતે જોયેલાં જંગલી પ્રાણીઓનાં ચિત્રો ગુફામાં દોર્યાં અને પૃથ્વીપટ પર કલાની શરૂઆત થઈ. અંધારી ગુફાની છત પર આવાં ચિત્રો દોરનાર તે પ્રાચીન માનવની કુનેહ અને કલ્પના તથા સૂઝ કેવાં હશે તે આશ્ચર્ય પેદા કરે છે. એ જ ગુફામાં તેણે પ્રાણીની ચરબીથી પ્રગટતા ઝાંખા પ્રકાશની વ્યવસ્થા પણ કાળક્રમે કરી !

આદ્ય પાષાણયુગ પછીના નૂતન પાષાણયુગનાં બે મુખ્ય લક્ષણો ધ્યાન ખેંચે છે. નૂતન પાષાણયુગનો માનવ હવે પથ્થરનાં ઓજારો અને હથિયારો અણીદાર તથા પૉલિશ કરેલાં વાપરતો થયો. અનુભવથી તેણે વિવિધ પ્રકારનાં હથિયારો બનાવ્યાં તેમજ આ યુગમાં મનુષ્ય ખોરાક ઉત્પન્ન કરતો થયો. ખેતીની શોધને લીધે દરરોજ શિકાર માટે જવાનું બંધ થયું. હવે તેનું જીવન થોડું સ્થિર બન્યું. કુટુંબનો ખોરાક અને પશુ માટેનો ઘાસચારો પોતાના ઘર પાસે પ્રાપ્ત થવા લાગ્યો. તેને વધુ ફુરસદ મળતાં તેણે કલા વિકસાવી. આ યુગના અંતભાગે લેખનકલાની શોધ થઈ. માનવજીવનના ઇતિહાસની ચોકસાઈપૂર્વકની જાણકારી આ યુગથી મળતી થઈ.

નૂતન પાષાણયુગની વસાહતો દુનિયાના ઘણા ભાગોમાંથી શોધી કાઢવામાં આવી છે. આ સંસ્કૃતિના અવશેષો સમગ્ર યુરોપ, પર્શિયા, દક્ષિણ ભારત તથા અન્યત્રથી મળે છે. આ યુગની મહાન શોધ ખેતીની હતી અને તે શોધ સ્ત્રીઓને આભારી હતી. સ્ત્રીઓએ ગુફાની આસપાસ ઊગતાં અવનવા પ્રકારનાં બીજ અને તેમાંથી ઉત્પન્ન થતા છોડ વગેરેમાંથી ખેતીની શોધ કરી. ત્યારપછી માણસ બાજરી, મકાઈ, ઘઉં, ચોખા જેવાં ધાન્ય પકવતો થયો. આ પ્રકારની ખેતી સૌપ્રથમ ઇજિપ્તના નાઈલ નદીના પ્રદેશમાં તથા મેસોપોટેમિયામાં યુફ્રેટિસ-તૈગ્રિસના ખીણપ્રદેશમાં શરૂ થઈ. ખેતીની શોધને લીધે માનવીનું ભટકતું જીવન બંધ થયું. હવે જંગલી પ્રાણીનો શિકાર માત્ર પૂરક ખોરાક તરીકે અથવા શોખ માટે ચાલુ રહ્યો.

કુટુંબોનો વસવાટ શરૂ થયો. શરૂઆતમાં ગુફામાં રહેતો માનવ હવે ઝૂંપડામાં અને પછી માટીનાં બનાવેલાં નાનાં-મોટાં ઘરોમાં રહેવા લાગ્યો અને એક નૂતન સંસ્કૃતિની શરૂઆત થઈ.

નૂતન પાષાણયુગના માણસે અવનવી શોધો કરી. તેમાં માટીને ગરમ કરવાથી તે કઠણ બને છે અને મજબૂત થાય છે તે જ્ઞાન થતાં તેણે અગ્નિમાં માટીનાં વાસણો પકવીને, જરૂરી સાધનો માટીમાંથી બનાવવાની શરૂઆત કરી. કરોળિયાને જાળું ગૂંથતો જોયો અને તેને માછલાં પકડવાની જાળ બનાવવાનો વિચાર આવ્યો. તેમાંથી ધીમે ધીમે પોતાની વિચારશક્તિ મુજબ કાંતણ અને વણાટની શોધ સુધી તે પહોંચ્યો. ગાય-ભેંસ-બકરી જેવાં પાલતુ પ્રાણી રાખી દૂધ-માંસ અને ખેતી માટે ઉપયોગી પ્રાણીઓનો ઉપયોગ કરવા લાગ્યો.

ખેતી પછી પ્રાચીન માનવની મુખ્ય શોધ પૈડાની હતી. કુંભાર દ્વારા ચાક–ઘાટથી તૈયાર થતાં વાસણો, બળદગાડું –રથ વગેરે પૈડાની શોધથી શક્ય બન્યું. આ શોધ પણ નૂતન પાષાણયુગની મહાન શોધ ગણાય છે.

અનાજ–પશુઓ આદિની સમૃદ્ધિ વધતાં વેપાર શરૂ થયો. માણસે મોટી સંખ્યામાં વસાહતો બાંધીને રહેવાની શરૂઆત કરી. તેમાંથી નગરો વિકસ્યાં. જુદી જુદી ટોળીઓની વસાહતો વચ્ચે હરીફાઈ ને લડાઈ-ઝઘડા થવા માંડ્યાં, દુશ્મનો સામે રક્ષણ માટે નગરને ફરતા કોટ-કિલ્લા બંધાવા માંડ્યા. ધીમે ધીમે જંગલો સાફ થવા માંડ્યાં અને રસ્તાઓ તૈયાર થવા લાગ્યા. ઇતિહાસયુગના આરંભકાળમાં મિસર, મેસોપોટેમિયા, ભારત અને ચીનમાં સંસ્કૃતિઓનો ઉદય થયો.

ગુણવંતરાય દેસાઈ