પ્રાકૃત ભાષા અને સાહિત્ય

‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય.

ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે :

(1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન  (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર સાથે રહ્યો છે અને  (2) દ્રવિડ કુળ, જેમાં દક્ષિણ ભારતની ભાષાઓનો સમાવેશ થાય છે. ‘પ્રાકૃત’ એ સર્વસામાન્ય નામ છે, જેમાં એકથી વધારે ભાષાઓ અને બોલીઓનો સમાવેશ થાય છે. ‘પ્રાકૃત કહેતાં શાસ્ત્રીય રીતે તેમાં પાલિ, માગધી, અર્ધમાગધી, શૌરસેની, મહારાષ્ટ્રી જેવી વિભિન્ન પ્રાકૃતોનો અને (અપભ્રંશનો પણ) સમાવેશ કરવામાં આવે છે. તેમાં પૈશાચી અને ચૂલિકા પૈશાચી પણ સમાવેશ પામે છે. પૈશાચી ભાષામાં ગુણાઢ્યે ‘બૃહત્કથા’ની રચના કરી હતી, જે આજે મળતી નથી અને ચૂલિકા પૈશાચીની કોઈ રચનાનો ઉલ્લેખ થયો નથી. શાસ્ત્રકારોએ આ બધી ભાષાઓને મુખ્ય પ્રાકૃતોનો દરજ્જો આપ્યો છે, પરંતુ અર્ધમાગધી ભાષાના વ્યાકરણ વિશે વ્યાકરણ-ગ્રંથોમાં કોઈ સ્વતંત્ર પ્રકરણ મળતું નથી તો માગધી પ્રાકૃતમાં કોઈ સ્વતંત્ર સાહિત્યિક રચના પણ મળતી નથી. (અલબત્ત, ‘મૃચ્છકટિકમ્’ નાટ્યગ્રંથમાં શકાર નામનું પાત્ર માગધી ભાષા બોલે છે ખરું.)

જ્યારે જ્યારે જે જે લોકભાષામાં સાહિત્યનું સર્જન થાય છે ત્યારે ત્યારે તે તે ભાષાના વ્યાકરણની રચના થાય છે. સાહિત્યિક ભૂમિકાએ બોલી અથવા લોકભાષા પ્રયોજાતાં તે સાહિત્યિક ભાષાનું સ્વરૂપ પામે છે. દરેકેદરેક દેશમાં અને જુદા જુદા યુગોમાં આવી ઘટનાઓ જોવા મળે છે. એક બાજુ લોકબોલીઓ સાહિત્યિક ભૂમિકા પ્રાપ્ત કરતાં વ્યાકરણના નિયમોથી બદ્ધ શિષ્ટ અને સાહિત્યની ભાષાનું રૂપ પામે છે તો બીજી બાજુ લોકબોલીઓનો લૌકિક વ્યવહારને સ્તરે કુદરતી વિકાસ પણ થતો જ રહે છે અને પાછો એક સમય એવો આવે છે જ્યારે પ્રવર્તમાન લોકભાષાથી વ્યાકરણના નિયમોથી સંસ્કારિત કરેલી સાહિત્યિક ભાષા જુદી પડી જાય છે. તેથી લોકોને સમજાય એ રીતનું લોકબોલી અથવા લોકભાષામાં સંસ્કરણ થાય છે અને એ રીતે નવી નવી સાહિત્યિક અથવા શિષ્ટ ભાષાઓનું સર્જન થાય છે.

શાસ્ત્રકારોએ ભાષાના બે મુખ્ય ભેદ કર્યા છે : ભાષા અને વિભાષા, ભાષામાં શિષ્ટ-સાહિત્યિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વિભાષામાં જુદી જુદી બોલીઓને આવરી લેવામાં આવી છે; પરંતુ ફરી કોઈક સમયે વિભાષા પણ ઉપરના સિદ્ધાંત પ્રમાણે નવી ભાષા બની જાય છે.

આચાર્ય પતંજલિ સૌથી પહેલાં તો ‘સંસ્કૃત’ને જ ભાષાના નામે ઓળખાવે છે અને ઉત્તર ભારતમાં બોલાતી બીજી અનેક બોલીઓ – ભાષાઓને તેઓ ‘અપભ્રષ્ટ’ના નામે ઓળખાવે છે; પણ એક સમય એવો પણ આવ્યો કે ‘અપભ્રષ્ટ’ ભાષા જ શિષ્ટ ભાષા બની ગઈ અને તેમાં ઘણું બધું સાહિત્ય લખાયું; તેનું સ્વતંત્ર વ્યાકરણ પણ રચાયું. પાણિનિ અને પતંજલિના સમયમાં સંસ્કૃત (એટલે ભાષા) સિવાયની બોલીઓનો અર્થ છે જુદા જુદા પ્રદેશોની પ્રાકૃત ભાષાઓ; જે કાળક્રમે સાહિત્યિક ભાષાઓ બનતી ગઈ. વૈદિક છાન્દસ ભાષાનો આધાર પણ તે વખતની લોકબોલીઓ જ ગણાય છે; જેમને પ્રાથમિક પ્રાકૃતો (primary Prakrits) એવું નામ આપવામાં આવ્યું છે. પણ તે પ્રાકૃતોનું કોઈ સ્વતંત્ર સાહિત્ય કે વ્યાકરણ મળતું નથી.

ઉપર જણાવેલ ભારતીય આર્ય-ભાષા કુળના તેમના વિકાસ- ક્રમ(evolution)ને ધ્યાનમાં રાખીને જે ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે તેમાંથી મધ્યયુગીન નામના વિભાગ(middle Indo – Aryan)માં બધી પ્રાકૃતોનો (જેમાં પાલિ અને અપભ્રંશ પણ આવી જાય છે) સમાવેશ થાય છે. અપભ્રંશ સિવાયની પ્રાકૃતોનો કાળ ઈ. પૂ. 600–500થી ઈ. સ. 500–800નો ગણાય છે અને અપભ્રંશનો કાળ તે પછીનો ગણાય છે.

પ્રાકૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ વરરુચિનો ‘પ્રાકૃતપ્રકાશ’ છે. તેમાં પ્રાકૃત ભાષાની ઉત્પત્તિ શેમાંથી થઈ તેનો કોઈ ઉલ્લેખ નથી. ભરતમુનિ પણ એ વિશે મૌન સેવે છે. હેમચન્દ્રાચાર્યે પ્રાકૃતભાષાની યોનિ અને પ્રકૃતિ વિશે સંસ્કૃતનો ઉલ્લેખ કર્યો છે અને એનાં બે રીતે અર્થઘટન કરવામાં આવે છે : એક તો એ કે સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા જન્મેલી, જ્યારે બીજો વર્ગ એમ માને છે કે હેમચન્દ્રાચાર્યે પોતાના ‘સિદ્ધહેમશબ્દાનુશાસનમ્’માં પ્રથમ સાત અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું અને હવે તે પછીના આઠમા અધ્યાયમાં સંસ્કૃતને મૂળ આધાર તરીકે રાખીને પ્રાકૃત ભાષાને સમજાવવા માટે નિયમો આપી રહ્યા છે. ભરતમુનિ પણ પોતાના ‘ભરતનાટ્યશાસ્ત્ર’માં (17-1) ભારપૂર્વક જણાવે છે કે નાટકોમાં બે જ ભાષાઓ પ્રયોજાય છે : એક સંસ્કૃત અને બીજી પ્રાકૃત. તેઓ ફરી સ્પષ્ટ કરે છે કે પ્રાકૃત (17-3) સંસ્કાર-ગુણ (વર્જિત) વગરની હોય છે. જેમાં સમાન (તત્સમ), વિભ્રષ્ટ (તદભવ) અને દેશી (દેશ્ય) શબ્દો હોય છે. એનો અર્થ એવો થયો કે સંસ્કૃત ભાષા સંસ્કાર-ગુણયુક્ત થઈ. એટલે જે સંસ્કાર વગરની ભાષા યાને વિભાષા યા બોલી હતી તેને સંસ્કાર આપવામાં આવ્યો અને તે સંસ્કૃત  ભાષા કહેવાઈ. એનો ફલિતાર્થ તો એમ જ થાય કે સ્વાભાવિક, પ્રાકૃતિક, અસંસ્કારિત જનભાષામાંથી એક સંસ્કારવાળી ભાષા બની આવી, જેનું નામ ‘સંસ્કૃત’ પાડવામાં આવ્યું. રુદ્રટના ‘કાવ્યાલઙકાર’ના ટીકાકાર નમિસાધુ પણ આ મતલબની જ વાત કરે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃત સામાન્ય લોકોની ચાલુ ભાષા છે અને ભણેલા-ગણેલા તથા ઉચ્ચ કુળના મહાનુભાવોની ભાષાનું નામ સંસ્કૃત છે જે વ્યાકરણના નિયમોથી બદ્ધ હોય છે. પ્રકૃતિનો એ અટલ નિયમ છે કે જનસાધારણની બોલી અથવા તેમની ભાષામાંથી જ શિષ્ટ ભાષા-સંસ્કારવાળી ભાષાનો ઉદભવ થાય છે અને એ પણ સત્ય હકીકત છે કે સમય પસાર થતાં એકબીજીનું આપસમાં આદાન-પ્રદાન થયા જ કરે છે.

ઉપર નિર્દેશ્યું તેમ, પ્રાકૃત ભાષામાં ત્રણ પ્રકારની શબ્દાવલીમાં : (1) તત્સમ એટલે સંસ્કૃત જેવા જ શબ્દો અને રૂપો (જેમ કે, अभय, कमल, सफल, बुद्ध, गच्छति, करणीयं વગેરે); (2) તદભવ એટલે ધ્વનિગત વિકાર પામેલાં શબ્દ-રૂપો (જેવાં કે, वयण (वदन), जुत्त (युक्त), सच्य(सत्य), मिग (मृग), मदुर (मधुर), हं (अहम्), कहेई (कथयति) અને (3) જેનો સંબંધ સંસ્કૃત સાથે ન હોય એવા देश्य શબ્દો (જેવા કે, बप्प (પિતા), लडह (सुन्दर), हल्लण (चलन) તો ખરા જ તે સાથે અન્ય ભાષાકુળમાંથી આવેલા શબ્દો પણ જોવા મળે છે. જેમકે अक्क (माता). मुद्दा (चुम्बन), पील (हस्ति) વગેરે).

સંસ્કૃત ભાષામાં કોઈ પણ શબ્દ-વર્ગને ‘દેશી’ અથવા ‘દેશ્ય’ એવું નામ અપાયું નથી; પ્રાકૃત ભાષાઓમાં દેશ્ય શબ્દો લોકબોલીઓમાંથી આવ્યા છે. અને એ રીતે પણ સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષાનો ઉદભવ થયો હોય એ બાબત તથ્યવિરુદ્ધ થઈ જાય છે.

સામાન્ય રીતે ‘પ્રાકૃત’ એટલે મહારાષ્ટ્રી અથવા માહારાષ્ટ્રી પ્રાકૃત ભાષા એવી માન્યતા ચાલુ રહી છે. બધા જ વ્યાકરણકારો સર્વપ્રથમ મહારાષ્ટ્રીનાં લક્ષણો આપે છે, અને ત્યારપછી અન્ય પ્રાકૃતોની વિશિષ્ટતાઓ દર્શાવે છે. જે વ્યાકરણકારો એમ કહે છે કે મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી બીજી પ્રાકૃતોની ઉત્પત્તિ થઈ છે તે પણ યોગ્ય નથી કારણ કે ‘शेषं प्राकृतवत्’ સૂત્રનો આવો અર્થ થતો નથી.

વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’માં માગધી અને પૈશાચી પ્રાકૃતોના નિયમો આપતી વખતે જે સૂત્ર ‘प्रकृति: શૌરસેની’ (10-2; 11-2) આપવામાં આવ્યું છે એનો અર્થ જો એમ કરીએ કે માગધી અને પૈશાચી ભાષાઓ શૌરસેનીમાંથી જન્મેલી છે તો પ્રાકૃત ભાષાઓના વિકાસક્રમને જોતાં આવું અર્થઘટન તદ્દન ખોટું થઈ જાય છે અને ફરી પછી શૌરસેની વિશે વરરુચિ એમ ‘प्रकृति: संस्कृतम्’ (12-2) જણાવે ત્યારે શું માનવું? એમ જ ને કે શૌરસેની संस्कृतમાંથી  જન્મી છે તો પછી હેમચન્દ્રાચાર્યના સૂત્ર પ્રમાણે જો ‘પ્રાકૃત’ એટલે મહારાષ્ટ્રી પ્રાકૃત સંસ્કૃતમાંથી જન્મી હોય અને શૌરસેની માટે તેઓ જ્યારે એમ કહે કે ‘शेषं प्राकृतवत्’ (8-4-286) એટલે શૌરસેનીની ઉત્પત્તિ મહારાષ્ટ્રીમાંથી થઈ. આ બધું ધ્યાનમાં લઈએ તો પછી સાચી હકીકત કઈ ગણવી ? ફરી વળી વરરુચિ મહારાષ્ટ્રી વિશે એમ ‘शेषं संस्कृतात्’ (9-18) કહે તો પછી શું માનવું ? મહારાષ્ટ્રી સંસ્કૃતમાંથી કે શૌરસેની સંસ્કૃતમાંથી જન્મેલી ? હેમચન્દ્રાચાર્ય માગધી અને પૈશાચી વિશે બંનેના અંતમાં ‘शेषं शौरसेनीवत्’ (8-4-302 અને 323)નું સૂત્ર આપે છે. એનો અર્થ પણ વરરુચિના સૂત્ર ‘प्रकृति: शौरसेनी’ જેવો જ કરીએ તો જુદી જુદી પ્રાકૃત ભાષાઓના ઉત્પત્તિના સ્રોત વિશે ગૂંચવાડો ઊભો થયા વિના રહેતો નથી. એટલે વસ્તુત: આવા સૂત્રના સંદર્ભમાં કોઈ પણ એક ભાષાને સમજાવવા માટે બીજી એક ભાષાનો આધાર લેવો જરૂરી હોય છે તેવું અર્થઘટન ઇષ્ટ છે.

પ્રાકૃતના વ્યાકરણકારોએ પરંપરા અનુસાર સામાન્ય પ્રાકૃત ભાષા એટલે ‘મહારાષ્ટ્રી’ પ્રાકૃતના નિયમો જોયા પછી અન્ય પ્રાકૃતોનાં મહારાષ્ટ્રી કરતાં જે જે જુદાં જુદાં લક્ષણો છે તેનો ઉલ્લેખ અત્રે રજૂ કરવાનો ઉપક્રમ છે.

મહારાષ્ટ્રી અથવા માહારાષ્ટ્રી (સામાન્ય અથવા મુખ્ય) પ્રાકૃત : અત્રે જે જે નિયમો અપાઈ રહ્યા છે તે બધી જ પ્રાકૃત ભાષાઓને સામાન્યત: લાગુ પડે એવા છે તે મુદ્દો ખાસ ધ્યાનપાત્ર છે.

(1) ધ્વનિ-પરિવર્તન : સ્વરોમાં ફેરફાર : કોઈ પણ પ્રાકૃત (પાલિ પણ) ભાષામાં ઋ, ऐ, औ અને વિસર્ગ વપરાતો નથી. ઋ કારનું अ इ, उ, ए અથવા रि માં પરિવર્તન થાય છે. અને ऐ નું  અથવા अइ  તથા औનું ओ અથવા अउ પરિવર્તન થાય છે. વિસર્ગનો સામાન્ય રીતે લોપ થઈ જાય છે, પણ ક્યારેક अ સાથે વિસર્ગ આવતો હોય તો તેનો ओ થાય છે. [ઉદાહરણ : ઋ: तण (तृण), मिग (मृग), पुच्छ (पृच्छ), गेह, (गृह), रिण (ऋण). ऐ : वेर, वइर (वैर) ओ : गोरव, गवरउ (गौरव). : (વિસર્ગ) : राम, रामो (राम:).]

ક્યારેક ક્યારેક દીર્ઘ સ્વર હ્રસ્વ અને હ્રસ્વ સ્વર દીર્ઘમાં (માત્રાત્મક) પરિવર્તન પામે છે અને એ જ રીતે એક સ્વરના બદલામાં, બીજો સ્વર આવું ગુણાત્મક પરિવર્તન પણ સાધે છે. [ઉદાહરણ : (i) चाउरंत (चतुरन्त) कुर (कुमार), करिस (करीष), महुअ (मधूरु); (ii) उतिम (उतम), स (सदा), जुण्ण (जीर्ण), रु (गुरु), महर (मनोहर).]

ક્યારેક શબ્દમાં સ્વરનું સ્થાન બદલાઈ જાય છે. (ઉદાહરણ : જ્રૂદત્ર્ઠ્ઠ (જ્ઙરૂઠજા))

સંયુક્ત વ્યંજન(જોડાક્ષર)ની પૂર્વનો દીર્ઘ સ્વર પ્રાય: હ્રસ્વ બની જાય છે અને અનુસ્વારયુક્ત દીર્ઘ સ્વર પણ હ્રસ્વ બને છે. [ઉદાહરણ : ज्ज (राज्य), मंस (मांस), [ सीयं (सीताम्)].

સંયુક્ત વ્યંજનમાંથી જ્યારે એક વ્યંજનનો લોપ થઈ જાય છે, ત્યારે તેના પૂર્વ સ્થાને રહેલો હ્રસ્વ સ્વર દીર્ઘ બને છે. [ઉદાહરણ : वास (वस्स ← वर्ष).]

અનુસ્વારનો લોપ થાય ત્યારે પણ એમ જ ફેરફાર થાય છે. [ઉદાહરણ : सीह (सिंह).]

જ્યારે સંયુક્ત વ્યંજનમાંથી એક વ્યંજનનો લોપ થઈ જાય ત્યારે તેમાંનો પૂર્વમાં આવતો દીર્ઘ સ્વર દીર્ઘ જ રહે છે. [ઉદાહરણ : सीस (सीस्स ← शीर्ष), आणा (आण्णा ← आज्ञा).] શબ્દમાં કોઈક વાર એક વ્યંજનનું દ્વિત્વ થાય તો પૂર્વે આવેલો દીર્ઘ સ્વર હ્રસ્વ બની જાય છે. [ઉદાહરણ : दिज्जइ (दीयते), किड्डा (क्रीडा).]

કોઈક વાર શબ્દનો પ્રારંભિક સ્વર લુપ્ત થઈ જાય છે.

[ઉદાહરણ : रण्ण (रण्य), ति(ति)]

ક્યારેક ક્યારેક य्  અને वનું સંપ્રસારણ થાય છે. [ઉદાહરણ : य = इ : वीइक्कंत (व्यतिक्रान्त), व = उ : तुरियं (त्वरितम्). अय = ए : चोरेइ (चोरयति); अव = ओ : लोण (वण).]

સંધિ : પ્રાકૃત સંધિ અનિયમિત અને શિથિલ હોય છે. મધ્યવર્તી (બે સ્વરો વચ્ચેના) વ્યંજનનો લોપ થતાં જે સ્વર રહી જાય છે તેની તે પૂર્વેના સ્વર સાથે સંધિ થતી નથી. [દા.ત., नअर(नगर), [એનું नार ન બને.]

એવી જ રીતે કારક, કાળ અને કૃદંતોનાં રૂપો બનાવતી વખતે સ્વરાત્મક પ્રત્યયો અથવા જેના પ્રારંભમાં સ્વર આવતો હોય એવા પ્રત્યયો લગડાતી વખતે પણ સંધિ કરવામાં આવતી નથી. [દા.ત., हस (हसति), रमा (रमाया:) करिव्वं (कर्तव्यम्). (આવાં રૂપોમાં इ, ए કે अની પૂર્વે આવેલ अ, आ, કે इ સાથે સંધિ થઈ નથી)] સામાસિક શબ્દોમાં પણ આ જ નિયમ લાગુ થાય છે. જોકે આ બધાંમાં અપવાદ રૂપે કોઈક વાર સંધિ જોવા મળે છે. [દા.ત., मोर (मऊर ← मयूर). होही (होहिइ ← भविष्यति)]

સમાસના બે શબ્દો અને જુદાં જુદાં બે પદોમાં વિકલ્પે સંધિ થાય છે. [દા.ત., पव्वयारोहण અથવા पव्वयआरोहण (पर्वतारोहण ← पर्वत + आरोहण); तस्सोवएसेण અથવા तस्स उवएसेण (तस्य + उपदेशेन)].

કોઈક વાર પ્રથમ પદના અંતિમ સ્વરનો વિકલ્પથી લોપ કરીને દ્વિતીય શબ્દના પ્રારંભિક સ્વર સાથે સંધિ કરવામાં આવે છે. [દા.ત., हसामहं અથવા हसामि अहं, तुष्मित्थ અથવા तुष्मे इत्थ].

વ્યંજન-વિકાર : અસંયુક્ત વ્યંજન : ઉષ્મ વ્યંજનોમાં તાલવ્ય श અને મૂર્ધન્ય ष પ્રાય: દન્ત્ય स માં બદલાઈ જાય છે. (માત્ર માગધી પ્રાકૃતમાં ત્રણેય ઉષ્મ વ્યંજનોના સ્થાને તાલવ્ય श જ વપરાય છે.) [દા.ત., कलस (कलश), भूसण (भूषण)]. શબ્દના પ્રારંભિક य કારનો પ્રાય: ज થાય છે.  [દા.ત., जोगी (योगी), जहा (यथा)] પ્રારંભિક દંત્ય न કાર પ્રાય: મૂર્ધન્ય ण કારમાં બદલાઈ જાય છે. [દા.ત., णर (नर), णअर (नगर)].

પરંતુ જૈન પ્રાકૃત રચનાઓમાં વિકલ્પે દંત્ય न કાર પણ વપરાય છે. [દા.ત., नर, नयर, नाम, नारी]. અપવાદ રૂપે પ્રારંભિક વ્યંજનોમાં નીચે પ્રમાણે પરિવર્તનો જોવા મળે છે.

क = च,  भ = ब, म = व, ल = ण;

क = ख, प = फ, ब =  भ અને द = ड.

કોઈક વાર श, ष અને स વ્યંજનો, छ  થઈ જાય છે. [દા.ત., छिरा (शिरा), छ (षट्), छुहा (सुधा)]. નિયમ તરીકે અન્ય પ્રારંભિક વ્યંજનો પ્રાય: બદલાતા નથી.

મધ્યવર્તી વ્યંજન : જે વ્યંજન દ્વિસ્વર મધ્યગત હોય છે તે ‘મધ્યવર્તી વ્યંજન’ એમ કહેવાય છે, જેમ કે ‘मद’ શબ્દમાં ‘द’ની પૂર્વે અને પછી બંને બાજુ अ કાર છે. તેથી ‘द’ મધ્યવર્તી થયો.

મધ્યવર્તી દંત્ય नકારનો પ્રાય: મૂર્ધન્ય ण् થાય છે. — खणण  (खनन), जण (जन).

ट વર્ગ સિવાયના મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનો क्, ग्, च्, ज्, त्, द्, प्, य्, व् નો પ્રાય: લોપ થાય છે; આવી પ્રવૃત્તિ પાલિ ભાષામાં થતી નથી તેથી તે પ્રાકૃત ભાષાથી જુદી પડી જાય છે. [ઉદાહરણ : सउल (सकल), गअण (गगन), रअणी (रजनी), रइ (रति), गोउर (गोपुर) काअ (काय), देई (देवी).]  જૈન પ્રાકૃતમાં લોપ થયા પછી અવશિષ્ટ સ્વર अ અને आ માં य् શ્રુતિ થાય છે; જેમ કે — सल, राया (राजा).

મધ્યવર્તી प् કારનો મોટાભાગે व् કાર થાય છે — मंडव (मण्डप), रूव (रूप).

च વર્ગ અને ट વર્ગ સિવાયના મહાપ્રાણ ख्, घ्, थ्, ध्, फ् અને भ् વ્યંજનોનો ह થાય છે.

[ઉદાહરણ : मुह (मुख), मेह (मेघ), कहा (कथा), महुर (मधुर), सेहालिया (शेफालिका), आहरण (आभरण).]

મધ્યવર્તી फ्નું ह् માં પરિવર્તન નિયમબદ્ધ નથી.

અઘોષ વ્યંજનોનું ઘોષ વ્યંજનોમાં પરિવર્તન : મધ્યવર્તી ट અને ठ પ્રાય: ड અને ढમાં બદલાઈ જાય છે. જેમ કે, कडि (कटि), पढ (पठ).

ક્યારેક ક્યારેક મધ્યવર્તી क् નું ग् માં પરિવર્તન થાય છે. અર્ધમાગધી, જૈન શૌરસેની અને જૈન મહારાષ્ટ્રી પ્રાકૃતોમાં આ પ્રવૃત્તિ ખાસ કરીને વધારે પ્રમાણમાં જોવા મળે છે; જેમ કે,

उयग् (उदक), पगास (प्रकाश).

કેટલાક શબ્દોમાં દંત્ય त् અને थ् (ઋ કાર કે र સાથે આવતા વ્યંજનો વધારે પ્રમાણમાં) મૂર્ધન્ય ट् અને ठ् માં ક્રમશ: બદલાઈને પછી ઘોષ થઈ જાય છે; જેમ કે पडिय (पतित), सिढिल (शिथिल); मय (मृतक), पडिहार (प्रतिहार).

ક્યારેક ક્યારેક મધ્યવર્તી વ્યંજન બેવડો થઈ જાય છે; જેમ કે, एक्क (एक), परव्वस (परवस). ક્યારેક ક્યારેક મધ્યવર્તી વ્યંજન અને તેની સાથે આવેલા સ્વરનો પણ લોપ થઈ જાય છે; જેમ કે, उम्बर (उदुम्बर), भाज (भान).

ક્યારેક વર્ણ-વ્યત્યય થાય છે; જેમ કે, वाणारसी (वाराणसी), मरहट्ठ (महाराष्ट्र).

ક્યારેક ક્યારેક ड्, द् અને र् નો ल् થાય છે; જેમ કે, कीला (क्रीडा), दोह (दोह), सुकुमा (सुकमार).

અંતિમ વ્યંજન: શબ્દના અંતમાં રહેલા વ્યંજનનો કાં તો લોપ થાય છે અથવા એમાં સ્વરનો ઉમેરો થાય છે. પ્રાકૃતમાં વ્યંજનાંત શબ્દો વપરાતા નથી.

જેમ કે, जग (जगत्), मण (मनस्); वणिज (वणिज्), सरिया (सरिता, → सरित्) શબ્દના અંતમાં રહેલા નાસિક્ય વ્યંજનોનો નિયમિત રૂપે અનુસ્વાર થઈ જાય છે. જેમ કે, रामं (रामम्), भवं (भवान्).

ક્યારેક ક્યારેક અંતિમ વ્યંજનનો અનુસ્વાર થઈ જાય છે; જેમ કે सम्मं (सम्यक्), जं (यत्).

સંયુક્ત વ્યંજન : પ્રારંભિક સંયુક્ત વ્યંજન : શબ્દના પ્રારંભમાં સંયુક્ત વ્યંજન સામાન્ય રીતે વપરાતા નથી, તેમાંથી એકનો પ્રાય: લોપ થઈ જાય છે; જેમ કે, पिय (प्रिय), सर (स्वर), णाय (ज्ञात), णाय અને नाय (न्याय), दार (द्वार).

જેઓમાં ધ્વનિ-પરિવર્તન થયા પછી લોપ થાય છે તેમનાં ઉદાહરણ : खण (क्षण), चाग (त्याग), झाण (ध्यान), थंभ (स्तम्भ).

ક્યારેક સ્વરભક્તિ દ્વારા શબ્દોચ્ચારને સરલ બનાવવામાં આવે છે; જેમ કે, सणेह (स्नेह), सिरी (श्री), सुमरण (स्मरण).

અપવાદ રૂપે કોઈક વાર સંયુક્ત વ્યંજનના પ્રારંભમાં સ્વરનું આગમન થાય છે; જેમ કે इत्थी (स्त्री).

અપવાદ રૂપે નીચે પ્રમાણેના સંયુક્ત વ્યંજનો વપરાય છે; જેમ કે, प्रिय, द्रह (हृद), ल्हसुण (लशुन), ण्हाण (स्नान), म्हि (अस्मि).

મધ્યવર્તી સંયુક્ત વ્યંજન : પ્રાકૃત ભાષાઓમાં બેથી વધારે સંયુક્ત વ્યંજનો એક સાથે આવતા નથી. તેમાં એકનો લોપ થાય છે; જેમ કે, मन्त, मंत (मन्त्र), जोण्हा (ज्योत्स्ना) सामत्थ (सामर्थ्य).

સમીકરણ : પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજનોનું પ્રાય: સમીકરણ થાય છે. આ પ્રવૃત્તિ પ્રાકૃત ભાષાની મુખ્ય વિશેષતા ગણાય છે. નિયમ એવો છે કે સબલ વ્યંજન અબલ વ્યંજનને પોતાના જેવો બનાવી લે છે અને બંને વ્યંજન સમાન બલવાળા હોય તો પ્રથમ વ્યંજન બીજા જેવો બની જાય છે, જેમ કે,

(i) लग्ग (लग्न), सल्ल (शल्य), सव्व (सर्व), सिस्स (शिष्य), वस्स (वर्ष).

(ii) भत्त (भक्त), जम्म (जन्म).

આ સમીકરણ બે પ્રકારનું હોય છે :

(i) પુરોગામી, જેમાં બીજો વ્યંજન પ્રથમ વ્યંજન જેવો થઈ જાય છે. — अण्णया (अन्यदा), समग्ग (समग्र), कल्लाण (कल्याण), अवस्स (अवश्य).

(ii) પશ્ચગામી, જેમાં પ્રથમ વ્યંજન બીજા જેવો બની જાય છે — जुत्त (युक्त), सद्द (शष्द), कम्म (कर्म), जम्म (जन्म).

સંયુક્ત વ્યંજનમાં જો એક વ્યંજન મહાપ્રાણ હોય તો સમીકરણ થતી વખતે બીજો વ્યંજન તેમાં આવતાં મહાપ્રાણ વ્યંજનનો અલ્પપ્રાણ થઈને તે મહાપ્રાણની પૂર્વે રહે છે : (i) विक्खाय (विख्यात), अब्भंतर (अभ्यन्तर). (ii) सब्भाव(सद्भाव), उवलद्ध (उपलब्ध).

ક્યારેક ક્યારેક क्ष નો क्ख ના બદલામાં च्छ પણ થાય છે : कच्छ, कक्ख (कक्ष), अक्खि, अच्छि (अक्षि).

च વર્ગમાં પરિવર્તન : ત વર્ગનો (નાસિક્ય સિવાય) કોઈ પણ વ્યંજન જ્યારે य् વ્યંજન સાથે સંયુક્ત રૂપમાં આવે તો તે પ્રાય: તેના ક્રમ પ્રમાણે च વર્ગમાં બદલાઈ જાય છે; જેમ કે सच्च (सत्य), मिच्छा (मिथ्या), विज्जा (विद्या), मज्झ (मध्य).

ઋ કાર જોડે અને રેફ સાથે સંયુક્ત રૂપે આવતા त વર્ગનાં વ્યંજનો બહુધા ट વર્ગમાં ક્રમ પ્રમાણે બદલાઈ જાય છે; જેમ કે, मट्टिआ (मृतिका), इडिढ (ऋद्धि), अट्ट (आर्त), अट्ठ (अर्थ), अड्ढ (अर्ध).

य નો પ્રાય: ज्ज થાય છે. જેમ કે, अज्ज (आर्य), सुज्ज (सूर्य).

ज्ञ् પરિવર્તન ण्ण અથવા न्न् માં થાય છે; જેમ કે, विण्णाण, विन्नाण (विज्ञान) | परिण्णा, परिन्ना (परिजा).

નાસિક્ય વ્યંજન સાથે આવતો ઉષ્મ વ્યંજન  કારમાં બદલાઈ જાય છે અને તે નાસિક્ય વ્યંજન પછી આવે છે. જેમ કે,

पण्ह (प्रश्न), उण्ह (ऊष्ण), विम्हय (विस्मय). नासिक्य  વ્યંજન સાથે આવનાર ह કાર પણ ઉપર પ્રમાણે જ વપરાય છે; જેમ કે मज्झाण्ह (मध्याह्न), बम्हण (ब्राह्मण).

ક્યારેક ક્યારેક સંયુક્ત વ્યંજનમાંથી એક વ્યંજન અનુસ્વારમાં બદલાઈ જાય છે; જેમ કે, दंसण (दस्सण ← दर्शन), वंक (वक्क ← वक्र), पंख (पक्ख ← पक्ष), अंसु (अस्सु ← अश्रु).

સ્વરભક્તિ : સંયુક્ત વ્યંજનોમાં ક્યારેક સમીકરણ થવાને બદલે તેમની વચ્ચે કોઈક સ્વરનો ઉમેરો કરવામાં આવે છે; જેમ કે, रयण (रतण ← रत्न), भारिया (भार्या), पउम (पदुम ← पद्म).

અપવાદરૂપે અમુક સંયુક્ત વ્યંજનોમાં નીચે પ્રમાણે ધ્વનિ-પરિવર્તન થાય છે; જેમ કે,

क्म = प्प : रुप्पिणी; त्भ = प्प : अप्पा; त्र = त्थ : तत्थ; त्स = च्छ = वच्छ; ज्स = च्छ : अच्छरा; भ्र = म्ब : अम्ब; य्य = ज्ज : सेज्जा; हा = अंभ : बंभण; ह्य = ज्झ : गुज्झ વગેરે.

(2) પદરચના :

નામ : સંસ્કૃતમાં દ્વિવચન છે, પરંતુ પ્રાકૃતમાં તેનો સર્વથા લોપ થઈ ગયો છે.

કેટલાક શબ્દોમાં લિંગ-વ્યત્યય જોવા મળે છે. ચતુર્થી વિભક્તિના બદલામાં પ્રાય: ષષ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે.

વ્યંજનાંત શબ્દો પ્રાય: સ્વરાંત થઈ ગયા છે અને તે પ્રમાણે વિભક્તિ પ્રત્યયો લગાડવામાં આવે છે.

સંસ્કૃત ભાષાના મુકાબલે વિભક્તિ પ્રત્યયોની સંખ્યા પ્રાકૃતમાં બહુ ઓછી થઈ ગઈ છે.

સામાન્ય રીતે अ કારાંત નામ-શબ્દ માટે જે કારક વિભક્તિ પ્રત્યયો છે તે જ મોટાભાગે અન્ય સ્વરાંત શબ્દો માટે પણ વપરાય છે. પ્રથમા એકવચનમાં इકારાંત અને उકારાન્તના પુંલ્લિગીં અને સ્ત્રીલિંગી શબ્દોમાં હ્રસ્વ સ્વર દીર્ઘ બની જાય છે. તૃતીયા બહુવચન માટે – हि અથવા – हिं પ્રત્યયનો અને સપ્તમી એકવચન માટે વધારાનો — म्मि પ્રત્યય વપરાય છે. પંચમી બહુવચન માટે — हिंतो અને — सुंतो પ્રત્યય પણ લગાડવામાં આવે છે. પંચમી એકવચનમાં —(आ)ओ અને —(आ)उ પ્રત્યય વપરાય છે. इ કારાન્ત અને उ કારાન્ત શબ્દોના પંચમી એકવચનનાં રૂપો માટે — णो પ્રત્યય પણ વપરાય છે. એવી જ રીતે પ્રથમા બહુવચનમાં પણ — णो પ્રત્યય પણ જોવા મળે છે.

સ્ત્રીલિંગી નામ શબ્દોમાં તૃતીયા એકવચનથી સપ્તમી એકવચન સુધી —ए વિભક્તિ પ્રત્યય જ વપરાય છે. ક્યારેક ક્યારેક —एના બદલામાં —इ અથવા —अ પણ વપરાય છે અને પ્રાચીન પ્રાકૃતોમાં ક્યારેક પાલિ ભાષાની જેમ ય, અને યા પ્રત્યયો પણ મળે છે. સાહિત્યના પ્રાચીન પ્રાકૃતવાળા અંશોમાં કોઈક વખત ધ્વનિ  પરિવર્તન પામેલા સંસ્કૃત જેવા જ પ્રત્યયોવાળાં રૂપો પણ મળે છે.

નપુંસકલિંગી નામ-શબ્દોમાં પ્રથમા અને દ્વિતીયા બહુવચનમાં — इ પ્રત્યય લગાડવામાં આવે છે. પ્રાચીન અંશોમાં —णि પ્રત્યય પણ મળે છે. એ સિવાય બધાં જ રૂપો પુંલ્લિગંની જેમ જ હોય છે.

વ્યંજનાંત શબ્દોનાં રૂપોમાં સંસ્કૃત જેવાં રૂપો પણ વપરાય છે, જેમાં પ્રાકૃતના નિયમો પ્રમાણે ધ્વનિ-પરિવર્તન થયેલું હોય છે.

સર્વનામ : સાર્વનામિક રૂપોમાં એકવચનનાં રૂપોમાં પ્રથમ પુરુષ માટે हं અને अहयं પણ કર્તા – કારક માટે ચાલે છે. કરણકારક માટે मइ અને मे, સમ્પ્રદાન માટે य અને સંબંધક (એટલે ચતુર્થી અને ષષ્ઠી) માટે मह, मज्झ, સપ્તમી (અધિકરણ) માટે मई જ્યારે બહુવચનનાં રૂપો अम्ह–ને મૂળ શબ્દ રાખીને બનાવાય છે.

દ્વિતીય પુરુષમાં એકવચન માટે तुम અને બહુવચન માટે तुम्ह અને तुब्भ શબ્દો મૂળમાં આધારરૂપ છે. એના એકવચનમાં કર્તા અને કર્મ કારક માટે तुमं અને तं, ષષ્ઠી માટે तुम्ह અને तुज्झ રૂપો પણ ચાલે છે.

તૃતીય પુરુષના એકવચનમાં પંચમી માટે तम्हा ततो જ્યારે બહુવચનમાં ચતુર્થી — ષષ્ઠી માટે तेसिं પણ વપરાય છે.

વિશેષણ રૂપે વપરાતા સાર્વનામિક શબ્દોમાં સપ્તમી બહુવચનમાં —सिं પ્રત્યય પણ લગાડવામાં આવે છે.

અન્યથા સામાન્ય રીતે બધાં જ સર્વનામોનાં રૂપો સંસ્કૃત (ધ્વનિ–પરિવર્તન કરીને) જેવાં જ હોય છે અથવા તો સ્વરાંત શબ્દોની જેમ પ્રત્યયો લગાડવામાં આવે છે.

ક્રિયા-રૂપ : પ્રાકૃત ભાષાઓમાં પરસ્મૈપદ અને આત્મનેપદનો ભેદ સર્વથા મટી ગયો છે. પ્રાચીન પ્રાકૃતમાં આત્મનેપદનાં રૂપો કેટલાક અંશમાં મળે છે અને પછીના સાહિત્યમાં બંને પ્રકારના પ્રત્યયો એકબીજા માટે ભેદ કર્યા વગર પણ મળતા હોય છે.

સંસ્કૃત ભાષામાં સ્વરાંત અને વ્યંજનાંત — એમ બે પ્રકારના ધાતુઓને પ્રત્યયો લગાડવા માટે જે ભેદ હતો તે પ્રાકૃત ભાષામાં રહ્યો નથી. બધા જ ધાતુઓ સ્વરાંત બની ગયા છે. તેમના પાંચ વર્ગ કરી શકાય છે : —अ, —आ, —ए, —अय અને — ओ કારાંત વાળા; જેમ કે, गच्छ (गम्), पच (पच्); जाना (ज्ञा), पापुणा (प्राप); कहे कहय (कथ्); पाले (पाल); वदे (वद्), छिंदे (छिन्द्); पालय (पाल); भव, हव, हो (भू), વગેરે.

સંસ્કૃતમાં કાળવાચક અને ભાવવાચક જે દસ પ્રકારના લકાર હતા તે ઘટીને માત્ર ચાર જ રહ્યા છે — વર્તમાન, ભવિષ્ય, આજ્ઞાર્થ અને વિધિલિંગ. ભૂતકાળનો કાળાનુક્રમે તદ્દન લોપ થઈ ગયો અને તેના બદલામાં (કર્મણિ પ્રયોગ દ્વારા) ભૂતકૃદંત વપરાય છે. અવશિષ્ટ રૂપે ભૂતકાળના પ્રયોગો પાલિ અને અર્ધમાગધીમાં અને તે પણ તેમના પ્રાચીન અંશોમાં જોવા મળે છે.

પ્રાકૃત ભાષામાં ધ્વનિ–પરિવર્તન સાથે સંસ્કૃતના જ પ્રત્યયો વપરાય છે. નોંધવાલાયક વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે : વર્તમાન કાળમાં દ્વિતીય પુરુષ બહુવચન માટે — ह  પ્રત્યય, ભવિષ્યકાળ માટે —ष्य (— इष्य)ના બદલામાં –स्स (—इस्स), —हि (—इहि), અને —हा (— इहा) ; આજ્ઞાર્થના દ્વિતીય પુરુષ એકવચન માટે —સુ અને —હિ વધારાના પ્રત્યયો વપરાય છે. વિધિલિંગ માટે તો ज्ज (-इज्ज, -एज्ज) અને ज्जा (—इज्जा, —एज्जा) પ્રત્યયો જ વપરાય છે.

ભૂતકાળ માટે અવશિષ્ટ પ્રત્યયો રૂપે એકવચન માટે —इत्थ, —इत्था અને બહુવચન માટે — इंसु અને —अंसु પ્રત્યયો મળે છે. વળી એ સિવાય પુરુષ કે વચનનો ભેદ કર્યા વગર બધા માટે —सी, —ही અને —ई પ્રત્યયો જોવા મળે છે.

કૃદન્ત : વર્તમાન કૃદન્ત માટે —अंत અને —मान સંસ્કૃતની જેમ ભેદ કર્યા વગર; હેત્વર્થક માટે—उं; સંબંધક ભૂતકૃદંત માટે —त्ता, —इय અને —ऊण; વિધ્યર્થ માટે —इज्ज(—अणिज्ज), —अव्व (—यव्व); કર્મણિ ભૂત કૃદન્ત માટે —य (—इय), અને પ્રેરક પ્રયોગ માટે —ए (—अय), —आवे(= आपय) પ્રત્યયો વપરાય છે.

સ્વાર્થે —अ, —य (= क) પ્રત્યય પણ પ્રાકૃતમાં મળે છે. पुत्त=पुत्तअ, लहु=लहुअ; સ્ત્રીલિંગમાં એનો — आ થાય છે —इत्थिआ (=સ્ત્રી), बहिणिआ (भगिनी) વગેરે.

અન્ય પ્રાકૃત ભાષાઓ :

શૌરસેની : મહારાષ્ટ્રી પ્રાકૃત સિવાય એની વિશેષતાઓ આ પ્રમાણે છે. શૌરસેની પ્રાકૃતમાં મધ્યવર્તી त् અને थ् નું ક્રમ પ્રમાણે द् અને ध् માં પરિવર્તન થાય છે, જે આ ભાષાનું મુખ્ય લક્ષણ કહેવાય. વળી મધ્યવર્તી द् અને ध् નો સામાન્યપણે લોપ થતો નથી. જેમ કે — रजद (रजत), कधा (कथा), सदा, विधि વગેરે. સંયુક્ત વ્યંજન र्य् નો य्य् (વ્યાકરણ પ્રમાણે) થાય છે. अय्य (आर्य).

સપ્તમી એકવચન માટે —म्हि પ્રત્યય પણ વપરાય છે.

तद् અને एतद् સર્વનામ માટે સપ્તમી એકવચનમાં तस्सिं અને एदस्सिं રૂપો મળે છે.

ભવિષ્યકાળનાં રૂપોમાં -इस्स આગમનું -इस्सि પણ થાય છે — भविस्सिदि, करिस्सिदि. વિધ્યર્થ કૃદન્ત માટે -द्रव्व  (हसिदव्वं) પ્રત્યય વપરાય છે.

સંબંધક ભૂત કૃદન્ત માટે સામાન્યપણે -इय અને -दूण પ્રત્યયો અને ક્યારેક ક્યારેક -त्ता અને -च्चा (जाणित्ता, किच्चा) પ્રત્યયો વપરાય છે.

કર્મણિ પ્રયોગ માટે -इअ (-इय) પ્રત્યય (हसिअदि) વપરાય છે.

भू ધાતુ માટે સિદ્ધ કરેલા भव અને भो રૂપો (भवदि, भविय, भविदव्वं; भोदि, भोद्ण, भोत्ता) વપરાય છે. -तो, -ति, -तु, -तुं, -ते પ્રત્યયો -दो, -दि, -दु, -दुं અને -दे માં બદલાઈ જાય છે. દિગંબર જૈન સાહિત્યની આ મુખ્ય ભાષા છે અને સંસ્કૃત નાટકોમાં એનો પ્રયોગ વધારે પ્રમાણમાં મળે છે.

માગધી : માગધીના આધાર રૂપે શૌરસેની લેખાય છે. એનું કોઈ સ્વતંત્ર સાહિત્ય નથી; માત્ર નાટકોમાં એનો પ્રયોગ મળે છે અને ‘મૃચ્છકટિકમ્’ માં શકારનું પાત્ર માગધી પ્રાકૃતમાં બોલે છે. પૃથ્વીધર નામના ટીકાકાર પ્રમાણે શકારની ભાષા માગધી ભાષાના એક ભેદ રૂપે શાકારી છે.

શૌરસેનીની જેમ એમાં મધ્યવર્તી त् અને थ् નો द् અને ध् થઈ જાય છે.

र् નો સર્વત્ર ल् થાય છે. नले (નર:), लाम (રામ). ष् અને स् નો श् થાય છે : घोश (घोष), शालश (सारस) (સારસ).

પ્રારંભિક य् નો ज् થતો નથી, પણ ज् નો य् થાય છે – यणवद (जनपद), याणदि (जानाति).

ક્યારેક મધ્યવર્તી क् નો ग् થાય છે – हगे *( ह  कं ← *अहकं = अहम्).

અમુક સંયુક્ત વ્યંજનોમાં આ પ્રમાણે પરિવર્તન થાય છે — ज्ज्, ज्ञ्, ण्य्, न्य् = ञ्ञ; द्य, र्ज्, र्य् = य्य् : જેમ કે, अञ्ञली (अञ्झली), पञ्ञा (प्रज्ञा), पुञ्ञ (पुण्य), अञ्ञ (अन्य); मय्य (मद्य), अय्युण (अर्जुन), अय्य (आर्य). અપવાદરૂપે થતાં પરિવર્તનો – क्ष् = स्क्, च्छ् = श्च्; र्थ् = स्त्; ष्क् = स्फ ; ष्ट् = स्ट्; स्थ् = स्त्:

પુંલ્લિગં अ કારાન્ત પ્રથમા એકવચન માટે —ए વિભક્તિ — પ્રત્યય વપરાય છે  —लामं (राम:), एशे (एष:) ક્યારેક ક્યારેક ષષ્ઠી એકવચન માટે  —आह અને બહુવચન માટે — आहँ પ્રત્યયો વપરાય છે — कामाह (कामस्य), शयणाहँ (शयनानाम्).

ક્યારેક સપ્તમી એકવચન માટે — अंसि અને — आहिं પ્રત્યયો પણ વપરાય છે — गेहंसि (गृहे), पुत्ताहिं (पुत्रे).

अस्मद् સર્વનામના પ્રથમા એકવચન અને ક્યારેક બહુવચન માટે પણ हगे રૂપ ચાલે છે.

દ્વિતીય પુરુષ ષષ્ઠી એકવચન માટે સંસ્કૃતની જેમ तव નો પ્રયોગ થાય છે.

तद् અને एतद् ના સપ્તમી એકવચનમાં तश्शिं અને एदरिशं રૂપો મળે છે.

પૈશાચી : ગુણાઢ્યે પૈશાચી પ્રાકૃતમાં ‘બૃહત્કથા’ની રચના કરી હતી જે આજે મળતી નથી. આ ભાષા સંસ્કૃત અને પાલિ ભાષા સાથે વધારે સામ્ય ધરાવે છે.

પ્રારંભિક य કારનો ज કાર થતો નથી. મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો પ્રાય: લોપ થતો નથી અને મધ્યવર્તી મહાપ્રાણ વ્યંજનોનો ह કાર પણ પ્રાય: થતો નથી. દન્ત્ય न કાર મૂર્ધન્ય ण કારમાં બદલાતો નથી, પણ અવળી રીતે મૂર્ધન્ય ण કાર દંત્ય न કારમાં બદલાઈ જાય છે  – गुन (गुण). श કાર અને ष કાર નો स કાર તો થાય જ છે. આ ભાષાની એક મુખ્ય વિશેષતા એ છે કે द વ્યંજન त् માં બદલાઈ જાય છે — तामोतर (दामोदर), मतन (मदन).

ल કારનો ल કાર થાય છે  — शील (शील), कुल (कुल).

हृदय શબ્દ માટે हितप શબ્દ મળે છે. ज्ञ्, न्य्, ण्य् નું પરિવર્તન ञ्ञ् માં થાય છે. અવ્યય इव ના બદલામાં पिव વપરાય છે. સર્વનામ (પ્રથમ પુરુષ બહુવચન) वयम् માટે अप्फे નો પ્રયોગ થાય છે.

अ કારાંત શબ્દો માટે પંચમી એકવચનના પ્રત્યયો — आतो અથવા — आतु હોય છે. ભવિષ્યકાળ માટે આગમ રૂપે (ष्य, श्श કે स्स ના સ્થાને) — एय्य  — વપરાય છે — हसिय्यते (हस्यते).

સંબંધક ભૂતકૃદંત માટે — तून પ્રત્યય વપરાય છે — पठितून (पठित्वा). दृष्ट्वा રૂપ માટે तत्थून અને तद्धून રૂપો મળે છે.

કર્મણિ પ્રયોગનો પ્રત્યય ‘इय्य’ છે — हसिय्यते (हस्यते).

ચૂલિકા પૈશાચી : માત્ર શાસ્ત્રકારો દ્વારા આ ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં કોઈ સાહિત્ય મળતું નથી. એને પૈશાચીના એક ભેદ તરીકે માનવામાં આવી છે. વ્યાકરણકારો પ્રમાણે એની વિશેષતાઓ આ પ્રમાણે છે : એમાં ઘોષ વ્યંજનો અઘોષ બની જાય છે — नगर = नकर, राजा = राचा, ढक्का = ढक्का, જ્ક્ષ્રૂજ્ર = मधुर, मथुर, बालक = पालक.

र કારનું ल કારમાં વિકલ્પે પરિવર્તન થાય છે.

અર્ધમાગધી : અર્ધમાગધી પ્રાકૃત ભાષાનું બીજું નામ ‘આર્ષ’ છે. તે શ્વેતાંબર જૈન આગમ સાહિત્યની ભાષા છે, જેમાં ભગવાન મહાવીરના (જૈન ધર્મના) ઉપદેશ સંગૃહીત કરેલા છે. મૂળ અથવા પ્રાચીનતમ અર્ધમાગધી પાલિ ભાષા અને અશોકના શિલાલેખોની ભાષા સાથે બહુ સામ્ય ધરાવે છે. પછીના કાળમાં જેમ જેમ જૈન ધર્મનો પ્રચાર મૂળ મગધ દેશથી ઉત્તર ભારત (મથુરા) અને પશ્ચિમ ભારત (વલભી) તરફ થતો ગયો તેમ તેમ એમાં શૌરસેની અને મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો પણ પ્રવિષ્ટ થતાં ગયાં. અર્ધમાગધી એટલે મૂળત: અડધી માગધી અને અડધી મગધ દેશની આજુબાજુના પ્રદેશોની ભાષાઓનાં લક્ષણોવાળી મિશ્રભાષા. કેટલાક વિદ્વાનોનો એવો પણ અભિપ્રાય છે કે અર્ધમગધ દેશની એટલે અર્ધમાગધી.

અર્ધમાગધી ભાષાનો ઉલ્લેખ ભરતનાટ્યશાસ્ત્રમાં અને પછીના કાળના વ્યાકરણગ્રંથોમાં મળે છે છતાં કોઈ પણ વ્યાકરણકારે એનાં લક્ષણો વિશે વિધિસર વર્ણન કર્યું નથી. હેમચંદ્રચાર્યે પણ જેમ અન્ય પ્રાકૃતોનાં વિધિસર લક્ષણો આપ્યાં છે તેવી રીતે અર્ધમાગધીનાં લક્ષણો આપ્યાં નથી.

આધુનિક સંશોધન પ્રમાણે મહારાષ્ટ્રી પ્રાકૃતની જેમ એમાં મધ્યવર્તી અલ્પપ્રાણનો લોપ અને મધ્યવર્તી મહાપ્રાણનો ह પ્રાય: થતો નહોતો.

એમાં મધ્યવર્તી क् નો ग् વધારે પ્રમાણમાં મળે છે અને મધ્યવર્તી त् અને थ् નો ક્રમ પ્રમાણે द અને ध પણ જોવા મળે છે. મધ્યવર્તી અલ્પપ્રાણનો લોપ થતાં य શ્રુતિ થાય છે અને ક્યારેક ક્યારેક એના સ્થાને त् પણ મળે છે. મધ્યવર્તી त् અને द् વિકલ્પે યથાવત્ રહે છે; જેમ કે, सावग (श्रावक), असोग (अशोक); उदु (ऋतु), तधा (तथा); सेणिय, सेणित (श्रेणिक); सुतं (श्रुतम्), पवेदयति (प्रवेदयति), भेद, વગેરે.

મધ્યવર્તી ट् અને ठ् નું પરિવર્તન ड् અને ढ् માં થાય છે.

દ્વિત્વ त्त અને र् કાર સાથેના त्त નું ट्ट માં પરિવર્તન થાય છે – पट्टण (पतन), नट्टग (नर्तक).

પ્રારંભિક દંત્ય न् કાર વધારે પ્રમાણમાં અને મધ્યવર્તી न् કાર એમનો એમ કેટલીય વાર મળે છે : नगर, नदी, नर; अनल, खनन, नवनीतं, एतानि વગેરે.

यथा અને यावत् અવ્યયોમાં પ્રારંભિક य् નો अ થાય છે : अधा, अहा, (यथा), आवकप्पं (यथाकल्पम्).

મધ્યવર્તી प् ક્યારેક म् માં બદલાઈ જાય છે : सुमिण (स्वप्न).

કેટલાક શબ્દોમાં र् કારનો ल् કાર થાય છે : कलुण (करुण), चलण (चरण), लुफ्ख (रुक्ष), पलिमोक्ख (परिमोक्ष), पलियन्त (पर्यन्त), पलिच्छिन्न (परिच्छिन्न). अन्तलिक्ख (अन्तरिक्ष).

વળી કેટલાક શબ્દોમાં પ્રારંભિક તાલવ્ય વ્યંજન દંત્ય વ્યંજનમાં બદલાયેલો મળે છે — तिगिच्छा (चिकित्सा), दुगुंछा (जुगुप्सा).

ક્યારેક ક્યારેક म् સંધિ-વ્યંજન તરીકે જોવા મળે છે : एगमेग (एकैक).

एव અવ્યયની પૂર્વે अम् નું आम् થાય છે : खिप्पामेव (क्षिप्रमेव), तेणामेव (तेनमेव); पुव्वमेव (पूर्वमेव).

કેટલાક સંયુક્ત વ્યંજનોમાં સમીકરણના સ્થાને સ્વરનો ઉમેરો થાય છે : नितिय (नित्य); उसिण (उष्ण), तहिय (तथ्य), कारिय (कार्य). આ પ્રવૃત્તિ સ્વરભક્તિ રૂપે ઓળખાય છે અને એ ભાષાની પ્રાચીનતાનું લક્ષણ ગણાય છે.

નામ-સર્વનામ : પુંલ્લિગં अ કારાંત પ્રથમા એકવચનનો વિભક્તિ પ્રત્યય — ए છે — देवे, महावीरे (देव:, महावीर:) પણ એની સાથે — ओ પણ પ્રયુક્ત થાય છે — देवो; સર્વનામ — से, सो, के, को, एगे, एगो. — अत् अंतવાળા શબ્દોનું પ્રથમા એકવચનમાં — अं થાય છે  —जाणं (जानन्), चक्खुमं (चक्षुमान). જ્યારે સામાન્ય પ્રાકૃતોમાં —अं ના બદલામાં — अंत પ્રત્યય વપરાય છે, જેમ કે जाणन्त, चक्खुमन्त.

તૃતીયા એકવચનમાં કેટલાક શબ્દો —सा વિભક્તિ-પ્રત્યય સાથે મળે છે — कायसा, जोगसा, मणसा વગેરે. એમાં कम्मुणा અને धम्मुणा રૂપો પણ મળે છે.

अકારાન્ત પુંલ્લિગં ચતુર્થી એકવચન માટે — आए પ્રત્યય પણ વપરાય છે —जिणाए, अट्ठाए. સપ્તમી એકવચન માટે  —अंसि અને  —स्सिं પ્રત્યયો લગાડવામાં આવે છે  —पुत्तंसि, अग्गिंसि, वाउंसि; कस्सिं, तस्सिं વગેરે.

સંબોધનના એકવચનમાં હ્રસ્વ સ્વર દીર્ઘ થઈ જાય છે — हे गोयमा.

દ્વિતીય પુરુષના षष्ठी એકવચન માટે સંસ્કૃતની જેમ तव રૂપ પણ મળે છે.

કાળવાચક, ભાવવાચક અને કૃદંતના પ્રત્યયો —

આજ્ઞાર્થ દ્વિતીય પુરુષના એકવચન માટે — आहि પ્રત્યય પણ મળે છે — गिण्हाहि, विरहाहि.

ભવિષ્યકાળના પ્રથમ પુરુષ એકવચન માટે — इस्सं અને हं પ્રત્યયો પણ વપરાય છે — करिस्सं, काहं, दाहं, पाहं.

ભૂતકાળ માટે પ્રાચીન સાહિત્યમાં કેટલાક મૂળ પ્રાચીન પ્રત્યયો મળે છે જે પુરુષ કે વચનના ભેદ વગર વપરાય છે. —सि, —सी; —इत्थ, —इत्था; —ही, ईअ, વગેરે. સમય જતાં પછીના કાળની પ્રાકૃતોમાંથી ભૂતકાળનો લોપ થતો જાય છે અને તેના માટે કર્મણિ ભૂતકૃદન્તનો પ્રયોગ મુખ્યત્વે પ્રચલિત થઈ ગયો છે.

તૃતીય પુરુષ બહુવચન માટે —अंसु અને —इंसु પ્રત્યયો મળતા હોય છે — पुच्छिं, आहंसु.

કર્મણિ ભૂતકૃદન્ત માટેના —त પ્રત્યયનો —ड થાય છે — कड (कृत), मड (मृत), हड (ह्त) એના વિશે પ્રારંભમાં ધ્વનિ-પરિવર્તનના વિભાગમાં ઉલ્લેખ કરેલ છે.

હેત્વર્થક કૃદંત માટે –त्तए (-इत्तए-एत्तए) પ્રત્યયનો પ્રયોગ થાય છે, એના માટે —त्तु અને –ट्टु પણ વપરાય છે, સંબંધક ભૂતકૃદંતના પ્રત્યયો આ પ્રમાણે છે —त्ता, —इत्ता —एत्ता (होच्चा, करेत्ता, आगमित्ता, होत्ता).

—च्चा (किच्चा, तोच्चा),

—इत्ताणं, -एत्ताणं (पासिताणं, पासेत्ताणं ← दृष्टवा).

—च्चाण, -च्चाणं (नच्चाण, नच्चाणं ← ज्ञात्वा).

—इत्तु, इट्टु, (वंदित्तु, कट्टु ← वन्दित्वा, कृत्वा)

—इय – इया – ए (वियाणिय, अणुवालिया, आयाए ← विज्ञाय, अनुपाल्य, आदाय).

—याण, याणं (लहियाण, आरुसियाणं ← लब्धवा, आरुष्य).

ઉપર જણાવેલ હેત્વર્થક અને સંબંધક ભૂતકૃદન્તના કેટલાય પ્રત્યયોનો સંબંધ સંસ્કૃત ભાષા સાથે નથી, પરંતુ તેઓ વૈદિક છાન્દસમાંથી વારસા રૂપે મળ્યા છે. સંસ્કૃતનો આધાર પણ વૈદિક છાન્દસ જ મનાય છે. આ બધું જોતાં એવું પણ સ્પષ્ટ થાય છે કે પાલિ (એમાં પણ આવા જ પ્રત્યયો મળે છે) અને પ્રાકૃત ભાષાઓનો અવિર્ભાવ શિષ્ટ સંસ્કૃતમાંથી થયો નથી, પરંતુ સંસ્કૃત અને પ્રાકૃતો એક સમાન પ્રાચીન પરંપરા(છાન્દસ)માંથી (તે વખતે બોલાતી જનભાષાઓમાંથી) વિકસિત થઈ છે એટલે સંસ્કૃત અને પ્રાકૃતનો સંબંધ માતા અને પુત્રી જેવો નથી પરંતુ બંને ભગિનીઓ હોય એવો છે – એમ સ્પષ્ટપણે કહી શકાય.

અન્ય પ્રાકૃત ભાષાઓ : જે પ્રાકૃત ભાષાઓમાં કોઈ સાહિત્ય અત્યારે મળતું નથી અથવા તો કોઈ પણ ગ્રંથમાં તેમના સાહિત્યનો ઉલ્લેખ જોવા મળતો નથી, પણ જેમનો ઉલ્લેખ નાટ્યશાસ્ત્ર અને વ્યાકરણના ગ્રંથોમાં થયો છે એવા પ્રકારની ભાષાઓમાં, ‘ભરતનાટ્યશાસ્ત્ર’ પ્રમાણે, આવન્તી, પ્રાચ્યા, બાલ્હીકી અને દાક્ષિણાત્યાનો સમાવેશ થાય છે.

આવન્તીને મહારાષ્ટ્રી અને શૌરસેનીના મિશ્રણ તરીકે ઓળખવામાં આવી છે. પ્રાચ્યાનો ઉદભવ શૌરસેનીમાંથી થયેલો જણાવવામાં આવે છે. ‘મૃચ્છકટિકમ્’ નાટકમાં વિદૂષકની ભાષા પ્રાચ્યા કહેવામાં આવી છે. બાલ્હીકી પ્રાકૃત માગધી સાથે વધારે સંબંધ ધરાવે છે. દાક્ષિણાત્યા પ્રાકૃત આવંતીને મળતી આવે છે અને એનો ઉદભવ શૌરસેનીમાંથી થયેલો હોય એમ જણાવવામાં આવે છે.

એ સિવાય અન્ય પ્રાકૃતોના ઉલ્લેખો પણ મળે છે, જેમને ભાષા તરીકે નહિ પણ વિભાષા અથવા બોલી તરીકે ઓળખવામાં આવી છે. આ વર્ગમાં શાકારી, ચાંડાલી, શાબરી, ઢક્કી, આભીરિકી અને પાંચાલી આવી જાય છે. આ બધી બોલીઓ માગધી અને શૌરસેની પછીના સંક્રમણકાળની અને અપભ્રંશ ભાષાનો ઉદભવ થયો તે પહેલાંની માનવામાં આવી છે. પણ અપભ્રંશ ભાષા સાથે પણ પોતપોતાનો સંબંધ ધરાવતી હોય એવા પ્રકારની બોલીઓ છે.

સાહિત્ય : પ્રાકૃત કાવ્યસાહિત્ય : કાવ્યરચનાના ક્ષેત્રમાં ધ્વનિપરિવર્તનની ર્દષ્ટિએ સમૃદ્ધ મહારાષ્ટ્રી પ્રાકૃતનો આધાર લેવાયો. પ્રગીતોમાં અધિક લાલિત્ય પેદા કરવા માટે તેને કર્ણપ્રિય બનાવાયું. સહૃદય વાચકના ચિત્તને ચમત્કૃત કરવા માટે વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યોક્તિને પ્રધાનતા અપાઈ. ‘ગાહાસતસઇ’ ઈ.સ.ની પ્રથમ શતાબ્દીની શૃંગારરસપ્રધાન મુક્તક-કાવ્યની સર્વશ્રેષ્ઠ રચના છે; જેમાં પ્રાકૃતનાં સર્વશ્રેષ્ઠ કવિ અને કવયિત્રીઓની અમુક રચનાઓ સંકલિત છે. અન્ય રચનાઓમાં જૈન મુનિ જયવલ્લભકૃત ‘વજ્જાલગ્ગ’, સમયસુન્દરગણિકૃત ‘ગાથાસહસ્રી’ વગેરે ઉલ્લેખનીય છે. રુદ્રટ, મમ્મટ, વાગ્ભટ, વિશ્વનાથ, ગોવર્ધન આચાર્ય વગેરે સંસ્કૃત અલંકારગ્રંથોના પ્રણેતાઓએ પોતાની રચનાઓમાં ‘ગાહાસતસઇ’ વગેરે કાવ્યગ્રંથોની ગાથાઓને અલંકાર, રસ, ધ્વનિ વગેરેનાં ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરી છે. ગોવર્ધન આચાર્યે તો ત્યાં સુધી કહ્યું છે કે ‘ભાવપૂર્ણ ઉત્કૃષ્ટ કાવ્યનું સૌન્દર્ય જેવું પ્રાકૃત કાવ્યમાં પ્રતિફલિત થયું છે તેવું સંસ્કૃત કાવ્યમાં થવું શક્ય નથી.’ તે પરથી ‘ગાહાસતસઇ’ની લોકપ્રિયતાનું અનુમાન સ્વાભાવિક જ કરી શકાય છે. સંસ્કૃતમાં જેમ ગોવર્ધનની ‘આર્યાસપ્તશતી’, તેમ હિન્દીમાં ‘બિહારીસતસઇ’ અને ગુજરાતીમાં ‘દલપતસતસઇ’ વગેરેની રચનાઓ થઈ છે. પ્રાકૃત મહાકાવ્યોમાં ‘સેતુબંધ’, ‘ગઉડવહો’, ‘રાવણવહો’ વગેરે મહત્વનાં છે.

પ્રાકૃત કથાસાહિત્ય : પ્રાકૃત ભાષામાં ધર્મના સિદ્ધાંતોને સમજાવવા માટે લખાયેલી કથાઓનું સાહિત્ય. પ્રાકૃત કથાસાહિત્ય લોકકથાઓનો અનુપમ ભંડાર છે. આ લોકકથાઓ આદિમકાલીન સભ્યતા જેટલી પ્રાચીન છે. સાહિત્યના અન્ય પ્રકારોની અપેક્ષાએ આ પ્રકાર સર્વાધિક લોકપ્રિય છે. પોતાના સંયમ, તપ અને ત્યાગપ્રધાન ઉપદેશોને લોકપ્રિય બનાવવા માટે ભગવાન મહાવીરે આ પ્રકારને અપનાવ્યો હતો. ‘ણાયાધમ્મકહાઓ’ (જ્ઞાતાધર્મકથાઓ) નામના આગમ ગ્રંથને તેમના દ્વારા પ્રતિપાદિત ધર્મકથાઓનો સંગ્રહ કહેવાયો છે. ત્યારબાદ મહાવીરના શિષ્ય-પ્રશિષ્યોએ આગમ સાહિત્ય ઉપર વ્યાખ્યાઓ લખીને; તેમાં સરળ, લૌકિક અને ધાર્મિક કથાવાર્તાઓનો સમાવેશ કર્યો. કથાસાહિત્ય માટે અનેક સ્વતંત્ર ગ્રંથોની રચનાઓ કરવામાં આવી; અનેક કથાકોશોની પણ રચનાઓ થઈ. તેમાં પસંદગીયુક્ત સર્વશ્રેષ્ઠ કથાઓને સ્થાન આપવામાં આવ્યું.

ઈ. સ.ની બીજી-ત્રીજી શતાબ્દીથી જ પ્રાકૃત સાહિત્યનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું હતું. જોકે અગિયારમી-બારમી સદીમાં, ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને માળવામાં આ સાહિત્યનો ઉત્કર્ષ જોવા મળે છે. જનસાધારણના સામાન્ય જીવનને અહીં ઉપમા, ર્દષ્ટાંત, રૂપક, સંવાદ, પ્રશ્નોત્તર, બુદ્ધિકૌશલ, પ્રહેલિકા વગેરેના માધ્યમ દ્વારા ચિત્રિત કરાયું છે. ધૂર્તો, પાખંડીઓ, વિટો, વેશ્યાઓ અને પશુપક્ષીઓની વાર્તાઓ અહીં રજૂ કરાઈ છે. આમાંથી ઘણી વાર્તાઓ વિદેશોમાં ગઈ છે અને અનેક વિદેશી વાર્તાઓ આ પ્રાકૃત વાર્તાઓનું અંગ બની છે. આ વાર્તાઓમાં ઉપલબ્ધ કથાવસ્તુ, રૂઢિઓ, ભારતીય કથાસાહિત્ય અને વિશ્વકથાસાહિત્યના પારસ્પરિક બંધુત્વનું સૂચન કરે છે.

વાર્તાની વિદ્યા પ્રાકૃત સાહિત્યમાં સર્વાધિક લોકપ્રિય થઈ છે. આ વિદ્યાને સશક્ત બનાવવા માટે પ્રાચીન મહારાષ્ટ્રમાં બોલાતી મહારાષ્ટ્રી પ્રાકૃતનો આશ્રય લેવામાં આવ્યો છે. ઈ. સ.ની છઠ્ઠી સદીના સુપ્રસિદ્ધ વિદ્વાન મહાકવિ દંડીએ બધી જ પ્રાકૃત ભાષાઓમાં આ પ્રાકૃતને ઉત્કૃષ્ટ કહી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ધ્યાનમાં રાખીને અનુસરતા જૈન આચાર્યોએ અતિરંજિત પારલૌકિક પૌરાણિક કથાવાર્તાની જગ્યાએ જીવનપરક યથાર્થવાદી કથાવાર્તા ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આ ર્દષ્ટિને મુખ્ય માની તેમણે લોકપ્રચલિત કથાઓને જૈનત્વનાં વસ્ત્રો પહેરાવી અભિનવ રૂપ પ્રદાન કર્યું છે. પૈશાચી પ્રાકૃતમાં રચિત મહાકવિ ગુણાઢ્યની નષ્ટ થયેલ સુપ્રસિદ્ધ કૃતિ બૃહત્કથાને જૈન વિદ્વાન સંઘદાસગણિવાચકે ‘વસુદેવહિંડી’ (લગભગ ઈ. સ.ની ત્રીજી શતાબ્દી)ના આખ્યાનના રૂપમાં પ્રસ્તુત કરીને બૃહત્કથાની પરંપરાને સુરક્ષિત બનાવી. સમયની આવશ્યકતાનુસાર કથાસાહિત્યમાં શૃંગારરસનો સંપુટ આપીને, પ્રેમાખ્યાનોની રચના કરવામાં આવી. સાતવાહનવંશી રાજા હાલની વિદ્વત્સભાના સુપ્રતિષ્ઠિત કવિ પાદલિપ્તસૂરિએ ‘તરંગવઇકહા’ (ઈ. સ.ની બીજી-ત્રીજી શતાબ્દી) નામના સ્વતંત્ર કથાગ્રંથની રચના કરીને આ દિશામાં નવી પરંપરાને જન્મ આપ્યો. આગળ વધીને લગભગ 1000 વર્ષ પછી આચાર્ય વીરભદ્રના શિષ્ય નેમિચન્દ્રગણિએ નષ્ટ થયેલી તે કૃતિને ‘તરંગલોલા’ નામથી પ્રસ્તુત કરી. અન્ય પણ અનેક મહત્વપૂર્ણ કથાગ્રંથોનું સંપાદન કરવામાં આવ્યું. એમાં હરિભદ્રસૂરિ(ઈ. સ.ની આઠમી શતાબ્દી)કૃત ‘સમરાઇચ્યકહા’, ‘ઉદ્યોતનસૂરિ(ઈ. સ.ની આઠમી શતાબ્દી)કૃત ‘કુવલયમાલા’, આચાર્ય જિનેશ્વરસૂરિ(ઈ. સ.ની અગિયારમી શતાબ્દી)કૃત ‘કહાણયકોસ’ (કથાકોષ પ્રકરણ), નેમિચન્દ્રસૂરિ (દેવેન્દ્રગણિ) (ઈ. સ.ની અગિયારમી શતાબ્દી)કૃત ‘આખ્યાનમણિકોશ’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય છે. ઈ. સ.ની અગિયારમી-બારમી શતાબ્દી પ્રાકૃત કથાસાહિત્યની ર્દષ્ટિએ એટલા માટે મહત્વપૂર્ણ છે કે એ કાળમાં ગુજરાત, માળવા અને રાજસ્થાનમાં જૈન ધર્માનુયાયી રાજાઓ, મહામાત્યો, સેનાપતિઓ, દંડનાયકો અને શ્રેષ્ઠીઓનું પ્રભુત્વ હોવાથી ઉત્કૃષ્ટ કથાગ્રંથોના નિર્માણમાં સહાય મળી. ઔપદેશિક કથાસાહિત્ય પણ પર્યાપ્ત માત્રામાં લખાયું; જેમાં ‘ઉપદેશપદ’, ‘ધર્મોપદેશ-માલાવિવરણ’, ‘ભવભાવના’ વગેરેનાં નામ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે.

પ્રાકૃતમાં ચરિતસાહિત્ય પણ પર્યાપ્ત માત્રામાં લખાયું છે. લોકસમ્માનિત રામ અને કૃષ્ણનો ત્રેંસઠ શલાકાપુરુષોમાં સમાવેશ કરીને જૈન ર્દષ્ટિએ તેમનાં ચરિતોનું નિર્માણ કરવામાં આવ્યું. તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો અને પ્રતિવાસુદેવોનાં ચરિત લખાયાં. આ સંદર્ભમાં વિમલસૂરિ(ઈ. સ.ની ચોથી શતાબ્દી)કૃત ‘પઉમચરિય’, ‘હરિવંસચરિય’, ‘જમ્બૂચરિય’, ‘પાસનાહચરિય’, ‘મહાવીરચરિય’ વગેરે અનેક ચરિતગ્રંથોનો નામોલ્લેખ કરી શકાય છે. અનેક શ્રાવકો, અમાત્યો, સેનાનાયકો વગેરેનાં ચરિતોનું પણ નિર્માણ કરવામાં આવ્યું. સતીસાધ્વી મહિલાઓમાં રાજિમતી, સીતા, દ્રૌપદી, દેવકી, આર્યચન્દના, દમયંતી, નર્મદાસુંદરી, મલયસુંદરી વગેરેનાં પ્રેરણાદાયક ચરિતો લખાયાં. અપભ્રંશમાં અનેકાનેક ચરિતગ્રંથોનું નિર્માણ થયું. કન્નડમાં પંપ, રન્ન અને હોન્ન જેવા સુપ્રસિદ્ધ કવિઓએ તીર્થંકરોનાં ચરિતોનું નિર્માણ કરીને જૈન કથાસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું.

પ્રાકૃતના અન્ય સાહિત્યિક પ્રકારોમાં શાસ્ત્રીય અથવા લૌકિક સાહિત્યમાં અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, આયુશાસ્ત્ર, વૃક્ષાયુર્વેદ, પુષ્પાયુર્વેદ, ધનુર્વેદ, ગન્ધર્વવેદ, અષ્ટાંગ મહાનિમિત્ત, જ્યોતિષ, શકુનશાસ્ત્ર, મૃગપક્ષિશાસ્ત્ર, ધાતુવિદ્યા, પોરાગમ (સૂદશાસ્ત્ર), રત્નપરીક્ષા, વાસ્તુશાસ્ત્ર, અશ્વવિદ્યા, હસ્તિશિક્ષા વગેરેનો ઉલ્લેખ કરી શકાય છે. આથી સમજી શકાય છે કે ધર્મ અને દર્શન ઉપરાંત પ્રાકૃતમાં લૌકિક વિષયો ઉપર પણ અનેક રચનાઓ કરવામાં આવી છે. આ સંદર્ભમાં આચાર્ય ધરસેન(ઈ. સ.ની પ્રથમ અને દ્વિતીય શતાબ્દીનો મધ્યભાગ)કૃત દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયો દ્વારા માન્ય ‘જોણીપાહુડ’ (યોનિપ્રાભૃત) તથા સાંસ્કૃતિક અને સામાજિક સામગ્રીથી ભરપૂર ‘અંગવિજય’(ઈ. સ.ની ચોથી સદી)નું નામ ઉલ્લેખનીય છે.

પ્રાકૃત નાટ્યસાહિત્ય : સંસ્કૃત નાટકોને વધુ લોકપ્રિય અને મનોરંજક બનાવવા માટે તેમાં પ્રાકૃત બોલીઓને અપનાવવામાં આવી. ભરતમુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં ઉચ્ચવર્ગના લોકોને માટે સંસ્કૃત તથા સ્ત્રી, વિદૂષક, શ્રેષ્ઠી, નોકર-ચાકર વગેરે સામાન્ય માણસો માટે પ્રાકૃત બોલવાનું વિધાન કર્યું છે. સર્વપ્રથમ અશ્વઘોષ(ઈ. સ.ની પહેલી સદી)નાં નાટકોમાં પ્રાકૃત બોલીઓનો પ્રયોગ જોવા મળે છે. આ રચનામાં શૌરસેની, માગધી અને અર્ધમાગધીના પ્રાચીનતર પ્રયોગો મળે છે. પ્રાકૃત બોલીઓના વિવિધ પ્રયોગોના અધ્યયનને માટે યથાર્થવાદી સામાજિક જીવન ઉપર આધારિત મૃચ્છકટિક નાટક અત્યંત ઉપયોગી છે. શૌરસેની અને માગધીના પ્રયોગો ઉપરાંત અહીં આવન્તી, પ્રાચ્યા, શાકારી, ચાંડાલી, ઢક્કી વગેરે ઉપબોલીઓના પ્રયોગ જોવા મળે છે. ત્યારબાદ સટ્ટકોની રચના પ્રાકૃતમાં કરવામાં આવી.

પ્રાકૃતમાં નાટકોની પણ રચના થઈ. સટ્ટકોની જેમ મોટેભાગે નાટક પણ પૂર્ણતયા પ્રાકૃતમાં લખાયાં, જે કાળાંતરે સંસ્કૃતના પ્રભુત્વને કારણે નાશ પામ્યાં. પ્રાકૃતને સમજવા માટે સંસ્કૃત છાયાનો આશ્રય લેવો પડે છે. એટલે સુધી કે ઈ. સ.ની નવમી શતાબ્દીના કવિ-નાટકકાર રાજશેખરને પોતાની કૃતિ ‘બાલરામાયણ’ના પ્રાકૃત અંશોને સંસ્કૃત છાયાના માધ્યમ દ્વારા સમજાવવાની આવશ્યકતા ઊભી થઈ હતી. પ્રાકૃત સટ્ટકોમાં રાજશેખરકૃત ‘કપ્પૂરમંજરી’ તથા ‘ચંદ્રલેહા’, ‘આણંદસુંદરી’, ‘સિંગારમંજરી’ વગેરે પ્રસિદ્ધ છે.

કે. ઋષભ ચંદ્રા

પ્ર. ઉ. શાસ્ત્રી

જગદીશચંદ્ર જૈન

અનુ. ગીતા મહેતા