પ્રશ્નજ્યોતિષ : પ્રશ્નના સમય પરથી ફળાદેશ કરવાની ભારતીય જ્યોતિષશાસ્ત્રની પદ્ધતિ. ભારતીય પરંપરાગત ‘હોરા’ પદ્ધતિ પ્રમાણે એનું ગણિત મૂકવામાં આવે છે. સામાન્ય રીતે જાતકના જન્મ, સમય અને તારીખ કે તિથિ, નક્ષત્રના આધારે ફળાદેશ માટે જન્માક્ષર તૈયાર કરવામાં આવે છે. અહીં પ્રશ્નના સમયના આધારે કુંડળી માંડવામાં આવે છે.

પ્રશ્નજ્યોતિષ એ પ્રત્યક્ષ-પદ્ધતિ છે. જાતક પોતે પ્રશ્ન પૂછે છે, તે પ્રશ્નકના સમય અને સ્થળના ગણિતના આધારે પ્રશ્નકુંડળી મૂકવામાં આવે છે; તેથી તેને પ્રત્યક્ષ-જ્યોતિષ પણ કહેવામાં આવે છે. પ્રશ્નજ્યોતિષ પદ્ધતિનો પ્રાચીન ગ્રંથ ‘પ્રશ્નનારદી’ નારદસંહિતાનો અંગભૂત ભાગ છે. એમાં આ 32 શ્લોકોનો અલગ વિભાગ છે. મૂળ નારદસંહિતા હાલ ઉપલબ્ધ નથી; પરંતુ અત્યારે જે મળે છે તે બૃહત્સંહિતા પ્રકારની છે. એમાં આ 32 શ્લોકો નથી.

માનવીના મનમાં ઘોળાતા અને મૂંઝવતા રોજબરોજના અસંખ્ય પ્રશ્નોનો ઉકેલ શોધવા પ્રશ્નજ્યોતિષનો ઉદભવ થયો હશે. પરંપરાગત રીતે પ્રાચીન સમયથી આ પ્રકારના જ્યોતિષનો આશ્રય માનવ લેતો થયો હશે. પ્રશ્નસમયના લગ્નસાધન વડે તે સમયના ગ્રહો અને માનવમનનો વિચાર કરી તત્કાળ ફલાદેશ કરવાની આ પ્રત્યક્ષ-પદ્ધતિ ‘હોરા’ સ્કંધનું એક અવિભાજ્ય અંગ છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓ દ્વારા પ્રશ્નનો અને ગ્રહોનો વિચાર કરી જ્યોતિષી ફલાદેશ તારવતો હોય છે. પદ્ધતિ ગમે તે હોય પણ ફલાદેશ એ વ્યક્તિ ઉપર આધાર રાખનાર પરિબળ છે. ‘પ્રશ્નનારદી’ પછી ‘પ્રશ્નજ્યોતિષ’ વિશેનો પ્રાચીન ગ્રંથ વરાહમિહિરના પુત્ર (ઈ. સ.ની પાંચમી કે છઠ્ઠી સદીમાં હયાત) પૃથુયશા-રચિત ‘ષટ્પંચાશિકા’ છે. પ્રચલિત પંચસિદ્ધાંત જે સૂર્ય-ચંદ્રાદિ ગ્રહગતિને નિરૂપે છે, તેમાં એક સિદ્ધાંત ઉમેરી ‘ષટ્પંચાશિકા’ એવું નામાભિધાન પોતે આપે છે. આ ગ્રંથ અશુદ્ધ છે. તેમાં અસંખ્ય સંદિગ્ધતાઓ રહેલી છે. પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથોમાં ભટ્ટોત્પલ રચિત ‘પ્રશ્નજ્ઞાન’ અથવા ‘પ્રશ્નસમાપ્તિ’ છે. તેનો સમય આશરે નવમી સદી માનવામાં આવે છે.

લાકડાના ચોરસ પાસા તૈયાર કરી એક પટ ઉપર ફેંકવામાં આવે છે, તેના ઉપરથી જાતકના પ્રશ્નનો ઉત્તર આપવાની પદ્ધતિને ‘રમલ’ કહેવામાં આવે છે. આ એક પ્રકારની ધારણા કે સંકેત-પદ્ધતિ છે. અહીં હોરાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વિદ્યાને ‘પાશક’ પણ કહેવામાં આવે છે.

‘પ્રશ્નજ્યોતિષ’માં કેટલાંક બંધનો અને નિયમો પણ છે. મનમાં ઉદભવેલા એક જ પ્રશ્નનો ઉત્તર મેળવી શકાય, પરંતુ જાતકના મનનું સમાધાન આ એક પ્રશ્નથી ન થાય તો તેને સ્પષ્ટ કરવા માટે તે વધુ ચાર પ્રશ્ન પૂછી શકે.

પદ્ધતિ : પ્રશ્નનો સમય નિશ્ચિત કરી, પ્રશ્નકુંડળી મૂકવામાં આવે છે. પ્રશ્નકુંડળી ને બીજા પ્રશ્ન વખતે ફલાદેશને સ્પષ્ટ કરવા ચંદ્રરાશિનો આધાર લેવામાં આવે છે. એ જ રીતે ત્રીજી વાર સૂર્યરાશિ સ્વીકારવામાં આવે છે. ચોથી વાર બુધ કે ગુરુ – બેમાંથી જે બળવાન હોય તેને પ્રશ્નલગ્નનો આધાર બનાવી ઉત્તર શોધવામાં આવે છે. બાકી રહેલ બુધ કે ગુરુમાંથી એકને પ્રશ્નલગ્નનો આધાર બનાવી ઉત્તર મેળવવામાં આવે છે. પ્રશ્નકર્તા પોતાનો હેતુ સિદ્ધ થશે કે નહિ તેવો પ્રશ્ન પૂછીને પોતાનો ઉત્તર ‘હા’ કે ‘ના’માં મેળવે છે.

આ પદ્ધતિ મુજબ જાહેરમાં, સૂર્યાસ્ત સમયે, તેમજ કુટિલ બુદ્ધિથી પ્રશ્ન કરવાનો નિષેધ છે.

આધુનિક ચિંતક કૃષ્ણમૂર્તિએ નક્ષત્રપદ્ધતિને આધારે પ્રશ્નજ્યોતિષનો વિકાસ કર્યો છે. તેઓ સૂક્ષ્મભાવઅંશોવાળી ભાવારંભ કુંડળીનો આધાર લે છે.

વિંશોત્તરી અંતર્દશાના સમયો × મહાદશાનાં વર્ષ + 120ના સમીકરણસૂત્રનો ઉપયોગ કરી, તેને અંશાદિ કલા ને વિકલામાં ફેરવી, નક્ષત્રચક્રને 243 ને રાશિચક્રને 249 ભાગમાં વહેંચે છે. જેને તેઓ ઉપનામથી ઓળખે છે – તેનાં રાશ્યાદિ અંશ-કલા-વિકલાના આધારે પ્રશ્નલગ્ન સાધન તૈયાર કરવામાં આવે છે. આ નિરયન પદ્ધતિ છે. કોઈ પણ સ્થાનથી બારમું સ્થાન ખરાબ કે અશુભકર્તા ફળ આપનારું ગણવામાં આવે છે. આ જ પદ્ધતિથી સાયનપદ્ધતિનો વિચાર પણ કરી શકાય.

પ્રશ્નવિદ્યાની એક શાખા અંકશાસ્ત્ર ઉપર પણ આધાર રાખે છે. તેમાં 108નો આંક ધ્રુવાંક તરીકે સ્વીકારવામાં આવે છે. તેનો પૂર્ણ આંક 9 ગણવામાં આવે છે.

પ્રથમ જન્મતારીખના અંકોનો સરવાળો પ્રાપ્ત કરવો; પછી 24 કલાકના જન્મસમયનો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમ 24 કલાક = બાર લગ્ન(હોરા)માં મૂકવામાં આવે છે. અહીં ચોવીસ કલાકની ‘હોરા’ને 9 ના પૂર્ણાંકમાં મૂકવામાં આવે છે. પછી જન્મનો વાર અને તેનો અંક નિશ્ચિત કરવામાં આવે છે.

ધારો કે કોઈ પણ જાતક જે પ્રશ્ન પૂછે છે, તેના જન્મનો આંક 32 છે, તેમજ જન્મસમયનો આંક 1 છે, અને વારનો આંક 6 છે. હવે આ ત્રણેય આંકનો સરવાળો કરતાં 39 આવે છે. આ આંકને મૂળ આંક 108માંથી બાદ કરતાં 69 મળે છે. જ્યોતિષીએ અંકવાર પ્રશ્નોત્તર તૈયાર કર્યા હોય છે. તે આંક સામે લખેલ લખાણને પ્રશ્નકર્તા માટેનો ઉત્તર ગણવામાં આવે છે.

બટુક દલીચા