પોર્ટુગીઝ ભાષા અને સાહિત્ય

January, 1999

પોર્ટુગીઝ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન જૂથની અને લૅટિનમાંથી ઊતરી આવેલી રોમાન્સ ભાષાઓ પૈકીની. પોર્ટુગલની રાષ્ટ્રભાષા અને બ્રાઝિલની રાજ્યભાષા સ્પૅનિશ સાથે તેનો નિકટનો સંબંધ છે. અરબી ભાષાની તેના પર પ્રબળ અસર છે. અંગોલા, મૉઝાંબિક અને અગાઉના પોર્ટુગીઝ સામ્રાજ્યનાં આફ્રિકા અને એશિયામાં આવેલાં સંસ્થાનોમાં તે બોલાતી ભાષા છે. આઇબિરિયન દ્વીપકલ્પના લોકો પ્રાચીન પોર્ટુગીઝ બોલીનો આજે પણ ઉપયોગ કરે છે. પોર્ટુગીઝ ભાષા અને સાહિત્યનો ઊગમ જૂની ગૅલિશિયા બોલીમાંથી થયો હોવાનું જણાઈ આવે છે. એના પર ઇટાલિયન શબ્દોની અસર વિશેષ છે. પોર્ટુગલ સામ્રાજ્યને લીધે એશિયન ભાષાઓના કેટલાક શબ્દો તેમાં મળી આવે છે. બોલાતી બ્રાઝિલિયન ભાષા પોર્ટુગીઝથી જુદી પડે છે; પરંતુ એકંદરે બંનેમાં સામ્ય જણાય છે. પોર્ટુગીઝ ભાષા લૅટિન ભાષામાંથી સીધી ઊતરી આવેલ આધુનિક વિશ્વભાષાઓમાંની એક છે. જોકે રોમન લશ્કરી છાવણીઓ અને સામ્રાજ્યની અન્ય વસાહતોની પ્રજા દ્વારા બોલાતી લૅટિન સાથે તેનો સંબંધ વિશેષ છે.

ભાષાશાસ્ત્રીઓએ પોર્ટુગીઝ ભાષાના ધ્વનિ પરત્વે રસ દાખવ્યો છે. આ ભાષામાં 11 જેટલા વિવિધ સ્વર-ઉચ્ચારો છે. તેના ‘a’, ‘e’ અને ‘o’ના સાંકડા અને પહોળા ઉચ્ચારમાં નોંધપાત્ર તફાવત છે. 5 સ્વરોના ઉચ્ચાર અનુનાસિક હોય છે. જોકે ફ્રેન્ચ અનુનાસિક ઉચ્ચારો કરતાં આ ઓછી તીવ્રતાવાળા હોય છે. આ ભાષામાં સંયુક્ત સ્વરો(dipthongs)નું પ્રમાણ વિશેષ છે. તેમાં 25 વિવિધ વ્યંજનોના ઉચ્ચારો છે. આધુનિક પોર્ટુગીઝ ભાષા પ્રાચીન પોર્ટુગીઝને મળતી આવે છે. જોકે આધુનિક પોર્ટુગીઝમાં પ્રત્યયમાં ‘L’નો લોપ થયો છે. lo, la, los, lasને બદલે o, a, os અને as વપરાય છે. પોર્ટુગીઝમાં ‘J’નો ‘ઝ’ અને ‘Uh’નો ‘અ’ ઉચ્ચાર કરવામાં આવે છે.

સાહિત્ય : પોર્ટુગીઝ અને અન્ય ભાષાઓમાં લખાયેલ પોર્ટુગલનું સાહિત્ય. પહેલી નજરે તેના પદ્યમાં ઊર્મિકાવ્યની મધુરતા અને ગદ્યમાં કટાક્ષમય વિનોદવૃત્તિ જણાય છે.

ચૌદમી સદી સુધીનું પોર્ટુગીઝ સાહિત્ય એટલે આઇબિરિયન દ્વીપકલ્પનું પ્રાદેશિક સાહિત્ય. તે સ્પેનના વાયવ્ય ભૂભાગમાં ગૅલિશિયન, પોર્ટુગીઝ અને કૅસ્ટિલિયન ભાષાઓમાં રચાયેલું છે. આમ તો સત્તરમી સદી સુધી કેટલાક પોર્ટુગીઝ લેખકો કૅસ્ટિલિયન ભાષામાં સાહિત્યની રચના કરતા. સ્પૅનિશ ભાષામાં લખાયેલ સ્ત્રીદાક્ષિણ્યની અદ્વિતીય નવલકથા ‘અમાદિસ ઑવ્ ગૉલ’નું કર્તૃત્વ પોર્ટુગીઝ લેખકને ફાળે જાય છે.

તેરમી સદીમાં આલ્ફૉન્ઝૉ ત્રીજાના રાજ્યકાલ દરમિયાન ભાટચારણ શૈલીની, લોકસાહિત્યની કવિતા પોર્ટુગલમાં પ્રગટી. પાટવી કુંવર દિનીઝ પોતે કવિ હતો. આ સમયમાં ઍરાસ નુન્સ, ઝૉન ઍરાસ દ સાન્તિયાગો, ઝૉઆઓ ગાર્શિયા દ ગિલ્હાદે અને સંગીતકાર માર્ટિન કૉદેક્સનાં નામ નોંધપાત્ર છે. તેમણે લખેલાં કાવ્યો મુખ્યત્વે (1) કૅન્તિગૅસ દ ઍમોર એટલે કે પ્રેમકાવ્યો, (2) કૅન્તિગૅસ દ અમિગો અથવા વિવાહપાત્ર ઉમેદવારો માટે લખાયેલાં અને સ્ત્રીઓના મુખે આજે પણ ગવાતાં ગીતો અને (3) કૅન્તિગૅસ દ ઍસ્કાર્નહો અ દ માલ ડાયઝેર અથવા ફટાણાં જેવાં કટાક્ષગીતો છે. આ પ્રકારની બે હજારથી વધુ રચનાઓ ત્રણ કાવ્યસંગ્રહોમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાજા આલ્ફૉન્ઝૉ દસમાએ માતા મેરીને માટે પ્રશસ્તિગીતો રચ્યાં છે. તેરમી અને ચૌદમી સદીનું પોર્ટુગીઝ ગદ્ય ‘લાઇવરૉસ દ લિંહેઝન્સ’માં મળે છે. તેમાં અમીરઉમરાવોની વંશાવલીનાં ચરિત્રચિત્રણો, ઐતિહાસિક ઘટનાઓ, સંતોની કથાઓ ઉપરાંત લૅટિનમાંથી અનુવાદ કરવામાં આવેલ કેટલીક કૃતિઓ છે. આમાં ઇંગ્લૅન્ડના રાજા આર્થર અને તેના ઉમરાવો અંગેની સાહસકથાઓનો પણ સમાવેશ થયો છે.

પંદરમી સદીમાં યુરોપમાં રેનેસાંનાં પગરણ થયાં. જોકે એ સમયે મધ્યકાલીન સાહિત્ય અને ધર્મવિષયક બાબતોની જૂની સરવાણીઓ સાવ નષ્ટ થઈ ગઈ એમ કહેવું યથાર્થ નથી. પ્રાચીન ગ્રીસ અને ઇટાલીના સાહિત્યનાં નવાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં; એટલું જ નહિ, પરંતુ સાહિત્યની ક્ષિતિજો વધુ ને વધુ સ્પષ્ટ થતી ગઈ. ‘કૅન્શિયોનિરોઝીરલ’(‘જનરલ સાગબુક’, 1516)ના સંપાદક ગાર્શિયા દ રિઝેંદેએ 3૦૦ કવિઓની રચનાઓને ગ્રંથસ્થ કરી. પ્રેમશૌર્યના કવિ રિઝેંદે, નાટ્યકાર ઝીલ વાઇસેંટ, કારુણ્યના કવિ અને નવલકથાકાર બર્નાદિમ રિબૅરો, ઇટાલીના છંદોને કાવ્યમાં પુન: પ્રયોજનાર કવિ ફ્રાન્સિસ્કો દ સા મિરાંડા સુપ્રસિદ્ધ સર્જકો છે. વાઇસેંટ આ બધાયના શિરોમણિ છે. તેમની કૃતિઓમાં પોર્ટુગીઝ સમાજનું પ્રતિબિંબ પાડતાં વિચરતી જાતિ(જિપ્સી)નાં પાત્રો, કાળા હબસી ગુલામો, ચાંચિયાઓ અને રાજકુમારો છે. અહીં એક ભદ્ર, માનવતાવાદી ખ્રિસ્તી, કોઈક વેળા ગંભીર તો કદી પ્રસન્ન બનીને છૂટે હાથે લોકગીતોની લહાણી કરતા લાગે છે. ‘લાયવ્રૉ દો સાઉડેડઝ’, ‘મેનિના ઇ મોકા’, ‘ધ શિપ ઑવ્ હેલ’, ‘અમાદિસ દ ગૉલા’, ‘ઑટો દા ઇન્દિયા’ (ભારત વિશેનું વાઇસેંટનું નાટ્યસર્જન, 15૦9) આ સમયની નોંધપાત્ર કૃતિઓ છે.

સોળમી સદીના ઉત્તરાર્ધમાં ચિરસ્મરણીય, કહો કે સુવર્ણયુગનું સાહિત્ય પ્રગટ્યું. ઝૉર્ઝ ફરેરા દ વાસ્કૉન્સેલૉસનું ‘યુફ્રોસિના’ (1555) સમાજની રહેણીકરણીની મજાક કરતું હાસ્યપ્રધાન ગદ્યનાટક છે. આન્તોનીઓ ફરેરાનું ‘ઇગ્નેઝ દ કાસ્ટ્રો’ (1587) ગ્રીક શૈલીનું પદ્યનાટક છે, જ્યારે ફર્નાઓ અલ્વારિસ દો ઑરિયેન્તનું ‘લુઝિતાનિયા ટ્રાન્સફૉર્માદા’ (1595) ગદ્યપદ્ય કૃતિ છે. આ સમયમાં મોટે ભાગે સંવાદશૈલીમાં નીતિકથાઓનું ખેડાણ થયું. આ સ્વરૂપ માટે ટ્રાન્કોઝૉ અને પિન્ટોનાં નામ જાણીતાં છે. પોર્ટુગીઝ યહૂદી લેખક સૅમ્યુઅલ ઉસ્કે ‘કૉન્ઝોલેકૉઝ દ ઇઝરાયલ્’માં બોધકથાઓ આપી. દિયોગો દો કાઉતો પોર્ટુગીઝ સામ્રાજ્યનો પ્રખર ઇતિહાસકાર છે. તેણે ‘સોલ્દાદો પ્રાતિકો’ (159૦) નામની અમર કૃતિનું સર્જન કર્યું. રોમન ઇતિહાસકાર લિવીની જેમ ઝૉઑ દ બૅરોઝ ‘દીકેદા દા એશિયા’માં દરિયાપારના સામ્રાજ્ય-વિસ્તરણની વાત કરે છે. ક્રાઉતો પણ સમર્થ ઇતિહાસકાર છે. દમિયાઑ દ ગોઇઝ ગોવા અને મલક્કાના વિજેતા આલ્ફોન્ઝો દ આલ્બુકર્કનો રહસ્યમંત્રી હતો. તેણે સમ્રાટ ઇમેન્યુએલ અને અન્ય રાજાઓનો ઇતિહાસ ગ્રંથસ્થ કર્યો છે. આ સમયે પ્રવાસસાહિત્યનું અપૂર્વ ખેડાણ થયું. આમાં આલ્વારો વેલ્હોએ હિંદુસ્તાનના દરિયાઈ માર્ગનું માહિતીપ્રચુર વર્ણન કર્યું છે. પૅરૉવાઝદ કમિંહાએ બ્રાઝિલના દરિયાઈ કિનારાનાં વસ્તીવણજને આલેખતું પુસ્તક લખ્યું છે. ‘ધ ટ્રૅજિક હિસ્ટરી ઑવ્ સી’માં દરિયાઈ તોફાનોમાં સપડાયેલાં વહાણોની કથાઓનું આલેખન છે. દૂર પૂર્વનાં દરિયાઈ સાહસોની કથાઓ ફર્નાઑમૅન્ડિઝ પિન્ટોએ ‘પેરી ગ્રિનાશાઓ’માં આલેખી છે. અહીં તેણે વ્યાપારી, ચાંચિયા અને ગુલામ તરીકેના પોતાના અનુભવોની કથા કહી છે.

પોર્ટુગલનો સમર્થ કવિ લુઈ દ કામૉસ છે. આફ્રિકા અને એશિયાની લાંબી રઝળપાટ પછી તન અને ધનની ખુવારી કરીને તે વતન પાછો ફર્યો ત્યારે તેની પાસે અવિસ્મરણીય રાષ્ટ્રીય પદ્યસર્જન ‘ઑસ ઝુઝિયાદાસ’ (પોર્ટુગીઝ પુત્રો, 1572) સહીસલામત હતું. પોર્ટુગલનું એ મહાકાવ્ય છે. ભૂતકાળના સમર્થ નેતાઓનું તેમાં ચરિત્રચિત્રણ છે;  એટલું જ નહિ, પરંતુ તેમાં નિર્ભય પોર્ટુગલની યશોગાથા પણ છે. આમાં વાસ્કો દ ગામાની હિંદુસ્તાનની સાહસિક શોધની કથા પણ છે. આ મહાકાવ્ય પ્રકૃતિ પર માનવીના અપ્રતિમ સાહસના વિજયની યશોગાથા છે. કામૉસ ઉત્તમ ઊર્મિકાવ્ય પણ છે. ઇટાલીના પૅટ્રાર્કની જેમ તેણે સૉનેટ અને કૅન્ઝૉન્સનાં સ્વરૂપો ખેડ્યાં છે. તે નાટ્યકાર પણ છે. ટૂંકમાં, મનુષ્યના પ્રેમ અને પ્રારબ્ધનો તે અપૂર્વ કવિ છે. મેન્યુઅલ દ ફારિયા ઇ સોઝા અને ફ્રાન્સિસ્કો મૅન્યુઅલ દ મેલો અન્ય નોંધપાત્ર કવિઓ છે.

અઢારમી સદીમાં પદ્યનું સ્થાન ગદ્ય લે છે. બોધ આપવાનું કાર્ય સાહિત્યનો મુખ્ય ગુણધર્મ ગણાવા લાગ્યો. ‘ધ વર્દેદીરો મીટોદો દ એ’તુદાર’ (ટ્રુ મેથડ ઑવ્ સ્ટડી, 1746) શિક્ષણ અંગેનો મહાન ગ્રંથ છે. તેના લેખક લુઈ આન્તોનિયો સમાજસુધારક છે. આન્તોનિયો જૉઝૅ દા સિલ્વાએ ઢીંગલી-નાટકો લખ્યાં. ફ્રાન્સિસ્કો ઝૅવિયર દ ઑલિવીઆરાએ ‘કાર્તાઝ ફેમિલિયર્સ’ (લેટર્સ ટુ ફ્રેન્ડ્ઝ, 1741-42) દ્વારા પ્રથમ નિબંધકારનું બિરુદ પ્રાપ્ત કર્યું. બૉકેઝે ‘રાઇમસ’(રાઇમ્સ, 1791-99)માં સૉનેટો આપ્યાં.

ઓગણીસમી સદીમાં જોઆઆ બેપ્ટિસ્ટા દા અલ્મિડા ગૅરેટ અને ઍલૅક્ઝાન્દ્રે હર્કુલાનોનાં નામ પ્રખર બુદ્ધિવાદીઓ તરીકે જાણીતાં છે. ગૅરેટે ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડમાંના દેશવટા દરમિયાન સાહિત્ય રચ્યું. સ્વદેશાગમન બાદ તેણે ઐતિહાસિક નાટકો અને કાવ્યો લખ્યાં. ‘વિયેઝન્સ ના મિંહાટેરા’ (જર્નીઝ ઇન માય નૅટિવ લૅન્ડ, 1846) સંવાદશૈલીની આત્મકથનાત્મક સુદીર્ઘ કાવ્યરચના છે. હર્કુલાનો ઇતિહાસકાર અને નવલકથાકાર છે.

પોર્ટુગીઝના બે રોમૅન્ટિક સર્જકોમાં અંધકવિ આન્તોનિયો ફેલિસિયાનો દ કાસ્તિહો અને નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક કામિલો, બ્રાન્કોનાં નામ સુપ્રસિદ્ધ છે. આધુનિક વિચારોની અભિવ્યક્તિ માટેનાં ચિંતનાત્મક સૉનેટનો રચયિતા અન્તીરો ક્વૅન્તલ છે. પોર્ટુગીઝ સાહિત્યનો ઇતિહાસ તેઑફિલો બ્રેગાએ લખ્યો છે. ઝૉઆક્વિમ માર્ટિન્સ સાંસ્કૃતિક ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી છે. ગ્વેરા ઝુન્ક્વીરો પ્રથમ હરોળનો સામાજિક કવિ છે. એકા દ ક્વિરૉઝે ‘ધ રેલિક’ (1887) નવલકથા લખી છે. કવિ કૅમિલા અને યુજિનિયો દ કાસ્ટ્રો આ સમયના યુવાલેખકો છે. આન્તોનિયો કોરિયાએ જૂની પરંપરાને કાવ્યમાં જાળવી રાખી છે. નવલકથાકાર રિયેરો, કવિ ટિક્ઝિસ દ પાસ્કૉઝ, કવિ-ઇતિહાસકાર ઝેઇમ કૉર્ટેઝાઓ, નિબંધકાર આન્તોનિયો સર્ઝીઓ, નાટ્યકાર ઝુલિયો દાન્તાસ અને કવિ ફર્નાન્ડો પૅસોનાં નામ નોંધપાત્ર છે.

વીસમી સદીના પોર્ટુગીઝ સાહિત્યમાં સુધારાવાદી વલણ ચાલુ રહે છે. મિગેલ તોર્ગાએ ગદ્યપદ્યમાં લખેલ ‘દીઆરીઓ’(ડાયરી)માં સાંપ્રત ઘટનાઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. ઇરીન લિસ્બોઆ ટૂંકી વાર્તાઓના સર્જક છે. કાસ્ટ્રોની સુવિખ્યાત નવલકથા ‘ધ જંગલ’ (193૦) છે. મિગ્વિઝ નવલકથાકાર છે. વર્જીલીઓ ફરેરા અસ્તિત્વવાદી લેખક છે. ઍલ્ગ્રિયા બ્રેવની ‘શૉર્ટ-લિવ્ડ જૉય’ (1965) નવલકથા છે.

બ્રાઝિલમાં રહીને પોર્ટુગીઝ ભાષામાં લખનાર નવલકથાકાર કેઇપ બાલ્તાઝર અને મૅન્યુઅલ લૉપ્સની નવલકથાઓમાં અંગોલાના અશ્વેત અને શ્વેત લોકોના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાઓ તોમે પ્રથમ પોર્ટુગીઝ કવિ છે, જેણે આફ્રિકાની અશ્વેત પ્રજા વિશે ગૌરવ અનુભવ્યું છે.

આધુનિક સમયમાં પરાવાસ્તવવાદ(surrealism)ના પ્રવર્તક ઝૉર્ઝ દ સૅનાને ગદ્યમાં ‘આન્દાન્કાસ દો દે મૉનીઓ’ (ધ ડૅમન ઍબ્રોડ, 196૦) અને પદ્યમાં ‘મેટામૉર્ફોસિસ’ (1963) લખ્યાં. નાટ્યક્ષેત્રે બર્નાર્ડો સાન્તારેનોનું ‘ઇન્ફર્નો’ (1968) સુપ્રસિદ્ધ નાટક છે. આધુનિક લેખિકાઓમાં ઍગ્સ્ટીના બેસા-લુઈએે ‘અ સિબિલા’(ધ સિબિલ, 1953)માં મધ્યમ વર્ગની સ્ત્રીનું માનસશાસ્ત્રીય પૃથક્કરણ આલેખ્યું છે. સોફિયા દ મેલો બ્રેયનર આન્દ્રેસેન જાણીતી કવયિત્રી છે. મારિયા ઇઝબેલ બરીનો, મારિયા ટેરેસા હૉર્તા, મારિયા વેલ્હૉ દા કૉસ્તા અનુક્રમે નિબંધકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ તરીકે જાણીતાં નામ છે. તેમની કેટલીક કૃતિઓના અનુવાદ અંગ્રેજી અને ફ્રેન્ચમાં કરવામાં આવ્યા છે. આમાં ‘ધ થ્રી મારિયાઝ’ને રાજ્ય સરકારે જપ્ત કર્યું હતું અને તેના લેખકો પર અદાલતમાં ખટલો ચલાવવામાં આવ્યો હતો; પરંતુ 1974માં ક્રાન્તિકારી સરકારે તેના સર્જકોને માફી બક્ષી હતી.

ઝોસ સારામાગો(જ. 16 નવેમ્બર 1922)ને 1998નું સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમની અગત્યની કૃતિઓમાં ‘બાલ્તેઝાર ઍન્ડ બ્લિમુંડા’, ‘મેમોરિયલ દેલ કોન્વેન્તો’, ‘ધ યર ઑવ્ ધી ડેથ ઑવ્ રિકાર્ડો રીઝ’, ‘ધ સ્ટોન રેફટ’, ‘ધ હિસ્ટરી ઑવ્ ધી સીજ ઑવ્ લિસ્બન’, ‘ધ ગોસ્પેલ એકૉર્ડિગ ટુ જિસસ ક્રાઇસ્ટ’ અને ‘બ્લાઇન્ડનેસ’ છે. વીસથી વધુ ભાષાઓમાં તેમની કૃતિઓના અનુવાદ થયા છે.

વિ. પ્ર. ત્રિવેદી