પોડગોર્ની નિકોલય વિક્ટોરોવિચ

January, 1999

પોડગોર્ની, નિકોલય વિક્ટોરોવિચ (. 5 ફેબ્રુઆરી 1903, કારલોવ્કા, યુક્રેન; . 12 જાન્યુઆરી 1983, મૉસ્કો) : ટોચના રશિયન રાજપુરુષ અને સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. રાજકીય કારકિર્દીની શરૂઆત પોતાના જિલ્લાની કોમસોમોલ કમિટી(છાત્ર યુવાપાંખ)ના મંત્રી તરીકે કરી હતી. તેમના માધ્યમિક શિક્ષણ માટે 1923-26 દરમિયાન કોમસોમોલ કમિટીએ આર્થિક સહાય પૂરી પાડી હતી. તેમણે ઉચ્ચશિક્ષણ કીવ તકનીકી સંસ્થામાં લીધું હતું. 1931માં સ્નાતક થયા પછી એક ખાંડસરી-ઉદ્યોગમાં તેઓ ઇજનેર તરીકે જોડાયા હતા.

તેમને યુક્રેનમાં 1939માં ફૂડ-પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના નાયબ વડા તરીકે નીમવામાં આવ્યા હતા. 1940માં તેમને બઢતી આપીને સોવિયેત ફૂડ-પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બીજું વિશ્વયુદ્ધ (1939-45) પૂરું થયા પછી મુક્ત થયેલ યુક્રેનના પુનર્નિર્માણમાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. 1946માં તેમને દેશની સરકારમાં યુક્રેનના મંત્રીમંડળના કાયમી પ્રતિનિધિ બનાવવામાં આવ્યા હતા. સામ્યવાદી પક્ષની તેમની પ્રથમ નિમણૂક 1950માં યુક્રેનના સામ્યવાદી પક્ષની ખારકોવ ઓબ્લ્વસ્ટ (જિલ્લો) કમિટીના મંત્રી તરીકેની હતી. 1960-77 દરમિયાન તે પક્ષની કેન્દ્રીય નીતિવિષયક સમિતિના સભ્ય તરીકે તથા 1963-65 દરમિયાન તેના મંત્રી તરીકે તેમણે કામ કર્યું. 1960-77 દરમિયાન તેઓ પક્ષના પૉલિટબ્યૂરોના સભ્ય હતા.

1965થી 1977 દરમિયાન સુપ્રીમ સોવિયેતના પ્રેસિડિયમના ચૅરમૅન તરીકે તેમણે સેવા આપી હતી.

મે, 1977માં ક્રેમલિનમાં થયેલ સત્તાના સંઘર્ષમાં તેમને પૉલિટબ્યૂરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને પ્રેસિડિયમના ચૅરમૅન તરીકેની ફરજો અને જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સરમણ ઝાલા