પૉર્ટો (ઓપૉર્ટો) : પોર્ટુગલ દેશનું લિસ્બન પછી મહત્ત્વનું બીજું શહેર, બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 41o 11′ ઉ. અ. અને 8o 36′ પ. રે. તે ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પર ડોરો (ડાઉરો) નદીના મુખથી 5 કિમી. અંતરે આવેલું છે. આ નદીના ઢળતા ઉત્તર કિનારે મોટા ભાગનું શહેર વસેલું છે. પોર્ટુગલમાં તે ઓપૉર્ટો નામથી વધુ જાણીતું છે અને ઓપૉર્ટો જિલ્લાનું વડું મથક છે. પોર્ટુગલનો આ ઉત્તર તરફ આવેલો ભાગ – ડાઉરો લિથરોલ પ્રોવિન્સ – દારૂઉદ્યોગ માટે જગવિખ્યાત ક્ષેત્ર હોવાથી તે પોર્ટુગલનું દારૂની નિકાસ માટેનું ઘણું અગત્યનું બંદર ગણાય છે. આ ઉપરાંત તે પાદરીઓનું મુખ્ય મથક પણ છે.

ઓપૉર્ટો બંદરનું પોર્ટુગલમાં ભૌગોલિક સ્થાન

આ શહેરનું ભૂપૃષ્ઠ નદીથી એકાએક ગ્રૅનાઇટની બે ટેકરીઓ રૂપે થોડીક ઊંચાઈમાં ફેરવાય છે. આ શહેર ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પર સમશીતોષણ કટિબંધમાં આવેલું હોવાથી સમધાત આબોહવા ધરાવે છે. અહીં મોસમી ફેરાફારોનું પ્રમાણ ઓછું રહે છે.

ઉદ્યોગો અને આર્થિક પ્રવૃત્તિઓ : પોર્ટુગલ દેશનું પાટનગર લિસ્બન છે, પરંતુ સૌથી વધુ મહત્ત્વનું ઔદ્યોગિક નગર પૉર્ટો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તે વધુ વિકસિત અને આયોજિત મથક તરીકે વિકસ્યું છે. ઉત્તમ બંદર ધરાવતા આ શહેરમાં સુતરાઉ કાપડની મિલો, ખાંડ-શુદ્ધીકરણ કારખાનાં, ઊન, ચામડું, ઝવેરાત, રેશમ, રેશમી વસ્ત્રો, ચિનાઈ માટીનાં વાસણો, ખાદ્યપ્રક્રમણ; રંગ-રસાયણો, ઇજનેરી માલસામાન તેમજ સાબુને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. ચર્મઉદ્યોગને કારણે અહીં ઘણી પગરખાં ઉત્પાદક કંપનીઓ આવેલી છે. પ્રાચીન રોમન વ્યાપારી કોમની શરૂઆત અહીં પૉર્ટોમાં થયેલી. 17૦૦થી 18૦૦ દરમિયાન અહીં ઇંગ્લૅન્ડને સમકક્ષ દારૂનો વેપાર શરૂ થયો અને ચાલુ રહ્યો. પોર્ટુગલના શ્રેષ્ઠ કક્ષાના દારૂની પ્રક્રિયા તેમજ નિકાસ કરવા માટેનું તે મહત્ત્વનું મથક બની રહ્યું છે. ગ્રેટ વાઇન મૉનોપૉલી કંપની અહીંની સૌથી વધુ દારૂ ઉત્પન્ન કરતી કંપની છે. ‘પૉર્ટ દારૂ’ અહીંની મહત્ત્વની પેદાશ છે. તે મધુર છે અને બ્રાન્ડી સાથે મિશ્ર કરવાથી વધુ અસરકારક બની રહે છે.

પૉર્ટો શહેરનો હાર્દવિસ્તાર

પરિવહન : ડાઉરો નદીનું મુખ રેતીના પાળાથી અવરોધાયેલું રહેતું હોવાથી તે આરક્ષિત રહે છે. અહીંની નહેર(channel) દ્વારા 2,૦૦૦ ટન સુધીનાં વહાણો પૉર્ટો સુધી પહોંચી શકે છે. આથી મોટાં વહાણો ખુલ્લા દરિયામાં પૉર્ટોથી 8 કિમી. દૂર લેક્સોઝ (Leixoes) ખાતે ઊભાં રહે છે. આ બારું પૉર્ટો સાથે રેલ અને સડકમાર્ગે જોડવામાં આવેલું છે. આ શહેર રેલ અને રસ્તામાર્ગે મોન્ટે પેડ્રલ, પરાન્હોસ, વિલાર, લૉર્ડીલો તેમજ ફોઝ-દો-ડોઉરા સાથે જોડાયેલ છે. પૉર્ટોથી મુખ્ય રેલમાર્ગ દક્ષિણ તરફ લિસ્બન સુધી જાય છે. પૂર્વમાં સ્પેન અને ફ્રાન્સ તરફ તેમજ ઉત્તરમાં લા કારુના સુધી તે રેલમાર્ગોથી જોડાયેલું છે. ‘સેન્ટ્રલ સ્ટેશન’ તેનું મુખ્ય રેલમથક છે. આ બંદરેથી નિકાસનો વેપાર સત્તરમી સદીના ઉત્તરાર્ધથી શરૂ  થયેલો છે. ડાઉરો નદીમાં ક્યારેક પ્રચંડ પૂર આવે છે, ત્યારે ઘણી તારાજી થાય છે, પરંતુ હવે તેના પર નિયંત્રણ લાવી શકાયું છે. નદીનો પટ જ્યાં 185થી 3૦૦ મીટર જેટલો પહોળો છે, ત્યાં પોલાદી તેમજ કૉંક્રીટના પુલો બાંધવામાં આવેલા છે; આ પુલો પર થઈને પરાંઓમાં, વિહારધામોમાં, લેક્સોઝ તરફ તેમજ મત્સ્યઉદ્યોગનાં મથકો પર જઈ શકાય છે. આ પૈકીનો આરાબિદા (Arrabida) પુલ યુરોપના લાંબામાં લાંબા સિમેન્ટ-કૉંક્રીટના પુલ તરીકે જાણીતો બનેલો છે.

જોવાલાયક સ્થળો : મુખ્ય રેલમથક ‘સેન્ટ્રલ સ્ટેશન’ની ઉત્તરે આવેલું પ્રેકા દ લિબરડેડ (Praca Da Liberdade)  આ શહેરનું મધ્યસ્થ સ્થાન (ચૉક) ગણાય છે. આ ચૉકની ઉત્તરે, પૂર્વમાં અને દક્ષિણે ઘણાં મહત્ત્વનાં જોવાલાયક સ્થળો છે. ચૉક અને નદીની વચ્ચે તેરમી સદીનું ગિરજાઘર (cathedral) છે, તેના અંદરના ભાગનો અઢારમી સદીમાં ર્જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. અહીં નજીકમાં જ સ્ટૉક એક્સચેન્જની ભવ્ય ઇમારત તથા ચૌદમી સદીનું સાઓ ફ્રાન્સિસ્કોનું દેવળ આવેલાં છે. ચૉકની પશ્ચિમે 75 મીટર ઊંચાઈ ધરાવતો ટાવર, 1911માં સ્થપાયેલ યુનિવર્સિટી, મેડિસિન-સર્જરીની સંસ્થા, સત્તરમી સદીનું કાર્મેલિટસ દેવળ, 18મી સદીનું કાર્મો દેવળ, શાહી મહેલ, 1865નો મહેલ, છઠ્ઠી સદીનું સાઓ માર્ટિન્હો દ સેડોફીટાનું દેવળ આવેલાં છે. રાજાશાહીના સમયમાં શહેરના મુખ્ય વિસ્તારમાં માત્ર વેપારીઓ અને કારીગરો માટે જગાઓ અનામત રખાતી હતી, અમીર-ઉમરાવોની વસ્તી શહેરમાં ન હતી, આથી જૂના મહેલો કે જાણીતી ઇમારતો શહેરમાં પ્રમાણમાં ઓછી સંખ્યામાં છે. આ શહેરમાં શ્વેત ઇમારતોનું અને મુરીશ (Moorish) સ્થાપત્યનું બાંધકામ જેટલું યુરોપીય જણાય છે એટલું આફ્રિકી પણ દેખાય છે.

રોમનોએ જૂના વખતમાં આ પ્રદેશ જીતેલો તે અગાઉ ડાઉરો નદીના દક્ષિણકાંઠે પાર્ટસ કાલે (Partus Cale) નામનું નાનું ગામડું હતું. તે પછીથી સદીઓ દરમિયાન ક્રમે ક્રમે તેનો વિકાસ થતો રહી આજે પોર્ટુગલ દેશનું મહત્ત્વનું શહેર બની ગયું છે.

આ શહેરની વસ્તી આશરે 2.14 લાખ જેટલી છે (2૦16).

મહેશ મ. ત્રિવેદી