પૃથ્વીચંદ્રચરિત : ચૌદમી સદીના અંતભાગની ગુજરાતી ગદ્યકથા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં સુંદર ગદ્યકથાનકો મળે છે. સંસ્કૃત ભાષામાંના આના ‘કથા’, ‘આખ્યાયિકા’, ‘ચંપૂ’ વગેરે અનેક ભેદ પણ મળે છે, પણ અપભ્રંશ પછીની લોકભાષાઓમાં એ પ્રકારનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, માત્ર સોગંદ ખાવા પૂરતી મધ્યકાલીન ગુજરાતીમાં એક ગદ્યકથા મળે છે, જેને સાચા સ્વરૂપમાં ‘ગદ્યકથા’ કહી શકાય. અનેક વિસ્તૃત બાલાવબોધો જરૂર મળે છે, પણ વાર્તાઓવાળાં સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના વિવરણ પ્રકારના એ ગદ્યગ્રંથો છે, જ્યારે આ તો ‘કથા’ જ છે. ચૌદમી સદીના અંતભાગમાં ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ના કર્તા અંચલગચ્છીય જયશેખરસૂરિના એક શિષ્ય માણિક્યસુંદરસૂરિ દ્વારા તે રચાઈ છે. ગુરુનો સમય સં. 1400થી 1462 (ઈ. સ. 1344થી 1406) નિશ્ર્ચિત છે એટલે માણિક્યસૂરિનો સમય ઈ. સ. ચૌદમી સદીનો ઉત્તરાર્ધ હોઈ શકે. બેશક, આ કથાની પ્રાપ્ય પોથીના અંતભાગમાં લહિયાએ સં. 1478(ઈ. સ. 1422)ના શ્રાવણ સુદિ 5 ને રવિવાર આપેલ છે એટલે કર્તાનો સમય એ કે એ પહેલાંનો કહી શકાય એમ છે.

મધ્યકાલીન ગુજરાતી ભૂમિકાની ક્રમિક ચાર ભૂમિકાઓમાંની પહેલી ભૂમિકામાં રચાયેલી ‘વાગ્વિલાસ’ એવી અન્ય સંજ્ઞાવાળી આ કથાની ભાષાગૂંથણી વર્ણક પ્રકારના અનુપ્રાસથી ભરપૂર હોઈ રસિક છે. પાંચ ઉલ્લાસોમાં વિભક્ત થયેલી આ કથાનું વસ્તુ તો ખૂબ જ નાનું છે, પરંતુ વાગાડંબરથી તે રમણીય કથા બની છે. પૈઠણ(સં. પ્રતિષ્ઠાન)ના રાજા પૃથ્વીચંદ્રનાં લગ્ન અયોધ્યાના રાજા સોમદેવની કુંવરી રત્નમંજરી સાથે થાય છે. લગ્ન થયા પછી ધર્મ નામના તીર્થંકરના ઉપદેશથી પૃથ્વીચંદ્ર રાજા સાધુ બને છે અને એનો કુમાર મહીધર પિતાની ગાદીએ અભિષેક પામે છે. આટલી નાની વાત ઉપર આ કથા પાંચ ઉલ્લાસોમાં લખાયેલી છે. વર્ણનોની દૃષ્ટિએ દ્વીપ, ક્ષેત્ર, દેશ, નગર, રાજસભા, નાયક-નાયિકા, ઋતુ, વન, સેના – હાથી, ઘોડા, પદાતિ, રથ, ભયાનક જંગલ, યુદ્ધ, સામૈયું, સ્વયંવર, લગ્નોત્સવ, ભોજન-સમારંભ, સ્વપ્ન, વિવિધ જ્ઞાતિઓ વગેરેનાં આલંકારિક વર્ણનો અત્યંત વિશદતાથી આપવામાં આવ્યાં છે. આટલી વિશદતા છતાં શ્લેષમૂલક રચના જરા પણ થવા દીધી નથી, તેથી ગદ્ય પ્રસાદગુણથી મંડિત બન્યું છે.

વર્ણનો તાદૃશ બનાવવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. નાના ટુકડાઓની વાક્યપદ્ધતિ અનુપ્રાસોથી મંડિત છતાં જો પ્રસાદગુણ ન હોય, એટલે કે વાંચતાં કે સાંભળતાં અર્થ સમજવામાં વાર લાગે તો કર્ણકટુ થઈ પડે. આ ગદ્ય લેશ પણ કર્ણકટુ લાગતું નથી.

આ ગદ્ય-કાદંબરી ભૂગોળ, સમાજશાસ્ત્ર અને કેટલીક વિદ્યાઓ વગેરેનો યુક્તિપૂર્વક પરિચય આપે છે. 98 જેટલા દેશોનો નામનિર્દેશ કરતાં વધારાનાં આપેલાં નામોમાં ‘આદન’, ‘હખસા’, ‘મુગદિ’ જેવાં દૂરનાં સ્થળનામો કે દેશનામોને પણ સમાવે છે. ચૌટાંઓનાં વર્ણન કરતાં 84 પ્રકારની બજારો પણ બતાવે છે, જેમાં 84 પ્રકારના ધંધાઓનો નિર્દેશ કર્યો છે. રત્નમંજરીના વિદ્યાધ્યયન પ્રસંગે 64 કલાઓ-વિદ્યાઓનો, અઢાર પુરાણોનો અને અઢાર સ્મૃતિઓનો પણ નામોલ્લેખ કર્યો છે. કાવ્યના શ્રવણવાચનથી ‘વ્યવહારવિત્તિ’નું ફલ સિદ્ધ થાય એવી આ રચના છે.

આ રચના ‘અપભ્રંશ’ની ઉત્તર ભૂમિકામાંથી મધ્યકાલીન ગુજરાતી ભાષાની આરંભની પહેલી ભૂમિકા કેવી રીતે વિકસી તેનો સરળતાથી ખ્યાલ આપે છે.

મધ્યકાલીન ગુજરાતીની એક અનન્ય ગદ્યકથા તરીકે અને મધ્યકાલીન ગુજરાતીની પ્રથમ ભાષાભૂમિકાના દૃષ્ટાંત તરીકે આ કૃતિ સાહિત્યરસિકો ને ભાષાવિદોને માટે ખૂબ ઉપયોગી છે.

કે. કા. શાસ્ત્રી