પૃથ્વી થિયેટર્સ : હિંદી રંગમંચની યશસ્વી નાટ્યમંડળી. તેની સ્થાપના મુંબઈ ખાતે વિખ્યાત ફિલ્મ-અભિનેતા, દિગ્દર્શક પૃથ્વીરાજ કપૂરે 15 જાન્યુઆરી, 1944ના રોજ કરી હતી. પૃથ્વી થિયેટર્સનું સંગઠન વ્યાવસાયિક નાટ્યમંડળી જેવું હોવા છતાં, વિશેષપણે તે એક પારિવારિક નાટ્યમંડળી હતી. તેનો ઉદ્દેશ વ્યાવસાયિક લાભ નહિ, પણ પોતાનાં નાટકો દ્વારા રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો અને રંગભૂમિક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવાનો હતો. તેને કારણે જ તે નાટ્યમંડળી કોઈ પ્રદેશ-વિશેષની નહિ, પણ સમગ્ર ભારતવર્ષની અગ્રગણ્ય થિયેટર કંપની બની રહીને રાષ્ટ્રીય હિંદી રંગમંચનો દરજ્જો મેળવી શકી. વાસ્તવવાદી નિર્માણશૈલી તથા સહજ-સ્વાભાવિક અભિનયશૈલીને કારણે તેનાં નાટકો અતિ લોકપ્રિય નીવડ્યાં હતાં.

પ્રથમ નાટક હતું ‘શકુંતલા’. તેમાં પૃથ્વીરાજે દુષ્યંતની અને અઝરા મુમતાઝે શકુંતલાની ભૂમિકા ભજવી હતી. અશુદ્ધ ઉચ્ચારણ વગેરે જેવી મર્યાદાને લીધે અઝરા શકુંતલાની ભૂમિકાને ન્યાય આપી શક્યાં નહિ. વાસ્તવવાદી મંચસજ્જા માટે રાજપ્રસાદના અલંકૃત સ્તંભ, છત્રધારી રાજસિંહાસન, ભીંતચિત્રોથી સુશોભિત દીવાલો, વનનાં દૃશ્યોમાં વાસ્તવિક અને પ્લાયવૂડનાં ચિત્રિત વૃક્ષો દર્શાવવામાં આવ્યાં હતાં. વળી સ્પૉટલાઇટના ઉપયોગ દ્વારા કણ્વ મુનિને શકુંતલા-દુષ્યંતના ગુપ્ત પ્રણયની જાણ થતી બતાવવામાં આવી હતી. આ પ્રકારની નાવીન્યપૂર્ણ રજૂઆત હોવા છતાં ‘કાલિદાસનો આત્મા’ તેમાં ન હોવાને કારણે નાટક નિષ્ફળ નીવડ્યું.

પૃથ્વી થિયેટર્સનું બીજું નાટક ‘દીવાર’ 9 ઑગસ્ટ, 1945ના રોજ રજૂ થયું હતું. તેમાં અંગ્રેજ સ્ત્રીના આવવાથી બે ભાઈઓ સુરેશ અને રમેશના પરિવારમાં ઊભી થતી દીવાલના પ્રતીકાત્મક કથાવસ્તુ દ્વારા દેશના ભાગલાનો પૂર્વસંકેત કરવામાં આવ્યો હતો. પૃથ્વીરાજ કપૂરના હૃદયસ્પર્શી અભિનય તથા કથાવસ્તુના નાવીન્ય ઉપરાંત વાસ્તવદર્શી રજૂઆતને લીધે આ નાટક લોકપ્રિય બન્યું હતું. તેની ટિકિટ મેળવવા માટે પ્રેક્ષકોની લાંબી કતારો લાગતી હતી. 1952 સુધીમાં તેના 550 ઉપરાંત અને 1960 સુધીમાં 1,000 ઉપરાંત પ્રયોગો થઈ ચૂક્યા હતા.

લાલચંદ ‘બિસ્મિલ’કૃત ‘પઠાન’ (1947) પૃથ્વી થિયેટર્સનું ત્રીજું નાટક હતું. હિંદુ-મુસ્લિમ એકતાનો વિષય નિરૂપતા આ નાટકમાં હિંદુ મિત્રના પુત્રની પ્રાણરક્ષા માટે એક પઠાણ (શેરખાન) દ્વારા પોતાના પુત્રના બલિદાનની ગાથા વણી લેવામાં આવી છે. ભારતીય શૌર્ય, ન્યાય તથા સત્યનિષ્ઠા માટે આત્મવિસર્જન વગેરેના તાણાવાણા ધરાવતા આ નાટકની રજૂઆત એક જ દૃશ્યબંધ ઉપર કરવામાં આવી હતી અને એ રીતે સ્થળ અને કાર્યની એકતા જાળવવામાં આવી હતી. શેરખાનની ભૂમિકામાં પૃથ્વીરાજે હૃદયસ્પર્શી અભિનય આપ્યો હતો.

પૃથ્વી થિયેટર્સ દ્વારા ભજવાયેલા ‘ગદ્દાર’ નાટકમાં એક એવા દેશભક્ત મુસલમાનની કથા વણી લેવામાં આવી હતી કે જે મુસ્લિમ લીગના મિત્રોના બહેકાવાથી પક્ષપલટો કરે છે અને દિગ્ભ્રાંત થઈ જાય છે; પરંતુ થોડા સમયમાં જ તેને સાચી પરિસ્થિતિનું ભાન થતાં તે સાંપ્રદાયિક સંકુચિતતા, ઘૃણા અને બર્બરતાની વેદી પર પોતાના પ્રાણની આહુતિ આપે છે.

30 સપ્ટેમ્બર, 1949ના રોજ રજૂ થયેલ ‘બિસ્મિલ’કૃત ‘આહુતિ’ નાટક સાંપ્રદાયિક સંઘર્ષ નિરૂપતું સશક્ત સામાજિક નાટક છે, જેમાં રાવળપિંડીની અપહૃતા શરણાર્થી તરુણી જાનકી, પોતે જેને મનથી વરી ચૂકી છે તેવા રામ સાથે લગ્ન કરી શકતી નથી અને તે કારણે આત્મહત્યા કરે છે. સામાજિક રૂઢિઓ અને મર્યાદાઓ તેમજ શરણાર્થીઓના પુનર્વસવાટની સમસ્યા નિરૂપતા આ નાટકમાં પંજાબી લોકગીત અને ભજન તેમજ સુરદાસ, કબીર અને મીરાંનાં પદો ભાવપૂર્ણ રીતે વણી લેવામાં આવ્યાં છે. આ નાટકનો સમાવેશ પંજાબ વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં પણ કરવામાં આવ્યો હતો. પૃથ્વી થિયેટર્સનાં અન્ય યાદગાર નાટકોમાં ‘કલાકાર’ (8 સપ્ટેમ્બર, 1951), ‘પૈસા’ (1953), તથા ‘કિસાન’નો સમાવેશ થાય છે. બે શ્યબંધો પર અભિનીત ‘કલાકાર’માં ‘કલા ખાતર કલા’ના સિદ્ધાંતના આધારે આધુનિક નારીને ‘મૉડલ’ અથવા ‘સોસાયટી-ગર્લ’ બનાવનારી કલાની નિંદા કરી જીવનોપયોગી તથા હેતુલક્ષી કલાને શ્રેયસ્કર માનવામાં આવી છે. ‘પૈસા’ નાટકમાં બે શ્યબંધ હતા અને પૈસાની ભૂખ નાયક શાન્તિલાલના જીવનમાં કેવી ઊથલપાથલ મચાવે છે અને કેવો આંતરસંઘર્ષ ઊભો કરે છે તેનો ચિતાર મનોવૈજ્ઞાનિક ઢબે આપવામાં આવ્યો હતો. ‘કિસાન’માં ભારતીય કૃષિજીવનની સમસ્યાઓ અને કિસાનોનો સંઘર્ષ, તેમનું મનોબળ અને આત્મવિશ્ર્વાસ વગેરેના ચિત્રણની સાથે સાથે સતના વિજયની કથા પણ નિરૂપવામાં આવી હતી. ‘કિસાન’ નાટક્ધો ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમજ તે હિંદી ભાષામાં જ લેનિનગ્રાડ અને મૉસ્કો ખાતે ભજવવામાં આવ્યું હતું.

પૃથ્વી થિયેટર્સનાં આ તમામ રાષ્ટ્રવાદી નાટકો દેશના ખૂણે ખૂણે ભજવાયાં હતાં. બુલંદ અવાજ, નાટ્યકલા પરત્વેની સંપૂર્ણ નિષ્ઠા, કઠોર પરિશ્રમ, પાત્રમાં ઓતપ્રોત થઈ જવાનું અદ્ભુત સામર્થ્ય, રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત ભાવના વગેરેને લીધે નટ-દિગ્દર્શક પૃથ્વીરાજ બધાં નાટકોમાં છવાઈ જતા હતા. પૃથ્વી થિયેટર્સમાં પૃથ્વીરાજ સાથે દુર્ગા ખોટે, સોહરાબ મોદી તથા મેહતાબ જેવાં કલાકારો પણ અભિનય કરતાં હતાં. રાષ્ટ્રીય રંગમંચની સ્થાપના અને તેના દ્વારા રાષ્ટ્રચેતનાનું ઉદબોધન એમ બેવડા ઉદ્દેશથી સ્થપાયેલ પૃથ્વી થિયેટર્સે અનેક મેધાવી કલાકારો નાટ્યજગતને અને ફિલ્મજગતને આપ્યા છે; તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક રાજ કપૂર, તેમના અન્ય પુત્ર ફિલ્મ-અભિનેતા શમ્મી કપૂર, શશી કપૂર, પ્રેમનાથ, સજ્જન, સુદર્શન સેઠી, શ્રીરામ જેવા નટો; રામાનંદ સાગર અને ઇન્દ્રરાજ આનંદ જેવા લેખકો; રામ ગાંગુલી, શંકર-જયકિશન જેવા સંગીતકારો; સત્યનારાયણ જેવા નૃત્યનિર્દેશક તથા જહાંગીર મિસ્ત્રી, બિલ્લા જોષી, નૈયર, ધનજી શાહ જેવા રંગકર્મીઓનો સમાવેશ થાય છે. ઝોહરા સહગલ, અઝરા મુમતાઝ, ઇન્દુમતી વગેરે નામાંકિત અભિનેત્રીઓ પણ આ થિયેટર દ્વારા મળી. આર્થિક સંકટ અને પૃથ્વીરાજના કથળતા જતા સ્વાસ્થ્યને લીધે 30 એપ્રિલ, 1960ના દિવસે તે બંધ પડ્યું, જે હિંદી રંગમંચના ઇતિહાસની એક દુ:ખદ ઘટના હતી. મુંબઈના રૉયલ ઑપેરા હાઉસમાં અઠવાડિયામાં ત્રણ વાર માત્ર સવારે 9 વાગ્યે ભજવાતાં આ નાટકો જોવા પ્રેક્ષકોનાં ટોળેટોળાં ઊમટી પડતાં. પોતાના 16 વર્ષના આયુષ્ય દરમિયાન પૃથ્વી થિયેટર્સે, મુંબઈ તથા દેશનાં અન્ય અનેક નગરોમાં પોતાનાં નાટકોના 2,500 ઉપરાંત પ્રયોગો ભજવ્યા. આ નાટકોમાં કેટલાકના તો 500 કરતાં પણ વધારે પ્રયોગો થયા હતા. આધુનિક હિન્દી રંગમંચ માટે આ એક વિશિષ્ટ ઉપલબ્ધિ બની રહી.

પૃથ્વીરાજ કપૂરના અવસાન પછી શશી કપૂર તથા તેમનાં પત્ની જેનિફર કપૂર તેમજ તેમના સસરા જ્યૉફ્રી કૅન્ડાલ સંયુક્ત રીતે આ થિયેટરની પ્રવૃત્તિ ચલાવતાં હતાં અને મુખ્યત્વે અંગ્રેજી નાટકો ભજવતાં હતાં. જેનિફરના અવસાન પછી તેમનાં પુત્રી સંજના કપૂર આ થિયેટરને કાર્યરત રાખી રહ્યાં છે. વિશ્વ રંગભૂમિ દિન ડિસેમ્બર-1998થી ડિસેમ્બર-1999 સુધી પૃથ્વી થિયેટર્સમાં વિશ્વ નાટ્ય મહોત્સવ ઊજવવાનું તેમનું આયોજન છે.

મહેશ ચંપકલાલ શાહ