પૂરુ વંશ : પુરાણકાળનો પ્રસિદ્ધ ભારતીય રાજવંશ. પ્રાચીન કાળના પ્રતિષ્ઠાન(વત્સદેશ)ના રાજા. મનુ વૈવસ્વતની પુત્રી ઇલાએ બુધ સાથે લગ્ન કર્યું, તેમાંથી ઐલ વંશ ઉદભવ્યો. એ વંશમાં નહુષ-પુત્ર યયાતિ નામે પ્રતાપી રાજા થયા. અસુરરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા દ્વારા યયાતિને દ્રુહ્યુ, અનુ અને પુરુ નામે ત્રણ પુત્ર થયા. પ્રતિષ્ઠાન(વત્સદેશ)નું પૈતૃક રાજ્ય એના કનિષ્ઠ પુત્ર પૂરુને પ્રાપ્ત થયું. પૂરુનો વંશ પૌરવ વંશ પણ કહેવાતો.

એ વંશમાં દુષ્યંત અને ભરત જેવા વિખ્યાત રાજાઓ થયા. ભરતના વંશજ હસ્તિને હસ્તિનાપુર વસાવ્યું. પૌરવ વંશની કાન્યકુબ્જ (કનોજ) શાખામાં વિશ્વરથ (વિશ્વામિત્ર) થયા. પૂરુ વંશમાં આગળ જતાં કુરુ નામે રાજા થયા, તેમના નામ પરથી ‘કુરુક્ષેત્ર’ નામ પડ્યું. એના વંશમાં શંતનુ નામે પ્રતાપી રાજા થયા. શંતનુના પુત્ર વિચિત્રવીર્યની બે રાણીઓને ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામે ક્ષેત્રજ પુત્ર થયા. તેમના પુત્રો વચ્ચે રાજસત્તા માટે સ્પર્ધા ચાલી. પંચાલના રાજા દ્રુપદની કુંવરી દ્રૌપદી પાંડવોની પત્ની બની. પાંડવો યદુકુલના શ્રીકૃષ્ણ વાસુદેવને ફોઈના દીકરા થતા. શ્રીકૃષ્ણની મદદથી પાંડવોએ મગધરાજ જરાસંધનો વધ કરી દિગ્વિજય કર્યો ને રાજસૂય યજ્ઞ કર્યો. બાર વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ પછી પાંડવોને પોતાનું રાજ્ય પાછું  મેળવવા ધાર્તરાષ્ટ્રો સાથે યુદ્ધ કરવું પડ્યું. ભારત યુદ્ધના અંતે પાંડવોને પૂરું રાજ્ય મળ્યું. યુધિષ્ઠિરનો હસ્તિનાપુરમાં રાજ્યાભિષેક થયો. ત્યાં એમણે અશ્વમેધયજ્ઞ કર્યો. પછી પૂરુ વંશમાં પરીક્ષિત, જનમેજય અને અધિસીમ કૃષ્ણ જેવા નામાંકિત રાજાઓ થયા. નિચક્ષુના સમયમાં પૌરવ રાજાએ હસ્તિનાપુર તજી કૌશાંબીમાં રાજધાની રાખી. મગધનો બૃહદ્રથ વંશ એ હસ્તિનાપુરના પૂરુ વંશની શાખારૂપ હતો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી