પૂરકો (fillers) : રંગ, કાગળ, પ્લાસ્ટિક, રબર અથવા પ્રત્યાસ્થલકો (elastomers) જેવા ઘન, અર્ધઘન કે પ્રવાહી પદાર્થોના ગુણધર્મો સુધારવા તથા ખર્ચ ઘટાડવા માટે વપરાતા અક્રિય (inert), ઊંચું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા અને બારીક ભૂકારૂપ પદાર્થો. પૂરક એ નીપજનો મુખ્ય કે ગૌણ ઘટક હોઈ શકે. ઔષધો, સૌંદર્યપ્રસાધનો અને પ્રક્ષાલકો (detergents) જેવા પદાર્થોનો સ્થૂળ (bulk) જથ્થો વધારવા માટે વપરાતાં ઉમેરણો (additives) ઘણી વાર પૂરકો કહેવાય છે, પરંતુ ખરેખર તે મંદકો (diluents) હોય છે; કારણ કે તેમનું કાર્ય પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર કરવાનું કે કિંમત ઘટાડવાનું નહિ, પણ પદાર્થની માત્રા (dose) ઠીક કરવાનું કે સાંદ્રતા ઘટાડવાનું હોય છે. રેસા અને વ્હિસ્કર એ પણ પૂરકો નહિ પણ પ્રબલકો (reinforcements) છે. પૂરકોનો ઉપયોગ સામાન્ય રીતે સુશોભનના હેતુ માટે થતો નથી; જોકે આકસ્મિક રીતે તે તૈયાર નીપજને રંગ અથવા અપારદર્શકતા પ્રદાન કરી શકે છે. સામાન્ય રીતે પદાર્થની કામગીરી થોડી વધારનાર અને કિંમતમાં સસ્તા પદાર્થો ‘પૂરક’ સમૂહમાં આવે.

પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે પૂરકોનો ઉપયોગ આદિકાળથી થતો આવ્યો છે. ચૂના-પ્લાસ્ટર, ભિત્તિચિત્રો અને પોઝોલોના મૉર્ટરમાં કારીગરો દળેલા આરસનો ઉપયોગ કરતા હતા. ઓગણીસમી સદીમાં કાગળ-ઉદ્યોગમાં પૂરકોનો ઉપયોગ શરૂ થયો. વીસમી સદીમાં ગુડરિકે રબરમાં કાર્બન-બ્લૅકના અને બૅકલેન્ડે ફિનોલ  ફૉર્માલ્ડિહાઇડમાં લાકડાના બારીક વહેર(ચૂર્ણ)નો ઉપયોગ કર્યા પછી વસ્તુના ગુણધર્મો બદલનાર કાર્યસાધક પૂરકોનો વ્યાપારિક ધોરણે વિકાસ શરૂ થયો.

પૂરકોનું તેમનાં સ્રોત, કાર્ય, બંધારણ અથવા આકારિકી (morphology) પ્રમાણે વર્ગીકરણ થઈ શકે. જોકે સંવર્ગ(category)ની અતિવ્યાપ્તિ અને સંદિગ્ધતાને કારણે એક પણ રીત તદ્દન સંતોષકારક નથી. આકૃતિક વિલક્ષણતાની દૃષ્ટિએ પૂરકોના સ્ફટિકમય [દા. ત., રેસા, પતરી, લઘુપટ્ટિકા (platelets), બહુફલકો(polyhedrons) વગેરે] અને અનિયમિત આકારવાળા કે અસ્ફટિકમય પદાર્થો એમ ભાગ પાડી શકાય. બંધારણની દૃષ્ટિએ પૂરકોના અકાર્બનિક (દા.ત., કાર્બોનેટ, હાઇડ્રૉક્સાઇડ, ધાતુ-ઑક્સાઇડ, સિલિકેટ, સલ્ફેટ વગેરે) અને કાર્બનિક (દા. ત., સેલ્યુલોઝ લિગ્નિન, બહુલકો, પ્રોટીન, સ્ટાર્ચ વગેરે) – એમ બે વર્ગ પાડી શકાય.

પૂરક કણોની સંરચના ગોળાકાર, ષટ્કોણીય પટ્ટિકા(hexagonal plates) – રૂપ અથવા ટૂંકા તંતુમય સ્વરૂપથી માંડીને અનિયમિત આકારની હોઈ શકે છે.

પૂરકોના અંતિમ ઉપયોગને અસર કરનાર અનેક પરિબળો છે. આથી પૂરકની સમગ્રતયા ઉપયોગિતા એ તેની ઘનતા, ગલનબિંદુ, સ્ફટિક-રૂપ (crystal habit) અને રાસાયણિક સંઘટન જેવી આંતરિક લાક્ષણિકતાઓ તેમજ કણ-આમાપ વિતરણ, પૃષ્ઠરસાયણ, પદાર્થની શુદ્ધતા અને તેની સ્થૂળ ઘનતા જેવાં પ્રક્રમ આધારિત અવયવો ઉપર અવલંબે છે.

પૂરકો જેના ભાગરૂપ હોય તેવા પદાર્થની કામગીરી અથવા તેના આર્થિક મૂલ્ય જેવા કાર્યશીલ ગુણધર્મોને અસર કરતાં હોઈ આવાં મૂલ્યો ઉપયોગ પ્રમાણે બદલાય છે. ઘણાખરા કિસ્સાઓમાં એકમની પડતર કિંમતનું પ્રમાત્રીકરણ (quantification) પૂરકોની સરખામણી અને પસંદગી માટે યથાર્થ અભિલક્ષણ (criterion) પૂરું પાડી શકે છે.

ઉદ્યોગોમાં વપરાતા વિવિધ પૂરકોમાં ઍલ્યુમિના ટ્રાઇહાઇડ્રેટ, ઍૅલ્યુમિનોસિલિકેટ માટી, ઍઝ્બેસ્ટૉસ, બેરિયમ સલ્ફેટ, કાર્બન-બ્લૅક, કૅલ્શિયમ કાર્બોનેટ, ચિનાઈ માટી (kaolin clay), અબરખ, કુદરતી સિલિકા, સિલિકા જૅલ, અવક્ષેપિત સિલિકા, રેઝિન, શંખજીરું, લાકડાનો બારીક વહેર, ફ્લાય ઍશ, સ્ટાર્ચ, ટાઇટેનિયમ ડાયૉક્સાઇડ, મૅગ્નેશિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ સિલિકેટ, મૅગ્નેશિયમ ઑક્સાઇડ, ઍલ્યુમિનિયમ તથા ઝિંક જેવી ધાતુઓ તેમજ ઝિંક ઑક્સાઇડ વગેરેનો સમાવેશ થાય છે.

ચંદ્રપ્રકાશ ગોપાલદાસ ભાગચંદાની

અનુ. જ. દા. તલાટી